રોઈ લેવું પણ રાવ ન કરવી – જયદેવ માંકડ

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘તમે સાચા હો તો પણ બાપ, રોઈ લેવું પણ રાવ ન કરવી.’

મોરારિબાપુની તાજેતરની એક કથામાં હમણાં આ સૂત્ર સાંભળવા મળ્યું. બાપુની કથાપ્રવાહમાં સહજપણે આવાં મૂલ્યવાન મોતી સમાં સૂત્રો મળી આવે છે. કોઈ કોઈ મરજીવા હોય પણ મરજીવાને તો ડૂબકીઓ મારવી પડે, જોખમ લઈ શોધવું પડે અને સફળતાની પાછી કોઈ બાંહેધરી નહીં. ક્યારેક અસ્તિત્વ કૃપાળુ બને અને રત્નાકર ખુદ જીવંત બને છે. અહીં તો સમુદ્ર સામે ચાલીને રત્નોનો થાળ આપણને ધરે છે. બાપુ આપણા માટે સુલભ છે, આપણને સહજ મળ્યા છે. ‘સારો વિચાર જ્યાંથી મળે ત્યાં લેવો જોઈએ.’ આવું બાપુને કહેતા સાંભળ્યા છે. એમની કથામાંથી પણ સારા વિચાર મળે તો લેવામાં શું વાંધો ? એ સમજણને આગળ રાખી મને આ સૂત્ર ગમ્યું, જે તમને કહેવાની ઈચ્છા થઈ આવે છે. બાકી, અહીં કોઈ શાસ્ત્રોની ગહન વાત નથી, મારો તેમાં પ્રવેશ પણ નથી.

જો આપણે જીવન પ્રત્યે થોડા પણ ગંભીર હોઈએ તો જડીબુટ્ટી જેવા ઔષધિય ગુણો ધરાવતા વિચારો અને સૂત્રો મળી જતાં હોય છે. કારણ કે ઈશ્વર, અલ્લાહ, ગોડ કે પછી જે નામે આપણે પોકારીએ, તેણે વ્યવસ્થા કરી છે. જેને ખરેખર ઉપર ઊઠવું છે તેને માટે નિશ્ચિત માર્ગ તૈયાર હોય છે. ઉપરના સૂત્રને જોવા અને સમજવાની કોશિશ કરશું તો દેખાશે કે આ વિચારમાં એક એવી કૂંચી છે, જે આપણા મનરૂપી પટારાના તાળાને જો લાગુ પડી જશે તો માલામાલ થઈ જઈએ. કારણ કે આખરે તો મન જ ખેલ ખેલે છે ને !

મનમાં સારું પણ ધરબાયેલું પડ્યું છે અને ગંદકી પણ પડી છે. આપણા પ્રશ્નો, આપણા વ્યવહારોની નીપજ છે અને વ્યવહારો મનમાં જે પડ્યું છે તેમાંથી આકાર લે છે. કોઈની કૃપા થાય તો અને પોતાને પોતાના વર્તનની પીડા થાય ત્યારે આત્મનિરીક્ષણ થાય. હું મારી જાતને પૂછું, મને બાપુની રામકથામાં શું કામ ગમે છે ? થોડા થોડા દિવસે જુદાજુદા સ્થાને યોજાતી રામકથામાં ‘કાં આટલો મોટો માનવ મહેરામણ વિલસે છે ?’ કારણ કદાચ એ છે કે આપણને આપણી બુરાઈની ખબર છે અને અચ્છાઈની શોધ છે. એથી એક વખતે એવો વિચાર સૂઝ્યો હતો કે બાપુની રામકથા એ સારપની ખેતી છે. એમને માણસ માત્રની ભીતરમાં ધરબાયેલી સારપ સાથે નિસ્બત છે. વાવેતર થાય એટલે નિંદામણરૂપી ઘાસ ઊગે, જે કાઢી નાખવાનું હોય. એટલે એમની કથા જાત સાથે વાત કરવાનું એકાંત છે.

