અપહરણ – સુરેશ રતિલાલ કટકિયા

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

“મારે કોઈની માફી નથી માગવી.” તેણે ખુમારીથી કહ્યું. નવાસવા આવેલા શિક્ષકની ખુમારી બીજા સાત શિક્ષકોને એખરી ગઈ. થોડી વારે ત્રણ માણસો ધસી આવ્યા જેની સૌને અંદરખાને વાટ હતી. ભાસ્કર જોષીએ જાણે જાદુ કર્યો હોય તેમ છોકરાંઓ તેને જ ભાળતાં. ગામમાં પણ નવા આવેલા શિક્ષકની સારી છાપ પડી હતી એટલે બાકીના સ્ટાફને તે આંખમાં કણા માફક ખૂંચતો હતો. આજ તેને ગામના સર્વેસર્વા કહેવાય તેવા બાપુના દીકરાને સારી પેઠે ધોયો હતો અને સાથી શિક્ષકોએ ડેલીએ જઈ માફી માગી આવવા કહ્યું હતું, પણ ભાસ્કરે ન સાંભળવું ગમે એ રીતે જવાબ આપ્યો હતો.

“આમાં નવો માસ્તર કોણ છે ?” નજરથી વારાફરતી તપાસ કરીને આવનારા ત્રણમાંથી એક જાણી-જોઈને તોછડાઈથી બોલ્યો.

“હું છું. બોલો શું કામ છે ?” તે સહેજ પણ ખચકાટ વગર બોલ્યો.

“ગામમાં રહેવાનો વિચાર નથી ?” કડકાઈથી, “ચાલો, બાપુ ડેલીએ બોલાવે છે.” બાકીના શિક્ષકો નીચું જોઈને દાઢમાં મલકાતા હતા. તેઓની આંખોનો ભાવ કહેતો હતો, “બેટો માંડ ઘાએ ચડ્યો. બહુ ચડ્યો હતો. અમારા, શું અત્યાર સુધી પાણીમાં ગયાં હતાં ?” ફરમાન કરીને ત્રણેય ચાલતા થયા. ભાસ્કર પણ તેની પાછળ ચાલ્યો. આચાર્યના શબ્દો તેની પીઠ પાછળ અથડાયા, “ડોશી મરે તેનો વાંધો નથી, પણ જમ ખોરડું ભાળી જાય એની મોકાણ છે. આજ આને હાથઉપાડો થશે ને કાલે…”

તે કશું પણ બોલ્યા વગર ત્રણેયને આંબી ગયો. હવેલી વિશાળ અને જુનવાણી બાંધણીની હતી. ડેલીમાં આઠ-દસ માણસો જાણે તેની જ વાટ હોતા હોય તેમ તોરથી ભોરિંગ જેવા ચહેરા કરીને બેઠા હતા. હા વચ્ચે બેઠેલ માણસ શાંત જણાતો હતો. પણ તે કદાચ પરગામનો હોય તેમ તેને લાગ્યું. હવે તેને પણ ફડક પેઠી. તેણે ફરી ફરી ઘટનાને યાદ કરી જોઈએ. છોકરીઓ તે આવ્યો તે દિવસથી તેને ફરિયાદ કરતી હતી : વિશ્રાંતિમાં છોકરીઓનાં દફતર બદલી નાખવાં; ખરાબ લખેલી ચિઠ્ઠી દફતરમાં નાખવી; છોકરીઓને ગંદા ચાળા કરીને પજવવી અને અજ તો હદ કરી નાખી હતી. શાહીથી છોકરીઓના કુર્તા બગાડવાની ફરિયાદ થઈ ત્યારે શિક્ષકો હર્ષવર્ધનને કહેવાને બદલે છોકરીઓ પર ગુસ્સે થયા, “તમને કેટલી વાર કહ્યું; તેનાથી આઘી રહેતી હો તો.” છોકરીઓ રડતી રડતી તેની પાસે આવી ત્યારે તેનું લોહી ઊકળી ગયું અને તેને માર્યો. તે અંદરથી ફફડી રહ્યો હતો. છતાં કોઈ પણ ભોગે માફી ન માગવી અને માર પડે તો… તે મન અને શરીર સાબદું કરી રહ્યો હતો.

