જીવનમાં પાંગરતા સંબંધો – નીલમ દોશી

(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

જ્યાં તું બાંધે મને કે, હું બાંધું તને,
નક્કી એ જ છે ખરું બંધન… સંબંધ…

સમ બંધ… જે બંધન બંને તરફ સરખું છે તે સંબંધ…

ગર્ભનાળ સાથે શરૂ થતા સંબંધો, લોહીમાં ધબકતા સંબંધો કે શ્વાસ જેટલા જરૂરી બનતા સંબંધો… દરેક સંબંધો એકસાથે અનેક પરિપ્રેક્ષ્યમાં જીવાતા રહે છે. અને કદાચ એથી જ આ એક શબ્દ… સંબંધ વિશે સદીઓથી કેટકેટલું લખાતું રહે છે… કોઈ પણ પેપર… કોઈ પણ મૅગેઝિન… દરેકમાં સંબંધ વિશે કશુંક લખાણ… કોઈ વાર્તા… કોઈ કાવ્ય, જરૂર હશે જ… શા માટે ? કેમકે સંબંધની સીધી નિસ્બત માણસ સાથે છે. માણસ સંબંધોના અનેક પરિમાણમાં જીવતો હોય છે. ખાટા કે મીઠા… સારા કે નરસા… વિવિધ સંબંધોમાં તેનું જીવન ગોઠવાતું રહે છે… તો કદી વિખેરાતું રહે છે. માણસને સંબંધ વિના ચાલતું નથી કે ચાલવાનું નથી… વિશ્વમાં આપણે સૌ એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે એ વાત સો ટકા સાચી… પરંતુ એકલા જીવાતું નથી એ વાત પણ એટલી જ સાચી છે.

માણસને માણસ વિના ચાલતું નથી અને ચાલવું પણ ન જોઈએ.

હો ભલે સાચો કે ખોટો તો યે માણસ હંમેશાં મળવા જેવો. અને એક માણસ બીજા માણસને મળે ત્યારે બંને વચ્ચે આપોઆપ બંધાય છે એક સંબંધ… જીવનની શરૂઆત જ સંબંધથી થાય છે. બે વ્યક્તિના સંબંધથી એક નવા જીવનું સર્જન થાય છે. એક શિશુ કેટકેટલા સંબંધોને સાથે લઈને જ અવતરે છે.

પછી ધીમે ધીમે સંબંધોનું વિસ્તરણ થતું રહે છે. જે જીવનની આખરી પળ સુધી ચાલતું રહે છે.

લોહીના સંબંધ સિવાય પણ જીવનમાં અનેક સંબંધો ઊગતા રહે છે તો ક્યારેક આથમતા પણ હોય છે.

સંબંધોને સાચવવા, ઉછેરવા, એ એક આગવી કળા છે. એ કળા જેને સાધ્ય છે… એ માણસ ક્યારેય… કોઈ પણ સંજોગોમાં એકલતા અનુભવતો નથી… ગમે તે સંજોગો વચ્ચે પણ માનવી બે ચાર સાચુકલા સંબંધોથી ટકી રહેતો હોય છે.

કોઈ કહે છે જે સંબંધોને સાચવવા પડે, જેનો ભાર લાગે એવા સંબંધોનો કશો અર્થ નથી. પણ સામાન્ય રીતે જૂજ અપવાદ સિવાય વત્તેઓછે અંશે દરેક સંબંધને જાળવવો ને જીરવવો પડતો હોય છે.

આ સંબંધોના સમીકરણમાં, આવે મોટી બાધા.
વહાલ ઉમેરી આપો અમને, બાદ કરી દો વાંધા…
– ગૌરાંગ ઠાકર…

સંબંધોના સમીકરણમાં ચપટીભર વહાલ ઉમેરાય તો બધા વાંચા-વચકાઓ આપોઆપ પાનખરમાં ખરતાં પર્ણની માફક ખરી પડે છે. અને સંબંધોમાં વાંધા-વચકા ન રહે ત્યારે એ સંબંધો સુવર્ણની માફક ચળકી ઊઠે છે. અને કસોટીના સમયે પણ સો ટચના સોનાની માફક ઝગમગી રહે છે. દરેક સંબંધો લોહીના જ હોય એવું જરૂરી નથી. સંબંધો લાગણીના હોય, મૈત્રીના હોય, પડોશીના હોય, વહાલના હોય કે સાચી સમજણમાંથી પાંગર્યા હોય.

ચાલો, મળીએ કોઈ કારણ વિના,
રાખીએ સંબંધ કોઈ સગપણ વિના…

કોઈ કારણ વિના મળવું ગમે… હોંશેહોંશે મળવાની ઈચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ? અને એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં નસીબદાર જ કહેવાય ને ? અમુક સંબંધોને કોઈ નામ નથી હોતું. હોય છે ફક્ત એની સુવાસ… એ સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે.

