વાતચીતની કુનેહ – વનરાજ માલવી

(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

(૧) મૌનના બળનો ઉપયોગ કેમ થાય ?

એમ માનો કે તમે કોઈક ઠેકાણે વાટાઘાટ કરવા જાઓ છો. તમે સામેની વ્યક્તિ આગળ એક પ્રસ્તાવ મૂકો છો. તે વ્યક્તિ તમારી વાત સાંભળી લે છે. પરંતુ એકે હરફ બોલતી નથી.

એટલે ત્યાં ચૂપકીદીનું, મૌનનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યારે તમારા મનની સ્થિતિ કેવી થાય છે ? તમને થઈ જાય છે : ‘લાવ, હું કંઈક બોલી નાખું.’ એ વૃત્તિ એટલી સળવળ થઈ આવે છે કે તમે ‘કંઈક’ બોલી નાખો છો. કારણ ? એ મૌનનો ગાળો તમારાથી સહ્યો જતો નથી. તમે બેચેન થઈ જાઓ છો, અકળાઈ જાઓ છો. પરિણામે તમે કંઈક બિનજરૂરી બોલી નાખો છો. હકીકતમાં, તે બોલવાની આવશ્યકતા હોતી નથી. છતાં એ મૌનના ગાળાને જેર કરવા તમારું મન તલપાપડ થઈ જાય છે. એટલે તમે તમારા પરનો સંયમ ખોઈ બેસો છો. એ તબક્કે, જે કહેવાની હકીકતમાં જરૂર હોતી નથી તેના ઉદ્ગાર તમારા મોંમાંથી સરી પડે છે.

કારણ શું ? મૌનને ‘સાંભળવાનું’ મોટા ભાગના લોકો માટે અસહ્ય નીવડે છે. વાતચીતમાં સહેજ મૌનનો ગાળો આવી પડે તો તે કોઈને રુચતું નથી.

ખરી વાત એ છે કે જેમ શબ્દ બળવાન છે તેમ મૌન પણ બળવાન છે. અસરકારક વાતચીતમાં શબ્દોનો ફાળો હોય છે. તો મૌનનુંય મહત્વ કમ હોતું નથી. એનો પણ તમે તમારા હિતમાં ઉપયોગ કરી શકો છો. અસંખ્ય લોકો તેમ કરવામાં નિષ્ફળ જાય છે, કારણ કે તેમને એનાં કારણોનો ખ્યાલ હોતો નથી. એની અનિવાર્યતા, વાસ્તવિકતા સમજવા પામતા નથી. પણ મૌનનો એ થોડી સેકંડનો ગાળો ઘણી ઊથલપાથલ કરી નાખે છે. તે દરમિયાન કંઈક વિચિત્ર લાગણી થાય છે. તેથી કેટલુંક અણકલ્પ્યું બની જતું હોય છે.

થોમસ આલ્વા એડિસને એક શોધ કરી હતી. તેઓ એના પેટન્ટ હકો વેચી નાખવા માગતા હતા. એક ઉત્પાદક કંપનીને જાણ થતાં તેમણે તૈયારી બતાવી.

એડિસનને દ્વિધા થઈ. આ હક આપવા બદલ તેની શી રકમ માંગવી ? ઘણી ગડમથલ અનુભવી. તેમણે કંપનીના વરિષ્ઠ અધિકારી સાથે એક બેઠક ગોઠવી. ઔપચારિક વાતો થઈ. બાદ રકમનો પ્રશ્ન આવતાં તેમણે ‘વિચાર કરવા’ દસપંદર દિવસનો ઠરાવ પાડ્યો.

દરમિયાન તેમણે રકમ અંગે પોતાની પત્નીની સલાહ માંગી. પત્નીએ કહ્યું : ‘વીસ હજાર ડોલર માંગો.’

એડિસનને એ રકમ બહુ મોટી લાગી. તેમણે કહ્યું : ‘એટલી મોટી રકમ તે કોઈ આપતું હશે ? મને નથી લાગતું કે એ રકમે સોદો પાર પડે.’

દસ દહાડે ફરી બેઠક યોજાઈ. એડિસનના મનમાં વીસ હજારનો આંકડો ઘોળાયા કર્યો હતો. પણ મનમાં આ રકમ વિશે તેમને ઘણો સંદેહ હતો.

