- ReadGujarati.com - http://www.readgujarati.com -

કસોટી પ્રેમની – રેખા વિનોદ પટેલ

(‘ટહુકાનો આકાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

હું એટલે રવિ અને સવી એટલે મારી બાળપણની ભેરુ સવિતા !

અમે બંને એક જ ગામનાં રહેવાસી અને બંનેનાં ફળિયાં જુદાં પણ સવીના ઘરની બાજુની ખાલી જગ્યામાં મારા બાપાએ મકાન બાંધેલું અને ત્યાર પછી અમે બંને ભાઈ અને મા-બાપુ ત્યાં જ રહેવા આવી ગયાં.

જોડે જ રમતાં અને જોડે ભણતાં ક્યારે મોટાં થયાં તેની ખબર ના પડી. એની લાલ રિબન બાંધેલા બે ચોટલા ખેંચતો ખેંચતો ક્યારે હું એના ચોટલાની ગૂંથણીમાં ગૂંથાઈ ગયો તેની ખબર ના પડી. ખબર પડી તો ત્યારે પડી જ્યારે અમારા બંને હૃદય ચોટલાના અવગૂંથનની જેમ ગૂંથાઈ ગયા અને પ્રેમની રંગબેરંગી રિબનમાં અમે સજતા રહ્યા.

હવે તો સવીને જોઈને મારો દિવસ ઊગે અને સવીને જોઈને દિવસ આથમે. અને રાતે પણ સવી તો મારી પાંપણોના ટોડલે આવીને બેસી જતી… અને હું સ્વપ્નવત સવીને પાંપણોને ટોડલે ખિલખિલાટ હસતી-રમતી ટહુકતી જોતી રહેતો.

સવીને મારી અને મને સવીની એટલી આદત પડી હતી એના કારણે હું કોઈ દિવસ મોસાળે ભાઈ અને મા જોડે જતો નહીં.

આમ ને આમ અમારા બંનેની હાઈસ્કૂલ પૂરી થઈ. સવી હાઈસ્કૂલથી આગળ ભણવાની નહોતી, કારણ કે અહીં ગામડામાં છોકરીઓ આટલું ભણે તે બહુ કહેવાતું એ જ કારણસર મેં પણ નક્કી કર્યું કે હાઈસ્કૂલથી આગળ ભણવું નથી અને બીજું કારણ એ હતું કે હાઈસ્કૂલથી આગળ ભણવા માટે શહેરમાં જવું પડે… અને સવીને એકલી મૂકી જવાનું મારું દિલ રાજી ન હતું.

ધીરે-ધીરે ગામમાં બધાને મારા અને સવીના પ્રેમની જાણ થવા લાગી અને અમે સાથે જીવન જીવવાનાં સપનાં જોઈએ છીએ એ ચર્ચા પણ થવા લાગી.

બસ ! એ પછી તો અમારા બંને ઉપર જાણે આભ તૂટી પડ્યું. અમારું સાથે ફરવું મળવું બધું જ અચાનક બંધ થઈ ગયું. દરરોજ મળતા બે જીવો એકબીજા માટે તરસવા લાગ્યા છતાંય લાગ જોઈ ચોરીછૂપીથી મળી લેતા. અંતે અમે નક્કી કર્યું હવે ભાગી જઈશું તો જ આપણે એક છત નીચે જીવી શકીશું… નહીંતર ધરતી અને આભની જેમ એકબીજા માટે તરસતાં રહીશું.

પણ કિસ્મતની બલિહારી કંઈક અલગ ખેલ ખેલતી હતી. જેને મારો ખાસ ભાઈબંધ ગણતો હતો એના જ પેટમાં અમારા પ્રેમની વાત રહી નહીં અને વાત ગામ આખામાં ફેલાઈ ગઈ અને ખાસ કરીને પ્રેમના મામલામાં અને છોકરીઓના ખાનગી જીવનની વાતોમાં ગામ લોકોને બહુ રસ પડે. વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ પંચાયત બોલાવવામાં આવી… જાણે હું અને સવી કોઈ ગુનેગાર હોઈએ એ રીતે, બંને પ્રેમીઓને જીવનભરની જુદાઈસજા ફરમાવવામાં આવી.

