- ReadGujarati.com - http://www.readgujarati.com -

સંબંધોનું સૌંદર્ય – મીરા ભટ્ટ

(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

‘સંબંધ’ એ જીવન માત્રનો શ્વાસ છે. પૃથ્વી પર કોઈ પણ જીવ કશાક સાથે અનુબંધાયા વગર ઉત્પન્ન થઈ શકતો નથી. કુદરતની યોજના જ એવી છે કે જીવને પેદા થવા માટે નર-માદાના બે સ્વતંત્ર લિંગના જોડાણની અનિવાર્યતા રહે. સૃષ્ટિની ઉત્પત્તિ માટે બે સ્વતંત્ર એકમોનું પરસ્પર- આકર્ષણ એ સૃષ્ટિના સર્જનનો પ્રથમ કાનૂન છે.

જીવન એટલે જ સંબંધોનો સરવાળો ! જીવ ધારણ કરીને આપણે જન્મથી જ કેટકેટલાં પરિબળો સાથે અનુસંધાઈને પેદા થઈએ છીએ ! માનો તો આ સંબંધ અનેકવિધ બંધનોનું પોટલું છે અથવા તો એ સૌ સાથે જોડાઈને જીવનને સમૃદ્ધ કરનારું સાધન છે ! સૃષ્ટિમાં પેદા થનારા પ્રત્યેક જીવનો પોતપોતાનો એક પરિઘ હોય છે, જેના કેન્દ્ર રૂપે પોતે રહીને પરિઘ પરનાં તમામ બિન્દુઓ સાથે સ્વતંત્ર લીટીમાં જોડાવાનું હોય છે, આ પરિઘ પરનાં બિન્દુઓ સાથે જોડતી રેખા સીધી પણ હોઈ શકે અને વાંકીચૂકી પણ હોઈ શકે. મહત્વની વાત એ છે કે મધ્યબિંદુ પરિઘ પરના બિંદુ સાથે જોડાય છે.

આ જોડાણને આ યુતિને ભાષાવિદોએ શબ્દ આપ્યો – સંબંધ ! બંધન જોડે પણ ખરું અને બાંધે પણ ખરું ! પરંતુ આ બંધન જીવનને સમૃદ્ધ કરવા માટેનું બંધન છે, જીવનને વહેતું રાખવા માટેનું અનુસંધાન છે, પાણીનો એક રેલો જમીન પર વહેતો વહેતો ક્યાં સુધી પહોંચી શકે ? થોડા વાયરાના ઝાપટા આવે કે મુઠ્ઠીભર તડકો મળે અને એ શોધાઈ જાય, એટલું એનું આયખું ! પરંતુ પાણીનો એ જ રેલો કોઈ વહેતી નદીનાં નીર સાથે ભળી જાય તો ઠેઠ સાગર સુધી પહોંચવાનું સૌભાગ્ય એને સાંપડી જાય ! એટલે ‘સંબંધ’ એ હંમેશાં બાંધનારું – જકડનારું – અટકાવનારું બંધન નથી ! એ ‘મુક્તિ’ પણ હોઈ શકે. સંબંધ જ્યારે સંવાદમય હોય, સંગીતમય અને સમરસ હોય ત્યારે એ મુક્તિનું દ્વાર બની શકે.

‘સંબંધ’ એ સાગર વચ્ચે ખડો રહેતો કોઈ એકલવાયો ટાપુ નથી, સંબંધ તો પારસ્પરિકતા છે, એ ડાબે-જમણે બેઉ પડખેથી અરસપરસ જોડાયેલો સેતુબંધ છે. સેતુ તોડવા માટે નથી બંધાતા, જોડવા માટે બંધાયા છે. હનુમાને સીતાજીને પાછા લઈ આવવા માટે પથ્થરોનો સેતુબંધ બાંધ્યો. સીતા વગર રામ અધૂરા હતા, એટલે આ ‘બંધન’ ઊભું કરવું પડ્યું, અને નાનકડી ખિસકોલીથી માંડી ઠેઠ મહાવીર હનુમંત સુધી સૌએ હોંશેહોંશે સેતુ બાંધ્યો.

