- ReadGujarati.com - http://www.readgujarati.com -

માતૃભાષાની આવતીકાલ !? – તુષાર શુક્લ

(‘આંખોમાં એક્વેરિયમ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

કાવ્યપઠનની હરીફાઈ પૂરી થઈ હતી. વાતાવરણ અને પરિણામ બંને પ્રોત્સાહક નહોતાં. નિર્ણાયકો નિર્ણય લઈને ચા-પાણી સાથે ચર્ચામાં ગૂંથાયા. એક શાળા સંચાલકશ્રી પણ ચર્ચામાં સામેલ થયા. વિદ્યાર્થીઓની કચાશ બાબતે એમણે પોતાની દલીલ વ્યક્ત કરી : “શું કરીએ, સારા શિક્ષકો જ નથી મળતા !”

એમની અકળામણ અસ્થાને હતી પણ વાત જરા વિચારવા જેવી તો લાગી. નિર્ણાયકો આ બાબતે એમને મદદરૂપ થઈ શકે એમ નહોતા, પણ એમનો મુદ્દો ગંભીર તો લાગ્યો જ. આજે અગિયારમા ધોરણથી જ, આટ્‍ર્સમાં જ રસ લઈને ભણવાનું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઝડપથી ઘટતી જાય છે. બાળકનાં રસ-રુચિ કરતાં ય વધુ મહત્વનો મુદ્દો આજીવિકાનો છે. કૉમર્સમાં ભણીને ક્લાર્ક થાય એનાથી ય મા-બાપ સંતુષ્ઠ છે, પણ આટ્‍ર્સમાં ભણાવવા રાજી નથી. છોકરાઓને પણ એવું જ લાગે છે કે આટ્‍ર્સમાં તો છોકરીઓ જાય. પછી ભલે એ છોકરી માટે પોતે આખું વર્ષ આટ્‍ર્સ કૉલેજનાં ચક્કર ખાય ! રસ ધરાવતો વિદ્યાર્થી આટ્‍ર્સમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થાય તેના કરતાં સાયન્સ કે કૉમર્સ વિદ્યાશાખાનો બીજા વર્ગનો વિદ્યાર્થી પોતાને વધુ તેજસ્વી માનવાનો ભ્રમ સેવે છે.

આટ્‍ર્સમાં એડ્‍મિશન લેવાની રુચિ ઘટી છે. અન્ય ક્યાંય મેળ ન પડે તો આ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવાય છે. આ વિદ્યાશાખામાં ભણાવતા વિષયો સમાજને માટે મહત્વના છે. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ અને સૌથી મહત્વનું તો ભાષાસાહિત્ય. આ વિષયોનો મહિમા જરાય ઓછો નથી. છતાં આપણે ત્યાં એનું ગૌરવ નથી રહ્યું. આટ્‍ર્સમાં જવું જ પડે એમ હોય એ આ વિષયોમાંથી સૌથી પ્રતિષ્ઠિત એવા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર પર પસંદગી ઉતારે છે. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય તેવા કેટલાક અંગ્રેજી વિષય તરીકે પસંદ કરે છે. પણ માત્ર રખડી ખાવા કે પરણીને સાસરે જતાં પહેલાંનો ‘ટાઇમપાસ’ કરવાવાળા મનોવિજ્ઞાનને પસંદ કરે છે. એમને મતે, આ વિષય સૌથી સહેલો છે. જે સૌથી સંકુલ અને આંટીઘૂંટીભર્યું છે તેવું મન ઉકેલવું એમને સહેલું લાગે છે. માનવીના સ્વસ્થ, સમતોલ કે અસ્વસ્થ, અસંતુલિત વાણી, વર્તનની સમજ આપનારું શાસ્ત્ર સૌથી સહેલું લાગે છે. એમાં વિદ્યાર્થીની વિદ્વત્તા નહિ, પરીક્ષામાં સહેલાઈથી ઉત્તીર્ણ થવાની ઉતાવળ જવાબદાર છે.