જીવનમાં માનવીની આસપાસ સંબંધોનાં અનેક જાળાઓ, અનેક તાણાવાણાઓ ગુંથાતા રહે છે. કોઈ સંબંધ તેને પિંજરની જેમ બંધનરૂપ લાગે છે. તો કોઈ સંબંધો ભારરૂપ લાગે છે. કોઈ સ્વાર્થી લાગે છે તો કોઈ ફૂલ જેવા સુવાસિત લાગે છે. દરેક સંબંધમાં એક વાત હંમેશાં સાચી જ રહે છે. અને તે છે… સમાધાન. જીવનમાં દરેક સંબંધમાં કોઈ ને કોઈ તબક્કે માણસે સમાધાન કરવું જ પડતું હોય છે. કોઈને ઓછું તો કોઈને વધારે. સમાધાન કર્યા સિવાય કોઈ સંબંધ લાંબો ટકી શકે નહીં. કોણે અને ક્યારે, કઈ બાબતમાં, કેટલું સમાધાન કરવું એ દરેક વ્યક્તિ અને સંજોગો કે સમય પ્રમાણે અલગ જ હોય છે. એમાં કોઈ સર્વસામાન્ય નિયમ હોઈ શકે નહીં.

સાંપ્રત સમયમાં વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા શું સૂચવે છે ? એ કોઈ મા-બાપનો દીકરા-વહુ સાથેનો સંબંધ તૂટ્યાનું જ પ્રતીક છે ને ?

ગમે તેવા અંગત, નિકટના સંબંધમાં પણ એક મોકળાશ, થોડી સ્પેસ હોવી જરૂરી છે. એક અદકેરું અંતર જાળવતા આવડે તો સંબંધો પાંગરી શકે. જેની સાથે સંબંધ હોય તેની દરેકે દરેક વાત જાણી લેવાનું કુતૂહલ યોગ્ય નથી. માણસ માત્રની ભીતરમાં એક એકદમ અંગત, સાવ પોતીકો ખૂણો હોય છે. જે એની સાથે જ અગ્નિમાં સ્વાહા થઈ જતો હોય છે. એના એ અંગત ખૂણાના હક્કનો આદર, એનો સ્વીકાર એ સાંપ્રત સમયમાં દરેક સંબંધની આગવી જરૂરિયાત હોય છે.
ક્યાંક વાંચેલી સુંદર પંક્તિ યાદ આવે છે…

છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે,
ઓટ આવી કે તરત આઘા કિનારા થઈ ગયા.

આવા તકલાદી સંબંધો પારખવા કંઈ અઘરા નથી હોતા. સૂર્યમુખી કે રાતરાણીની જેમ સમય જોઈને ઊગતા સંબંધોને પણ જીવનમાં ઘણી વાર એક કે બીજા કારણસર નિભાવવા પડતા હોય છે.

દરેક સંબંધની એક ચોક્કસ સરહદ હોય છે. એ સરહદ પર જ્યારે સ્વાર્થ હાવિ થાય ત્યારે સંબંધોનું ભાવિ ડામાડોળ બનતું હોય છે.

બાકી કોઈ પણ માણસ સાવ ન ગમે એવું તો કેમ બને ? માણાસ સામે મતભેદ હોઈ શકે, પણ એ મતભેદને એનેસ્થિયા આપતા રહીને મનભેદમાં ન પરિણમે એ શીખવું રહ્યું. કોઈ પણ સંબંધોમાં એકમેકની ખામીઓ તરફ આંખ મીંચામણાં કરવા અને ખૂબીઓ તરફ નજર રાખવી. એ સંબંધોને સાચવવાનું સૂત્ર ગણી શકાય. ધૂમકેતુનું સદાબહાર વાક્ય કદી ભૂલવા જેવું નથી. માણસ પોતાની દ્રષ્ટિ છોડીને અન્યની દ્રષ્ટિએ જોતા શીખે તો અડધું જગત શાંત થઈ જાય. સંબંધમાં અન્ય પાસેથી આપણે જે આશા રાખતા હોઈએ… એવી જ આશા અન્યની પણ આપણી પાસેથી અવશ્ય હોય છે – એ યાદ રાખીને એ મુજબ વર્તવું રહ્યું.

પ્રખર ચિંતક ગુણવંત શાહના શબ્દોમાં કહું તો… કેટલાક સંબંધો ડ્રૉઈંગરૂમ જેવા પહોળા પણ પહોંચી ન શકાય તેવા. કેટલાક કીચન જેવા… સ્વાદ કરતાં વઘારનો મહિમા વધારે. કેટલાક કીચેન જેવા ગોળગોળ ફેરવી શકાય અને વળી લટકતા… કેટલાક બાલ્કની જેવા, જ્યાં સ્પેશ્યલ એસી મુકાવાની જરૂર પણ નહીં. જ્યાં હવા અને ખુશબો બંનેનું આગવું સ્થાન હોય.

