- ReadGujarati.com - http://www.readgujarati.com -

તમારો ભાડૂત કવિ તો નથી ને ? – વિનોદ ભટ્ટ

(‘સાભાર પરત !’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

મીરઝા ગાલિબ આજે હયાત હોત તો તેમના ઘરમાંથી બિલ્ડરે તેમને ઘરવખરી સાથે ધક્કા મારીને કાઢી મૂક્યા હોત કે કોઈ ગુંડાને લાખ-બે-લાખ રૂપિયા આપીને ગાલિબનું ઘર ખાલી કરાવ્યું હોત, પણ જે ઘરમાં આજે ગાલિબ રહેતા નથી એ ઘરને તેમના સ્મારક લેખે જાળવી રાખવું, તેમાં કોઈ પણ જાતની તોડફોડ કરવી નહીં એવો ચુકાદો દિલ્હીની હાઈકૉર્ટે આપ્યો છે. જોકે બિલ્ડરના વકીલે એવી દલીલ કરી હતી કે ‘સાહેબ, આ શખ્સ નામે મીરઝા ગાલિબ એ મકાનનો માલિક પણ નહોતો કે ભાડૂતેય નહોતો. મકાનનો માલિક તો તેનો શ્વશુર નવાબ લુહારૂ હતો ને કવિ થોડોક સમય રહ્યો હતો. આ મકાન સાથે કવિને કોઈ જ લેવાદેવા નહોતી.’ પણ તેની આ દલીલની કૉર્ટ પર કોઈ અસર થઈ નહોતી. કૉર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે આ હવેલી ‘મહલસારા’ સરકારની જેમ તેના જ ભારથી તૂટી પડે તો જુદી વાત છે. પણ બિલ્ડરે તેમ નહીં કરતાં તેને ઍઝ ઇટ ઇઝ છે તેમ જ રહેવા દેવી.

આ તો સારું છે કે કવિ ગાલિબના સસરા નવાબ લુહારૂ આજે જીવિત નથી. જો તેઓ જીવિત હોત ને પોતે જ આ મકાન વેચવા ઈચ્છતા હોત તોપણ તે ન વેચી શકત ને કવિને જમાઈ બનાવવા બદલ ભરપેટ પસ્તાત. આમ પણ તેઓ નહીં પસ્તાયા હોય એ આજે કોણ કહી શકે એમ છે? એ પણ શક્ય છે કે ગાલિબ સાથે દીકરી પરણાવ્યા અગાઉ તેમને પણ ખબર નહીં હોય કે થનાર જમાઈ કવિ થઈ ગયો છે. લગ્ન અંગેની પ્રથમ મુલાકાતમાં સસરાએ તેમને પૂછ્યું પણ હશે કે ‘કંઈ કામધંધો કરો છો?’

‘જનાબ, શાયરી કરું છું, શાયર છું. રોજની પાંચ ગઝલ ઉતારું છું.’ ગાલિબે ગર્વથી માહિતી આપી હશે. દરજીકામ કરતો કોઈ કારીગર એમ કહે કે તે રોજનાં આઠનવ ઝભલાં સીવે છે, ઉતારે છે, ગાજ-બટન સાથે, તો એ સાંભળનાર સસરો રાજી થાય, પણ રોજની પાંચ તો શું પચાસ ગઝલો કવિ સીવતો હોય તોપણ સસરો ભાગ્યે જ ખુશ થવાનો. લુહારૂએ સામે પૂછ્યું પણ હશે કે ‘શેર-શાયરી, ગઝલ-બઝલ એ બધું તો સમજ્યા, મારા ભૈ, પણ એ સિવાય બીજું શું કરો છો ? ઘર-ગૃહસ્થી ચાલી શકે એવી કોઈ પ્રવૃત્તિ કરો છો ખરા ?’ આ સવાલના જવાબમાં હું નથી માનતો કે ગાલિબ બોલ્યા હોય કે ‘બસ, ગઝલ જ કરું છું, ગઝલ ઓઢું છું, પાથરું છું, પહેરું છું ને ગઝલ જ ખાઉં છું.’ (બરાબર, પેલી ‘ઇટ ક્રિકેટ, ડ્રિંક ક્રિકેટ અને સ્લીપ ક્રિકેટ’ની જા.ખ. જેવું) ઇન કેસ આવું તેઓ બોલ્યા હોત તો વાત ત્યાં જ પતી ગઈ હોત. આ મકાનને હાઈકૉર્ટનો કાયમી સ્ટે ન મળ્યો હોત કે તમારે આ લેખ વાંચવાનો વારો પણ ન આવત.