આ લેખ વાંચનારના પોતાના જ પરિચયમાં મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલા ઘણાં હશે અને એમાંના ભાગ્યે જ કોઈકનો ઘરસંસાર કે દૈનિક વહેવાર આ વિષયોના જ્ઞાનને કારણે લાભાન્વિત થયો હશે ! મનોવિજ્ઞાન સાથે ગ્રૅજ્યુએટ યુવતી એના સાસરિયે મનોસંઘર્ષ ટાળી નહિ શકતી હોય. અર્થશાસ્ત્ર સાથેના સ્નાતક પોતાના ઘરનું બજેટ બનાવવામાં નિષ્ફળ ગયા હશે, જો આવું જ હોય તો ઇતિહાસ, ભૂગોળવાળાને તો ભૂલી જ જવા પડે અને ભાષાસાહિત્યના સ્નાતક વિષે માત્ર ચિંતા સેવવી રહે. અને એ એટલા માટે કે આ વિષયનાં આવા જ રડ્યાખડ્યા સ્નાતકોના હાથમાં ભવિષયનાં ગુજરાતી બાળકોનું માતૃભાષા શિક્ષણ રહેલું છે.

સંચાલકશ્રી સાવ ખોટા નહોતા. જેને પોતાને જ ખાસ વિશેષ રસ વગર આ વિષયમાં સ્નાતક બનવું પડ્યું છે, જેનું આ વિષયનું પરિણામ પણ એટલું ઉત્સાહવર્ધક નથી એ વિદ્યાર્થી બી.એડ. કરીને (કે એમ.એડ. કરીને) સામેથી પૈસા આપીને, ઓછા પગારે અને માથે લટકતીએ તલવાર સાથેની નોકરી ‘ખરીદે’ છે ! એના વર્ગખંડમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની પસંદગીના ક્રમમાં પણ આ માતૃભાષા છેલ્લા ક્રમે આવે છે ત્યાં એના સાહિત્યનું તો શું સ્થાન રહેવાનું ? આમ, એક હતાશ, નિરાશ શિક્ષક પોતાનાં ઉપહાસ કે ઉપેક્ષા કરનારા વિદ્યાર્થી સામે વર્ગખંડમાં કાન્ત અને કલાપી કે અનિલ જોશી અને રમેશ પારેખની કવિતા લઈને ઊભો છે ! અને એને ભાગે આવ્યું છે આ કવિતાનો મધ્યવર્તી વિચાર શોધવાનું ! જેને પોતાને જ રચના હજી ઊઘડી નથી એ એના અર્થ ઉકેલવાની કવાયત કરીને કવિતાને અને એ કવિતા જે ભાષામાં રચાઈ છે એ ગરવી ગુજરાતીને અપ્રિય બનાવવામાં સિંહફાળો આપે છે અને આ પરંપરા એ નિવૃત્ત થાય તે પછી પણ ચાલુ જ રહેવાની છે, બીજા શિક્ષક દ્વારા !

ક્યારેક કોઈ શિક્ષકના કમભાગ્યે એવું બને કે એ કાવ્યપ્રેમી હોય, કવિતાએ પોતાનું ભાવજગત એની આગળ ઉઘાડ્યું હોય ને એમાં ડૂબેલો એ શિક્ષક ઉત્સાહભેર વર્ગમાં આવે અને સામે રહેલા વિદ્યાર્થીઓની રસરુચિની વરવી વાસ્તવિકતા એના ઉત્સાહ પર પાણી ફેરવી દે, તો ક્યારેક હતાશ શિક્ષકનાવર્ગખંડમાં નવજાત કાવ્યપ્રેમી ઉછરતી હોય તેવો વિસ્મય આંજી આંખ ધરાવતો વિદ્યાર્થી બેઠો હોય અને એની તૃષા સાવ વણપીછી અને વણછીપી જ રહી જાય. પણ, આ બંને અપવાદરૂપ સ્થિતિ છે. સામાન્ય સંજોગોમાં તો પેલા નિરાશ શિક્ષક અને ઉદાસ વિદ્યાર્થી વચ્ચે મારી માતૃભાષાનું માધુર્ય વેડફાઈ જાય છે. એની શ્રીનો દુર્વ્યય થાય છે. સારું ગુજરાતી શીખવાતું નથી. સારું ગુજરાતી શીખવું નથી. શેને કારણે શું છે તે સમજાતું નથી. પણ, એની ભયંકર અસર હવે ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગી છે.