ઉપલક વાત થયા બાદ, વરિષ્ઠ અધિકારીએ પૂછ્યું : ‘તો તમે કેટલી રકમની ગણતરી રાખો છો ?’

એડિસન ‘વીસ હજાર’ કહેવા માંગતા હતા. પણ તેમની જીભ ન ઊપડી. ‘આટલી ભારે રકમ કહેવાય ખરી ?’ એવા વસવસાનો અંત આવતો નહોતો. વીસ હજારનો આંકડો ગળામાં ભેરવાઈ ગયો. તેઓ ચૂપ રહ્યા.

એડિસનના મૌનથી અધિકારી સાહેબ બેચેન થઈ ગયા. તેમના કાન એડિસન પાસેથી કંઈક સાંભળવા અત્યંત શરવા બન્યા.

પણ એડિસન હજી વિમાસણમાં હતા. ‘વીસ હજાર કહું કે ન કહું ?!’ એટલે તેઓ કંઈ ન બોલ્યા.

આ મૌનનો ગાળો અધિકારી માટે અસહ્ય થઈ પડ્યો. કોઈક રીતે આ શાંતિનો, આ મૌનનો ભંગ કરવા તેઓ વ્યથિત બન્યા. તેમનાથી રહેવાયું નહિ. એ અકળામણમાં તેમનાથી ‘કંઈક’ બોલાઈ ગયું ! શું કહ્યું તેમણે ?

કહ્યું : ‘કેમ લાગે છે ? એક લાખ ડોલર ! શું કહો છો ?’

હા, આ મૌનથી એડિસનને ફાયદો થયો ખરો. પણ અધિકારી જે કંપનીનું પ્રતિનિધિત્વ કરતા હતા તેને નુકસાન પહોંચ્યું. કારણ કે આ ચુપકીદીના ગાળા દરમિયાન પોતાની જાત પરનો સંયમ ગુમાવી દીધો હતો.

ઘણી વાર આવું બનવા પામે છે. કારણ કે, મૌનની વાણીને લોકો ‘સાંભળી’ શકતા નથી. તેનો અર્થ શો થાય છે તે એમની સમજ બહાર હોય છે. તેથી, એના બોજામાંથી ઊગરવા સારુ પોતે ‘કંઈક’ કહી નાખે છે.

એ વાત ખરી કે આપણે દરેક બાબતનો ઉકેલ લાવવા માંગીએ છીએ. કોઈ પ્રશ્ન મૂંઝવે એ કરતાં તેનો ઈલાજ થઈ જાય એવું ઝંખીએ છીએ, પણ આવા મૌનગાળા પ્રસંગે થોડો સંયમ ન કેળવી શકીએ તો અંગત હિતની વિરુદ્ધ વરતીએ છીએ.

હું કંઈક પ્રસ્તાવ મૂકું કે સૂચન કરું, તે વેળા સામો માણસ ઉત્તર ન વાળે, તે ચૂપ રહે તો તે અંગે આ ત્રણમાંનું ગમે તે કારણ હોઈ શકે :
૧. મેં જે કહ્યું હોય તે સમજવા માટે તે પોતાનું મગજ કસી રહ્યો હોય.
૨. મેં જે કહ્યું એમાંનું તે કશું જ સમજ્યો ન હોય.
૩. મારા કથન પ્રત્યે તે નકારભાવ અનુભવતો હોય.

એ સંજોગોમાં કેવો જવાબ આપવો, કયા શબ્દોમાં આપવો તેની એને વિમાસણ થતી હોય.
તો મારી આવી ચુપકીદીની પળે વરતવા અંગે એક ભલામણ છે :
આવો મૌનનો ગાળો તમને અનંતકાળ જેવો ભાસે તોપણ તમે જાત પરનો સંયમ ગુમાવશો નહિ.

બીજા શબ્દોમાં કહું તો તમે ‘મૌનની વાણી’ સાંભળવાની સૂઝ કેળવો. સારા વાતચીતકાર થવા માટે એ બહુ જરૂરી છે.