આ મીરઝા ગાલિબ મહાનતાને વર્યા એટલે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તેમણે જે કંઈ લખ્યું છે એ કરતાં તેમના પર અનેકગણું લખાયું છે. કવિ-મિત્ર આદિલ મન્સૂરીનો, એક શૅર આ ક્ષણે યાદ આવે છે :

‘અપના ઘર ભી મિલતા-જૂલતા હૈ ગાલિબ કે ઘરસે,
એક ઘંટા બરસાત જો બરસે, છ ઘંટા છત બરસે’

આદિલે ‘ગાલિબ ગુજરાતી’ના નામથી પણ થોડીક ગઝલો લખી છે, પણ માણસ સમજદાર છે એટલે તેણે પોતાની સરખામણી ગાલિબ સાથે નથી કરી, પણ પોતાનું ઘર ગાલિબના ઘર જેવું જ છે એવું તેણે ગર્વથી કહ્યું છે.

જોકે ગાલિબ જીવતા હશે ત્યારે તેઓ પોતાની જાતને ચાહતા હશે એટલો જ પ્રેમ તેમના ઘર પ્રત્યે હશે, કેમ કે માણસ પંડની જેમ પોતાના ઘરને પણ ચાહતો હોય છે. કદાચ એટલે જ ઘરને ‘સ્વીટ હોમ’ કહ્યું હશે. મકાન અને ઘરની વચ્ચે જે ફરક છે તે આ છે. બિલ્ડરો માટે તેમણે બાંધેલ તમામ ઇમારતો મકાન છે, પણ તેમાં જે રહે છે, શ્વસે છે, એના માટે તે ઘર છે ને દુનિયાના છેડે જઈને પાછા ફરી પોતાના ઘરના ઉંબરા ઉપર પગ મૂકે છે ત્યારે તેને હાશ થાય છે. આ પેલો મૂન-રિટર્ન્ડ આર્મસ્ટોંગ. તે ઠેઠ ચંદ્ર પર ગયો હતો ને ત્યાં ઉભડક મનથી ફરતો હતો, ને તે જ્યારે પોતાના ઘેર પાછો ફર્યો હશે ત્યારે જ તેને નિરાંત વળી હશે. મારી વાત કરું તો મારી જૂની, નવતાડની પોળમાંથી આજે પણ પસાર થવાનું બને ત્યારે મારા એ ભૂતપૂર્વ ઘર પર નજર પડે – જેમાં અમે રહેતાં હતાં – એટલે બે સેકંડ ત્યાં અટકી જવાય છે અને હું જ જાણે મને બારીમાં ઊભેલો જોઉં છું. પણ –

પણ ગાલિબની વાત જુદી છે. જે હવેલી ‘મહલસારા’ના નામે પ્રસિદ્ધ છે, તેની તોડફોડ નહીં કરતાં તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવી રાખવાનો દિલ્હી હાઈકૉર્ટે ચુકાદો આપ્યો છે, પણ તમને ખબર છે કે ગાલિબે દિલ્હીમાં ઘણાં મકાનો બદલ્યાં હતાં ? એટલે કયા મકાનને તેમનું સાચું સ્મારક ગણી જાળવી રાખવું – જે મકાનમાં તેઓ ભૂખ્યા પેટે સૂઈ રહેતા એ મકાનને ? કહેવાય છે કે કવિ હોમર ગુજરી ગયો ત્યારે ઍથેન્સનાં સાત-સાત નગરોએ એવો દાવો કરેલો કે હોમર અમારો કવિ છે. એ બધાંની દલીલ એક જ હતી કે હોમર જીવતો હતો ત્યારે અમારે ત્યાં ભીખ માગતો હતો !

