વાત નગીનની… – મહેશ યાજ્ઞિક

‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

જેમાં રહો ને એ જ આકારે રહો ખુશહાલમાં
જો સાંપડે જળની કળા આકાર ઓગળવા વિશે !

‘આખું ગામ મને પારકો ગણે છે. તને તો વિશ્વાસ છે ને ?’…મારા બંને હાથ પકડીને નગીને ઢીલા અવાજે પૂછ્યું. નાનપણથી એનો અવાજ સાવ નરમ હતો. ‘કોઈને મારા ઉપર ભરોસો નથી. ખિસ્સામાં પાંચ હજાર પડ્યા હોય એની પાસે હું પંદર રૂપિયા માગું તોય જુઠ્ઠું બોલે, કહે કે પાન ખાવાનાય પૈસા નથી…’ મારા બંને હાથ એણે હજુ એના હાથમાં જકડી રાખ્યા હતા. આંખોમાં આંખો પરોવીને એ મારી સામે દયામણી નજરે તાકી રહ્યો. વિવશતા અને લાચારી કોને કહેવાય એનો જવાબ એની આંખોમાં છલકાતો હતો. ભૂખી ગાયની સજળ આંખો ક્યારેક ધ્યાનથી જોજો. નગીન સામે જોઈને એ દ્રશ્ય યાદ આવી જાય.

‘ચિંતા ના કર…’ એના હાથમાંથી હળવે રહીને મેં મારા હાથ છોડાવ્યા. ત્રણ-ચાર દિવસની વધેલી દાઢી મેલોદાટ ચોકડાવાળો બુશર્ટ. એ પણ અગાઉ તંદુરસ્તી સારી હશે ત્યારે ખરીદ્યો હશે એટલે અત્યારે ઢીલો પડતો હતો. જૂનું લઘર વઘર પેન્ટ અને પગમાં વાદળી પટ્ટીની સ્લીપર. અચાનક એ મારી ઓફિસમાં આવી ચઢ્યો હતો. એ હજુ વતનના ગામમાં રહેતો હતો. ગામના મિત્રો મળે ત્યારે વાતવાતમાં ક્યારેક એનો ઉલ્લેખ થાય. એના ઉપરથી એવો અણસાર મળેલો કે એની દશા સારી નથી પરંતુ પરિસ્થિતિ આટલી ખરાબ હશે એનો મને ખ્યાલ નહોતો.

એના ચહેરા ઉપરથી નજર હટાવીને મેં ઘડિયાળ સામે જોયું. સાડા બાર થવા આવ્યા હતા. એની હાલત જોઈને લાગતું હતું કે બે-ત્રણ દિવસથી ભૂખ્યો હશે. ‘એક કામ કરીએ…’ એના ઋજુ અને લાગણીશીલ સ્વભાવને ધ્યાનમાં રાખીને મેં હળવેથી કહ્યું, ‘આપણે કેન્ટિનમાં બેસીએ, ત્યાં નિરાંતે વાત થશે.’

કશું બોલ્યા વગર એ ઊભો થયો. મારી સાથે એ સીડી ઊતરતો હતો. ત્યારે મારી આંખ સામે ભૂતકાળ છલકાતો હતો. નગીનના બાપાની કરિયાણાની દુકાન ધમધોકાર ચાલતી હતી. એકડિયાથી માંડીને મેટ્રિક સુધી હું અને નગીન એક જ વર્ગમાં સાથે રહીને ભણ્યા હતા. મેટ્રિકમાં નાપાસ થયા પછી એમણે અભ્યાસ છોડી દીધેલો, એનો મોટો ભાઈ એનાથી બે વર્ષ મોટો હતો. બધી બાબતમાં એ નગીનથી હોંશિયાર. નગીનનો સ્વભાવ સાવ ગરીબડો. શાળામાં દરબારના છોકરાઓ એની નવી નોટબુક કે પેન્સિલ ઝૂંટવી લે તોય એ કંઈ ના બોલે. ઘરમાં મોટા ભાઈની દાદાગીરી પણ મૂંગા મોઢે સહન કરી લે. ઉગ્ર અવાજે બોલે કે કોઈની સામે કંઈ ફરિયાદ કરે એવું એના લોહીમાં નહોતું. ‘હશે, આવું તો ચાલ્યા કરે.’ ક્યારેક આવા કોઈ પ્રસંગે હું એને ફરિયાદ કરવા ઉશ્કેરું ત્યારે ફિક્કું હસીને આ પાંચ શબ્દ જ બોલે – હશે. આવું તો ચાલ્યા કરે…