અગાઉ જોઈ ગયા તેમ, તમારી વાત સામેની વ્યક્તિ સમજી ન હોય તો એ ચૂપ રહેશે. ભલે એ ચૂપ રહેતી. એ કહી શકે કે, ‘તમે શું કહ્યું છે કે તે હું સમજ્યો નથી.’ એમ કહેવાનો તેને અવકાશ આપો. તેને તમારા મુદ્દામાં ગૂંચવણ લાગી હોય તો તેની સ્પષ્ટતા માંગવા માટે પૂરતો સમય જવા દો. કદાચ તે તમારી વાત સામે ઉઘાડો પ્રતિભાવ પાડવા માંગતી હોય તો તેને કહેવાની પણ તક આપો. એ જો તેમ કરી શકે અને તો જ તમે એનો જવાબ પણ વાળી શકો. તે રીતે એનું મન કદાચ પલટી શકો. પણ એ મૌનનો ગાળો તમારે સાચવી લેવો પડે. એમાં તમારે ધીરજ રાખવી પડે.

આ કુશળતા મેં સ્વ. જ્યોતીન્દ્ર દવેમાં જોઈ છે. તેમનું નામ હાસ્ય સાથે સંકળાયેલું, એટલે તેઓ બોલવા ઊભા થાય – હજી તો કશું બોલતાય નથી – ત્યાં તો લોકો હસવા મંડી પડે છે. બીજો વક્તા એ પરિસ્થિતિમાં આકળો થઈ જાય. પણ જ્યોતીન્દ્ર જેનું નામ ! એ હાસ્યના પડઘા પૂરેપૂરા મંદ પડે નહિ ત્યાં લગી તેઓ શાંત અને સ્વસ્થ ઊભા રહે. તે પછી જ કંઈક રમૂજ કરે… અને પછી પાછો હાસ્યનો વંટોળ પ્રસરી જાય. પણ તે શમે નહિ ત્યાં લગી બીજું કંઈ કહેવાની જરા સરખી ઉતાવળ કરે નહિ. ‘અ-કથન’ના ગાળાથી તેઓ જરાય અકળાતા નહિ.

વરસો પરની વાત છે. આજે ભાડૂત ગરજાઉ છે; પણ એક સમય એવો હતો કે ઘરધણી ગરજાઉ હતો. ભાડૂત કેટલીક વાર ભાડાની રકમ કસી શકતા, અથવા ઘર કે ઓફિસમાં અમુક સગવડો પણ માંગી શકતા. આજે કોઈ માની શકે નહિ, પણ એક સમયે મુંબઈ જેવા શહેરમાં કેટલાંય મકાન પર ‘ભાડે આપવાનું છે’ એવાં બોર્ડ પણ લટકતાં. એ જમાનાની વાત કરું છું.

એક ઓફિસમાં બારીના કાચમાં કોઈક કારણસર તરડ પડી. ભાડૂતે ઘરધણીને ફરિયાદ કરી : ‘આ બારી સરખી કરાવી આપો. નવો કાચ મઢાવી દો. મને આવો ભાંગેલો કાચ નહિ ચાલે.’

ફરિયાદ સાંભળીને ઘરધણી તે જોવા આવ્યો. તેણે ઉકેલ કર્યો : ‘આ કાચ પર સેલોટેપ કે કાગળની પટ્ટી લગાવી ચિટકાવી દઈએ તો હરકત નહિ આવે.’

પણ ભાડૂત કશું બોલ્યો નહિ.

તેથી ઘરધણી અકળાયો. તેનાથી સહન ન થયું. પૂછ્યું : ‘તો તમે શું કરવા માંગો છો ?’

કોઈ જવાબ નહિ. પૂરી ચુપકીદી.

ઘરધણી : ‘તો તમે એમ કહેવા માંગો છો કે મારે નવો કાચ નંખાવી આપવો ?’

ભાડૂત ચૂપ.

ઘરધણી : ‘એમાં મને ચાળીસ રૂપિયાનો ખર્ચ છે તે શું મારે વહોરી લેવો ?’

ભાડૂત કશું બોલ્યો નહિ. માત્ર હળવું સ્મિત; બીજું કશું નહિ.

પરિણામ ? અઠવાડિયા બાદ એ બારીમાં નવો કાચ જડાઈ ગયો !