“તમે હર્ષવર્ધનને માર્યો ?” અત્યાર સુધી શાંત બેઠેલો આદમી બોલ્યો.

“હા.” તેણે જવાબ આપ્યો.

“શા માટે ?” કશાય ઉચાટ વગર તેણે કહ્યું. કડક સ્વભાવના અફસરો પણ એમ જલ્દી ચહેરા પર ભાવ નથી ઊપસવા દેતા તેમ તેણે નવલકથામાં વાંચેલું. તેના પગ જમીન પર સ્થિર રાખવા મહેનત કરવી પડતી હતી. ડર્યા વગર છોકરાનાં કરતૂત ગણાવતો હતો ત્યારે, “છોકરાંઓને મારવાનો કાયદો છે ?” વચ્ચેથી કોઈએ તેને અટકાવ્યો. બાકીના ચહેરા વધારે કડક અને રુક્ષ બનતા તેણે જોયા. શાંત બેઠેલા માણસે કંઈક આંખનો ઈશારો કર્યો એટલે સૌ ચૂપ થયા.

“પણ ભૂદેવ, તમે ઊભા કેમ છો ? આવો, બેસો.” જાણે કે હમણાં જ તેની નજર પડી હોય તેમ તે બોલ્યો. આવા માણસો બહુ ખંધા હોય તેમ તેને લાગ્યું. રહ્યો રહ્યો કેવો સતાવે છે. તેણે પાસેના ખાટલે બેઠેલા માણસોને ઈશારો કર્યો એટલે બંને કમને બીજે ખાટલે જઈ બેઠા. પણ તે ઊભો જ રહ્યો.

“તમને સજા તો કરવી પડશે.” તેણે સહેજ મરકીને કહ્યું. કોઈને સતાવવામાં શું આનંદ આવતો હશે તે તેને ન સમજાયું. પોતાની અવદશા પર કેવો હસે છે.

“હું જાણું છું કે બાળકને સજા ન કરવી જોઈએ, પણ બાળક આટલું બગડીને ઉધાન થઈ જાય ત્યાં સુધી તેને કોઈ વારે નહિ તો મારી સાથે તેના માવતરને પણ સજા થવી જોઈએ.” જાણે પરકાયાએ પ્રવેશ કર્યો હોય તેમ તેનો આખો દેહ ધ્રૂજતો હતો. પાસે બેઠેલા માણસો તેની તોછડાઈ સાંખી ન શક્યા, પણ તે ઊભા થાય તે પહેલાં તો દિગ્વિજયસિંહે ઊભા થઈને હાથ તેના ખભા પર પ્રેમથી મૂકી દીધો. ગુસ્સે થયેલ લોકોને અણધારેલું વર્તન સમજાતું ન હતું. તેને પરાણે પોતાની સાથે બેસાડી દીધો.

“હું તેનો બાપ છું. બોલો, મને શું સજા ફરમાવો છો ?” તેમણે નરમાશથી કહ્યું. દિગ્વિજયસિંહે તેનાં બંને બાળકો માટે ટયૂશન આપવા ઘણી વિનંતી કરી, પણ ભાસ્કર ન માન્યો. છેવટે તે પૈસા લીધા વગર તેનાં બાળકોને ભણાવવા તૈયાર થયો. બાકીના લોકોને દિગ્વિજયનો વહેવાર ન ગમ્યો.

તેને સૌ બાપુ કહીને બોલાવતા. ગામમાં જ નહિ, પણ આસપાસનાં દસ ગામમાં ભારે માન. વખનું માર્યું કોઈ હવેલીએ ગયું હોય તો ખાલી હાથે પાછું ન જાય. કોઈ અન્યાય આચરતું વવડાય તો કાયદો કાયદાની જગ્યાએ રહે તે પહેલાં જ તેને સબક મળી જતી. તેના પિતા એભલસિંહે તો રાજ પણ ભોગવેલું, પણ કદી રૈયતને કનડગત નહિ કરેલી તેમ બુઝુર્ગ પાસેથી સાંભળવા મળતું.