‘સંબંધ’માં બાંધવું એ રચનાકાર્ય છે. કશીક ભૂલ થાય તો જ આ રચના કાર્ય વિધ્વંસ બની જાય ! આમાં ભૂલ માણસની છે, સંબંધની નથી ! સમ્યક્‍પૂર્વકની પરસ્પર આપ-લે હોય ત્યાં સંબંધ કદી ય શોષક ન બની શકે ! એનું મૂળભૂત પોત પોષકનું છે ! પ્રેમ પોષે છે, સ્વાર્થ શોધે છે ! આ પોષણ-શોષણના કાયદા-કાનૂન સમજી લઈએ તો સંબંધ કદી ય ત્યાજ્ય ન બની શકે.

મનુષ્ય પોતાના પ્રથમ શ્વાસથી જ મુખ્યત્વે પાંચ અનુબંધો સાથે જોડાઈને આવે છે, સૌથી પહેલો અનુબંધ છે – એની પોતાની જાત સાથે. માણસને સૌથી પહેલો ન્યાય આપવાનો છે – પોતાની જાતને ! ‘જાત’ એટલે ‘જે જન્મેલો છે તે’ – જાત સાથે ન્યાય, એટલે પોતાના જન્મના મૂળભૂત પ્રયોજનને સિદ્ધ કરવું ! મનુષ્યની આ સર્વપર્થમ અને સર્વોપરી જવાબદારી ! પૃથ્વી પરનું આયખું પૂરું કરીને પાછા ભગવાન પાસે પહોંચીને એને ‘જવાબ’ આપવાનો છે કે એણે એના મહામૂલા જીવનનું શું કર્યું ?

બીજું, અનુસંધાન છે – એના જન્મદાતા માબાપ ! ભાઈ-બહેન સમેતનો આખો પરિવાર ! જન્મથી જ એ જેનાથી પરિવૃત્ત છે, વીંટળાયેલો છે, એ પરિવાર ! કહો ને કે – લોહીની સગાઈ ! આ રક્ત સંબંધનું પણ મહત્વ છે. શરીરમાં લોહી ખૂટે, ત્યારે ગમે તે લોહી કામમાં નથી આવતું. લોહીમાં પણ સગપણ જોઈએ ! જીવનું આ પ્રથમ સગપણ છે. આ લોહીના પરિવાર દ્વારા પુષ્ટ થઈને એને વ્યાપક પારાવાર સાથે અનુબંધ બાંધવાનો છે. પણ કૂદકો મારવા માટે, પહેલા પગ માંડવા માટે બે ડગલાં જેટલી ધરતી જોઈએ. ‘પરિવાર’ એ કૂદકો મારવા માટે પગ ઠેરવવાને માંડણ-ભૂમિ છે ! યૌન સંબંધ પણ પરિવારનું જ જનકસ્થાન છે.

ત્રીજું અનુસંધાન છે – વ્યાપક સમાજ ! જન્મીને છ-આઠ મહિના તો માની છાતી દૂધ પૂરું પાડશે પણ પછી ‘મમ-મમ’ની ભૂખ જાગશે, એ મમ-મમ આપનારા ખેડૂતો, ઠંડીમાં શરીર ઢાંકનારા એ વણકરો, વિવિધ કારીગરો, શિક્ષકો, દાક્તરો અને… યાદી લાંબી છે ! આ બધાનો એક ‘સમાજ’ છે, જેના ટેકા વગર તમારું સંવર્ધન શક્ય જ ન બન્યું હોત ! એ સમાજનું ઋણબંધન તમારા માથા પર છે એને ચૂકવવું જ પડે !

સમાજ તો ‘રોટી-કપડાં-મકાન આપશે, પણ ખેતરમાં દાણા ઉગાડશે કોણ ?’ આ સૂરજ, નદી, પહાડ, ભૂમિ, રાત-દિવસ ! સૃષ્ટિનું આ નિરંતર ચાલતું ચક્ર ! સૃષ્ટિને પણ ઘસારો પહોંચે છે, સૃષ્ટિનું પણ એક પર્યાવરણ હોય છે, જેને સાચવવું પડે છે ! સૃષ્ટિના પોતાન કાયદા-કાનૂન છે. સૃષ્ટિમાં એક વ્યવસ્થાતંત્ર છે. એ તંત્ર ખોરવાય નહીં, તે જોવાની જવાબદારી માણસની છે.