આ કિસ્સામાં બન્યું તેમ, મોટા ભાગના લોકો ભાડૂતની માફક ચૂપ નહિ રહી શકે. પણ ભાડૂતે ‘મૌનની વાણી’ બરાબર સાંભળી હતી. તેણે કોઈ પણ દલીલ કર્યા વિના બાજીને પોતાની તરફેણમાં ફેરવી નાખી હતી. (કદાચ દલીલમાં ઊતર્યો હોત તો ઘરધણીએ એની તરફેણમાં પગલું ભર્યું ન હોત.) પણ તેની ચુપકીદીએ ઘરધણીને અકળામણની સ્થિતિમાં મૂકી દીધા. તે એટલો બેચેન થઈ ગયો કે જાત પરનો કાબૂ ગુમાવી બેઠો. મૌનનો ભંગ કરવાની જવાબદારી પોતાના પર વહોરી લીધી. તો ભાડૂતે મૌનના શસ્ત્રનો બરાબર ઉપયોગ કર્યો. તે બોલ્યો જ નહિ : ‘હા, હા, એ બારી તમારે જ કરાવવી જોઈએ’ કે ‘બીજો ઘરધણી કરાવી જ આપે છે’ કે ‘આવી ભાંગેલા કાચવાળી બારી હું નહિ ચલાવી લઉં’ ગમે તે. એ રીતે, સામસામી દલીલો ફેંકવાનો પ્રસંગ આવી પડત. કદાચ તે નાકનો સવાલ બની જાત. એવું બને તો બંને વચ્ચે કડવાશ થશે, અને ભાડૂત કદાચ પોતાનું ધાર્યું ન જ મેળવી શકત.

ઘણી વાર, નીચલું જડબું હલાવવાથી વેગળા રહો તો તમે ન ધાર્યું હોય એવું પરિણામ હાંસલ કરવાનું સરળ બને છે.

(૨) આનાકાની વેળા શું કરશો ?
કોઈક માણસને તમને વાત કહેવી છે; પણ તેના ચહેરા પરથી તમને સમજાય છે : એના મનમાં કશી ગડમથલ ચાલી રહી છે. વાત કહું કે ન કહું તેનો એ નિર્ણય કરી શકતો નથી. એવું એને થાય એ દેખીતું છે. પોતે જે કહે તેના પરિણામ અંગે શંકાકુશંકા સેવતો હોય.

એ માટે એક તરકીબ છે. તમે સામા માણસને જે ન કહેવું હોય તે છાનું રાખવાની રજા આપો; તેને જે કહેવું હોય તે અને તેટલું જ કહેવા માટે સ્વતંત્રતા બક્ષો.

એમ માનો કે કોઈ વ્યક્તિ તમને મળવા આવે છે. આ તમારી સાથે પહેલી જ મુલાકાત છે. એના ચહેરા પર તમે આનાકાનીનો ભાવ વાંચી લો છો. તે પોતાનો પ્રશ્ન લઈને આવ્યો છે. પણ ચર્ચામાં ઊતરવામાં બેચેની લાગે છે.

તો તમે કહો : ‘આ આપણી પહેલી મુલાકાત છે. તમારી મૂંઝવણ હું સમજી શકું છું. તમારા પ્રશ્નની જે વાત કહેવા જેવી લાગે તેટલી જ મને કહો. તમને કેટલીક બાબત કહેવાપાત્ર ન લાગતી હોય તો ભલે. એ મને કહેવાની કોઈ જરૂર નથી. એની કોઈ હરકત નથી. જે કહેવામાં સંકોચ કે દુઃખ થાય તેમ હોય તે મારે જાણવી નથી. પણ જે વાત તમને સહજપણે, વિનાક્ષોભે કહેવાની ઈચ્છા થાય તે બેશક કહી નાખો. ફરી કહું છું : જે કહેવા જેવું ન લાગે તે ન જ કહેશો. પણ બાકીનું તમે કોઈ છોછ વિના કહેવા ઈચ્છો તે જ કહો. શું કહેવું ને શું ન કહેવું તે માટે તમે પૂરેપૂરા મુખત્યાર છો.’

