- ReadGujarati.com - http://www.readgujarati.com -

સપ્તપદીમાં પાનકાર્ડ ! – ચિત્રસેન શાહ

(‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

સપ્તપદીમાં ફેરા ફરતી વખતે ચોથો ફેરો ફરતાં પહેલાં કન્યાને ઓચિંતા જ યાદ આવ્યું કે એન્ગેજમેન્ટ વખતે વરપક્ષે આપેલ વાયદા પ્રમાણે પાનકાર્ડ રજૂ કર્યું નો’તું અને તેમના છેલ્લા વાયદા મુજબ વરરાજા મોડામાં મોડું સપ્તપદીના ફેરા પહેલાં તો પાનકાર્ડ ચોક્કસપણે રજૂ કરી દેશે તેવી વાત હતી.

તેથી કન્યાને ચોથા ફેરા પહેલાં વરપક્ષ પાસે પાનકાર્ડની માગણી કરી !

વાત જાણે એમ છે કે અમેરિકાથી ઓચિંતા જ આવીને ધડાધડ લગ્ન કરીને અમેરિકા પાછા જવાના ભાગંભાગ પ્રોગ્રામને કારણે વાઇબ્રન્ટ મૅરેજ નક્કી કરતા પહેલાં સાવચેતીના પગલારૂપે કન્યાના પિતાએ મુરતિયાના પિતા પાસે નીચેના ડૉક્યુમૅન્ટ્‍સ માગ્યા હતા :
– પાનકાર્ડ !
– બૅંક એકાઉન્ટના પાસબૂકની ઝેરોક્સ !
– રેસિડેન્સ પ્રૂફ !
– છેલ્લા બાર મહિનાનાં ઇલેક્ટ્રિક્સસિટી બિલ્સની ઝેરોક્સ !

આમાંથી પાનકાર્ડ સિવાયના ડૉક્યુમેન્ટ્‍સ તો વેવાઈપક્ષે રજૂ કરી દીધા હતા, પરંતુ I.T. ડિપાર્ટમેન્ટ તરફથી પાનકાર્ડ સમયસર નહીં મળતાં ઉપર મુજબ વાયદો કર્યો હતો.

ઇલેક્ટ્રિક બિલ્સની રકમ જોઈને લાખેણી કન્યાના મિલિયોનેર પિતાશ્રીની લાગણી દુભાઈ હતી ! તેમણે થનાર વેવાઈને પૂછ્યું : ‘આટલું ઓછું બિલ આવે છે તો તમે ઉનાળામાં એ.સી. કે શિયાળામાં રૂમ-હીટરનો ઉપયોગ નથી કરતાં ?!’

વેવાઈએ જવાબ આપ્યો : ‘અમારે ત્યાં મોટા ભાગે સોલાર ઉપકરણોનો જ ઉપયોગ વધારે થાય છે. સોલાર વૉટર હીટરથી માંડી સોલાર કૂકર, સોલાર લાઇટ વગેરે, તેથી બિલ ઓછું આવે જ ને ! અરે, આનાથી ઊલટું અમે તો રૂફ-ટૉપ સોલાર વીજળી ઉત્પાદન કરીને ક્યારેક આજુબાજુવાળાઓને વીજળી વેચીએ પણ છીએ ! ત્યારે થાય છે એવું કે અમારે બિલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું નથી, પરંતુ અમારે ત્યાં બિલ ભરનારાઓની લાઇનો લાગે છે !’

કન્યાના પિતાને થનાર વેવાઈની સૂક્ષ્મ રમૂજવૃત્તિ અને હ્યુમરસ સ્વભાવ ગમી ગયાં. આ હાસ્યવિનોદે બંને પક્ષને નજીક લાવી દીધા અને સંબંધ બંધાઈ ગયો. હાસ્યથી બંધાયેલા સંબંધો ફેવિકોલ કે સિમેન્ટથી બંધાયેલી વસ્તુઓ કરતાં પણ વધારે મજબૂત હોય છે !

પરંતુ તેમ છતાં સમયસર પાનકાર્ડ નહીં મળતાં વરપક્ષવાળા મૂંઝવણમાં તો હતા જ ! પરંતુ ત્યારે તેમની નજર ન્યૂઝપેપરની એક જાહેરાત પર પડી, જેમાં લખ્યું હતું – ‘મૂંઝાઈ ગયા છો ? તો ચાલ્યા આવો અમારી પાસે ! અમારી પાસેથી તાત્કાલિક મળી શકશે –
– પાનકાર્ડ !
– મૅરેજ સર્ટિફિકેટ (મૅરેજ કર્યા વગર પણ !)
– ડિવૉર્સ સર્ટિફિકેટ ! (ડિવૉર્સ લીધા વગર જ !)
– બર્થ સર્ટિફિકેટ !
– ડેથ સર્ટિફિકેટ !
વગેરે !’

અરે, આ દુકાનદાર વિશે તો એમ કહેવાય છે કે જેના નામનું PAN કાર્ડ જોઈએ તે નામનું પાનકાર્ડ ચોવીસ કલાકમાં જ મળી જાય છે ! અરે તમે કહો કે મહાત્મા ગાંધીના નામનું પાનકાર્ડ જોઈએ છે તો તે કહેશે, ‘મહાત્મા મંદિર પાસેની અમારી બ્રાંચ પરથી કાલે આ જ સમયે મેળવી લેજો !’

એક વાર એક ભાઈ તેમની દુકાને પહોંચીને કહે, ‘મને મિસ્ટર Xનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ જોઈએ છે. તેમની જન્મ અને મૃત્યુની તારીખ આ પ્રમાણે છે.’

