ગિફ્ટ… – અલ્પેશ પી. પાઠક

(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘શું કહ્યું…? જરા ફરીથી બોલ તો…’

શર્મિલા અને કાવ્યા વચ્ચે વાતચીત થઈ રહી હતી. હું રવિવારની પૂર્તિ વાંચી રહ્યો હતો.

‘મા… મારે ફાઇન આટ્‍ર્સમાં એડમિશન લેવું છે.’ કાવ્યાએ ફરીથી એ જ વાક્ય દોહરાવ્યું.

‘ગાંડી થઈ ગઈ છો…?’ શર્મિલા કાવ્યાની મા હતી. તે આ રીતે દીકરીને ખિજાઈ શકે. ‘બારમામાં ચોરાણું ટકા લીધા પછી તારે ફાઈન આટ્‍ર્સમાં જવું છે…?’

શર્મિલાને જાણે ભર રસ્તે કોઈએ થપ્પડ મારી હોય એવી ડઘાઈ ગઈ.

‘મારે બાર સાયન્સ કરવું જ નહોતું. તારી જીદના કારણે…. તેં કહ્યું હતું એક વખત હું બાર સાયન્સમાં નેવુંથી વધારે ટકા લઈ આવું પછી તું મને મારી રીતે આગળ વધવા દઈશ. મેં તારી જીદ પૂરી કરી. હવે હું જે ચાહું છું એ કરવા દે ને…’

આને જ ‘જનરેશન ગૅપ’ કહેવાતો હશે.

‘કાવ્યા દીકરી… અહીં આવ. બેસ મારી પાસે…’ કાવ્યા અને શર્મિલા મારી સામેના સોફા પર બેઠા. મેં હવે પૂર્તિ બાજુમાં મૂકી દીધી હતી. ‘જો કાવ્યા… હું કાંઈ દુશ્મન છું તારી…?’

‘ના મા… મેં એવું કહ્યું નથી. યુ આર ઑલ્વેઝ અ લવલી મોમ. આઈ લવ યુ.’

કાવ્યા એના જેટલું જ રૂપાળું બોલી શકતી હતી. તેણે તેની માને ભેટીને કહ્યું : ‘તો પછી મારી વાત કેમ નથી માનતી…?’

‘એક વખત તારી વાત માની ને…?’ કાવ્યા સાવ સહજ હસી. ‘હવે બીજી વાર તું મારી વાત માન, પ્લીઝ…’

‘કાવ્યા… તને અગિયાર સાયન્સમાં મોકલવાની જીદ મેં કરી ત્યારે મને મનમાં એમ હતું કે તું મેચ્યોર નથી. બે વરસમાં તું મેચ્યોર થશે અને તને ખબર પડશે કે તારા માટે શું સાચું અને સારું છે.’

‘હું મેચ્યોર જ છું, મા…’ કાવ્યા આજકાલના યુવાનો જેવું આત્મવિશ્વાસથી બોલી…

‘તું મારી જાતને મેચ્યોર સમજે છે…?’ શર્મિલાએ જરા વ્યંગમાં કહ્યું : ‘તને હજી એ ખબર નથી પડતી કે મેડિકલ એ એક કેરિયર છે અને પેઇન્ટિંગ-ચિત્રકામ એ માત્ર એક શોખ…’

‘આ દુનિયા દર પંદર કે વીસ વર્ષે બદલાયા છે. તું યુવાન હતી ત્યારે આવું હતું પણ હવે આવું રહ્યું નથી. આજકાલ ફાઇન આટ્‍ર્સ-પેઇન્ટિંગ પણ એક રિસ્પેક્ટેબલ કેરિયર ગણાય છે.’

મારે કહેવું જોઈએ કે કાવ્યાની દલીલ સાવ સાચી હતી. પણ મને એ પણ ખાતરી હતી કે શર્મિલા આમ આસાનીથી નહીં માને. તે સમજદાર નહોતી એવું નહોતું પણ એ એક મા હતી. તેનું મોઢું પડી ગયું.