હર્ષવર્ધન સાતમા ધોરણમાં ભણતો. શાળામાં તેનાં તોફાન ચલાવી લેવાતાં, શિક્ષકો જ તેનાં તોફાનોને છાવરતાં. એ બાબતે આજ સુધી દિગ્વિજયસિંહ પણ અજાણ રહ્યા હતા.

“બેય બારકસો તમારી વાટ જુએ છે.” સવારે તે હવેલીએ ગયો ત્યારે એક જાજરમાન સ્ત્રીએ આવકારતાં કહ્યું. તે સ્ત્રી તેને ઉપર લઈ ગઈ. આખું કુટુંબ રહે એવડા મોટા ખંડ હતા. હર્ષવર્ધન જોતાં જ તેને પગે લાગ્યો. તેના બંને ગાલ પર આંગળીઓનાં નિશાન હતાં. છોકરી શરમાઈને ઊભી રહી.

“આ મારી મોટી દીકરી, સૂરજબા. આ વર્ષે ટ્‍વેલ્થમાં છે, પણ ઇંગ્લિશમાં બહુ વીક છે. હું પણ ઇંગ્લિશની સ્ટુડન્ટ હતી, પણ મારું ગ્રામર સારું નથી.” કંઈક અચાનક યાદ આવી ગયું હોય તેમ, “તમે આને”, સૂરજબા તરફ આંગળી ચીંધતાં, “શાંત છે એવું ધારી લેવાની ભૂલ સહેજ પણ ન કરતા. તોફાનમાં તો એ હર્ષને પણ પાછળ રાખી દે છે. તમે કડકાઈથી કામ લેજો.” કહીને જતાં રહ્યાં. સૂરજબા વધારે શરમાઈ.

થોડી વારે એક આધેડ સ્ત્રી ચા લઈને આવી. તે ના પાડે તે પહેલાં તેના હાથમાં મોટો કપ થમાવી ચાલી ગઈ. બંને સામે તેને ચા પીતાં અગવડ થતી હતી. પણ આ તો ચા છે કે દૂધપાક તે ન સમજાયું. એકલા ગાઢા દૂધમાં બનેલી ચા પર મલાઈની તર દૂર કરવા તેને વારંવાર ફૂંક મારવી પડતી. તેની વિધવા માતા અડધો શેર દૂધ લાવતી તેમાં આખો દિવસ ખેંચતી.

ભાસ્કર વળતે દહાડે નિશાળે ગયો ત્યારે તેના સહકર્મચારી તેના આખા શરીરને ધારી ધારીને જોતા હતા. તે ચાલતો હોય ત્યારે તેના પગની પડવાની ગતિનું અવલોકન થયું. ચાલમાં ફેર ન હતો તેથી સામાન્ય મૂઢ માર માર્યો હોય તેમ સૌએ માનીને પરાણે મન મનાવી લીધું.

સાંજે દિગ્વિજયસિંહ ઓરડાનું દ્રશ્ય જોઈને પળવાર થંભી ગયા. હર્ષ અને સૂરજબા ધ્યાનથી વાંચી રહ્યાં હતાં. આવતી કાલે અધૂરી રહેલી વાર્તા તો જ આગળ વધશે જો બંને પોતાનું હોમવર્ક બરાબર કરી નાખે. શેરલોક હોમ્સની રહસ્યભરી અધૂરી વાર્તાનો બંનેને બરાબર વળગાડ લાગ્યો હતો.

ભાસ્કર રોજ હવેલીમાં બાપુનાં બાળકોને ભણાવવા જાય છે તેની જાણ થઈ ત્યારે આખા સ્ટાફના પેટમાં ફળફળતું તેલ રેડાયું, ગામમાં તેનું અને તેની માતાનું માન અનેકગણું વધી ગયું. હર્ષ અને સૂરજબા અંગ્રેજીમાં રસ લેતાં થયાં હતાં. સૂરજબાએ સારા માર્ક મેળવ્યા. અંગ્રેજી વિષયથી ફફડતી સૂરબાએ કૉલેજમાં મુખ્ય વિષય અંગ્રેજી રાખ્યો. બાપુએ હવેલી પાસેનું મહેમાનો માટે વપરાતું ઘર ખાલી કરી આપ્યું ત્યારે ભાસ્કરને પ્રોફેસર ન હોવાનું દુઃખ ઓસરી ગયું.

