બૂમરેંગ – સુનંદા ભટ્ટ

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૬ના અંકમાંથી સાભાર)

રમણભાઈએ ઘડિયાળમાં જોયું. રાતના એક વાગ્યો હતો. બાલ્કનીમાંથી રોડ પર નજર નાખતાં જોયું કે, અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. છતાં મ્યુનિસિપાલિટીની બત્તીઓને લીધે વાતાવરણ બિહામણું નહોતું. રડ્યાખડ્યા માણસો દેખાતા હતા. અજાણ્યાને જોઈ કૂતરાઓ ભસતા હતા. ગેટ પાસેનો ચોકીદાર થોડાં થોડાં ઝોકાં ખાતો સજાગ થઈ જતો હતો. હવે રમણભાઈની અકળામણ વધી ગઈ. એક એક વાગ્યા સુધી તેનો પત્તો નહિ ! છોકરો ક્યાં રખડતો હશે કે પછી કોઈ કામ ? દરરોજ મોડો આવે છે. હુંયે કમાયો છું, પણ આટલી રાતના મોડે સુધી બહાર ! – બબડતા બબડતા તેઓ આંટા મારવા લાગ્યા.

પાછા ઓરડામાં આવ્યા. જોયું તો બધા નિરાંતે નિદ્રા માણતા હતા. કમુ જરા સળવળી ને પાછી ઊંઘી ગઈ. રમણભાઈએ પોતાની પત્ની તરફ જોયું, તે ભરઊંઘમાં હતી. આટલી ઉંમરેય તેનો ચહેરો કેટલો સુંદર લાગે છે ! પણ છે કોઈ ચિંતા ? કેવી નિરાંતે ઘોરે છે – બગાસું ખાતા ખાતા રમણભાઈ બબડ્યા.

ઘડિયાળનો કાંટો આગળ ને આગળ વધતો જતો હતો. બરાબર દોઢ વાગ્યે રમણભાઈ પાછા બાલ્કનીમાં ગયા. કાળી ડિબાંગ રાત્રી ! રાત્રે જ શેતાની કામ થાય, ક્યાંક વાંચ્યાનું યાદ આવ્યું ને રમણભાઈ થર થર કાંપવા લાગ્યા. શેતાની વિચારો ને અમંગળ કલ્પનાએ તેનું માથુ ફેરવી નાખ્યું – ‘રમેશિયાને આવવા દે, આવે એટલે ધીબેડી નાખું. એક છોકરાનો બાપ છે તો શું થઈ ગયું ? ખબરદાર ! જો ઘરમાં પગ મૂક્યો તો !’ કહેતાં તેમણે અંદરથી દરવાજો બંધ કર્યો.

વરસાદે પણ ઉપાડો લેવાનું શરૂ કર્યું હતું. અરેરે ! રસ્તો બધો જ ભીનો થઈ ગયો હશે. આખો ભીંજાઈ જશે ને કાલે પાછી શરદી. એ જ લાગનો છે. આજે તો બતાવી દેવું છે, કાં તો એ નહિ, કાં તો હું નહિ. દરરોજ જાગીને મારે રાહ જોવાની ?

‘પણ છોકરો તો કહે જ છે, તમારે રાહ નહિ જોવાની. તમતમારે સૂઈ જવાનું’ – મન ટપાર્યું.

ત્યાં દૂરથી કોઈ કાળો આકાર દેખાયો. મોતિયો આવ્યો છે, બરાબર દેખાતું ય નથી. તેઓ જરા સંતાઈને, ધારી ધારીને જોવા લાગ્યા. આકાર ઘર તરફ આવતો હતો. ‘રમેશિયો જ લાગે છે.’

હા, રમેશ જ હતો. લેચ-કી થી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પછી બેલ મારી. બેલ વાગતાંની સાથે રમણભાઈએ હિટલરની અદાથી બારણું ખોલ્યું ત્યાં જ રમેશ તાડૂક્યો.

‘કેટલી વાર કહ્યું છે, અંદરથી બારણું બંધ નહિ કરવાનું. મારી આગળ ચાવી છે ને ! અને… તમે… શું કરો છો અત્યાર સુધી ? સૂતા નથી ? શું કામ ચિંતા કરો છો ? વધુમાં વધુ હું મરી જઈશ ને ? એથી વધુ કાંઈ થવાનું છે ? અને હું મરી જઈશ તોય સરનામું શોધતું શોધતું કોઈ સમાચાર આપવા તો આવશે ને ? સમાચાર તો તમને મળશે જ ને ? આખો દિવસ મહેનત કરીને ઘરે આવીએ ને આવીએ ત્યારે સોગિયું ડાચું સામે જ હોય.’ – ધમપછાડા કરતો રમેશ પોતાના બેડરૂમમાં ગયો.

રમણભાઈ તો ડઘાઈ જ ગયા. તેમની બોલતી બંધ થઈ ગઈ. રમેશિયાને ‘સીધા કરવાનો’ વિચાર તો ક્યાંય અલોપ થઈ ગયો.