‘હશે… કર જે તારે કરવું હોય એ… હવે તું મોટી થઈ ગઈ છો. તારી મા કરતાં પણ મોટી… માને ગૂંચવી દે એટલી સધ્ધર દલીલ કરતાં આવડી ગઈ છે તને…’

‘પ્લીઝ મા… આવો ઇમોશનલ અત્યાચાર ન કર.’ મને જરા હસવું આવ્યું. આજની યુવા પેઢી પાસે આવા નવા નવા શબ્દો ક્યાંથી આવતા હશે…? ‘તેં અને પપ્પાએ મને બધી સ્વતંત્રતા આપી છે. મારા પર હજી થોડો વિશ્વાસ રાખ. મારી કેરિયર મને પસંદ કરવા દે પ્લીઝ…’ કાવ્યા રીતસર કરગરી. એક દીકરીએ એની માને કરગરવું પડે એ પરિસ્થિતિ મને યોગ્ય ન લાગી.

‘પણ જરાક તો વિચાર, કાવ્યા… તારા પપ્પા ડૉક્ટર… ડૉ.નરેન શુક્લા… તારો મોટો ભાઈ ડૉક્ટર… ડૉ.કોનાર્ક શુક્લા… અને તું માત્ર ચિત્રકામ કરીશ…? તમે શર્મ મહેસૂસ નહીં થાય….?’

શર્મિલાની આ દલીલ સાવ વાહિયાત હતી. પુત્રીપ્રેમમાં તે ન કરવાનું કરી રહી હતી. તે એક ભણેલી-ગણેલી સ્ત્રીને બાજુમાં મૂકી માત્ર એક માનો હક જ જતાવી રહી હતી.

‘તમે કેમ કાંઈ બોલતા નથી, નરેન…?’

‘મને તારી વાત સમજાય છે, શર્મિલા… પણ મને લાગે છે કે કાવ્યાની વાત વધુ સાચી છે.’ મેં નરો વા-કુંજરો વા કરી શર્મિલાને સમજાવવાનું ચાલુ કર્યું. ‘તું એક મા તરફથી અને લાગણીશીલ થઈને વિચારે છે. કાવ્યા એક સ્ટુડન્ટ તરીકે… તમારા બેમાંથી ખોટું કોઈ નથી, પણ કાવ્યાને શું ભણવું છે અને તેને શું ભણવું ગમશે એની ખબર આપણા કરતાં તેને વધુ જ હોવાની.’

કાવ્યા મારી વાત સાંભળી મલકાઈ ઊઠી. પણ શર્મિલા પાસે દલીલ હતી જ.

‘એમ તો નાનપણમાં કાવ્યાને માટી ખાવી પણ ગમતી. આપણે ખાવા દેતા તેને…? મા-બાપ તરીકે આપણી ફરજ છે કે તે ખોટું કરતી હોય તો આપણે તેને રોકવી પડે. તેને ન ગમતું હોય તો ય…’

‘નાનપણમાં માટી ખાવી અને મોટા થઈ કેરિયર પસંદ કરવી એ બે સાવ અલગ બાબત છે. શર્મિલા… પ્લીઝ વાતમાં ખોટી રીતે ગૂંચવાડો ન ઊભો કર.’ હું પણ જરા અકળાયો.

‘મા… ભાઈને ડૉક્ટર બનવું હતું. તેં એને ન રોક્યો અને તે આજે એક સફળ ડૉક્ટર છે. મને પણ હું ચાહું છું એ કરવા દે. હું પણ સફળ થઈશ. શું તને મારામાં વિશ્વાસ નથી…?’

‘સવાલ વિશ્વાસ હોવા કે ન હોવાનો નથી બેટા…’ શર્મિલા જરા ગળગળી થઈ ગઈ. ‘પણ ચિત્રકામ…? એ કાંઈ કેરિયર છે…? તને શું મળશે એનાથી…? પૈસો…. પ્રતિષ્ઠા…. એ બધું તો મેડિકલ કે એન્જિનિયરિંગ કેરિયરમાં છે.’