સૂરજબા સવારમાં કૉલેજ જતી એટલે ભાસ્કરને સવાર-સાંજ બે વાર હવેલી જવું પડતું. ભાસ્કર અંગ્રેજીમાં અનુસ્નાતક હતો, પણ બેકારીને કારણે તે પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો હતો. તે સૂરજબાને શેક્સપિયર અને મિલ્ટન રસથી ભણાવતો. તે તોફાની તો હતી જ, પણ હમણાથી કૉલેજ જવા માંડી હોય કે તેની ઉંમરનો પ્રભાવ હોય, પણ તેની શરારત વધવા લાગી હતી.

“તમે નાતજાતમાં માનો ?”

“ના.” ભાસ્કરે અચાનક પૂછેલા સવાલનો ટૂંકો જવાબ આપ્યો. તે સવાલ પૂછવાની શરૂઆત પણ આમ જ કરતી, પણ પછી તે અકળાઈ જાય તેવા સવાલોની ઝડી વરસાવી દેતી. તેણે જાણીને ટૂંકો જવાબ આપ્યો હતો.

“તમે આંતર-જ્ઞાતીય લગ્નમાં માનો ખરા ?”

“અત્યારે આપણે માત્ર ભણવા ભેગા થઈએ છીએ એટલે માત્ર ભણવાની વાત. આવી વાતો કરવા નહીં.” તેણે કડકાઈથી જવાબ આપ્યો. જાણે કડકાઈની સૂરજબા પર કશી અસર ન થઈ હોય તેમ તે સહેજ હસી. પોતાની હસી ચાલાકીપૂર્વક છુપાવી, ગંભીર થઈને.

“આવી એટલે કેવી વાતો ?” તે મૂંઝાયો. તે બોલી ગયો પછી તો તેને પણ ખ્યાલ આવી ગયો હતો કે તે શબ્દને જરૂર મરડવાની. તે ચૂપ રહ્યો. શેક્સપિયરનું નાટક ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ હાથમાં લઈ તેનાં પાનાં ફેરવવા લાગ્યો.

“તમે મારા સવાલનો જવાબ ન આપ્યો.”

“શું ?” તે જાણીજોઈને અજાણ્યો બન્યો. તેણે સૂરજબા સામે જોયું. કંઈક વિચિત્ર નજરે તે એકીટશે જોઈ રહી હતી, તે તેની સાથે આંખ ચોરી કરતો રહ્યો.

“માત્ર બોલવું સહેલું છે.” તે વ્યંગમાં બોલી. કંઈક ખીજથી તેણે તેની સામે જોયું, તેની આંખમાં યૌવનનાં સાપોલિયાં રમતાં દીઠાં. તેના રૂપથી બરાબર ઘવાયો, પણ પછીની પળે તે સાવધાન થયો. હીન વિચાર બદલ તેણે તેની જાતને ઠપકો આપ્યો. તેણે બની શકે એટલો રુક્ષ ભાવ ચહેરા પર લપેટી દીધો.

“અત્યારે, તમને ભણાવવા સિવાય મારી પાસે ફાલતુ વાત કરવાનો સમય નથી.”

“મારી વાત ફાલતુ લાગતી હોય તો મારે કંઈ કહેવાનું નથી.” તે નારાજ થઈ ગઈ.

“મારો કહેવાનો એવો ભાવાર્થ ન હતો.” ભાસ્કરે નરમ થતાં કહ્યું.

