ટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલ

મારા જેવા ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે કે મુસાફરી દરમિયાન ટાઈમ પાસ કેવી રીતે કરીશું ? પણ ખરેખર જોવા જઈએ તો સંજોગો જ એવા ભેગા થતા હોય છે કે ટાઈમ પાસ કરવો નથી પડતો પણ પાસ થઇ જાય છે.

બસમાં મુસાફરી કરતા હોવ તો સ્વયમોપાર્જીત સાધનો વાપરવા પડે છે, જેમ કે ઈયર ફોન કાનમાં નાખી ને મોબાઈલ કે આઈપોડને કાર્યરત કરો અથવા ઘેરે વાંચવાની આળસ આવતી હોય તેવી બુક હોંશે હોંશે વાંચો, પરંતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સ્વયમોપાર્જીત સાધનો તો ખરા જ સાથો સાથ પારોપાર્જીત સાધનો પણ ગોતવા બેસો તો મળી આવે.

ટ્રેનમાં બે અજાણ્યા મુસાફરો વાતોએ વળગે, એટલે જાણે એવા-એવા ટોપિક પર વાતો નીકળે કે જો કોઈ સ્ક્રીપ્ટ રાઈટર સંભાળતો હોય તો એકાદ ફિલ્મની સ્ટોરી ભરડી કાઢે એવા નવા-નવા વિષયો પર ઊંડાણથી છણાવટ થતી સાંભળવા મળે. વાતોએ વળગેલા બે અજાણ્યા મુસાફરોને સમયનો તો કોઈ તોટો હોતો જ નથી, એટલા માટે તો એ લોકો “ટાઈમ પાસ” કરવા પ્રયત્ન કરતા હોય છે. પણ આવા વાતોમાં મશગુલ મહાશયની વાતમાં જો કોઈ ત્રીજો ટાપસી પુરાવે તો તેઓને અત્યંત આનંદ થાય છે. જાણે કે સોનામાં સુગંધ ભળી!

ત્રણ કે ચાર વખત દી’માં જમનાર લોકોનું મોઢું પણ મુસાફરી દરમિયાન ટાઈમ પાસના બહાને અવિરત ચાલું જ રહેતું હોય છે અને એટલે જ ફેરિયાઓનું પણ ટ્રેનમાં હાલે છે. ફેરિયાઓ પાસેથી લીધેલા નાસ્તા ઉપરાંત ઘરનું ભાથું તો ખરું જ અને એક જ કમ્પાર્ટમેન્ટમાં આંખનીય ઓળખાણ નહીં તેવા સાવ અજાણ્યા મુસાફરને ઘરના સભ્યની જેમ આગ્રહ કરાય ત્યારે એમ થાય કે આ ખરેખર ટાઈમ પાસ સાવ નથી પણ જીવતરનો એક બહુ સારો “ટાઈમ” પાસ થાય છે.

જેનું ગામમાં કે ઘરમાંય કોઈ સાંભળતું ના હોય તેને બે જણ હોંકારો દઈને સાંભળે ત્યારે બોલનાર તો બાપડો એવો હરખાઈ જાય જાણે વ્યાસપીઠ પરથી કોઈ વક્તા બોલી રહ્યો છે. મોટાભાગે ટ્રેનમાં દરેક કંપાર્ટમેન્ટમાં થતી વાતચીતોમાં જો ધ્યાનથી સાંભળવામાં આવે તો ખ્યાલ આવે કે બોલવું તો બધાને છે પણ સાંભળવું કોઈને નથી. અને કોક ગામ ડાહ્યો લાગતો માણસ શાંતિથી સાંભળતો હોય તો એવું ના સમજવું કે તેને બોલવું નથી. બોલવું તો એનેય હોય પણ સામેવાળો વારો આવવા દીયે તો ને…!?

અત્યારના ડિજિટલ જમાનામાં તો ઘણા લોકો લાંબી મુસાફરીમાં લેપટોપને ચાલું ચાર્જિંગે ત્રણ-ત્રણ ફિલ્મો લગાદાર જોઈને તાવ ચઢાવી દે….!! પોતે તો ફિલ્મ જોવે પણ આજુ-બાજુ વાળાનેય મફતમાં લાભ આપે એવા ઉદાર દિલના હોય છે આવા મોંઘેરા મુસાફરો.