‘ત્યાં જ તારી ભૂલ થાય છે મા… આજકાલ ચિત્રકારો પણ પેજ-થ્રી સેલેબ્રિટી બની રહ્યા છે. એમ એફ હુસૈન કે મનજીત બાવાનું નામ નથી સાંભળ્યું તે…? અને પેઇન્ટિંગ્ઝ આજકાલ આર્થિક રોકાણ થઈ શકે એટલી નક્કર વસ્તુ ગણાય છે.’

‘હાં શર્મિલા… સાચી વાત છે. કરવા દે તારી દીકરીને જે કરવું હોય તે…’ મેં શર્મિલાને કહ્યું – ‘ભૂલ કરશે તો શીખશે… પડશે તો પાછી ઊભી થાશે… આપણને આપણા સંતાન પર ભરોસો હોવો જોઈએ.’

‘તમે બાપ-દીકરી મળી ગયા છો. મારી વાત સમજવા તૈયાર જ નથી તમે…’ શર્મિલાએ આખરે પોતાની જીદ પૂરી કરાવવા આંસુનો સહારો લીધો. ‘બહુ આસાનીથી તમે કહી દીધું કે પડશે તો પાછી ઊભી થાશે… પણ એ નથી વિચારતા કે પડશે તો સૌથી પહેલાં અને સૌથી વધારે દુઃખ મને થશે. મા છું હું…’

શર્મિલાને આટલી બધી લાગણીશીલ બની ગયેલી જોઈ કાવ્યા તેને ગળે લગાવવા આગળ વધી પણ શર્મિલાએ તેને ધક્કો મારી દીધો. શર્મિલાને કદાચ તેની દીકરી ડૉક્ટર બને તેનાથી ઓછું કાંઈ ખપતું નહોતું. મેં કાવ્યાને તેનાં રૂમમાં જવાનો ઈશારો કરી દીધો. હું શર્મિલા પાસે જઈ તેની પીઠ પસવારવા લાગ્યો. મારાથી હળવો નિઃશ્વાસ છૂટી ગયો.

આ જ દ્રશ્ય… બરાબર આ જ દ્રશ્ય, આજથી ચોવીસ વર્ષ પહેલાં… આ જ ઘરમાં, જરા જુદી રીતે ભજવાયું હતું. તે વખતે કાવ્યાને બદલે હું હતો અને શર્મિલાને બદલે મારા બાપુજી… જેને હું બાપા કહેતો. હિસ્ટ્રી રિપિટ્‍સ ઇટસેલ્ફ… મને દુઃખ નહોતું પણ એક રંજ અવશ્ય હતો. હું મારી સામેની દીવાલ પર જૂનું ચલચિત્ર જોઈ રહ્યો હતો.

હું હોઈશ સાડા સત્તર વર્ષનો એ વખતે… એક દિવસ…

‘બા…. બાપા…’ મારાથી ખુશીના આવેશમાં ચીસ પડાઈ ગઈ હતી.

મારા હાથમાં ‘કવિતા’ નામનું સાહિત્યિક સામયિક હતું જે ટપાલી થોડી જ વાર પહેલાં મને આપી ગયો હતો. એમાં એક સાથે મારી સાત કવિતા છપાઈ હતી. સાથે સંપાદકનો પત્ર પણ હતો –

‘પ્રિય કવિ મિત્ર… તમે બહુ સારું લખી રહ્યા છો. તમારી સંવેદનાની સરવાણીથી અમારું સામયિક ધન્ય બન્યું છે. લખતા રહેજો… મા સરસ્વતીના હાથ સદાય તમારા માથા પર રહે. – આપનો હિતેચ્છુ, સંપાદક, કવિતા.’

મારી ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. એટલે જ મારાથી આવી અસાધારણ ચીસ પડાઈ ગઈ હતી. બરાબર એ જ વખતે બાપા એના રૂમમાંથી નીકળ્યા.

‘શું છે નરેન…? કેમ આવડી મોટી ચીસો પાડશ…?’ બાપા સખ્ત હતા.

‘બાપા… મારી સાત કવિતા આ ‘કવિતા’ નામના સામયિકમાં છપાણી… ‘કવિતા’માં કવિતા છપાય એ મોટો કવિ કહેવાય બાપા… હું કવિ બનીશ.’ હર્ષનો માર્યો હું કેવા વાક્યો બોલતો હતો એની મને પણ ખબર નહોતી.