આટલી ખાતરી મળશે એટલે એ વ્યક્તિને થોડી શ્રદ્ધા થશે; તે વાતમાં ઊતરવા તૈયારી બતાવશે. તે વાતનો આરંભ કરશે… અને, પા અડધા કલાકે કદાચ તે એમ પણ તમને કહેશે : ‘આમ તો મેં તમને કહેવા જેવું કહી દીધું છે… અને કેટલુંક ન કહેવા જેવું પણ કહી દીધું છે.’ અને, તે એમ કહે તે સાચું જ હોવાનો સંભવ છે. વાત કરતી વેળા દરેક મુદ્દા વેળા તેના મનમાં થશે : ‘આ વાત કહું કે ન કહું ? આ મારે કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ ? આ બાબત ન કહેવાની મને રજા છે; હું તે માટે પૂરતો સ્વતંત્ર છું. ન કહું તોય ચાલે, પણા કહેવામાં હરકત શી છે ? ભલે કહી નાખું ત્યારે !’ વાત કહું કે ન કહું તેની ગડમથલમાં ઘણાખરા કિસ્સામાં, કહી નાખવાની તરફેણમાં જ નિર્ણય કરશે. અમુક વાત કહેવાનું તેમને ઢીલમાં નાખી દેવા વલણ થશે – પણ ‘ઢીલ’નો અર્થ વાતચીતની ઊતરતાં બદલાઈ જશે !

મેં જે નમૂનો, તમારા મોંથી કહેવાતો અગાઉ દર્શાવ્યો છે તેને સહેજ ઝીણવટથી તપાસી જુઓ. એમાંના પાંચછ વાક્યો દ્વારા ‘મને કહો’ એવો સૂર વ્યક્ત થાય છે ! અર્થાત્, તમે એને એક પક્ષે કહી દેવા માટે સૂચન કરો છો, તો બીજે પક્ષે ‘તમારે કહેવા જેવું ન લાગે તે ન જ કહેશો’ એવી સ્વતંત્રતા આપો છો. આમ કરવાથી તેના મનનો વસવસો મંદ પડી જશે. બલ્કે, જ્ઞાત મનમાં ન કહેવા જેવું તે ટાળવા માંગતો હશે તે પણ, એની વાતમાં અજ્ઞાતપણે વણાતું રહેશે.
*
જ્યારે માણસ તમારી સમક્ષ મોં ખોલવા તૈયાર ન હોય તો, પૂર્વોક્ત કથનમાં ઘટતો ફેરફાર કરી શકો : ‘તમારે જે ન કહેવું હોય તે કહેવું એવો મારો કોઈ આગ્રહ નથી. તમારી પાસે મારી કોઈ અપેક્ષા નથી. મારી ઈચ્છા પણ નથી. પણ વિનાસંકોચે, વિનાક્ષોભે જે કહેવાની તમને ઈચ્છા થાય તે તમે બેધડક કહી શકો છો. તમારી પરિસ્થિતિ વિશે મારે જે જાણવું જરૂરી છે એટલું કહેશો તો તે મારે માટે પૂરતું છે !’ આટલું કહી શકો તો તેને તમારામાં વિશ્વાસ પેદા થાય છે. કારણ કે, એની પાસે યેનકેન પ્રકારે વાત કઢાવી લેવાની કોઈ વૃત્તિ તમે બતાવતા નથી.

આવાં વિધાન શા માટે કામયાબ નીવડતાં હોય છે ? એનો ખ્યાલ તમે નીચેનાં કથનોને સહેજ ઝીણવટથી તપાસશો એટલે આવશે.

સામાન્ય રીતે માબાપ પોતાનાં બાળકોને આ પ્રમાણે ‘નકારાત્મક’ રીતે સૂચન કરતાં હોય છે.
– બચુ, એ મોંમાં ન મૂક !
– શીલુ, એ રીતે મારી સાથે વાત ન કર !
– ગટુ, એમ રસ્તે દોડાદોડ ન કર; તું રિક્ષા સાથે અથડાઈ પડશે.

આવાં નકારાત્મક સૂચન કરવાને બદલે, તમારી જરૂરિયાતો કે માંગણી હકાર રૂપમાં રજૂ કરો તો ?
– બચુ, એ મોંમાંથી બહાર કાઢી નાખ તો, ભઈલા !
– શીલુ, તું સારી ભાષામાં મારી સાથે વાત કરશે તો મને ઘણું ગમશે.
– ગટુ, તું ઓટલા પર કે વરંડા પર રમ, જેથી મોટર-રિક્ષા તને અથડાઈ ન પડે.

તમે સ્પષ્ટપણે, પણ હકારાત્મક રીતે તમારું કથન કહો ત્યારે એમાંના સૂચનનું બળ ઠીક ઠીક કામયાબ નીવડે છે.