અને પંચાયતમાં જાહેર ફરમાન કરવામાં આવ્યું કે જો સવી સાથે રવિનો ખાનગીમાં કે જાહેરમાં કોઈ પણ રીતે સંબંધ ચાલુ રહેશે તો… પંચાયત નિયમ મુજબ ગામ તરફથી રવિના પરિવારને મળતા તમામ હુક્કાપાણી બંધ થઈ જશે અને કોઈ પણ જાતના આર્થિક કે સામાજિક વહેવાર રાખવામાં આવશે નહીં.

વરસોથી ચાલી આવતી પરંપરા સામે બા અને બાપુનું પણ કંઈ ન ચાલ્યું… અને હુક્કાપાણી બંધ થાય તો અમારા પરિવારને ભૂખે મરવાનો વારો આવે. સમાજમાં અમારી પ્રતિષ્ઠા મરી પરવારે… મા-બાપની લાચાર આંખો સામે મારો પ્રેમ એની અક્કડતા દેખાડી ના શક્યો અને અંતે મા-બાપની આંખોનાં લાચારી ભર્યાં આંસુની આગમાં મારા અને સવીના પ્રેમનું બીડું હોમી દેવામાં આવ્યું.

સાવ લગોલગ રહેવા છતાં મારી વ્હાલી સવીને હું ક્યારેક અલપઝલપ જોઈ શકતો હતો, પણ તેની સાથે બોલી શકતો ન હતો. જેને પોતાની જાતથી વધુ ચાહું છું, એની લાચારી પણ હું સમજી શકતો હતો.

ક્યારેક ક્યારેક એની સહેલી સાથે સવી પોતાના હાથે લખેલ પત્રો મોકલતી… પણ પત્ર ખોલું ત્યારે શું વાંચું ?

અક્ષરો પર સવીનાં આંસુની બુંદાબાંદીના ફોરાઓની લથબથ ભીનાશ અને વેદનાઓની ભીનાશે અક્ષરોને પણ વાંચવા લાયક ન રહેવા દીધા હોય… બસ સવીની અકથ્ય વેદનાને સાંત્વન આપવા એના કાગળને છાતીએ લગાડી દેતો હતો. અને જેવો કાગળ છાતીએ લગાડું… મારી આંખોની સરવાણીમાં સવીનો કાગળ ફરી ભીંજાય જતો હતો. એવામાં સવીની સખીએ આવીને ખબર આપ્યા કે સવીનાં લગ્ન ચાર ગામ છેટેના ગામમાં નક્કી થયા છે… અને આજે રાતે સવી તને મળવા આવશે. તારા ઘરના પાછળના ભાગમાં રાતના બાર વાગ્યા પછી…

અંધકારને ચીરતો એક ઓળો રાતની શાંતિ ખલેલ ન થાય એ રીતે લગોલગ આવીને ઊભો રહી ગયો… સવીએ માથેથી શાલ હટાવી… અને સામે મારી વ્હાલીનું મુખારવિંદ પૂનમના ચાંદની જેમ કાળીડિબાંગ રાતમાં ચમકી ઊઠ્યું.

એ જ સવી… મારા જીવથી વ્હાલી… મારા કલેજાનો ટુકડો… મારા સાત જન્મારાની તરસ મને જોઈને હીબકે ચડી… થોડી વાર બસ મને બાથમાં લઈને રડતી જ રહી અને મારી છાતી પર એના ગરમાગરમ આંસુઓનો દરિયો ઊછળવા લાગ્યો.

એના વાંસા પર મારો હાથ સતત ફરતો રહ્યો અને થોડી ધરપત થતાં સવીને બોલવાના હોંશ આવ્યા.

‘રવિ… હું તારા સિવાય કોઈનું પાનેતર પહેરી નહીં શકું. હું લગ્નની વેદી પર જ મારી જાન આપી દઈશ.’

મેં એના ભીના-મુલાયમ હોઠ ઉપર મારો હાથ રાખતાં કહ્યું, ‘સવી, આ જનમમાં હું તારું મોત મારી પહેલાં નહીં જોઈ શકું. એના કરતાં મારું મરી જવું બહેતર છે.’