‘કવિ બનીશ… અમે તારા ભણતર પાછળ આટલો ખર્ચો કરીએ છીએ એ પાણીમાં જ ને…?’

બધા જુનવાણી માણસોની જેમ બાપાના મનમાં પણ એવી દ્રઢ માન્યતા હશે કે કોઈ પણ પ્રકારનો શોખ એટલે ભણતરમાં નડતર… મને ખબર હતી કે તે મને ડૉક્ટર બનાવવા માગે છે.

બાપાનો ઊંચો અવાજ સાંભળી મારી બોલતી બંધ થઈ ગઈ. આજે કાવ્યા એની મા સાથે કે મારી સાથે પણ છૂટથી દલીલ કરી શકે છે પણ મારે તો એ વખતે બાપા સામે મોઢું ઉઘાડતા પહેલાં ટનબંધ હિંમત ભેગી કરવી પડતી. મારાથી માંડ માંડ બોલી શકાયું.

‘બાપા… હું મહેનત તો કરું જ છું. એંશી ટકા તો આવશે જ.’

‘એંશી નહીં મૂરખ… પંચ્યાસી-અઠ્ઠયાસી ટકા આવવા જોય.’ એ વખતે પંચ્યાસી-અઠ્ઠયાસી ટકા એટલે ટોચ ગણાતી. આજે એ સામાન્ય ગણાય છે. ‘બે કવિતા ઓછી લખીશ તો ચાર કલાક બચશે અને ચાર કલાક વધારે વાંચીશ ત્યારે બે ટકા વધુ આવશે.’

બાપાની આ ગણતરી આજ સુધી મારા ગળે ઊતરી નથી. મને સખત આઘાત લાગ્યો. – હેં… મારે કવિતા લખવાનું બંધ કરવું પડશે ? મારે રોવું’તું પણ હું સ્તબ્ધતાનો માર્યો રોઈ પણ નહોતો શકતો. તો’ય મેં છેલ્લી દલીલ તો કરી જ.

‘પણ બાપા… કવિતા ખરાબ વસ્તુ તો નથી જ ને…?’

‘ના નરેન… કવિતા ખરાબ વસ્તુ નથી.’ બાપાએ મારા માથા પર હાથ ફેરવ્યો. ‘પણ કવિતાના રવાડે ચડી જઈશ તો ડૉક્ટર નહીં થવાય… તારે ડૉક્ટર બનવાનું છે અને એટલે કહું છું આજથી કવિતા બંધ…’ બાપાની ઈચ્છા અમારે મન આદેશ હતો. હું હવે કાંઈ બોલી ન શક્યો. તે મારી બા તરફ ફર્યા, ‘નરેનની મા… જરાક નરેનને સંભાળો… કવિ બનવા નીકળ્યો છે.’

હું બાના ખોળામાં માથું મૂકી રોઈ પડ્યો.

‘બા… બાપાને સમજાવ ને… હું કવિતા લખવાનું કેમ બંધ કરું…? મારો શોખ છે… મારી ખુશી છે એ… હું ડૉક્ટર પણ બનું અને કવિ પણ બનું તો એમાં વાંધો શું છે…? હું ખાતરી આપું છું બા… મહેનત કરવામાં જરાય પાછીપાની નહીં કરું… બાપાને જરાક સમજાવને બા…’ હું કરગરી ઊઠ્યો.

‘ના નરેન… તારાથી તારા બાપા સામે ન બોલાય… મારાથી મારા પતિ સામે ન બોલાય…’ બાએ વ્યવહારુ દલીલ કરી. ‘અને તારા બાપા તને કવિતા લખવાની સાવ ના નથી પાડતા. લખજે… ડોક્ટર બન્યા પછી લખજે. ત્યારે તારી પાસે ઘણો સમય હશે.’