આજે હવે આપણી પાસે આપણી જ માતૃભાષાના સાહિત્યનો ઉત્તમ ભાવક તો નથી જ, પરંતુ આપણી જ માતૃભાષાનો સાચો ભાષક પણ નથી. પરિણામે રેડિયો અને ટી.વી. ઉપરાંત, જાહેર કાર્યક્રમોમાં પણ અશુદ્ધ ઉચ્ચારણોથી ભ્રષ્ટ ભાષા કાને પડે છે. વ્યાકરણ સાથે એમને નિસ્બત નથી. ભાષાનું કામ પ્રત્યાયન સિદ્ધ કરવાનું છે એ સાચુ, કહેવાયું તે સમજાયું તો ભાષાનું કામ પૂર્ણ એ પણ સાચું. પણ, એમ તો કાચા મકાઈડોડાય ચાવી જવાય. પણ આપણે એને શેકીએ છીએ, એથી ન અટકતાં એના પર લીંબુ અને મસાલોય લગાવીએ છીએ. આ બધું એને સ્વાદિષ્ટ કરે છે. સાચાં ઉચ્ચારણો, યોગ્ય સ્વરભાર, વિરામ ચિહ્‍નોની સમજ સાથે, વ્યાકરણની શુદ્ધિ ધરાવતી ભાષા કાનને ગમે તો છે જ. આપણે ભલે ને એવું ન બોલી શકતા હોઈએ, પણ, જો કોઈ આવું બોલે તો આપણને સાંભળવું ગમે તો છે જ. સામે પક્ષે અશુદ્ધ ભાષા ઉપહાસ પાત્ર લાગે તો છે જ. આવું હજી થાય છે, એટલે જ આશા બંધાય છે, કે હજી ય મોડું નથી થયું.

આપણે આપણી ભાષાપ્રીતિને જીવતી રાખીશું તો જ એ ક્યારેક માતૃભાષાના ગૌરવ સુધી વિકસશે. હું પ્રાદેશિકતાવાદનો પુરસ્કર્તા નથી જ, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજીના આ પ્રચાર અને પ્રભુત્વના સમયે, જ્યાં અંગ્રેજીનો પ્રભાવ સૌથી વધુ સ્વીકારાયો છે તેવાં રાજ્યોમાં પણ પ્રજાએ એમની માતૃભાષાનું ગૌરવ રતીભાર ઘટવા દીધું નથી. આ પ્રજાની પોતાના ચેતના છે. એમની માનસિકતા છે. એ પોતાની ઓળખ ભૂંસવા કે ભુલાવા દેવાના મતની નથી. તમે તુકારામના અભંગ કે રવિબાબુના રવીન્દ્ર સંગીત વગરનું કોઈ વ્યાપારી દ્રષ્ટિ ધરાવતા સમૂહ માધ્યમનું પ્રસારણ પણ મહારાષ્ટ્ર કે બંગાળમાં કલ્પી જ ન શકો. આધુનિકતાને અપનાવવાનો અર્થ ઓળખને વિસારે પાડવી એવો ન જ થઈ શકે.

