ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘ક્યાં ખોઈ નાખી ?’ લલિતે સહેજ તપીને પૂછ્યું. ‘એમ ખોવાય કેમ ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે ?’

હાંફળીફાંફળી થઈને નિર્મળા પર્સ ફંફોસવા માંડી. સીટી બસની ટિકિટો, દૂધની કૂપન, મોટી બેનનું પોસ્ટકાર્ડ, દવાનાં બિલ, કેટકેટલું નીકળ્યું ? પણ બક્ષીસાહેબે આપેલી ચિઠ્ઠી જ ન નીકળી. ભારે જતનથી સાચવેલી. એના ઉપર તો જોબ મળવાનો આધાર ને ! પાકે પાયે ભલામણ હતી. મજાના પીળા રંગના લેટરપેડ ઉપર મરોડદાર અક્ષરોએ લખાયેલી ચિઠ્ઠી હતી. એને હાથમાં લેતી વખતે સામે ઊભેલી જોબ સાથે હસ્તધનૂન કર્યાનો આનંદ વ્યાપી જતો હતો.

‘પણ હાય હાય, મેં ક્યાં મૂકી દીધી ?’ બૈરક હૃદય ધક ધક થઈ રહ્યું. ‘આમેય લલિત ભારે તેજ મગજનો છે, બાપ રે, ખોવાય તો તો આવી જ બને.’

‘મેં તમને તો સાચવવા નથી આપી ને ?’ એકાએક એને યાદ આવ્યું. એના બોલવાની સાથે જ લલિતે એની ગોઠવેલી આખી સુટકેસ ફેંદી નાખી. ખિજાઈને એ ત્રાડવા જતો હતો ત્યાં જ ઈસ્ત્રીદાર પેન્ટની બેવનમાં ફસાઈ ગયેલું કવર મળી આવ્યું.

‘હું નહોતી કહેતી ?’ નિર્મળા બોલી, ‘હવે લાવો, મારી પાસે જ સાચવીશ.’

નિર્મળાને આપતા પહેલાં લલિતે વળી ગયેલા કવરને બરાબર કર્યું. મમતાથી એની ઉપર ઈસ્ત્રીની જેમ હથેળી ફેરવી. પછી અંદરનો પીળો કાગળ કાઢીને આખી ચિઠ્ઠી ફરી વાંચી : ‘આવેલ ભાઈ લલિતકુમાર મારા અંગત સંબંધી છે. તેઓ જ્યાં જોબ કરે છે ત્યાં સેલરી ટૂંકી છે. તેમનાં પત્ની શ્રીમતી નિર્મળાબહેને સીવણનો ડિપ્લોમા કરેલો છે. તમારે ત્યાં જે જગ્યા ખાલી પડી છે, એને માટે એકદમ યોગ્ય જણાય છે, એમાં એમને નિમણૂંક આપવા વિનંતી છે – મારી ખાસ ભલામણ છે.’

આ ચિઠ્ઠી મેળવવા ખાસ ભાવનગરનો ધક્કો થયો. ટપલથી મંગાવી શકાત. પણ તો બક્ષીસાહેબ ચિઠ્ઠીમાં આટલો આગ્રહ ન ઠાલવી શકત. આ તો ખાસમખાસ ભલામાણ કરી. એક જમાનામાં પપ્પાએ આ જ સનતકુમાર બક્ષીને એમની યુવાનીમાં નોકરી અપાવેલી. પછી આગળ જઈને બક્ષીસાહેબે પોતાના બુદ્ધિબળથી મોટી પદવી હાંસલ કરી હતી. જૂના સંબંધો એ ભૂલ્યા નહોતા. તરત જ ભલામણ-ચિઠ્ઠી ભાર દઈને લખી આપી.

લલિતે કવર નિર્મળાના હાથમાં આપ્યું ત્યારે સહેજ તેલવાળા હાથ હતા એટલે નિર્મળાએ માત્ર બે આંગળીના નખ વડે કવર પકડીને ટેબલ પર મૂક્યું.

તરત જ લલિત ત્રાડ્યો : ‘પણ તને એને સાચવીને મૂકતાં શું થાય છે ?’

‘મૂકું છું હવે !’ નિર્મળા બોલી : ‘આ તો માથામાં તેલ નાખતી હતી ને હાથ તેલવાળા હતા એટલે…’

‘પણ પાછી ભૂલી જઈશ તો ?’ લલિતે કહ્યું.

‘અરે, એમ ભૂલી જતી હોઈશ કંઈ ?’ એ વાળમાં દાંતિયો લસરાવતાં બોલી : ‘તમારા કરતાં વધારે જરૂર મને છે – મને વધારે ચીવટ છે… મને…’ અને વાળની ગૂંચમાં દાંતિયો અટકી ગયો.