મેં બાની વાત મનને એક તમાચો મારીને માની લીધી. બાની વાત સાવ ખોટી નહોતી પણ સાવ સાચી’ય ન નીકળી. આજે છૂટથી કવિતા-ગઝલ લખી શકું છું પણ પેશન્ટને તપાસતાં તપાસતાં કોઈ પંક્તિ મગજમાં આવી ચડે છે ને ભુલાઈ પણ જાય છે ત્યારે એક હળવું દુઃખ મનમાં ઊભરાઈ આવે છે. હવે મારા દર્દીઓ મારી પહેલી પ્રાથમિકતા છે.

આજે સમાજમાં એક કવિ તરીક મારું આગવું સ્થાન છે. ચાર સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. મને રોકનાર બાપા પણ આ દુનિયંમામ રહ્યા નથી. બાપા અને બા સ્વર્ગમાં હશે… આજે કોઈ મુશાયરામાં દાદ ઝીલતાં ઝીલતાં અચાનક એક ટીસ ઊઠે છે કે જે શોહરત મને વીસની ઉમરે મળવી જોઈતી હતી એ પચાસની ઉંમરે હાથ લાગી છે. મન ખિન્ન થઈ જાય છે.

ના… હું મારી કાવ્યાને બીજો નરેન નહીં જ બનવા દઉં. હું શર્મિલાને સમજાવીશ અને એ સમજશે. દસ દિવસ પછી આવતા કાવ્યાના જન્મદિવસે એને શું ગિફ્ટ આપવાની છે એ મને ખબર હતી.
***
કાવ્યાનો જન્મ દિવસ… તેનો ભાઈ યુ.એસ.એ.થી એક દિવસ માટે ખાસ આવ્યો હતો. સાથે કાવ્યા માટે મોપાંસાંનું એક ઓરિજિનલ અને મોંઘુંદાટ પેઇન્ટિંગ લાવ્યો હતો. કાવ્યા ખુશખુશાલ હતી. તેના થોડા મિત્રો અને થોડાં સગાંઓ અને પાડોશીઓ સાથે ઘરમાં એક સાદગીભરી પાર્ટી રાખી હતી. કાવ્યાએ કેક કાપી. તાળીઓનો ગડગડાટ… ભેટ-સોગાદની વર્ષા… અભિનંદનના અવાજો… કાવ્યાએ તાલી પાડી અને જરા મોટા અવાજે કહ્યું –

‘અટેન્શન પ્લીઝ…’ અવાજો ઓછા થયા. ‘મારો ઓગણીસમો જન્મ દિવસ… આજે અઢાર પૂરાં થયાં… નેક્સટ ઇલેક્શનમાં હું વોટ આપી શકીશ.’ ચારે તરફ હસાહસ… કાવ્યા બહુ સારું અને શુદ્ધ બોલી શકતી હતી. તેણે મારો વારસો જાળવ્યો હતો. ‘મારાં મમ્મી-પપ્પાએ હજી સુધી મને ગિફ્ટ આપી નથી. પણ આપશે… મને એની ચિંતા નથી. હું મારાં મમ્મી-પપ્પાને પહેલાં રિટર્ન ગિફ્ટ તરીકે કાંઈક આપબવા માગું છું. પ્લીઝ વેઇટ…’

તે દોડીને તેના રૂમમાં ગઈ. બધાને ઇંતેજારી હતી કે આ રિટર્ન ગિફ્ટ શું હશે…? જે તે અમને આપવા માગતી હતી. કમ સે કમ મને તો કુતૂહલ હતું જ. એક જ મિનિટમાં તે આવી, તેના હાથમાં બે પેઇન્ટિંગ્ઝ હતાં. બંને પર કાગળના પરદા હતા. તે તેણે સલૂકાઈથી સ્ટેન્ડ પર ગોઠવ્યાં. કોનાં ચિત્રો હશે…?