માનવી કોઈની સંગાથે હોય ત્યારે સભર હોય છે. ફરવા જવા માટે કે કોઈ પણ તહેવાર આવે ત્યારે આપણે અન્યની કંપની અવશ્ય શોધતા હોઈએ છીએ. અનેક વાર એવું બનતું જોવા મળે છે કે કોઈ માણસ પોતાના મિત્રોમાં કે બહાર ખાસો લોકપ્રિય હોય પણ પરિવાર પ્રિય નથી હોતો. એને બહારના લોકો સાથે સંબંધ જાળવતા આવડે છે પણ પરિવારના લોકો સાથે નહીં. કારણ પરિવારને, આપણી નિકટની વ્યક્તિઓને આપણે ટેઈકન ફોર ગ્રાન્ટેડ લેવાની ભૂલ કરતા હોઈએ છીએ.

ઘણી વખત કોઈ પણ જાતની અપેક્ષા વિના અનેક સંબંધ રચાતા હોય છે. પણ આખરે માનવી માત્રનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો હોય છે. સમયની સાથે વત્તે ઓછે અંશે અપેક્ષાઓ એમાં આપમેળે ઉમેરાય છે. અને એ પૂર્ણ ન થાય ત્યારે સંબંધમાં કડવાશ ભળવાની જ કે તિરાડ પડવાની.

સંબંધના સરોવરમાં લહેરિયા લેતાં પંકજોની જેમ કેટલાક સંબંધો ખીલે છે, સુવાસ ફેલાવે છે. તો કેટલાક અકાળે કરમાઈ જાય છે. આનંદને બદલે ભારરૂપ બની જાય છે. ઔપચારિક બની રહે છે. દરેક સંબંધો વિચાર કરીને બંધાતા નથી. પોતીકા સંબંધો જીવનભરની લહાણ છે. આવા સંબંધોમાં અમાસને અવકાશ હોતો નથી. એમાં પૂર્ણિમાનો પ્રકાશ જ હોય છે.

પોતે મુક્ત રહે અને સંબંધિત વ્યક્તિને પણ મુક્ત રાખે, મોકળાશ અર્પે એવા સંબંધોની સૂક્ષ્મતા, સંકુલતાનો મહિમા અલગ જ હોય.

કેટલાક સંબંધો ધીમી ધીખતી ધૂણી જેવા. સમયની રાખ ભલે વળી હોય પણ અંદરથી ઝગતા હોય… જીવંત હોય. સૂકી નદીને ખોદો તો અંદર ભીનાશ અચૂક દેખા દેવાની. અનેક સંબંધો એવા હોય છે, જ્યાં રોજ રોજ સ્થૂળ રીતે મળવાની, વાતો કરવાની કે એવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી પડતી. વરસો પછી પણ આવા સંબંધોનું સૌન્દર્ય એવું જ લીલુંછમ્મ રહેતું હોય છે. સમયનો ઘસારો આવા સંબંધોને નથી લાગતો. આવા સંબંધો જીવનની સાચી મૂડી બની રહે છે.

જીવનની ઊભે વાટે અનેક સંબંધો રચાય છે. દરેકનું આગવું મૂલ્ય. આપણે ઋણી છીએ… હવાની પ્રત્યેક લહેરના, જળના દરેક બુન્દના, તેજની દરેક લકીરના, આકાશના પ્રત્યે અંશના, ધરતીના એક એક કણના, આ પાંચે તત્વોનું એકસાથે હોવું એ જ તો આપણું હોવું છે.

જીવનમાં માનવી માત્રને ગરજ હોય છે… પ્રેમ અને આનંદની… અને એ મળી શકે કોઈ સાચુકલા સંબંધોની સુવાસમાંથી…

આટલા બધા સંબંધ અને કેમ કરી ચાખું ?
શબરીની કેમ એક પછી એક બોરને ચાખું.

પણ મને લાગે છે દરેક સંબંધને ચાખવા, માપવા, પ્રમાણવાની જરૂર નથી હોતી. સંબંધને માપવાનું છોડીને બસ માણીએ. દરેક સંબંધ ફૂટપટ્ટીનો મોહતાજ નથી હોતો. કે ન હોવો જોઈએ. કારણ વિના મળવાનું મન થાય. એવા સંબંધોને સલામ.

અંતમાં સુરેશ દલાલના શબ્દમાં કહેવું જરૂર ગમશે.
ક્યારેક સારો લાગે, ક્યારેક નરસો લાગે.
તોયે માણસ મને હૈયાસરસો લાગે…
ના, ના, નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો.
ખૂણા ખાંચા હોય છતાં યે, માણસ એ તો
ગીત ગઝલમાં મન મૂકીને ચાહવા જેવો…
માણસ તો માણસના જેવો… જેવો તેવો તોય છતાં યે
સાચા દિલની વાહ વાહ જેવો.
માણસ અંતે ચાહવા જેવો…

કે પછી હરીશચંદ્ર જોશી કહે છે તેમ
ભૈ, વાંધા-વચકા નહીં સારા,
વેંત એકનું જીવતર લૈને
નીકળી જાવું પરબારા…

યેસ… સંબંધોમાંથી પણ વાંધા-વચકાને દેશવટો આપતા શીખીએ તો સંબંધો આપોઆપ મહેકી ઊઠશે.

સંપર્ક : બીરલા કોલોની, બી ગેઈટ, બંગલા નં.૨, પોરબંદર-૩૬૦ ૫૭૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “જીવનમાં પાંગરતા સંબંધો – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.