કૉલેજમાં અભ્યાસ માટે ગામ છોડ્યા પછી એની સાથે કે ગામ સાથે વધુ સંપર્ક નહોતો રહ્યો. જૂના મિત્રો પાસેથી વાતો સાંભળીને નગીનની દયા આવતી. એના મોટા ભાઈનાં લગ્ન થયાં એના બે વર્ષ પછી એના બાપાનું અવસાન થયું. એ વખતે નગીન માટે કન્યાની શોધ ચાલતી હતી. બાપા મૃત્યુ પામ્યા પછી એના ભાઈ-ભાભીએ પોતાનો અસલી રંગ બતાવ્યો. ધમધમતી દુકાન મોટા ભાઈએ પોતાને હસ્તક લઈ લીધી. એમના ડેલીબંધ ઘરની પાસે બે ઓરડીવાળું જૂનું ઘર હતું. દુકાનના ભાગ પેટે થોડી રકમ અને એ જૂનું ઘર આપીને નગીનને રાજી કર્યો. આછી પાતળી ઘરવખરી સાથે નગીન એ બે ઓરડીમાં ગોઠવાઈ ગયેલો. એના માટે કન્યા શોધવાની વાત હવે હવામાં લટકી ગઈ. લગ્ન થાય તો કન્યાને દાગીના આપવા પડે, જાન જોડવી પડે અને જમણવારનો ખર્ચ કરવો પડે. વળી, કોઈ ચાલાક છોકરી મળી જાય તો મજિયારી મિલકતનો હિસાબ પણ માગે… આ બધું વિચાર્યા પછી નગીનનાં ભાઈભાભીને લાગ્યું કે આના કરતા નગીન કુંવારો રહે એ સસ્તું પડશે. મિત્રોએ આપેલી આ માહિતીના આધારે નગીનની અવદશાનો મને ખ્યાલ હતો…

‘અમુક વાતો સ્ટાફની વચ્ચે કરીએ એમાં મજા ના આવે…’ કેન્ટિનમાં ખુરશી પર બેઠા પછી મેં નગીન સામે જોયું. એ હજુ સંકોચ સાથે ખુરશીમાં ઉભડક બેઠો હતો. ‘નિરાંતે બેસ. કોઈ ઉતાવળ નથી. ભૂખ લાગી છે ને ?’

નીચું જોઈને એણે હકારમાં માથું હલાવ્યું. એક પછી એક બે પૂરી શાકની પ્લેટ મેં મગાવી. નગીન જે ઝડપથી અને ઓશિયાળાપણાથી જમી રહ્યો હતો એ જોઈને એની દયા આવતી હતી.

‘લસ્સી પીશ ?’ એને પૂછ્યું તો ખરું પણ એના જવાબની રાહ જોયા વગર મેં લસ્સી મગાવી લીધી. પેટ ભરાયા પછી એના ચહેરા પર લગીર નૂર આવ્યું હોય એવું લાગ્યું.

‘નગીન, હવે લગ્ન કરી લે.’ મેં હળવેથી વાત શરૂ કરી. ‘એકત્રીસ પૂરાં થવા આવ્યાં. મારા ઘેર બે દીકરા છે. આપણી સાથે જે જે દોસ્તારો ભણતા હતા તે બધા ઠરીઠામ થઈ ગયા છે. તારો સ્વભાવ નરસિંહ મહેતા જેવો છે. વ્યવસ્થિત બૈરું આવશે એ પછી આખી લાઈફ બદલાઈ જશે.’