‘વડીલો અને મિત્રો…’ કાવ્યાએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. ‘ધીઝ આર માય બેસ્ટ પોર્ટ્રેઇટ્‍ઝ… અને એ બેસ્ટ એટલા માટે છે કારણા કે એ વિશ્વની બેસ્ટ વ્યક્તિઓનાં છે.’ તેણે ચિત્રો પરથી પરદો હટાવ્યો. ‘ધે આર માય મા એન્ડ પપ્પા…’

મેં ધ્યાનથી, ધારી-ધારીને આ ચિત્રો જોયાં. મારું ચિત્ર, અલબત્ત, હતું બહુ સરસ… પણ શર્મિલાનું ચિત્ર તો અદ્‍ભુત હતું. હું કાવ્યાને ફાઇન આટ્‍ર્સમાં જવા દેવા રાજી હતો પણ મને ખબર નહોતી કે મારી દીકરીના હાથમાં આવો જાદુ હશે. મેં શર્મિલા તરફ જોયું. એ જાણે કે એનું પોતાનું ચિત્ર જોઈ ટ્રાન્સમાં ચાલી ગઈ હતી. તેની આંખ મેં જરૂર કરતાં વધુ ભીની જોઈ. મેં તેનો હાથ દબાવ્યો અને તે ટ્રાન્સમાંથી બહાર આવી. તેણે મારા કાનમાં કહ્યું –

‘શું હું આટલી બધી નમણી છું…?’ તેને જાણે કે તેની આંખ પર ભરોસો નહોતો.

‘ના…’ હું જરા હસ્યો અને એના કાનમાં કહ્યું – ‘તું આનાથી પણ વધારે નમણી છો.’

તે આ ઉંમરે પણ સત્તર વર્ષની મુગ્ધા જેવું શરમાઈ.

થોડી વાર પછી એક યુવાન અમારી નજીક આવ્યો.

‘આન્ટી… હું બહુ વધારે તો નહીં પણ થોડું ઘણું ચિત્રકામ વિશે જાણું છું. મને લાગે છે કે તમારી દીકરીના હાથમાં કાંઈક કરામત છે. જો આ હાથને તાલીમ મળે તો સમાજને એક ઉત્તમ ચિત્રકાર મળી શકે એમ છે. હું આવતીકાલના અખબારમાં કાવ્યાના ચિત્રકામ વિશે લેખ લખીશ.’

શર્મિલા બહુ નવાઈથી આ યુવાન સામે તાકી રહી. કદાચ તેને ખબર નહોતી કે એની દીકરી આવી સરસ ચિત્રકાર હશે. એની દીકરી પોતાનાં વખાણ કોઈના મોઢે કરાવે એટલી છીછરી હરગિજ નહોતી તેની તો શર્મિલાને પણ ખાતરી હતી. તેને કાવ્યાને ફાઇન આટ્‍રસમાં જતી રોકવાનો પ્રયત્ન કરવા બદલ હવે મનમાં પસ્તાવો થતો હશે એમ ધારી મેં કહ્યું –

‘શર્મિલા… તને હજી લાગે છે કે ચિત્રકામ માટે સર્જાયેલા કાવ્યાના હાથમાં આપણે જબરદસ્તીથી ઑપરેશન કરવાનાં સાધનો થમાવી દેશું એથી સમાજને એક સારી ડૉક્ટર મળી જશે…?’

‘ના… મને લાગે છે કે હું ખોટી હતી.’

તે આટલી સરળતાથી માની જશે એવી મને આશા નહોતી. પણ જે કામ મારા સો શબ્દોની સમજાવટ ન કરી શકી એ કાવ્યાના એક પોર્ટ્રેઇટે કરી નાખ્યું હતું. હું અતિશય ખુશ હતો. મેં અવાજ જરા મોટો કર્યો.

‘યસ, ફ્રેન્ડ્ઝ… આજે બધું ઊલટું-સુલટું થઈ ગયું છે. પહેલાં કાવ્યાએ રિટર્ન ગિફ્ટ આપી અને હવે અમારી ગિફ્ટ…’ મેં ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. ‘હું ખાતરીપૂર્વક કહું છું કે આ કાગળ વાંચી કાવ્યા બહુ ખુશ થશે. તેના માટે આ એક અમૂલ્ય ભેટ હશે.’

કાવ્યાએ મારા હાથમાંથી કાગળ લઈ વાંચ્યો અને તે નાની બાળાકીની જેમ કૂદવા લાગી. હું અને શર્મિલા સંતોષથી તેના ચહેરા પર છવાયેલો આ આનંદ જોઈ રહ્યાં. તે એમ.એસ. યુનિવર્સિટીનું ફાઇન આટ્‍ર્સ વિભાગનું એડમિશન ફોર્મ હતું.