અને સવીએ એનો હાથ મારા હોઠ પર મૂકી દીધો… પણ ઘરની અને સમાજની લાચારી સામે એને બસ એટલું જ કહી શક્યો.

‘સવી… ભલે આ જનમમાં આપણું મળવું હવે શક્ય નથી લાગતું… બસ તું સુખી રહેજે અને બની શકે તો મને ભૂલી જવાની કોશિશ કરજે.’

પણ સવી… જે મને એની જાતથી વધારે પ્રેમ કરતી હતી. આંસુ લૂછી અને એકદમ સ્વસ્થતા સાથે બોલી, ‘મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. આપણું આ જન્મમાં મળવાનું નક્કી જ છે… અને એ સમય મારો દ્વારકાનો નાથ નક્કી કરશે… પછી કોઈની મજાલ નથી કે એ પળને રોકી શકે. રવિ, આ લગન મારા માટે કોઈ બંધન નથી. એ મારા પ્રેમની પરીક્ષાનો એક ભાગ છે, જે રીતે તું તારા પ્રેમની પરીક્ષા માટે બલિદાન આપી રહ્યો છે.’

અને થોડા દિવસોમાં સવીની જાન ગામમાંથી વાજતેગાજતે વિદાય થઈ. ગામને પાદરેથી જાન વિદાય થઈ. જાણે મારો જીવ એ જાન સાથે જતો હતો એવું લાગતું હતું. ધબૂકા લેતો ઢોલ મારા કાળજાને છૂંદતો હતો. સવીના જવાથી જીવવાનું આકરું લાગતાં ઘરમાં કોઈને કહ્યા વિના જીવન હું સન્યાસના પાઠ ભણવા બે ગામ છેટા હરિહરબાપુના આશ્રમમાં ચાલ્યો ગયો.

હરિહરબાપુનો આશ્રમ એટલે ત્યાં કોઈ સત્સંગ કે ભજન-કીર્તનનું કોઈ ભક્તિમય વાતાવરણના બદલે… ત્યાં તો ચાલતો હતો માનવસેવાનો એકધારો યજ્ઞ… આશ્રમમાં મોટી હૉસ્પિટલ, ગૌશાળા, આયુર્વેદની દવાઓ બનાવવાનું, મફત છાશ કેન્દ્ર અને એક નાનું ગુરુકુળ હતું.

હરિહરબાપુને અમારા ગામ સાથે ખાસ લેણું હતું અને અમારા ગામના લોકોને હરિહરબાપુ પર અખૂટ શ્રદ્ધા હતી. એટલે મને હૉસ્પિટલમાં પંડ્યા સાહેબના મદદનીશ તરીકે નોકરી આપી હતી… અને આશ્રમમાં એક રૂમ આપ્યો રહેવા માટે… તે છતાં હૉસ્પિટલના કામ સિવાય આશ્રમનાં અન્ય કામ હસતા મુખે કરી આપતો હતો, પરિણામે હરિહરબાપુની બહુ નજીકની વ્યક્તિ બની ગયો હતો.

આમને આમ આશ્રમમાં મારાં ચાર વર્ષ ક્યાં વીતી ગયાં એની ખબર ના પડી… સવીની યાદ તો રોજ રાતે એકલો પડું અને નસેનસમાં વ્યાપી જતી… રાતના પડથારમાં ક્યારેક આંટો મારવા જતો ત્યારે હરિહરબાપુ સાદ પાડીને કહેતા કે, ‘બેટા, અનિદ્રાનો રોગ એને જ લાગુ પડે છે જેની આંખમાં કોઈ માણસ જીવતું હોય.’

હું સામે જવાબમાં એટલું જ કહી શકતો… ‘જી બાપુ !’

એટલે બાપુ સામે હસતાં જવાબ વાળતા, ‘એક દિન તેરે તકદીર જાગ જાયેગી, તબ તું આરામ સે સો પાયેગા… ક્રિષ્ના… ક્રિષ્ના… રાધેક્રિષ્ના…’

એક દિવસ સવારે દસ વાગ્યાની આસપાસ એક ઇમરજન્સી કેસ આવ્યો. બાજુના ગામના ચાર-પાંચ લોકો સાવ કૃષકાય અને દયનીય હાલતમાં એક બીમાર સ્ત્રીને લઈને આવ્યા… ઇમરજન્સી કેસ હોય એટલે પંડ્યા સાહેબના વૉર્ડમાં લઈ આવવાનો હોય.