ઘણા ટાઈમપાસિયા પથિકો થોડી-થોડી વારે ટોયલેટ બાજુ દોટ મૂકે, જાણે ટોયલેટ સામેથી સાદ દઈને તેને બોલાવતું ના હોય. કેટલાક તો મોટા અવલોકન શાસ્ત્રિની જેમ ચાલું ટ્રેનના દરવાજે ટીંગાઈને એવું નિરીક્ષણ કરતા હોય જાણે આ દુનિયાને કોઈક નવો આવિષ્કાર કરીને ભેટ ન આપવાની હોય…!! પણ છતાં આવા ટાઈમપાસિયાને તેમ કર્યા વગર છૂટકો પણ નથી.

ઘેરથી ભાગી છૂટેલા લોકોને ટ્રેનમાં ટાઈમપાસ કરવો એ એકદમ સહેલી જોબ લાગતોતી હોય છે. પોતાના બેગ-બિસ્તરાને સંગે-વગે કરીને તરત જ લંબાવીને એવી ઘસઘસાટ ઊંઘ ખેંચી લે કે જાણે છેલ્લા કેટલાય વર્ષોનું સુવાનું સાટું વળવા જ ટ્રેનમાં ના બેઠા હોય…!! આવા નિરૂપદ્રવી જીવોને જોઈ ને આમ તો બધાને આનંદ થવો જોઈએ પણ સ્પેશિયલ કેસ જેવા ટાઈમપાસિયા મુસાફરો તો ધૃણાની નજરે જ જોવાના. ‘કેવો કુંભકર્ણની જેમ ઘોરે છે’ એવું કહીને પોતાના ટાઈમપાસ કરવાના ભગીરથ કાર્યમાં મદદ નથી કરતા, તે સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

ધાર્મિક વૃત્તિના કેટલાક પીઢ મુસાફરો ભજનિયા ગાવા લાગી જતા હોય છે. તો ઉપરની બર્થમાં જુવાનીયાઓ સામ-સામે ચાદરના ચાર છેળાડા બાંધી કૌરવ-પાંડવના મહાભારતને વર્તમાનમાં લાવીને ગંજીપત્તો કાઢીને રમવાનું ચાલું કરી દેતા હોય છે. ગંજીપત્તે રમનાર આખી ટોળકીના મોઢા તો એવા હોય કે એમણે આખી ટ્રેન દાવ ઊપર ન લગાડી હોય…!! એમનો બાહ્ય દેખાવ જોતા ખરેખર એવું જ લાગે કે આ લોકોએ કંઈક તો દાવ પર લગાડ્યું જ છે. પણ પછી પૂછતાં ખબર પડે કે જે હારે તેમને બધાને નાસ્તો કરાવવાનો છે એટલે આટલા બધા ચિંતાતુર દેખાય છે અને ટાઈમપાસ કરે છે. અધ્યાત્મિક વૃત્તિના અજાણ્યા યાત્રિકો સામ-સામી સીટમાં ગોઠવાઈ જાય તો સમજો કે આને તો ૧૦૦% ટાઈમ ઓછો જ પાડવાનો. એની અધ્યાત્મના ઊંડાણની વાતો ઘણા ખરાને તો ઉપરથી જ જતી હોય છે, એટલે જ કોઈ વચ્ચે માથું મારે એવી શક્યતા નહિવત હોય છે.

ગણવા બેસો તો આંગળીના વેંઢા પણ ઓછા પડે એટલી અલગ-અલગ રીતો હોય છે ટ્રેનમાં ટાઈમપાસ કરવાની. આ રીતોમાંથી આપણને કઈ માફક આવે છે તેની પસંદગી પોતપોતાની સ્વતંત્ર છે. જો તમને કોઈ રીત ના માફક આવે તો સમજવું કે આ લેખ વાંચ્યો તે પણ એક ટાઈમપાસ જ હતો.

બિલિપત્ર –
દેવો ને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર,
અને એ અવતારનો અમૂલ્ય સમય.
આ સમયનો સદુપયોગ કરી, આત્મજ્ઞાન પામી,
મોક્ષની વાટ પકડવાને બદલે એ જ સમયને પસાર કરવા મનુષ્ય
‘ટાઈમ પાસ’ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.