‘આવું બોલાય ? મારે વધારે જરૂર છે, એનો અર્થ શું ? લલિતની કમાણીમાંથી ઘરનું પૂરું થતું નથી, એમ ?’ એને લાગ્યું કે લલિતે ચમકીને એના સામે જોયું. પણ પછી હકીકતનો સ્વીકાર કરતો હોય એમ તરત જ નજર વાળી લીધી.

નીકળતી વખતે પણ ફરીવાર ખાતરી માટે પર્સમાં જોઈ લીધું. કવર બરાબર સ્થિતિમાં હતું. માત્ર એક ખૂણે તેલના નાનાં નાનાં બે કાળાં ધાબાં પડી ગયાં હતાં. એણે કાઢીને એના પર જરી ટાલ્કમ પાઉડર છાંટ્યો. ભભરાવ્યો. ડાઘા ઝાંખા થઈ ગયા. કવર પાછું પર્સમાં મૂકી દીધું.

*
ભાવનગરથી ચાવંડ સુધી તો બસમાં એટલી બધી ગિરદી કે ઊભા ઊભા આવવું પડ્યું. બગલમાં લટકતી પર્સ પર કોઈ બ્લેડ ફેરવી દે તેવી પૂરી બીક. હાય બાપ, તો શું થાય ? પૈસા તો ઘોળ્યા ગયા તો, પણ બક્ષીસાહેબની ચિઠ્ઠી પાછી એમ તાત્કાલિક ન મળે. એ તો સવારના પ્લેનમાં જ કોલકતા જવા નીકળી ગયા હશે.

એટલે એણે પર્સ બસની છાજલીમાં ગોઠવી દીધું. અને પછી લલિત સામે જોયું, એ દૂર ઉભો હતો. મોટી સૂટકેસ બે પગ વચ્ચે દબાવી રાખીને ઊભો હતો. ધ્યાન પડતાં જ એ બોલ્યો : ‘તારી પાસે રાખતાં શું થાય છે ?’

હવે પચ્ચાસ માણસોની હાજરી વચ્ચે એને કેમ સમજાવવું કે શું કામે છાજલી પર મૂક્યું ? એણે લલિતને નજરથી ઠપકો આપ્યો. પછી આંખ ચમકાવીને કહ્યું : ‘તમે ફિકર કરો મા. મારું ધ્યાન છે જ.’

લલિતને ખુલાસો પહોંચ્યો નહિ હોય એટલે એ ધૂંધવાઈને આડું જોઈ ગયો. એવામાં નિર્મળાથી ચાર-પાંચ સીટ દૂર જગ્યા થઈ. કોઈએ એને બોલાવી : ‘અહીં બેસી જાઓ, બહેન.’

એ છાજલી પરથી પર્સ લઈને બેસવા જતી ત્યાં બીજા કોઈ બહેન એ જગ્યા પર બેસી ગયા. નિર્મળા ભોંઠી પડીને થંભી ગઈ. પાછું પર્સ છાજલી પર મૂકવા ગઈ તો જોયું કે ત્યાં કોઈ ભાઈએ પોતાની થેલી મૂકી દીધી હતી. હવે પર્સને કમર અને કોણી વચ્ચે બરાબર ઝકડી દીધું. જોકે આમ કરવાથી અંદરની ચિઠ્ઠી ચોળાઈ જાય. ચોળાઈ ગયેલી ચિઠ્ઠી કોઈના હાથમાં આપવાથી કેવું લાગે ? એમ જ લાગે ને કે આ બાઈ સાવ ફૂવડ જેવી છે. છોકરીઓને શું ભણાવશે ?

ઘણી વાર આવાં મામૂલી કારણોને હિસાબે પણ છાપ બગડતી હોય છે. જૉબ હાથથી જાય. એણે લલિત સામે જોયું તો ઊંચો હાથ કરીને બસનો સળિયો પકડીને ઊભો હતો. એના શર્ટની સિલાઈ બાંય પાસેથી ઉતરડાઈ ગઈ હતી.

‘અરે, એક વાર નોકરી મળી જવા દો ને ! પછી એમને શું કરવા આવાં શર્ટ પહેરવા દઉં ?’ એણે પર્સને શરીર સાથે વધારે ભીંસ્યું.