કથા દ્વારા જો એવું આત્મનિરીક્ષણ શરૂ થાય તો જોઈ શકશું કે આપણી ઊર્જાનો કેવડો મોટો ભાગ આપણે રાવ કરવામાં ખર્ચી નાખીએ છીએ ! જ્યાં જુઓ ત્યાં બસ ફરિયાદ. કેવા અસહિષ્ણુ માનસ થઈ ગયાં છે ! બધી વાતમાં ભાઈ, આપણને તો વાંધો. જાતથી લઈ સહુને એકબીજા સામે ફરિયાદ છે. પારિવારિક જીવન હોય કે સામૂહિક જીવન હોય, રાવ કરવાની માનસિકતા જોર પકડતી જાય છે. રાવ ન કરવી એમ નહીં, ઊલટું સૌને રોવડાવવાની દિશામાં વધુને વધુ ઊર્જા ખર્ચીએ છીએ. અપેક્ષાઓની ભરમાર અને તેને ચરિતાર્થ કરવાની નિષ્ફળતા રાવ કરવા પ્રેરે છે. આમે ય આપણને કાજી બની, બીજાનો ન્યાય તોળવામાં ખૂબ મજા આવે છે. બીજાના વર્તનને પોતાના દ્રષ્ટિકોણથી મૂલવવાની ટેવ પડી જાય ત્યાં સુધી ઠીક છે પણ આગ્રહ ભળે એટલે ખલાસ. વાંધા શરૂ, રાવ શરૂ, ફરિયાદ શરૂ. એમાંય જો જક્કી હોઈએ તો જિદ ભળે. નેગેટિવ વાત અને વિચારનું પરિણામ પણ અંતે તો નેગેટિવ આવે.

આપણી ફરિયાદોએ કેવું કલુષિત વાતાવરણ સર્જ્યું છે ! સૌથી પહેલી અસર આપણા પોતાના પર થાય છે અને પછી કેન્સરની જેમ આપણા વર્તુળમાં ફેલાઈને આખા જીવનને દુઃખી કરી મૂકે છે. રાવ કર્યા કરવાને બદલે સાચા હોઈએ તો પણ રોઈ લઈએ તો ? પણ… એ તો કેમ થાય ભાઈ ! આપણી અમર્યાદ અપેક્ષાઓ આના મૂળમાં હશે. બીજાએ મારા માટે શું કરવું જોઈએ એની ગણતરીઓમાંથી રાવ જન્મે. આપણે આપણાથી થાય તેટલું કરીએ અને નિર્ભાર રહીએ તો સમસ્યાઓ ઓછી થાય, પણ જુઓ તો ખરા, જ્યાં જોઈએ ત્યાં ફરિયાદોનું ઝેર ઓકાઈ રહ્યું છે. વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય, વ્યવહારનું જગત હોય કે રાજકીય ક્ષેત્ર હોય, બધાને એકબીજા સામે ફરિયાદ છે.

જો વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં સહેજે સારપ જોઈતી હોય તો આવી દુષ્ટ માનસિકતાને આપણે ગંભીર રીતે લેવી પડે. આધુનિક વિજ્ઞાને ‘ફ્રીકવન્સી’ની શોધ કરી છે. વિવિધ પ્રકારના તરંગો આપણી આસપાસ વિંટળાયેલા રહે છે. તેમ નકારાત્મક વિચારો પણ આપણને શોધતા રહે છે. આપણી આસપાસ મોબાઈલના સિગ્નલ્સ હોય છે કે એફ.એમ રેડિયોની ‘ફ્રીકવન્સી’ હોય છે. ખાલી સ્વિચ ઓન કરીએ કે સ્ટેશન મેળવીએ એટલી વાર, ‘કાર્યક્રમ’ શરૂ ! એમ દુષ્ટ વિચારોનાં મોજાંઓ આપણી આસપાસ ફરતાં રહે છે જે આપણા ફરિયાદી માનસને વધુ ગતિમાન કરે છે. રેડિયો ઓન કરીએ સંગીત માટે, પણ થાય છે જીવન સંગીત બેસૂરું. આ રહસ્યની આપણા ૠષિઓને જાણ હતી એથી એમણે ‘અમને દરેક દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ’ એ વાત કહી. આપણા પ્રાચીન ૠષિઓએ સંસ્કૃત ભાષામાં આ વાત કહી છે કે “ફરિયાદી ચિત્ત ક્યારેય અધ્યાત્મની યાત્રા કરી શકતું નથી. અરે, દુન્વયી વ્યવહારોમાં પણ સારી રીતે જીવી શકતું નથી.” આ વાક્યને ઉપરોક્ત ભૂમિકાએ જોઈએ – મૂલવીએ.