આજે રવિવાર હતો. નિત્યકર્મ પતાવીને રમણભાઈ નિરાંતે છાપું વાંચતા હતા. ત્યાં રમાબહેન આવ્યાં, વૅકેશન હોવાથી તેઓ ભાઈને ત્યાં આવ્યાં હતાં. રમાબહેન તેમનાં મોટાં બહેન હતાં. બંને ભાઈ-બહેન મળતાં ત્યારે ઘડીક સુખદુઃખની વાતો કરી લેતાં. રમાબહેનને જોતાં જ રમણભાઈએ છાપું બાજુ પર મૂક્યું ને બોલ્યા, ‘બહેન, બેસ ને, મારે તારી સાથે વાત કરવી છે.’

‘બોલને ભાઈ, કાલ રાતવાળી વાત તો નથી ?’

‘તને ક્યાંથી ખબર ?’ રમણભાઈને નવાઈ લાગી.

‘રમેશની બૂમાબૂમથી હું જાગી ગઈ હતી. જોકે આમ તો હું અર્ધનિદ્રામાં જ હતી.’ રમાબહેને સ્પષ્ટતા કરી.

‘હવે આ રમેશિયાનું શું કરવું ? મારી તો ઊંઘ હરામ કરી નાખી છે.’ – રમણભાઈએ કંટાળો વ્યક્ત કર્યો.

‘ભાઈ, ખોટું ન લાગે તો એક વાત કહું ?’ – રમાબહેને ડરતાં ડરતાં પૂછ્યું.

‘કહે ને બહેન, તારી વાતનું મને કદી ખોટું લાગ્યું છે ?’ રમણભાઈની આતુરતા વધી.

‘તો સાંભળ, જ્યારે તારી જુવાની હતી. ત્યારે તુંયે આવું જ કરતો હતો. ત્યારે તો બાપુજીને કંપની આપવા બા પણ સાથે જાગતાં. તું ન આવે ત્યાં સુધી બેય ચિંતા કર્યાં કરે’- રમાબહેને સ્પષ્ટતા કરી.

રમણભાઈની સામે તે સ્મરણચિત્ર ખડું થયું : હા, સાલું, વાત તો સાવ સાચી… હું પણ મોડો આવતો હતો એ વાત તો સાવ ભૂલી જ ગયો હતો. મારી જેમ બા-બાપુજી પણ રાહ જોતાં હતાં. અને…

‘ક્યાં ખોવાઈ ગયો ?’ – બહેને ટપારતાં કહ્યું.

‘કાંઈ નહિ, તું તારે બોલ’- રમણભાઈએ વાત ચાલુ રાખવાના ઈરાદાથી કહ્યું.

‘આ બાલ્કનીમાં બાકોરું છે તેં જોયું ?’ રમાબહેને બાકોરું બતાવતાં પૂછ્યું.

‘આપણી વાતમાં આ બાકોરું ક્યાંથી આવ્યું ? તું વાતને બીજે વાળે છે.’

‘ના ભાઈ, વાતનો તંતુ ત્યાં જ સધાય છે. બાકોરા વિશે તને કાંઈ યાદ છે ?’

‘હા, કેમ ભુલાય ? બાલ્કનીમાં બાકોરું પડેલું જોઈને બાપુજીએ આખું ઘર માથે લીધેલું. બધાની લેફટ-રાઈટ લીધેલી. ‘ઘરમાં માણસ વસો છો કે ઢોર ? કોઈ આવીને તમારી બાલ્કનીમાં બાકોરું પાડી જાય ને તમને ખ્યાલ ન રહે ?’ – રમણભાઈએ યાદદાસ્ત તાજી કરી.

‘પણ ખરી વાત આ નથી. તને યાદ છે ? નટુની છોકરી નીલુનાં લગ્ન હતાં. તમે બધા જ લગ્નમાં ગયા હતા પણ બાપુજીને ગોઠણની તકલીફ હતી તેથી તેઓ ઘરે રહેવાના હતા અને તેમની સંભાળ રાખવા અને રસોઈ કરવા હું ઘરે રહી હતી ?’ રમાબહેને પૂછ્યું.

‘હા, મને યાદ છે. અને તું ઘરે રહી હતી એના બદલામાં હું તારે માટે એક સરસ મજાની વેણી લઈ આવ્યો હતો.’ – રમણભાઈએ યાદ કરાવ્યું.

‘જૂઠું ન બોલ, એ વેણી તો લાંચ હતી. મારી ફ્રેન્ડની ઓળખાણ તને કરાવી આપવા બદલ.’ – રમાબહેન મલક્યાં, રમણભાઈથી યે હસી પડાયું.

‘હા, તો તે દિવસે બાપુજીએ એક માણસને બોલાવીને બાલ્કનીમાં બાકોરું પડાવ્યું હતું. ઘરમાં કોઈને ન કહેવાની બાપુજીએ તાકીદ કરી હતી. બાનેય સુધ્ધાં નહિ.’

‘અરે વાહ, આ તો ઊલટું ચોર કોટવાળને દંડે. પોતે બાકોરું પડાવેલું ને ઉપરથી બીજા પર ગુસ્સો ? પણ એ તો કહે, બાકોરું શા માટે પડાવ્યું ?’