“હું ઇંગ્લિશથી જોજન દૂર હતી. મને તેમાં રસ લેતી કરવા બદલ આપશ્રીનો આભાર.” પોતાની જાત સાથે વાત કરતી હોય તેમ, “આવ મુસાફર, મારી હોડીમાં બેસી જા. વિશ્વાસથી મુસાફર હોડીમાં બેસે અને મધદરિયે નાવિક પોતે જ હોડીમાં કાણું પાડીને પાણીમાં ઠેકડો મારી દે પછી મુસાફરનું જે થવાનું હોય તે થાય.” તેનો ઈશારો કૉલેજમાં અંગ્રેજી રાખવા બાબતે હતો. તે બબડતી રહી અને તે મનાવતો થાકી ગયો.

“મેં તમને ભણાવ્યા એટલે હુમ પણ તમારો ગુરુ ગણાઉં. તમારે મારી વાત માનવી એ તમારી ફરજ છે. મારી આજ્ઞા છે કે આપણે માત્ર ભણવાની વાતો કરીશું.”

“ગુરુ થઈને શિષ્યની વાત કાને ન ધરે ત્યારે એ બિચારી કોને ફરિયાદ કરે.” એ ફરી સ્વગત બબડવા લાગી. છેવટે એકાંતમાં સૂરજબાને ‘તું’ કહીને સંબોધવાનું વચન મળ્યા પછી મનામણા થયાં.

સૂરજની અવળચંડાઈ વધતી જતી હતી. ભાસ્કર પોતાની નજરને ઢાંકવા હર પળ પ્રયત્ન કરતો, પણ સૂરજબા ચાહીને તેની સામે જોવા લાચાર બનાવતી, કોઈ વાર તેને અડકીને અટકચાળા કરતી ત્યારે તે બની શકે એટલી પોતાની જાતને સંકોડી લેતો. તે કૉલેજ જતી ત્યારે પંજાબી ડ્રેસ પહેરતી, પણ ઘેરે ચુસ્ત જિન્સ અને ટૉપ પહેરતી, પોતાને ઉશ્કેરવા જ તે તંગ કપડાં પહેરે છે તેમ ભાસ્કરને થયા કરતું. તેને પણ સૂરજબા પ્રત્યે આકર્ષણ ન હતું તેમ તો ન કહી શકાય. સૂરજબા હતી જ એવી. એક વાર જોયા પછી તેના પરથી નજર હટાવવાનું મન ન થાય. પણ તેણે મનને ઉન્માદના બાગમાં કૂદવાની પહેલે દિવસથી જ છૂટ આપી ન હતી.

જુનવાણી વિચાર ધરાવતાં સૂરજબાના દાદાને પણ ભાસ્કર પર ભારોભાર ભરોસો. દીકરી અલાયદા ખંડમાં એક યુવાન સાથે હોય ત્યારે પણ તેની મુખમુદ્રા કદી વંકાઈ ન હતી, તેને સૂરજબા પ્રત્યે અનહદ લાગણી હતી.

ભાસ્કરને પોતાનાથી ડરતો જોઈને તે તેને વધારે પજવતી. તે જેટલો દૂર ભાગવાનો પ્રયત્ન કરતો એટલી તે વધારે પાસે આવતી. તેના સવાલોથી મૂંઝાઈને હારી જતો. તેણે સૂરજબાની હરકતોને ગંભીરતાથી લીધી ન હતી એ ભૂલ બદલ તે પોતાને ઠપકો આપ્યા કરતો.

ભાસ્કર નોકરી છોડીને શહેરમાં જવાનું વિચારી રહ્યો છે તેમ વાત વાતમાં ભાસ્કરની માતા પાસેથી જાણ્યું ત્યારે સૂરજબા ધૂંઆપૂંઆ થતી ઘરે આવી. વળતે દિવસે તે કૉલેજ ન ગઈ. સાંજે ભાસ્કર આવ્યો ત્યારે તેની માતાએ ફરિયાદ કરેલી, “રામ જાણે, ગઈ કાલથી ફટકેલું છે. સવારથી તોબરો ચડાવીને બેઠી છે.” તે ઉપર ગયો.

“તમારાં મમ્મી કહેતાં હતાં, તમે કૉલેજ નથી ગયાં ?’ તે કશું ન બોલી. તેનો ચહેરો અપમાનથી જાણે ઘવાયો હોય તેવો વર્તાતો હતો.