કવિ હોમર અને ગાલિબમાં જે સામ્ય છે તે આંકડાનું છે – સાતના આંકડાનું છે. ગાલિબે પણ પોતાના જીવન દરમિયાન, બિલાડીનાં બચ્ચાંની જેમ સાત-સાત મકાનો બદલ્યાં હતાં. હંસરાજ ‘રહબર’ નામના લેખકે ‘ગાલિબ : હકીકત કે આઈને મેં’ નામના પુસ્તકમાં આ અંગે વિસ્તારથી લખ્યું છે. જોકે ભાડું સમયસર નહીં ચૂકવવાને કારણે મકાનો બદલેલાં કે અન્ય કોઈ કારણે આ બાબતનો તેમાં ઉલ્લેખ નથી. ૧૮૧૪માં ગાલિબે દિલ્હીમાં વસવાટ કર્યો. ૧૮૨૬ સુધી તેઓ ખારી બાવલીમાં એક મકાનમાં રહ્યા. થૅન્ક ગૉડ કે આ મકાન કયું હતું એની એમના ચાહકોને ખબર નથી. મકાનમાલિક પાસેથી મકાન ખાલી કરાવવા પેટે એક પાઈ પણ લીધા વગર ૧૮૩૦માં એ મકાન ખાલી કરી, તેઓ જુમા મસ્જિદની પાછળના એક મકાનમાં રહેવા ચાલ્યા ગયા. ૧૮૪૦-૪૧ દરમિયાન તેઓ ફાટક હબ્શખાંમાં પણ રહ્યા હોવાની નોંધ છે. એ મકાનમાં તેઓ કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા વગર જ રહેવા ગયા હશે, એટલે કાંઈ જામ્યું નહીં. ૧૮૪૭માં ફરી પાછું મકાન બદલ્યું, પણ આ વખતે તેઓ ક્યા મહોલ્લામાં રહેવા ગયા એની તેમના મકાનમાલિક સિવાય કોઈને જાણ નથી. ૧૮૫૦ પછીનાં દસ વર્ષમાં ગાલિબે ત્રણ મકાનો બબલીમારનમાં જ બદલેલાં. આ પરથી કહી શકાય કે એક ભાડૂત લેખે એ મહોલ્લામાં તેમની શાખ સારી હશે. સંભવ છે કે તેમના કવિ હોવાની મકાનમાલિકોને માહિતી નહીં હોય. અને જેમાં તેમણે દેહ છોડેલો એ છેલ્લું મકાન તેમના શ્વશુરનું કાસિમજાન ગલીમાં આવેલું ‘મહલસારા.’

એટલું વળી સારું છે કે તેમની એકમાત્ર કબર નિઝામુદ્દીનમાં છે. તેમનું જો ચાલ્યું હોત તો મકાનની જેમ પોતાની કબરો પણ તેઓ બદલ્યા કરત. ભાડાની ઐસીતૈસી, પણ ન ફાવે તો શું કરે ? હવા-ઉજાસ ને એવી બધી ફેસિલિટી તો જોઈએ કે નહીં?

અમારો આ લેખ વાંચ્યા પછી તો કોઈ મકાનમાલિક પોતાનું મકાન કવિને ભાડે આપવા અગાઉ સાત વાર વિચાર કરશે. કયો કવિ ક્યારે મહાન થઈ જશે એની પહેલેથી ખબર ક્યાં પડે છે ? એટલે પછી કાલે ઊઠીને કવિ-ભાડૂત મહાન બની જાય ને તેના સ્મારક તરીકે મકાન આપી દેવું પડે એવું જોખમ કોણ ખેડે ?

– એ કરતાં કોઈ સ્મગલરને મકાન ભાડે આપવું સારું, ભવિષ્યમાં વેચવું હોય તો એ જ મોં-માગ્યા દામ આપી ખરીદી લે !

[કુલ પાન ૧૪૦. કિંમત રૂ. ૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]