(૩) અનિર્ણાયકતાની સ્થિતિ કેમ ટાળશો ?
કેટલાય માણસોની પ્રકૃતિ એવી હોય છે કે તરત નિર્ણય કરી શકતા નથી. બલ્કે, નિર્ણય કરવાની વાત આવે કે એક ઠેલો મારી આપે છે. તેનો સૂર હોય છે : ‘હવે પછી વાત.’ હરવખતે નવો ઠરાવ પાડે છે.

તો આવી વ્યક્તિ સાથે કેમ પાર પાડવું ? એ માટે શું શું શક્ય છે ? તેની બેચાર રીતો જોઈએ.
૧. કદાચ એવું બને, તેને હજી તમારા પ્રસ્તાવ અંગે વિરોધ હોય એટલા ખાતર ઠેલણબાજીનો આશરો લેતો હોય. તો એ વેળા તેના મનની વાત સ્પષ્ટપણે તરી આવે એ દિશામાં તમારા પ્રયત્નો હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહું તો, એના વિરોધનો સ્વીકાર કરી લો; અને, તે પછી શું કરવું તે નિર્ણય લેવાનું ગોઠવો.

તમે : તો તમને મારો આ વિચાર કેમ લાગે છે ?
તે : હજી, હું એ બાબતમાં નક્કી કરી શક્યો નથી.
તમે : એટલે કે, તમે એના પર વધુ વિચાર કરવા ઈચ્છો છો ?
તે : હા, એમ જ છે.

તમે : તે સારું છે. આ મહત્વની બાબત છે. એટલે તે અંગે તમે લાંબો વિચાર કરવા માંગો છો તે મને ગમ્યું. તો, આપણે હાલની પરિસ્થિતિ અંગે ટૂંકમાં ફરી વાર અવલોકન કરી લઈએ. જે મુદ્દા અંગે સહમત થઈ ચૂક્યા છીએ તે તપાસી લઈએ, એટલે કે, આપણી વાતચીતમાંથી ઊપસેલા એક પછી એક મુદ્દા હું લેતો રહું… એ અંગે તમારું, જે મંતવ્ય હોય તે મને કહેશો… તમને એ અંગે હરકત હોય તો મને તરત જ અટકાવી દેશો; જેથી ચોક્કસ નિર્ણય લેવામાં તમને મદદ થાય.

આ પ્રમાણે સામી વ્યક્તિ પાસેથી, કયા કયા મુદ્દા વિરોધપાત્ર છે તે સમજવાનો પ્રયત્ન કરો. તે સારુ મૂળ મુદ્દા કયા છે તે તરફ એનું ધ્યાન દોરશો. સહમત થયેલા મુદ્દાઓ પરત્વે એમનું ખાસ લક્ષ ખેંચાય તે રીતે રજૂઆત કરજો. આમ કરવાથી, નિર્ણય કરવા માટે એને સાનુકૂળ સંજોગો તમે ઊભા કરી આપો છો. એના મનમાં ઘણી બાબતો અંગે ધૂંધળા ખ્યાલો હોવાના, પણ તેનો સ્પષ્ટપણે ખ્યાલ કરવા તમે એને પ્રેરો છો.

એ વેળા, સાથોસાથ, નીચે દર્શાવ્યા છે તે પ્રકારનાં સૂચનોનો પણ તમે વાતવાતમાં સમાવેશ કરતા રહેજો. એ કારણે, તમે નિર્ણય કરવામાં સહાયરૂપ થાઓ છો એવી પણ છાપ પડશે.
– આ બાબત બહુ કાળજી માંગી લે તેવી છે, તો તમે એ રીતે વિચારશો.
– હું ઈચ્છું છું કે તમે પોતે શક્ય એટલો ઉત્તમ નિર્ણય લો.
– આ બાબત તમારા ધ્યાન બહાર હોય એમ હું ગણતો નથી. તમે એમાં થોડું વધારે ધ્યાન આપશો એમ મારી વિનંતી છે.