“કૉલેજમાં કંઈ બન્યું ? આઈ મીન કોઈને કંઈ કહ્યું ?” તે ડરતાં બોલ્યો. તેણે આક્રોશથી સામે જોયું. પોતાનાથી કોઈ ભૂલ નથી થઈ ને ! તે વિચારવા લાગ્યો. તેને ચૂપ જોઈને બરાડી. “મારા કારણે કોઈને ગામ છોડવું પડે એટલી હદે હું ખરાબ થઈ ગઈ ?” તે ડઘાઈ ગયો. સૂરજબા છેક નીચે અવાજ જાય એટલા મોટા અવાજે બોલી હતી. ગામ છોડવાની વાત તેણે માતાને જ કહી હતી.

“કોણ ગામ છોડે છે ?” તેણે ભાસ્કર સામે જોયું. તેની આંખોમાં આંસુ હતાં. પોતાનું દુભાયેલું મુખ જ બધું બોલી ગયું. “પણ તમને કહ્યું કોણે ?’ સામાન્ય રીતે તેની માતા ઘરની વાત કોઈને કરતી નહિ.

“બાએ કહ્યું.” તેના ‘બા’ શબ્દમાં પોતીકો ભાવ હતો તેથી તેને વધારે આંચકો લાગ્યો. તે લગભગ અટવાઈ ગયો. શું બોલવું તે સૂઝતું ન હતું.

“તમે જાણો છો કે શું હમણાં જ ‘સ્લેટ’ પાસ છું. હું અત્યારે અર્ધબેકાર ગણાઉ એટલે મેં બાને શહેરમાં જવાની વાત કરી હતી. તેમાં તમારે માથે ઓઢવાની જરૂર નથી.” તેણે ડૂબતા માણસ માફક ઝાયું મારી જોયું.

“જે માણસને ખોટું બોલતાં ન આવડે તેણે ખોટું ન બોલવું જોઈએ.” હર પળે તેનો અશ્રુધોધ વધતો જતો હતો. તે ચહેરો વાંચીને ભાવ ઉકેલી શકતી હશે તેનો અંદાજ ન હતો. તમારે માટે હું લાયક નથી તેમ કહ્યું હોત તો દુઃખ ન થાત, પણ મારાથી બચવા કોઈ ત્રાગાં કરનારને હું કદી માફ નથી કરતી.”

“તમારા પપ્પા અને દાદાની નજરમાં હું એક તસુભાર હલકો પડું એ કરતાં હું આપઘાત કરવાનું વધારે પસંદ કરીશ. બંનેએ મારા જેવા નાના માણસને અપાર માન-સન્માન આપ્યું છે. હું તેનો દ્રોહ નહિ કરી શકું.”

“મતલબ તમે મને પસંદ કરો છો ?” તે હરખાઈ ગઈ. પણ પછી તેણે તેની જાતને સંભાળતી હોય તેમ છટકી ગયેલી ગંભીરતા ખેંચવા લાગી. પોતાની ભૂલ સમજાણી હોય તેમ તેણે તેની જીભને દાંત વચ્ચે દબાવી અને પોતાની જાતે ભાસ્કર ન જુએ તેમ ભૂલનો એકરાર કર્યો. “તમારી ઉંમર ભણવાની છે.” છૂટવા મથતા ભાસ્કરે કહ્યું.

“આ વર્ષે સ્નાતક તો થઈ જઈશ. પછી ભણવાની જરૂર નથી લાગતી. એવું લાગે તો મને ઘેરે ભણાવજો. હું વાટ જોવા પણ તૈયાર છું.” તે બરાબરનો ફસાયો. તે આનંદમાં આવી ગઈ. હું તમને ન અપનાવી શકું તેમ તેને કહેવું હતું, પણ તે મૌન રહ્યો. તેને આજ પહેલી વાર કંઈક વિચિત્ર દ્રષ્ટિથી સૂરજબા તરફ જોયું. તે આંખો ખેંચીને પોતાના જવાબની રાહ જોઈ રહી હતી. પછી કોઈક વાર સમજાવીશ તેમ નક્કી કરીને તેણે ભણાવવાનું ચાલુ કર્યું. પણ તે તો મટકું માર્યા વગર તેની સામે જોઈ રહી. તે બરાબર ભણાવી ન શક્યો.