‘કહું છું, ધીરજ રાખ. ખબર છે એક વાર મોડા આવવાની બાબતમાં તારો અને બાપુજીનો મોટો ઝઘડો થઈ ગયો હતો ? આજુબાજુવાળા પણ બધા જાગી ગયા હતા. ત્યારથી બાપુજીએ નક્કી કર્યું કે તને કાંઈ કહેવું જ નહિ. તારાં નસીબ ! પણ આખરે તો બાપ ને ? તેમણે એક યુક્તિ કરી. તારી રાહ તો જોઈ પણ તને ખબર ન પડે તેવી રીતે.’

‘મારી રાહ જોઈ ? મને તો એમ કે બાપુજી સુધરી ગયા.’ – રમણભાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.

‘ભાઈ, તું મોટો થયો પણ એવો જ રહ્યો. બાપુ ક્યાં બગડેલા હતા તે સુધરી જાય ! અત્યારે તને તારા દીકરાની ચિંતા થાય છે તેવી રીતે એમને એના દીકરાની ચિંતા થતી હતી.’ – રમાબહેન બોલ્યાં.

‘હા, પણ બોકારા માટે મને કુતૂહલ વધતું જ જાય છે. આ વાતને બાકોરા સાથે શું સંબંધ ?’ – રમણભાઈએ જિજ્ઞાસા પ્રગટ કરી.

‘તારા ને બાપુજીના ઝઘડા પછી બાપુજી બાલ્કનીમાં સૂવા લાગ્યા. યાદ છે ?’

‘હા, કહેતા હતા, મને ચોખ્ખી હવા જોઈએ.’ – રમણભાઈને યાદ આવ્યું.

‘બસ, ત્યાં જ ખરી વાત. બાપુજી બાલ્કનીમાંથી સૂતા સૂતા બાકોરામાંથી તારી રાહ જોતા હતા. બાલ્કનીમાં ઊભા હોય તો તને ખ્યાલ આવી જાય કે બાપુજી રાહ જુએ છે અને બાપુજી રાહ જુએ એ તને ગમતું નહિ. એટલે સૂતા સૂતા ચોરીછૂપીથી તારી રાહ જોતા હતા. જેવો તને આવતાં જુએ કે માથે ચાદર ઓઢીને સૂઈ જાય. બસ ત્યારથી ન ઝઘડો કે ટંટો.’ – રમાબહેને પર્દાફાસ કર્યો.

‘બહેન, બાપુજીનો આ આઈડિયા તો બહુ સરસ’- રમણભાઈ હસી પડ્યા.

‘ભાઈ, બાપુજીના આવા તો અનેક આઈડિયા હતા. પણ ત્યારે તો તું હવામાં ઊડતો હતો. પણ એક વાત પૂછું ? બાપુજીએ જિંદગીભર તારા મોડા આવવાની ચિંતા કરી પણ તને કાંઈ થયું ?’ – રમાબહેને પૂછ્યું.

‘ના, એટલે જ તો હું કહેતો…’ રમણભાઈ અટક્યા. એને પોતાની ભૂલ યાદ આવી.

‘તો પછી તું તારા દીકરાની શું કામ ચિંતા કરે છે ? એને પણ કાંઈ થવાનું નથી. આ જમાનામાં તો આટલું મોડું થાય તે સ્વાભાવિક છે. આખો દિવસ મહેનત કરીને થાક્યોપાક્યો છોકરો ઘરે આવતો હોય ને ઉપરથી તું તેને ટેન્શન આપે તે કેમ પોસાય ? જેમ ચાલે છે તેમ ચાલવા દે. રમેશને કાંઈ થવાનું નથી.’ – રમાબહેને શિખામણ આપી.

આ વાતને એક અઠવાડિયું વીતી ગયું. રમાબહેન પણ વૅકેશન પૂરું થવાનું હતું તેથી પોતાને ઘેર જતાં રહ્યાં.

રમણભાઈ આજે બાલ્કનીમાં સૂતા, આશ્ચર્ય ! સૂતા સૂતા બાલ્કનીમાંના બાકોરા પર નજર નાખતા રહ્યા. ચોખ્ખું દેખાય છે ! બાકોરું તો મસ્ત છે ! રમણભાઈ મનોમન હસ્યા. જેવો રમેશ દેખાયો કે તેઓ માથે ચાદર ઓઢીને સૂઈ ગયા.

રમેશ આવ્યો. તેની નજર બધે ફરી વળી, બાપુજી બાલ્કનીમાં ! ના, આજે બાપુજી જાગતા નહોતા. તેણે નિરાંતનો શ્વાસ લીધો ને મનોમન બબડ્યો. ‘બાપુજી સુધરી ગયા લાગે છે.’

(બૂમરેંગ – ફેંકનાર પાસે પાછું આવતું કોરેલા લાકડાનું અર્ધચક્ર જેવું ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓનું એક અસ્ત્ર)

સંપર્ક :

ડી-૯, કમલેશ એપાર્ટમેન્ટ, પારસી પંચાયા રોડ, સોના ઉદ્યોગ સામે, અંધેરી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૯

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “બૂમરેંગ – સુનંદા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.