‘વચ્ચે બે-ત્રણ કન્યાઓ જોયેલી. મને ઠીક લાગેલી.’ નગીનના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી. ‘પણ મોટા ભાઈ ને ભાભીએ કીધું કે આમાંથી એકેય આપણા કુટુંબમાં સેટ થાય એવી નથી એટલે વાત પડી ભાંગી.’

આ ડફોળને કઈ રીતે સમજાવવું ?

‘તારી ઈચ્છા હોય તો હું તપાસ કરું…’ મેં એની સામે જોયું ‘ભાઈ-ભાભીને વચ્ચે લાવ્યા વગર ઘર વસાવી લે એમાં કોઈ તકલીફ ખરી ?’

‘બીજો કોઈ વાંધો નથી પણ બા-બાપા નથી એટલે ભાઈભાભી જ મા-બાપની જગ્યાએ ગણાય એમને તો ખરાબ લાગે… બાકી તો હશે. આવું બધું ચાલ્યા કરે.’

એના ગાલ ઉપર તમાચો મારવાની ઈચ્છા થતી હતી પરંતુ એના અવાજમાં અને ચહેરા ઉપર જે ભોળપણ અને નિર્દોષતા છલકાતી હતી એ જોઈને હું પાછો પડ્યો. આ ભોળિયો નહીં સુધરે.

‘ધંધા-પાણીમાં શું કરે છે ? સવાર સાંજ જમવાનું ?’ મેં વાત બદલી.

‘આમ તો મોટા ભાઈએ ભાગ આપ્યો છે એનું થોડું ઘણું વ્યાજ આવે છે. સિઝનમાં ઘઉં અને કપાસની દલાલી કરું છું. એકલા માણસનો ખર્ચો કેટલો ? તોય ક્યારેય તકલીફ પડે છે.’ એના અવાજમાં નિખાલસતા રણકતી હતી. ‘સવારે ભાખરી-શાક બનાવી નાંખું છું. સાંજે એ ભાખરી દૂધ સાથે. ભાભીએ કોઈ વેરાયટી બનાવી હોય તો કોઈ કોઈ વાર મોકલાવે છે.’

ગાય કૂતરાને નાખવાને બદલે વધ્યું ઘટ્યું ક્યારેક નગીનને મોકલાવી આપે છે. મિત્રોએ નગીનની ભાભી વિશે કહેલી વાત યાદ આવી ગઈ.

‘હવે બોલ, શું કામ હતું ? જરાય સંકોચ ના રાખતો.’

‘ચોમાસું આવે છે, અને આખું છાપરું કાણું છે…’ એના ધીમા અવાજમાં લાચારી વધુ ઘેરી બની. ‘નળિયાં ચળાવવાનાં છે અને ઘરમાં નાનું-મોટું રિપેરિંગ કરાવવાનું છે. આઠસો-નવસો રૂપિયાનો મેળ પડે તો કામ પતી જાય.’

‘મળી જશે…’ મેં એને ધરપત આપી. ‘આટલી રકમ આપવામાં મને કોઈ તકલીફ નથી પણ એક વાત પૂછું ? આવા કામમાં મોટાભાઈ તરીકે વિનોદ મદદ ના કરે ? એની પાસે કેમ નથી માગતો ? આખી ડેલી પચાવીને બેસી ગયો છે.’

‘એક વાર માગેલા અને એ બિચારાને દુકાનની પળોજણ ને હજાર ખર્ચા…’ નગીન ફિક્કું હસ્યો. ‘એની મુશ્કેલીમાં આપણે શા માટે વધારો કરવો ?’