અને કુદરત તો જુઓ ! કેવો એનો સંબંધ, અને કેવી એની લેવડ-દેવડ ! આપણે માણસો તો સંબંધને ત્રાજવે તોળી તોળીને ઓછામાં ઓછું આપીને વધુને વધુ લેવાની દાનત સેવીએ, જ્યારે આકાશ સાગરનાં ખારાં પાણી શોધી એને મીઠાં-મધુરાં કરીને વર્ષારૂપે પાછાં ધરતી પર વરસાવે ! અને મા ધરતી, એના ખાડામાં કાદવ-કીચડનું ખાતર પૂરી, જેમાં દુર્ગંધનો તો પાર નહીં, એ જ ધરતી કાદવમાંથી કમળ અને ખાતરમાંથી રૂડાં-રૂપાળાં, મઘમઘતાં પુષ્પોની પથારી પાથરી દે ! આને કહેવાય ‘સંબંધ.’ સામેની વ્યક્તિની તમામ અધૂરપો સ્વીકારી લઈને પ્રેમનો પૂરો કળશ ઢોળી દેવો !

સૃષ્ટિ સાથેના સંબંધમાં માણસે પશુ-પંખી-પ્રાણી સાથેની નિસ્બત પણ દાખવવી પડે. આપણા આંગણામાંથી ચકલી ગુમ થાય અને આપણા જંગલોમાંથી વાઘ-સિંહની બાદબાકી થાય, તે આપણને ન પોષાવું જોઈએ. આ જ રીતે આપણે ચાંદ-સૂરજ, પહાડ-પૃથ્વી, નદી-સાગર સાથેની નિસ્બત પણ પ્રગટ કરવી જોઈએ.

પાંચમું, અંતિમ અનુસંધાન છે – પરમેશ્વર સાથેનું અનુસંધાન ! કદી ય ભૂલાવું ન જોઈએ કે – ‘શિવ થકી જીવ થયો !’ એ છે તો આપણે છીએ ! પ્રભુ સાથેના અનુસંધાનનો અર્થ છે કે આપણા પાર્થિવ જીવનમાં પણ ક્રમેક્રમે પ્રભુતાને અવતારવી. પાર્થિવ જીવનને દિવ્ય બનાવવું. દિવ્ય એટલે તેજવાન ! માણસને તેજ પ્રાપ્ત થાય છે – ગુણવિકાસથી ! જેમનામાં ગુણસંપન્નતાનો આંક પૂર્ણતાએ પહોંચ્યો, તે દેવ બન્યા ! હનુમાનજી એટલે શૌર્ય અને સમર્પણનો મહાસાગર ! ગણપતિમાં જ્ઞાનનો ભંડાર ! એ ગણપતિ છે એનાં કરતાં ગુણપતિ વધારે છે ! ભદ્રતાને સાકાર કરે તે મા ભદ્રા અને રુદ્રસ્વરૂપ પણ ધારણ કરી શકે તે મા રુદ્રા ! જીવનમાં તમોગુણના અંધકારને ઓગાળી, રજોગુણની લગામ પોતામા હાથમાં રાખી, જે સત્વના અશ્વો દોડાવે તે ધીરે ધીરે વધુ ને વધુ સત્વશીલ બનતો જઈ દેવત્વને પામે !

મનુષ્યના આ પાંચેય અનુબંધો જ્યારે વણસે છે, ત્યારે જીવનમાં ખાનાખરાબી નિર્માણ થાય છે. માણસ લાખ કોશિશ કરે તો પણ સંબંધમાં આવ્યા વગર એકાકી જીવન જીવી શકવાનો નથી. ઈશ્વરે માણસમાં હૈયું જ એવું મૂકી દીધું છે, જે સૌને પોતાનામાં સમાવી ન લે, ત્યાં સુધી ચેન ન મેળવી શકે. આ અભિશાપ કહો તો અભિશાપ, અને વરદાન કહો તો વરદાન, પણ માણસ છે જ ‘માણસ ભૂખ્યો.’