ચેરમેનસાહેબ ઘણા સારા માણસ લાગ્યા. ત્રીજા માળના એમના ફ્લૅટ ઉપર લલિત-નિર્મળા હાંફતાં હાંફતાં પહોંચ્યાં અને ચિઠ્ઠી ધરી કે તરત જ કામવાળી બાઈ પાસે પાણીના ગ્લાસ મંગાવ્યા અને કહ્યું : ‘બેસો.’

‘કોની બક્ષીની ચિઠ્ઠી છે ?’ કવર પરથી સમજી જઈને એ બોલ્યા : ‘ખાસ ભલામણ લાગે છે.’ વળી ચિઠ્ઠી ઉઘાડીને એક સરકારી નજર નાખીને કહ્યું : ‘?’

લલિત- નિર્મળા આશાભરેલી આંખે એમને જોઈ રહ્યાં. ચેરમેને ચિઠ્ઠી વાંચી પાછી બેવડી કરી ગડી વાળી. ચોવડી કરી. આ બધું વાત કરતાં કરતાં જ. ‘બીજા ઘણાં ઉમેદવારો છે. પણ બક્ષીની ભલામણ છે એટલે જોઈશું.’ એમ બોલ્યા. વાત કરતાં કરતાં ચિઠ્ઠીને વાળી વાળીને એમણે પાતળી પટી કેવી કરી નાખી. ને વળી બોલ્યા : ‘કોશિશ કરીશ. જે હશે એ સમાચાર ઘેર બેઠા પહોંચી જશે.’

બંને ઊભાં થયાં. બારણા સુધી આવીને લલિતે ચેરમેન તરફ જોઈને ‘આવજો’ કર્યું. બહાર નીકળ્યાં કે તરત જ દરવાજો દેવાઈ ગયો.

‘તમને શું લાગે છે ?’ નિર્મળાએ બહાર નીકળીને લલિતની આંખમાં આંખ પરોવીને પૂછ્યું : ‘થઈ જશે ને ?’

‘મોટા માણસો કદી બંધાય તો નહીં જ.’ લલિતે એને સમજાવ્યુ : ‘કોશિશ કરીશ એમ કહે એટલે જ સમજી લેવું કે થઈ ગયું. શું સમજી ? તું જોજે ને…’

‘તમે વધારે જાણો.’ એ બોલી, ‘મેં તો માતાજીને ઘીના દીવા માન્યા છે. એથી વધારે કાંઈ… ના જાણું.’

‘એ તો બરાબર, બાકી…’ લલિત બોલ્યો : ‘બક્ષી સાહેબની ચિઠ્ઠીનું વજન પડશે જ પડશે.’ ફ્લૅટના છેલ્લા પગથિયેથી પછી એમણે બહાર રસ્તા પર પગ મૂક્યો. ત્યાં એમના પગ પાસેના કંઈક રંગીન કાગળના ડુચ્ચા જેવું આવીને પડ્યું. લલિતનું ધ્યાન ગયું કે તરત એણે નીચા નમીને ઉપાડી લીધું.

બીજું કંઈ નહોતું. બક્ષીસાહેબે લખી આપેલી, અને પોતે જીવની જેમ સાચવીને લાવેલા તે ચિઠ્ઠીનો ડુચ્ચો હતો. ચેરમેને બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. લલિતના મનમાં એકાએક ‘ખાસ ભલામણ’ શબ્દનો અને ‘વજન’નો અર્થ ઊગીને ઝાડ થઈ ગયો.

નિર્મળાએ પૂછ્યું : ‘શું છે એ?’

લલિતે મંદ સ્વરે કહ્યું : ‘કંઈ નહીં… એ તો – કાગળનો ડુચ્ચો.’

– રજનીકુમાર પંડ્યા

સંપર્ક : બી-૩, જી.એફ.-૧૧, આકાંક્ષા ફ્લેટ્‍સ, જયમાલા ચોક, મણિનગર-ઈસનપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૦)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કસોટી પ્રેમની – રેખા વિનોદ પટેલ
વાતચીતની કુનેહ – વનરાજ માલવી Next »   

6 પ્રતિભાવો : ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સરસ વાર્તા આપી. ખરેખર તો માણસે તેની તાકાત અને લાયકાતના જોરે કામ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાની ભલામણ ઉપર મદાર રાખવાથી મોટે ભાગે લલિતની જેમ નિરાશ થવાની શક્યતાઓ જ હોય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. મનસુખલાલ ગાંધી says:

  સુંદર વાર્તા….

 3. neha shah says:

  ખુબ સરસ્…..મને બહુ જ ગમી આ વર્તા….

 4. SHARAD says:

  siddhahast vartakar na srjanma navinta hovama koi navai nathi

 5. sanjay goti says:

  સુંંદર વાર્તા

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.