એટલું કહી રહો તે પછી બીજું પગલું છે : તમે જે રજૂઆત કરી હોય તેના મહત્વના અને મુખ્ય મુદ્દાઓ એક પછી એક રજૂ કરતા જાઓ. તે પ્રત્યે એમનો શો ખ્યાલ છે તે પૂછતા રહો. ‘આ અંગે તમને કોઈ પ્રશ્ન છે ?’ ‘આ સ્પષ્ટ છે કે તે બાબતમાં તમને જાણવામાં રસ છે ?’ આવી પૂછપરછનો હેતુ એ છે કે સામી વ્યક્તિના મનમાં જે શંકાઓ હોય તેનું સમાધાન કરતા જાઓ. તેની સ્પષ્ટતા થતી રહે એ મહત્વનું છે. તેટલું તમે ન કરો તો, તમારી મદદ લીધા વિના જ, તમારી જાણ બહાર પોતાનો નકારાત્મક નિર્ણય કરી નાખશે.

ઉપર જોઈ ગયા તે તરકીબને લીધે તમે સામા માણસના મનમાં પરિસ્થિતિ વિશે સ્પષ્ટ ચિત્ર ઉપસાવો છો. એના મનમાં જ્યાં સુધી અસ્પષ્ટતા હોય ત્યાં લગી તે તમને ચોક્કસ જવાબ નહિ આપે. તેથી તમને નહિ તો ના કહી શકશે કે નહિ તો હા. એક વાર હા કે ના મળી જાય તો કયો રાહ અપનાવવો તે તમે નક્કી કરી શકો.

૨. કેટલીક વાર લોકો, કોઈ જ કારણ વિના, નિર્ણય લેવામાં ઢીલ કરતા હોય છે. તો શું કરવું ? તમારાથી શક્ય એટલા બીજા ઈલાજો અજમાવો. તે પણ કામયાબ ન નીવડે તો છેલ્લા દાવ તરીકે આ તરકીબની હું ભલામણ કરું છું. એ દ્વારા તમે એને એક નક્કર અને નગ્ન સત્યથી સભાન કરો છો. તમે એને આવી મતલબનું કંઈક કહો છો : અત્યારે આ વાત ઢીલમાં પાડી દેવી એનો અર્થ એ કે આ પ્રસ્તાવ પર કોઈ જ પગલું ભરાવાનું નથી. એ સંવાદ કેવો આકાર લેશે તે નમૂના તરીકે જોઈએ.

તેઓ : એમ કરો. તમે મને થોડા વખત પછી પાછા મળો. (આ કથન તમને અગાઉ ચારપાંચ વાર કહેવાઈ ચૂક્યું છે.) અત્યારે આના પર વિચાર કરવાનો મને સમય નથી.
તમે : તમે આ પ્રસ્તાવ પર પુખ્ત વિચારણા કરવા માંગો છો એ ખરેખર સારું છે. પણ હું તમને છેલ્લી કેટલીક વાર મળ્યો છું ત્યારેય આ જ વાત થઈ છે. પરિસ્થિતિ તો અગાઉ હતી તે જ આજેય છે – એમાં કોઈ ફેર પડ્યો હોય એમ મને લાગતું નથી… તો, એક વાત કહું ? નિખાલસપણે… મારા અનુભવ મુજબ, જ્યારે કોઈ બાબત પર વારંવાર નિર્ણય લેવાનું ઠેલાયા કરે છે ત્યારે એ અંગેની ગંભીરતા મંદ પદી જાય છે. કેટલાક લોકો આવા વિચાર અંગે કંઈ પણ ચોક્કસ પગલું ભરવાની આનાકાની કરે છે, ત્યારે એનું પરિણામ શું આવે છે ? તેઓ કોઈ કશું જ પગલું ભરી શકતા નથી… અને તેમને જે ફાયદો થવો જોઈએ તેનાથી વેગળા રહે છે. હું તમારી પાસેથી ચોક્કસ નિર્ણય લેવડાવ્યા વિના ચાલવા માંડું, તો દુઃખદ વાત એ હોવાની કે આમાંથી જે લાભ તમને થવાનો છે તેની સંભાવના નહિવત્‍ થઈ જશે.