એટલે પ્રયત્ન એ થવો જોઈએ કે સંબંધોમાં જેટલું સૌંદર્ય અને સૌજન્ય પૂરી શકાય, તેટલું પૂરવું ! આ સૌંદર્ય પ્રગટાવવા માટે વિનોબાજીએ એક ત્રિગુણી ટીકડી સૂચવી છે. સંબંધોની પારસ્પરિકતામાં જરૂરી તત્વો છે – સ્નેહ, આદર અને વિશ્વાસ. ‘સ્નેહ’ શબ્દ માર્મિક છે, યંત્ર જ્યારે ખોરવાય છે ત્યારે એ ઘસાય છે અને એમાંથી ચૂં-ચૂં-ચૂં અવાજ આવે છે. સંબંધમાં નજીક આવવાનું થાય છે ત્યારે ક્યારેક ઘર્ષણ થાય છે. બારણું ચૂં-ચૂં કરવા માંડે ત્યારે આપણે તેમાં તેલ પૂરીએ છીએ. તેલ એ સ્નેહલ તત્વ છે. સ્નેહ સામેની વ્યક્તિના દોષોને ઓગળવા તેલની ભૂમિકા ભજવે છે. ઘર્ષણ ભડકો પેદા કરી મૂકે તે પહેલા સ્નેહ સાવધ થઈ જાય છે. એટલે જ આપણે સખ્ય સંબંધને સ્નેહ-સંબંધ કહીએ છીએ. તુલસીદાસે એક ભજનમાં પ્રભુને ‘પરમ સ્નેહી’ કહ્યો છે. એના જેટલું સ્નેહલ-તત્વ બીજા કોઈનામાં નથી, જેનો અલ્પાંશ માતામાં જોવા મળે છે.

બીજું જોડનારું તત્વ છે – આદર ! આદર એટલે માનપાન કે સત્કાર નહીં, પરંતુ ગુણોની કદર. પૃથ્વી પર સો ટકા ગુણવાન કોઈ નથી, એમ સો ટકા દોષવાન પણ કોઈ નથી. તો સાથીમાં જે કોઈ ગુણ દેખાય તેને લક્ષમાં રાખી હૃદયમાં આદરભાવ વ્યાપેલો રહેવો જોઈએ. ત્રીજું તત્વ છે, વિશ્વાસ. વિનોબાએ વિશ્વાસને વિશ્વની ત્રીજી શક્તિનું સ્થાન આપતાં કહ્યું લે ‘શરીરમાં જે મહત્વ ‘શ્વાસ’નું છે, તે જ મહત્વ સમાજમાં ‘વિશ્વાસ’નું છે.’

સંબંધમાં એક મહત્વની બાબત છે – પરસ્પર નિરપેક્ષતા. આ થોડી અઘરી સાધના છે, પરંતુ સંબંધો જેટલા નિઃસ્વાર્થ અમે નિર્વ્યાજ હશે, તેટલા આપણે વધારે પુષ્ટ બનીશું. કશી પણ અપેક્ષા વગર મા પોતાનું સર્વસ્વ બાળકોમાં રેડી દે છે; તો માતૃત્વ આજે પૃથ્વી પરનું ગૌરીશિખર મનાય છે. દુનિયાભરના સાહિત્યમાં સૌથી વધારે ગુણગાન ગવાયાં હોય તો તે આ માતૃત્વ’ના છે ! આ અનુભવની વાણી છે, માનવજીવનનું સાર-સર્વસ્વ છે.

ગણિત સીધું છે, જેટલા અંશે અપેક્ષા વધારે, તેટલા અંશે નિરાશા વધારે ! સંબંધમાં એટલી તાકાત છે કે એ પોતે જ માણસને સંપન્ન કરે છે, સંબંધમાં જ્યારે સ્વાર્થ અને ફરિયાદ દાખલ થાય છે, ત્યારે એ ગંધાવા માંડે છે. આપણા પારિવારિક સંબંધોમાં પરસ્પર અપેક્ષાઓ એટલી બધી રહેતી હોય છે કે સહેજ આંચકો આવે ને સંબંધ વણસી જાય છે. એટલે જ પછી કવિઓ સંસારને જ છોડી દેવાની વાત કરે છે. સંસારનું સુખ કાચું – મીરાંબાઈએ ગાયું, કારણ સંસારીઓએ અપેક્ષા રાખી કે મીરાં મંદિર તજીને શયનગૃહ શોભાવે ! – પરિવારના સંબંધોમાં કોઈ મોટું, કોઈ નાનું એમ ફરક પડે છે. એટલે સર્વોત્તમ સંબંધ સખ્યસંબંધ, મૈત્રીનો સંબંધ ગણાયો, જેમાં બંને બરાબર – સમકક્ષ !