એ લોકોને એ બાઈને વૉર્ડમાં આવવાનું કહ્યું અને હું જરૂરી દવાઓ અને સામાન કાઢવા માટે રવાના થયો… હજુ સામાન લઈને વૉર્ડ પાસે પહોંચ્યો ત્યાં પંડ્યા સાહેબનો અવાજ આવ્યો… ‘રવિ, ગ્લુકોઝનો બાટલો તાત્કાલિક લઈને જલદી આવ. પેશન્ટની હાલત સાવ નાજુક છે.’

ગ્લુકોઝનો બાટલો ચડાવવા માટે બાઈનો હાથ પકડ્યો તો જાણે લોહીનું તો નામોનિશાન જ નહીં. માંડ માંડ કરીને નસ પકડીને સોઈ પરોવી.

જેવી મારી નજર એ બાઈના ચહેરા પર પડી… મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો સામે અંધારાં છવાઈ ગયાં. મારી સવી આવી હાલતમાં ! મરવાની ઘડી ગણે છે… કોણે મારી સવી સાથે પાશવી અત્યાચાર કર્યો હશે…?

જેમ તેમ કરીને મારી જાત સંભાળી અને સાથે આવેલા લોકોને પૂછ્યું, ‘આ બાઈનું સગું કોણ છે ?’

એક જણ સામે આવીને બોલ્યો, ‘સાહેબ, અમારામાંથી કોઈ એનું સગું નથી… અમે એના પાડોસી છીએ… અને પાડોસી હોવાને નાતે અહીંયાં લઈ આવ્યા છીએ…’

મેં પૂછ્યું, ‘આ બાઈનો ઘરવાળો કે એના ઘરનાં કોઈ નથી ?’

એક ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ… દુઃખિયારી બાઈ છે, એનાં સાસુ-સસરા કોઈ નથી, એનો ઘરવાળો છે… એને તો એની ઘરવાળીની કાંઈ જ પડી નથી. ચાર વરસથી આ બાઈ પરણીને આવી છે. એક દી એના ઘરવાળાએ શાંતિથી જંપવા નથી દીધી. સાવ ભોળા કબૂતર જેવી આ બાઈને શંકાના લીધે એના ઘરવાળાએ આવી હાલત કરી નાખી છે…

અમે હૉસ્પિટલ લઈ જવા નીકળ્યા ત્યારે એણે ચોખ્ખું કહી દીધું કે હવે સાજી થાય તોપણ પાછી ના લઈ આવતા. હરિબાપુના આશ્રમમાં એને દઈ આવજો… હું નવું ઘર કરી લઈશ.’

મારા રોમેરોમમાં આગ ફેલાઈ ગઈ અને ગુસ્સામાં મુઠ્ઠી ભિડાઈ ગઈ… ત્યાં સવીના અધ મૃતપ્રાય શરીર ઉપર નજર પડી અને આંખો દુઃખ અને કરુણાથી છલકાઈ ગઈ. સતત પાંચ દિવસ સુધી મેં સવીની ખડે પગે સેવા કરી અને આશ્રમના રસોડા તરફથી તેની માટે ખાસ પૌષ્ટિક જમવાની વ્યવસ્થા કરી… એના ગામના લોકો તો સવીને મૂકીને ચાલ્યા ગયા અને સવીની સંપૂર્ણ જવાબદારી આશ્રમ અને ખાસ હવે મારી ઉપર આવી પડી…

સવી માટેની મારી આટલી ઉતકૃષ્ટ લાગણી જોઈ પંડ્યા સાહેબને કંઈક અજુગતું લાગ્યું અને તેમણે મને આ વિશે વધુ પૂછપરછ કરી, એટલે મેં લાગણી અને દુઃખના આવેશમાં છુપાવેલી બધી હકીકત બયાન કરી દીધી અને મારા જીવનની તમામ પાછલી વાતો કહી… પંડ્યા સાહેબે બે હાથ આકાશ તરફ ઊંચા કરીને કહ્યું… ‘ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી.’