અલબત્ત, આ વિધાન તમારે પૂરી નિખાલસતા અને ગંભીરતાપૂર્વક કહેવાનું જરૂરી છે. તે પછી જ તમે એના પ્રતિભાવની રાહ જોઈ શકો. એવું બને કે આ લગભગ આખરી ફેંસલો જેવી ક્ષણ બની રહે. અને, એમ હોય તોપણ ખોટું શું છે ? તમને નિશ્ચિત નિર્ણય જોઈએ છે. ‘ફરી વાર તમે મને મળોને’ એવા લટકતા તંતુ જેવા જવાબોનો શો અર્થ છે ? એનાથી શો ઉકેલ આવે છે ? એ કરતાં તો ચોખ્ખેચોખ્ખી ‘ના’ નો જવાબ હજાર દરજ્જે સારો. એને લીધે તમારોયે સમય બચે છે અને એનો પણ. એ કરતાં તો એક વાર પાકો ખુલાસો થઈ જાય – ભલે આ પાર કે પેલે પાર – તે જ રૂડું છે.

૩. હવે એક મનોવૈજ્ઞાનિક તરકીબ જોઈએ. સામો માણસ જે વાંધો કાઢે તેની તમારે નોંધ લેવી. તેને તમારા જવાબમાં વણી લો, પણ સાથે સાથે તમારે જે કહેવું છે તે સ્પષ્ટપણે રજૂ કરતા રહો. એની વાતનો સ્વીકાર ખરો; પણ તેનાથી સાવ ઊલટી તમારી વાત પણ તમારા જવાબમાં નિશ્ચિતપણે વ્યક્ત કરો. એક કાલ્પનિક સંવાદરૂપે આ હકીકત સમજીએ.

તેઓ : મને નથી લાગતું કે આમ કરવું મારે માટે અત્યારે જરૂરી હોય.
તમે : તમને એની અત્યારે જરૂર નથી લાગતી એ હું સમજ્યો, અને તમે એ અત્યારે ઉકેલો જ એવી મારી વિનંતી છે.
તેઓ : પણ મારે તે અત્યારે નથી કરવું.
તમે : હું તે સમજું છું, અને તે તમે કરો એવી મારી તમારી પાસે માંગણી છે.
તેઓ : હું મે મહિના લગી રાહ જોવા માગું છું.
તમે : હું સમજ્યો કે તમે મે મહિના લગી રાહ જોવા ઈચ્છો છો, અને તમે એનો હાલ પ્રારંભ કરી દો એવી મારી તમને અરજ છે.

આ પદ્ધતિમાં તમારે સામી વ્યક્તિની આનાકાની કે વિરોધનો સ્વીકાર કરતાં રહેવાનું છે…. તો સાથે સાથે, તેને તમારી દિશામાં ખેંચતા પણ રહેવાનું છે. આવા આગ્રહના સાતત્ય સામે બહુ ઓછા લોકો લાંબો સમય ટકી રહેતા હોય છે. ઘણાખરા લોકોનો નન્નો આવા પાંચેક પ્રયત્નમાં લગભગ ઓગળી જવા પામે છે. કંઈ નહિ તો તમારાથી છૂટા પડી શકાય એટલા ખાતર પણ હા પાડી દેતા હોય છે. ઘણાખરા કિસ્સામાં જોવા મળ્યું છે કે હદમાં હદ સાતેક વારના પ્રયત્નમાં જે પરિણામ આવવાનું હોય તે આવી જાય છે – મોટે ભાગે તમારી તરફેણમાં.

આ પદ્ધતિમાં સામાના પ્રતિકારનો સામનો કરવાની વાત તમને વિરોધાભાસી લાગશે. તમે તમારી રજૂઆત કરો તે અગાઉ, સામી વ્યક્તિના દરેક નન્નાને તમે અવગણતા નથી; તેનો સ્વીકાર કરતા રહો છો. કેટલાક લોકો એવા હોય છે કે તેમની પાસે પાકો નિર્ણય લેવડાવતાં પહેલાં એમને થોડાક ગોદા મારવા પડે છે. તે સિવાય તેઓ કશું નક્કી કરી શકતા નથી. તે વર્ગમાં આવતા લોકોની બાબતમાં આ તરકીબ સફળ થાય છે. એ પણ એટલું સાચું છે કે આ રીતરસમ બીજા લોકો પર અજમાવવા જેવી નથી; ઘોંચપરોણાના ઈલાજ વિના જેઓ કશો નિર્ણય નહિ કરી શકતા હોય તેમના પૂરતી જ આ તરકીબ મર્યાદિત રાખવાની ભલામણ છે.

Leave a Reply to કાલિદાસ વ. પટેલ {વાગોસણા} Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વાતચીતની કુનેહ – વનરાજ માલવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.