દિગ્વિજયસિંહને તેની પત્ની રાજેશ્વરીબા પર ભરોસો ન બેઠો. બંને સંતાનોને સારા રસ્તે વાળનાર ભાસ્કર પોતાના ઘરમાં ખાતર પાડી રહ્યો છે તેમ સાંભળ્યું ત્યારે તેને વિશ્વાસ બેસતો ન હતો. પત્ની સાચી હોય તો ? ભાસ્કર પોતાનું ગળું કેવી રીતે કાપી શકે ? સાંજે ભાસ્કર આવ્યો ત્યારે અણગમાની પાતળી રેખા ન અંકાય તેની તકેદારી રાખી. તે ઉપર ગયો. તે નીચે ધૂંધવાતા આંટા મારતા રહ્યા. એક વાર તો ખીંટીએ ભરાવેલી સોને મઢેલી કટાર સામે જોવાઈ ગયું. પણ વળતી પળે હલકો વિચાર લાવવા બદલ મનને ધમકાવ્યું. બાઈ રોજની માફક ચા દઈ આવી.

તે ફફડતા મને સીડી ચડતા હતા. પત્નીની શંકા ધરમૂળથી ખોટી ઠરે તેમ તેણે ઈશ્વરને પ્રાર્થના કરી. અને પત્નીની શંકા સાચી હોય તો ? ભાસ્કરને શું સજા કરવી એ નક્કી કરી શકતો ન હતો. આથમણી દિશાએ પડતી બારી ગામના ચોક તરફ આવેલા ઝરૂખા તરફ ખૂલતી હતી. તે ચોરપગલે છેક બારી પાસે આવ્યા, તે સહેજ દૂર રહ્યો હોત તોપણ બંનેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

“હવે હું આ રીતે લટકતી નથી રહેવાની. મારે સ્પષ્ટતા જોઈએ છીએ.’

“હું તમને માત્ર શિષ્યા તરીકે અપનાવી શકીશ.” તે લગભૂગ ધ્રૂજતા સ્વરે બોલ્યો.

“મારામાં શું કમી છે ?”

“તમે જગદંબાનો અવતાર છો, પણ હું બાપુનું ગળું નહિ કાપું. આ મારો આખરી નિર્ણય છે. હું જાઉં છું.” એમ કહેતો ભાસ્કર ઊભો થયો હોય તેમ તેનો અવાજ દૂર જતો લાગ્યો.

“તમે મને એક છોડીને જઈ ન શકો ?” તે જોરથી બોલી, “તમને ડર હોય તો બાપુ સાથે હું વાત કરીશ.” “તો હું આપઘાત કરી લઈશ. એમની નજરમાં હું હલકો નહિ પડું.”

“તેમ કરવાથી તો પપ્પાને તમારા પર વહેમ જશે. મારી દીકરી સાથે નક્કી કંઈ કર્યું હશે. આમ પણ આત્મહત્યા કરવાની ધમકી આપનારને એકલો છોડી ન શકાય એટલે મને વિશ્વાસ ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ નહિ શકો.” દિગ્વિજયસિંહથી હવે ન રહેવાયું. તેણે બારીમાં નજર નાખી. ભાસ્કર સૂરજબાના પગમાં હાથ જોડી વિનવી રહ્યો હતો. દોડતા સસલાને કોઈએ અચાનક હાથમાં ઝાલી લીધું હોય તેમ તે ધ્રૂજતો હતો. તે ઝડપથી નીચે આવી ગયા.

ભાસ્કરને શહેરમાં ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ એટલે તે શહેરમાં જતો રહ્યો. એક મહિના બાદ સૂરજબા અચાનક ગાયબ થઈ. તે શહેરમાં ભણવા ગઈ છે એટલું જ ગામલોકો જાણતા હતા. તે ખરેખર ક્યાં ગઈ તેની તો કોઈને ખબર ન હતી.