હેં ભગવાન ! આ ભોળિયાને શું કહેવું ? પાકીટ કાઢીને મેં પાંચસો-પાંચસોની બે નોટ એના તરફ લંબાવી. એ લેતી વખતે એના ચહેરા પર જે સંકોચ હતો એ સ્પષ્ટ તરવરતો હતો. ‘વહેલામાં વહેલી તકે પાછા આપી દઈશ.’ એના દબાયેલા અવાજમાં આભારવશતા ભળી. ‘ભરોસો રાખજે.’ ‘કોઈ ઉતાવળ નથી’ મેં એના ખભે હાથ મૂક્યો. ‘મનમાં લગીરેય ભાર ના રાખતો. તને કોઈ તકલીફ ના પડવી જોઈએ. જ્યારે અનુકૂળતા થાય ત્યારે આપજે.’

અમારી વચ્ચેના વ્યવહારમાં થેંક્યુ જેવા શબ્દનું ચલણ નહોતું. એ ચૂપચાપ ઊભો થયો.

‘વહેલામાં વહેલી તકે કન્યા શોધી કાઢ.’ છૂટા પડતી વખતે સલાહ આપી. ‘હજુ સમય છે, પછી બહુ મુશ્કેલી પડશે.’

ચારેક મહિના પછી એ પાછો આવ્યો ત્યારે એની પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય એવું લાગતું નહોતું. કેન્ટિનમાં પહોંચ્યા પછી એણે ખિસ્સામાં હાથ નાખ્યો. સો-સોની પાંચ નોટ મારા તરફ લંબાવી.

‘અત્યારે આટલા રાખ.’ એણે કહ્યું.

‘અરે ગાંડા ! આના માટે ધક્કો ખાધો ?’ મેં હસીને પૂછ્યું.

‘એવું નથી. જોગવાઈ થઈ અને આ બાજુ આવવાનું થયું હતું.’ એને મારી આંખોમાં આંખ પરોવી. ‘ખાસ તો તારી સલાહ લેવાની હતી.’

‘હુકમ કર.’

‘આપણા ક્લાસમાં એક સવિતા હતી. યાદ છે ?’ નગીનનો સવાલ સાંભળીને હું ચમક્યો. સ્મરણમાત્રથી જેનો ચહેરો આંખો સામે તરવરી ઊઠે એવી એ રૂપાળી નહોતી. સાધારણ દેખાવ હતો. ડાબા હાથમાં સહેજ ખોડ હતી એટલે હાથ લગીર વાંકો રહેતો હતો. ‘સવિતા ? સવિતા ઠૂંઠી ?’

‘હા એ જ.’ નગીનના હોઠ મલક્યા. ‘નવી મા છે અને હાથની તકલીફ છે એટલે એ બાપડી કુંવારી રહી ગયેલી. કાલે અચાનક રસ્તામાં મળી ગઈ. મારી સામે હસી. પછી અચાનક પૂછ્યું કે હાથે રોટલા ટીપવામાં મજા આવે છે ? કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું કે તારા જેવી ઘડી આપે તો મજા આવે. મારો જવાબ સાંભળીને એ શરમાઈ ગઈ. પછી ધીમા અવાજે કહ્યું કે કાયમ માટે નિભાવવાની તૈયારી હોય તો ઘેર આવીને માને વાત કરજે… આટલું કહીને એણે મારી સામે એવી રીતે જોયું કે મારા તો અખા શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ…’

આ બધું બોલતી વખતે સવિતાનો ચહેરો આંખ સામે દેખાતો હોય એમ નગીન ખોવાઈ ગયો હતો. ભાનમાં આવીને એણે મારા બંને હાથ એના હાથમાં જકડી લીધા. ‘હવે તું જ કહે મારે વાત કઈ રીતે કરવી. ?’

‘હિંમત કરીને એની મા પાસે જવાનું.’ મેં હસીને સમજાવ્યું. ‘એ માની જાય તો તારે જલસા. એ બાપડી દુઃખી છે અને તારેય આધારની જરૂર છે. બંને એક થશો તો એકબીજાના સથવારે સરસ રીતે જિવાશે.’ ડાબા હાથમાં તકલીફ છે પણ સવિતા સારી છોકરી છે.