સંપર્ક :
‘અમિપ્રભા’, 101-A, કિડવાઈ નગર, મેઈન રોડ, માધવ રેસીડન્સી નજીક, રૈયા ચોકડી, રાજકોટ-૩૬૦૦૦૫


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માનવ જીવનમાં હાસ્યનું મહત્વ – કુમુદબેન ઠાકોરલાલ જાની
આપણું સુખ આપણા હાથમાં છે – અવંતિકા ગુણવંત Next »   

11 પ્રતિભાવો : ગિફ્ટ… – અલ્પેશ પી. પાઠક

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  અલ્પેશભાઈ,
  માતાપિતાની આંખ ખોલી નાખતી મજાની વાર્તા આપી. સાચે જ , સંતાનને સમજણ આપો, જરૂરી જ્ઞાન તથા આવતાં ભયસ્થાન બતાવો પરંતુ તેના ધ્યેય માટે આડખીલી કદાપિ ન બનો. તો જ તેનો સાચો અને સર્વાંગી વિકાસ થશે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Arvind Patel says:

  આપણા ગુજરાતી માં એક કહેવત છે. બાપ કરતા દીકરા સવાયા. મતલબ કે જૂની પેઢી કરતા નવી પેઢી વધુ તેજ હોય છે. આ સનાતન સત્ય છે જ. પરંતુ જૂની પેઢી નો અહં તથા નવી પેઢી પર નો તેમનો અવિશ્વાસ તેમને આમ કરતા રોકે છે. જમાનો ખુબ જ પરિવર્તન શીલ છે. સારા પરિવર્તન સહર્ષ સ્વીકારવા અને નવી પેઢી માં સંપૂર્ણ વિશ્વાસ રાખવો. નવી પેઢી ને સંપૂર્ણ પ્રોત્શાહન આપવું. બાકી બધું તે લોકો કરી લેશે. મજા ની વાત છે.

 3. હિરેન માંડલિયા says:

  કારકીર્દિ નક્કી કરતી વખતે વ્યકિત બહુધા જે સારું લાગે તે કરવા ઈચ્છે છે, જેમાં પૈસા, પ્રતિષ્ઠા વધુ મળે તે કરવા ઈચ્છે છે અને એટલે જ પ્રશ્ન શરુ થાય છે.
  વ્યકિત એ કારકિર્દી નક્કી કરતી વખતે જે સારું હોય તે નહિ પણ પોતામાં જે સારું હોય તેમાં આગળ વધવું જોઈએ.

 4. p j pandya says:

  ખરેખર દરેક વાલિઓએ સમજવા જેવિ સરસ વાત ચ્હે

 5. hitesh zala says:

  Bahu saras alpeshbhai..,kalidasbhai tamaro no apva vinanti

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   હિતેશભાઈ,
   હું અત્યારે મેલ્બર્ન { ઓસ્ટ્રેલિયા } છું. મારો નંબરઃ + ૦૪૫૫૫૭૯૭૨૦ છે. ભારત કરતાં અહીંનો સમય ૫ {પાંચ} કલાક આગળ છે, જે આપની જાણ સારું. આપ જો આપનો નંબર આપશો તો હું ફોન કરીશ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 6. sejal shah says:

  Excelent story,too good,i like very much

 7. Jigar Prajapati says:

  ખુબ સારસ વાત, સાદાઇ થિ સમજાવી,આભાર્

 8. મનસુખલાલ ગાંધી says:

  સુંદર વાર્તા,,,,,,,,,,

 9. Chirag vyas says:

  Very nice & beautiful story. Both parents and children should understand.and it is more important “WHAT I WANT”.
  Good Luck

 10. Ashni says:

  “મેં બાની વાત મનને એક તમાચો મારીને માની લીધી.”
  “ના… હું મારી કાવ્યાને બીજો નરેન નહીં જ બનવા દઉં.”

  ખુબ સરસ વાત …

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.