રક્ષાબંધન આવી. તે દિવસે સૂરજબા દિગ્વિજયસિંહ અને એભલસિંહને રાખડી બાંધતી. તે નાની હતી ત્યારે ભાઈને રાખડી બાંધવાની હઠ પકડી ત્યારે પિતા અને દાદાએ રાખડી બંધાવીને તેની હઠ પૂરી કરેલી. પછી તો નિયમ બની ગયો હતો. બસ આ વખતે સૂરજબા રાખડી નહિ બાંધે.

ફ્લૅટના દરવાજે ડોરબેલ વાગ્યો. સૂરજબા ઝડપથી દરવાજો ખોલવા ઊભી થઈ. ભાસ્કર સાથે લગ્ન કરીને છ મહિનાથી તેની સાથે રહેતી હતી. ભાસ્કર કોઈ વાતે માનવા તૈયાર ન હતો તેથી તે જ ઘર છોડી ભાસ્કર પાસે આવતી રહી હતી. ભાસ્કર કોઈ વાર રોદણું રોવા બેસી જતો, પણ તે ખાસ લક્ષ ન લેતી. તે બહુ આનંદમાં હતી, છતાં આજ તેને પપ્પા અને દાદા વળી વળીને યાદ આવતા હતા.

“દાદા, તમે ?”

“દીકરી રિસાઈ જાય પછી દાદાને આવવું જ પડે ને ભાઈ.” એમ કહી તે ખડખડાટ હસવા લાગ્યા. ભાસ્કર પગે લાગ્યો. દાદાએ પછી તો ઘટસ્ફોટ કર્યો. સૂરજબાને શહેરમાં પહોંચાડવાની અડધી રાતે ગાડીની વ્યવસ્થા દાદાએ ગોઠવેલી તેમ માલૂમ પડતાં તે પાગલની માફક વળગી પડેલી.

“પપ્પા, મમ્મી… તમે ?” તે સડક થઈને દરવાજે ખીલો થઈ ગઈ.

“હવે અમે અંદર આવીએ કે દરવાજેથી જ વળાવી દઈશ.” દિગ્વિજયસિંહના કટાક્ષથી તે અચાનક ભાનમાં આવી હોય તેમ વળગી પડી. તેની માતા ખોળો પાથરવા ગઈ તો રાજેશ્વરીબાએ તેમને ગળે વળગાડી લીધી.

“બાપુ, તમે આવવાના હતા તેમ કહ્યું હોત તો ત્રણેય સાથે નીકળત.” દિગ્વિજયસિંહના કટાક્ષ પર સૌ હસવા લાગ્યા.

“તો પપ્પા, તમને ખબર હતી કે હું ભાગી જવાની છું ?”

“ના.”

“તો મારા થેલામાં સોનાની મોટી મોટી પાટો કોણે ગોઠવી હતી.” ભાસ્કર તરફ ફરીને, “ભાસ્કર મારા પર આરોપ નાખે છે કે હું ઘરમાં ખાતર પાડીને આવી છું. તે મને બહુ હેરાન કરે છે.” “હવે ભૂદેવનું અપહરણ તેં કર્યું છે અને ફરિયાદ અમને કરે છે ?”

“દાદા, પપ્પાને સમજાવો ને, એ મને કમસે કમ એમ તો ન કહે.”

“મારી સૂરજબાએ તો આપણા વંશજોનું નામ ઉજાળ્યું છે. તેમણે છોકરાનું અપહરણ કરીને સાબિત કરી દીધું છે કે અમારી નસોમાં આજે પણ ક્ષત્રિયોનું લોહી વહે છે.” એમ કહી એભલસિંહે પોતાની સફેદ રૂ જેવી મૂછો પર તાવ દીધો. સૂરજબા શરમાઈને તેની માતાની સોડમાં લપાઈ ગઈ.

– સુરેશ રતિલાલ કટકિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “અપહરણ – સુરેશ રતિલાલ કટકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.