સર્વોત્તમ સખ્યસંબંધ આપણે શ્રીકૃષ્ણમાં જોયો. એણે દ્રૌપદીને જીવનસખી બનાવી અને અર્જુનને સખા. એમનું સખ્ય હસ્તિનાપુરની રાજસભામાં અને કુરુક્ષેત્રના સમરાંગણમાં દિવ્યરૂપે પ્રગટ્યું. શ્રીરામચંદ્ર તો ભગવાનના અવતારરૂપે જ પ્રગટ થયા. પરિણામે ભક્તિના મહિમાગાન ગવાયા. કૃષ્ણને આપણે ‘તુંકાર’ કરી શકીએ, રામજીને તો ‘જી’ ઉમેરીને જ બોલાવવા પડે. આ ‘મૈત્રી’ તત્વ એટલું પ્રાણવાન છે કે ભગવાન બુદ્ધને પણ ચાળીસ દિવસની તપસ્યા બાદ જે ચાર મુદિતા પ્રાપ્ત થઈ તેમાં એક मैत्री પણ હતી. કરુણામાં ‘ગૌણ-પ્રધાન’ ના ભેદ રહે છે, જ્યારે ‘મૈત્રી’માં અભેદનું અધિષ્ઠાન છે.

સંબંધોમાં જે તિરાડો પડે છે તેને નિવારવા એક આગવી જીવનદ્રષ્ટિ ખીલે તે માટે વિનોબાએ એક શ્લોકને મંત્રરૂપે આપ્યો છે, તે યાદ રાખવા જેવો છે. એ મંત્ર છે – काल-जारणम्, स्नेह-वर्धनम् । कटुक-वर्जनम् । गुण निवेदनम् ।

ચાર કંડિકા – પહેલી છે – काल-जारणम् । – યાદ રાખીએ કે કાળ નિરંતર વહે છે. એ ઘડીભર પણ થોભતો નથી. કાળની નદીનું પાણી નિરંતર બદલાયા કરે છે. તમે એક જ ખોબાનું પાણી ફરી પી શકતા નથી. આ જ રીતે માણસ પણ નિરંતર બદલાય છે. સતત પરિવર્તનશીલતા એ માણસનો સ્વભાવ છે. માણસ અનુભવે ઘડાય છે, એટલે ભૂલથી પણ આપણે ગઈકાલના માણસને આજે એની એ વાસી દ્રષ્ટિથી જોવો ન જોઈએ. નજરને સદા-સર્વદા કુંવારી રાખવી જોઈએ. આ કુંવારી નજરમાં પોતાનામાં એટલી તાકાત છે કે સામેની વ્યક્તિના વાસીપણાને પણ એ ઉડાડી દે છે અને માણસને નરવો – ગરવો રાખે છે ! તો પહેલું ઔષધ- આ નરની જીવનદ્રષ્ટિ ! ગુણગ્રાહી દ્રષ્ટિ’ બીજા વાત કહી – स्नेह-वर्धनम् । સંબંધો ટકાવવાનું સાધન – સ્નેહ ! સ્નેહ તત્વની ઉપાસના ! સંબંધ કણસવો ન જોઈ, ગુંજવો જોઈએ – રેંટિયામાંથી નીકળતો તાર ગુંજે છે એ રીતે, સિતારના તારને આંગળી ઝંકૃત કરી મૂકે છે એ રીતે.

ત્રીજી વાત છે – कटुक-वर्जनम् । કટુમ વચન મત બોલ રે ! આપણી વાણીને પાળ બાંધી આપવી. કાણાને કાણો નવ કહીએ, કડવાં લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, ભાઈ, શેણે ફૂટ્યા નેણ ?… આપણે કૃષ્ણનું ‘मधुराष्टकम्’ ગાઈએ છીએ. તો વાણીની મધુરતા સાચવવાનું તપ પણ થોડું કરતાં રહીએ ! અંતે છે – गुण निवेदनम् । વખાણ કોને ન ગમે ? અહીં તો જે ગુણ દેખાય તેનો મહિમા ગાવાનો છે ! આપણે સૌના ગુણગાન ગાઈએ ? આપણામાં ‘ગુણ’ દેખાય, તો તેને પણ વખાણીએ ? ગુણોનો ગુણાકાર કરીએ અને દોષોના ભાગાકાર !

આવું છે સંબંધોના સૌંદર્યનું રહસ્ય. આ રસપાન કરવા માટે આપણે પૃથ્વી પર આવ્યાં છીએ. આપણા જીવનપરિઘ પરનાં તમામ બિન્દુઓ સાથે આપણે સીધી રેખાથી જોડાઈએ, અને સંબંધોનું સ્વર્ગ પૃથ્વી પર ઉતારીએ !

સંપર્ક :
૭૩, રાજસ્થંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા-૩૯૦ ૦૦૧