અમારા સહુની મહેનત અને મારા ધોધમાર પ્રેમના કારણે સવીના શરીરમાં હવે જાન આવી હતી… લોકોને ઓળખવાની શક્તિ તો હજુ પણ એની આંખોમાં આવી નહોતી… મેં એનો હાથ પકડીને સવીને કહ્યું… ‘મને ઓળખે છે ?’

કશો પણ પ્રતિભાવ આપ્યા વિના એ મારી સામે ટગર ટગર જોતી રહી… કદાચ મારું ભરાયેલું શરીર અને આશ્રમના શુદ્ધ ખોરાક અને શુદ્ધ વાતાવરણના લીધે મારામાં જે ફેરફાર થયા હતા એના કારણે સવી મને કદાચ ઓળખી ના શકી…

પછી મને વિચાર આવ્યો કે હું સવી જેવો જ કૃષકાય બની જાઉં કે પહેલાં જેવો દૂબળો-પાતળો બની જાઉં તો સવી મને ઓળખી શકશે…?

પછી મને વિચાર આવ્યો કે ‘હું સવી જેવો કૃષકાય થઈ જાઉં એના કરતાં સવીને જ મારા જેવી શા માટે ના બનાવું…’ પંડ્યા સાહેબે મને એના તરફથી બધી છૂટ આપી હતી કે સવીની સારવાર માટે કશી કચાશ ના રહે… આજે આ વાતને ત્રણ મહિના થઈ ગયા…

હવે સવી ચાર વર્ષ પહેલાં લાગતી હતી એવી જ સુંદર લાગતી હતી. એના ચહેરા પર એક અનેરી આભા ખીલતી જતી અને… હા ! એની ખાસ ઓળખાણ… એના ગાલ પરનો એક તલ જે સુકાયેલા ગાલના ખાડામાં ક્યાંક ગુમ થઈ ગયો હતો તે હવે સફેદ ગુલાબી ઝાંયની વચમાં કોઈ કાળા રત્નની જેમ ઝગારા મારતો નીખરી ઊઠ્યો હતો… એની આંખોમાં જૂની પુરાણી અને મારી જાણીતી ચમક પાછી આવી ગઈ હતી… પ્રેમની પીડા હવે એક મજાના અહેસાસમાં લિપટી ને આનંદનો હિસ્સો બનવા તરફ સજી રહી હતી.

હરિહરબાપુએ દરમિયાનગીરી કરીને એના ઘરવાળા સાથે સવીની ફારગતી લખાવી લીધી અને મારા ગામની પંચાયત પાસે મંજૂરીનો કાગળ લખાવી લીધો…

આજે હરિહરબાપુએ સવીનું કન્યાદાન કરીને મારી સાથે ફેરા લેવડાવ્યા અને આશીર્વાદ આપતાં કહ્યું કે… ‘અબ તેરી તકદીર જાગ ગઈ હૈ… અબ તુજે ચેન સે નિંદ આ જાયેગી.’

હું અને સવી જોડાના વેશમાં અમારા આશ્રમમાં આપેલા ઘર તરફ રવાના થયાં.

આંગણામાં પગ મૂકતાં પહેલાં સવીની અને મારી આંખો ચાર થઈ. તેની આંખો અત્યારે પણ કહી રહી હતી જોયું ને ‘આ પળ મારા દ્વારિકાનાથની હાથે લખેલી છે, આજે મારો પ્રેમ જીત્યો છે, પણ મારા પ્રેમ કરતાં પણ ચાર વર્ષથી મારા માટે તારો જે પ્રેમ અકબંધ હતો જેના કારણે મને જીવનદાન મળ્યું છે તે જીત્યો છે…’

સવીએ મારા આંગણામાં પ્રથમ પગલું મૂક્યું ત્યારે જાણે રાધાક્રિષ્નાનો નાદ ગુંજી ઊઠ્યો ઘરમાં !

[કુલ પાન ૨૧૪. કિંમત રૂ. ૧૭૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]