દુકાનદારે બીજા દિવસે આવવાનું કહ્યું. બીજા દિવસે પેલા ભાઈ પહોંચ્યા ત્યારે બંને સર્ટિફિકેટ તૈયાર હતાં. પરંતુ તેમાં બર્થ અને ડેથની તારીખમાં ઊલટસૂલટ થઈ ગઈ હતી ! ડેથની ડેટની જગ્યાએ બર્થ ડેટ લખાઈ ગઈ હતી અને બર્થની જગ્યાએ ડેથની તારીખ લખાઈ ગઈ હતી !

કસ્ટમરે દુકાનદારને કહ્યું, ‘અરે ભાઈ, જરા બુદ્ધિ તો ચલાવો ! પ્રથમ માણસનો જન્મ થાય કે મ્રુત્યુ ?!’

તો દુકાનદારે ચોંકાવનારો જવાબ આપ્યો !

તેણે કહ્યું, ‘કેમ તમે પુનર્જન્મમાં નથી માનતા ?!’

હકીકતમાં તે પુનર્જન્મ અંગેનું પુસ્તક વાંચતાંવાંચતાં આ બર્થ-ડેથ સર્ટિફિકેટનું કામ કરતો હતો !

એક કામ કરતાં-કરતાં બીજું કામ પણ સાથે કરવા જઈએ ત્યારે આવા ગોટાળા સર્જાય છે અથવા તેનાં ઘણાં ભયંકર પરિણામ આવે છે !

દા. ત., કાર કે કોઈ પણ વિકલ ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતાં ઘણી વાર અકસ્માત સર્જાય જ છે ને ! વાતો કરતાં-કરતાં સર્જિકલ ઑપરેશન કરતી વખતે ડૉક્ટરોથી પણ ભૂલમાં પેટમાં કાતર કે કપાસ વગેરે રહી જવાના બનાવ પણ ઘણી વાર બને છે !

અરે, એક વાર તો એક રમૂજી કિસ્સો પણ પ્રકાશમાં આવેલો. હાર્ટનું ઑપરેશન કરતી વખતે ડૉક્ટરને એક ફોન આવ્યો. ડૉક્ટર પાસે ત્યારે હાથમાં પેન કે પૅડ તો હોય નહીં, તેથી તેણે ફોન કરનારાનો ફોન નંબર હાથવગા બહાર કાઢેલા હાર્ટ પર ટપકાવી લીધો !

હવે એ પેશન્ટ એ ફોન નંબરવાળા હાર્ટ સાથે કદાચ જીવતો હશે !

આર.ટી.ઑ.વાળા સોનોગ્રાફીમાં કદાચ એ નંબર જુએ તો તેને શરીરના એન્જિનનો રિરિયલ નંબર પણ માની બેસે ! અને આમ જોવા જઈએ તો હાર્ટ એ શરીરરૂપી કારનું એન્જિન જ છે ને !

આ રીતે એક કામ કરતા-કરતાં બીજા કામ કરવામાં ઘણી વાર ગોટાળા કે મુશ્કેલી સર્જાય છે.

જોકે લેખકો માટે ક્યારેક એનાથી ઊલટું પણ બનતું હોય છે.

દા. ત., લેખક હાસ્યલેખ લખતી વખતે ક્યારેક જો હેમા માલિનીના વિચારમાં ખોવાઈ જાય તો તેના હાસ્યલેખમાં સૌંદર્યનો ઉમેરો પણ થઈ જાય છે ! (વાચક અત્યારે જ તે અનુભવી શકશે !)

પાનકાર્ડથી શરૂ થયેલી આપણી આ સફરમાં આગળ વધતાં-વધતાં ફરી પાછા આપણે એ જ જગ્યાએ – પાનકાર્ડ પર જ પાછા આવી ગયા છીએ, કારણ કે આ હળવાશનો રિંગ રોડ છે !

આજના સમયમાં તો વાતેવાતે અને દરેક જગ્યાએ પાનકાર્ડની જરૂર પડે છે ! હમણાં અમારા એક પરિચિત પોતાના ફૅમિલીમાં કોઈના લગ્નપ્રસંગે ‘ગોરમહારાજ’ને બૂક કરવા ગયેલા ત્યારે ગોરમહારાજે પણ પાનકાર્ડની ઝેરોક્સ માગેલી ! એ રીતે ઝેરોક્સવાળાના બિઝનેસ પણ ધમધમે છે !

અમને તો શંકા છે કે હવે એક દિવસ એવો આવશે કે આપણે જ્યારે પાન ખાવા જઈશું ત્યારે પાનવાળો પણ પાનકાર્ડ માગશે !

એક પોલીસવાળાએ તો વળી એક ચોર પાસે પણ પાનકાર્ડ જોવાની ઈચ્છા દર્શાવી હતી !

મૅટરનિટી હોમમાં દાખલ થયેલી મહિલા પાસે ડૉક્ટર આવનારા બાળકના પાનકાર્ડ માટે એપ્લિકેશન કરેલ હોય તો તેની ઝેરોક્સ કૉપી માગશે અને છેલ્લે –

ટૂંકમાં જન્મથી મૃત્યુ સુધી તમે પાનકાર્ડની ચુંગાલમાંથી છૂટી નહીં શકો !

પરંતુ તમારે તેમાંથી છૂટવું છે ? તો છૂટી જાઓ કોમામાં સરી પડીને –

જ્યાં સુધી ફરીથી ભાનમાં આવો નહીં ત્યાં સુધી !

[કુલ પાન ૧૧૮. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]