આજે આપણી વચ્ચેથી ગુજરાતી ભાષાના સારા ભાષકો ઓછા થતા જાય છે. ગુજરાતી ભાષાનાં ‘માન્ય’ સ્વરૂપને વ્યવહારભાષા તરીકે પણ સાચવી શકાય છતાં અનાવશ્યક પાંડિત્યનું પ્રદર્શન પણ ન થાય એ ઉત્તમ ભાષકનું લક્ષણ છે. ક્યારેક કેટલાક લોકપ્રિય ભાષકો સભારંજની માટે અનાવશ્યક અલંકૃત ભાષાને ઉપયોગમાં લે છે. કેટલાક વળી અર્થહીન શબ્દ ચમકારાને આશરે દોડી જાય છે. ભાષાસામર્થ્ય અને ભાષા-વ્યભિચાર વચ્ચે ભેદ છે અને એ ભાષકે સ્પષ્ટ સમજવું જ રહ્યું. અસ્ખલિત, ધારાપ્રવાહ ને છતાં અર્થશૂન્ય ભાષાનો પ્રયોગ ભાષાને જ નુકસાન કરે છે. પ્રભાવિત લાગતો ભાવક વાસ્તવમાં કૈં જ સમજ્યો ન હોય તેવું ય બને છે. સભાખંડમાં ડોલતો શ્રોતા ઘેર જતાં જો વિચાર કરે તો પોતે પાડેલી તાળીઓની નિરર્થકતા સ્પષ્ટ થાય છે. શબ્દરમતનું ય એક સ્થાન છે. કાવ્યમય બાનીનું ય એક સંમોહન છે. નાટકીયતાનો ય એક પ્રભાવ છે. સહજતાની ય પોતીકી ઓળખ છે. આ સઘળાનો વિવેકપૂર્વકનો વિનિયોગ જ ભાષકને સફળ અને ભાષાને સમર્થ સિદ્ધ કરે છે અને સઘળું આપણી ભાષામાં સંભવ છે જ. ગુજરાતી કૌવત કોઈથી ય ઓછું નથી, બલકે ક્યાંક અદકું ય છે.

ખરેખર, હવે લાગે છે કે સંચાલક ખોટા નહોતા. આપણી માતૃભાષાની આજ જોતાં એની આવતીકાલ વિષે આજથી જ જાગૃત થવા જેવું છે. કૂવામાં હશે તો હવાડામાં આવશે. આટ્‍ર્સના વિદ્યાર્થીને આત્મગૌરવનો અનુભવ થાય, એના એ વિશ્વાસને સુદ્રઢ કરે તેવો વ્યવસાયિક સંતોષ એને મળે તે જરૂરી છે. આટલું થશે તો એ પણ સતત પોતાને સજ્જ કરતો રહેશે, એના વિદ્યાર્થીને પણ આ વિષયમાં રસ જાગતો જશે ને એના પરિણામ રૂપે આપણને આપણી માતૃભાષાના સામર્થ્યનો પરિચય થતો રહેશે. આજે હવે સમૂહ માધ્યમોની સંખ્યા વધી રહી છે ત્યારે તો આવા સજ્જ અને પ્રભાવક ભાષકોની કારકિર્દી પણ ઝળહળવાની પૂરી સંભાવના છે. સુંદર ચહેરો એ ઈશ્વરની દેન હશે, સુંદર ભાષા એ તો તમારી દેન હશે, સુંદર ભાષા એ તો તમારી સિદ્ધિ છે. અને આ ભાષા તમને સૌમાં અલગ ઓળખાવશે, અન્યની ઈર્ષ્યાનું ય કારણ બન્યાનો સંતોષ લેવો હશે તો એ ય શક્ય બનશે ! આની તૈયારી જે ક્ષણોથી જાગ્રત થાવ તો તે ક્ષણેથી જ આરંભી દ્યો.

યાદ રહે, પ્રત્યેક વિદ્યાશાખાની અને પ્રત્યેક વિષયની મહત્તા છે, વિદ્યાર્થીએ એમાં ઉત્તમને આરાધવાનું છે. બાળકોને ધક્કો મારીને ધકેલવાને બદલે વિષયપસંદગી વખતે આટલું સમજો તો સારું.

[કુલ પાન ૧૬૮. કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન. (૦૭૯) ૨૨૧૩૯૨૫૩]