આવા સંદર્ભે મોરારિ બાપુને જોઈએ ત્યારે એમનામાં એક વૈદ્યનાં દર્શન પણ થાય. વ્યક્તિ સુધરે તો સમાજ સુધરે, એટલે એમની આ આખી મથામણ વ્યક્તિથી લઈ સમષ્ટિના આરોગ્ય માટે છે તેવું અનુભવાય છે. કારણ કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ આપણી તબિયત તો બગડેલી જોવા મળે છે. હવે તો વધુને વધુ ગંભીર થતી જાય છે, હોં ભાઈ ! ત્યારે બાપુના સૂત્રો કે જે એમના અનુભવની નીપજ છે, ઉપયોગી સાબિત થાય છે. એમના શબ્દોને યાદ કરું તો ‘રામકથા એ મનના પક્ષઘાતોને મટાડવાનું ઔષધાલય છે. હાલતી ચાલતી હોસ્પિટલ છે.’ પંચાવન (૫૫) ઉપરાંત વર્ષોથી ચાલતી એમની રામકથા યાત્રા જાણે એક યુનિવર્સિટી છે, જે એવા ઉપયોગી કોર્સ આપે છે કે જેની ડીગ્રી મેળવનારા જીવનમાં સફળ થાય છે અને તેમ છતાંય વ્યક્તિગતપણે એમની એ જાગૃતિ છે કે ‘હું કોઈને સુધારવા કથા નથી કરતો, મારે સૌને સ્વીકારવા છે.’ પરંતુ જ્યારે એમની તમામ ક્ષણો સાધના છે ત્યારે એમાંથી તો આપણને આવું નવનીત મળે જ મળે. જો આપણી જાતને બીમાર સમજીએ, એ બીમારીનો સ્વીકાર કરીએ તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે બાપુની રામકથામાં બીમારીનું નિદાન થાય છે અને ઉપચાર પણ થાય છે. એ અર્થમાં બાપુ કહે છે તેમ એમની રામકથા ઔષધાલય છે. ઝીલવું હોય અને પ્રયાસ કરવો હોય તો રામકથા જબરાં સૂત્રો આપે છે.

આપણે થોડું વધુ ગળી જતાં શીખી તો ? થોડું વધુ જતું કરીએ, વધુ નિર્ભર રહીએ. કોણ જાણે આયખું હશે ! જવા દો યાર, કંઈ વાંધો નહિ… તું રાજી રહે… આવો પ્રયાસ ન કરી શકીએ ? માનસિક પર્યાવરણથી લઈ વૈશ્વિક પર્યાવરણને સુધારવું હોય તો આવી સમજને જીવવાના પ્રયાસ કરવા પડશે.

નાત બહિષ્કાર કરે કે રાજા જેલમાં નાખે, પરિવારજનોની વિદાય થાય કે ગમે તે થાય. નરસિંહ મહેતા પાસે કોઈ ફરિયાદ નહોતી એટલે કૃષ્ણને દોડવું પડ્યું. હૂંડી સ્વીકારવી પડી, મામેરું કરવું પડ્યું. એ દિવસોમાં તો એ જાણે જૂનાગઢ તરફ નજર રાખીને જ બેઠો હશે ! કોણ જાણે ક્યારે દોડવું પડે ! દ્રૌપદી ફરિયાદી નો’તી, કૃષ્ણને ચિર પુરવાં જ પડે. ફરિયાદમુક્ત ચિત્ત હતું એટલે મીરાંને ઝેર ઝેર ન લાગ્યું. ઊલટું કૃષ્ણને અમૃતમાં પરિવર્તિત કરવું પડ્યું. ચાલો, એટલે બધે ન જાવું હોય તો, વકીલ હતા પણ ગાંધીજી ફરિયાદી ન બન્યા. અંગ્રેજોએ નમતું જોખવું પડ્યું. મનમાં ને ચિત્તમાં રોષ નહોતો; રામનામ હતું, પરિણામે બ્રિટીશ જજ પણ આદર આપતા હતા, કમને સજા સંભળાવતા હતા.

આ બધા પાસે શું હતું ? એક સમજણ હતી કે રાવ ન કરવી, સાચા હોઈએ તો પણ રોઈ લેવું, ખૂણે બેસી બે આંસુ પાડી લેવાં. એક કહેવત જાણીએ છીએ કે ‘સિદ્ધિ જઈ એને વરે, જે પરસેવે નાહ્ય.’ શું આપને એવું નથી લાગતું કે ‘આનંદ જઈ એને વરે, જે અશ્રુએ નાહ્ય ?’

સંપર્ક : કૈલાશ ગુરુકુલ, મહુવા, જિ. ભાવનગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “રોઈ લેવું પણ રાવ ન કરવી – જયદેવ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.