‘તું કહે છે એમ એની માને મળવા જઈશ. એને બધી વાત કહીશ. લગ્ન કરવા માટે એ રજા આપી દે તો ઠીક છે. બાકી હરિઇચ્છા… આવું બધું તો ચાલ્યા કરે…’

એણે વિદાય લીધી એ પછી પણ મારા મગજમાં એના વિચારો રમતા રહ્યા. નગીન અને સવિતાના દાંપત્યજીવનનું મીઠું ચિત્ર મારી આંખ સામે રચાતું હતું. એ બંને હાથમાં હાથ પરોવીને ખિલખિલાટ હસી રહ્યાં હતાં.

એ પછીના અઠવાડિયે મારી ગ્રહદશા બદલાઈ. આઠ મહિના માટે ડેપ્યુટેશન પર નાસિક જવાનું થયું. એ આઠ મહિના પછી ફરી અમદાવાદ ઓફિસમાં આવ્યો ત્યારે મનમાં ધારણા હતી કે હવે નગીન સવિતાને લઈને મળવા આવશે.

એક દિવસ એ આવી ચઢ્યો. એના દેદારમાં કોઈ ફરક નહોતો પડ્યો. ફટાફટ પાણીનો ગ્લાસ ખાલી કરીને એણે પાંચસો રૂપિયા મારી તરફ લંબાવ્યા. ‘વચ્ચે એક વાર આવેલો પણ તું નાસિક ગયેલો.’

‘કશો વાંધો નહીં.’ મેં હસીને એના ખભે હાથ મૂક્યો. ‘સવિતા મજામાં છે ને ?’

‘એને શું દુઃખ હોય ? જલસા કરે છે.’

‘ડફોળ ! એને સાથે લાવવી’તી ને ?’

‘એ મારી સાથે કઈ રીતે આવે ?’ એણે આશ્ચર્યથી મારી સામે જોયું. ‘તને કંઈ ખબર નથી ?’ હું ચમક્યો. માથું ધુણાવીને ના પાડી.

‘આપણે વાત થઈ એ પછી હું એની માને મળેલો, સાવ લોભાણી છે એટલે મેં એને ખાતરી આપી કે અમે બંને લગ્ન પછી પણ એનું ધ્યાન રાખીશું. એટલે માંડ માંડ એ માની. એણે હા પાડી એ વખતે સવિતા તો રાજી-રાજી થઈ ગઈ’તી. મેં મોટાભૈને વાત કરી. એમણે પણ હા પાડી.’

‘તો પછી તકલીફ ક્યાં પડી ?’ મારો અવાજ અનાયાસે જ મોટો થઈ ગયો.

‘બન્યું એવું કે એ પછીના અઠવાડિયે ભાભીને ધનુર થઈ ગયું. અહીંની હોસ્પિટલમાં લાવ્યા પણ ચોવીસ કલાકમાં ખેલ ખલાસ ! છ મહિના સુધી તો શોક પાળવો પડે એટલે વાત આગળ ના વધી. એ પછી મોટાભૈ જઈને સવિતાની માને મળ્યો. એ ડોશી તો લોભાણી હતી જ. મોટાએ પૈસાની કંઈક વાત કરી હતી એટલે તરત તૈયાર થઈ ગઈ. ગયા મહિને મોટાભૈ અને સવિતાનાં લગ્ન થઈ ગયાં…’ ઢીલા અવાજે નગીન તદ્દન સાહજિકતાથી બોલતો હતો. ‘મોટા હવેલી જેવા ઘરમાં એ મોટાભૈ જોડે જલસાથી રહે છે. નવી મા સાથે રહીને એ બિચારીએ ચાંગળુંય સુખ નહોતું જોયું ને એક સાથે આખો દરિયો વરસી પડ્યો. સુખી થઈ ગઈ બાપડી… આપણે શું ? ભાખરી-શાક પાક્કા આવડે છે. નસીબમાં આટલું સુખ નહીં હોય. હશે. આ બધું તો ચાલ્યા કરે…’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “વાત નગીનની… – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.