આપણું સુખ આપણા હાથમાં છે – અવંતિકા ગુણવંત

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

સવાર-સાંજ ઊઠતાં-બેસતાં વિદ્યુત એક જ વાત રટ્યા કરે છે : જો મેં આગલી લાઈનમાં પ્લોટ લીધો હોત તો આજે હું માલામાલ હોત. કેટલા સસ્તામાં મને એ પ્લોટ મળતો હતો ત્યારે મને થયું કે મુખ્ય રસ્તા પર બંગલો હોય તો વાહનોનો ઘોંઘાટ અને વાહનવ્યવહારના કારણે પોલ્યુશન નડે. કેટલાય અજાણ્યા માણસો ત્યાંથી પસાર થાય અને આપણી સલામતી જોખમાય. રહેવાનું સ્થળ તો શાંત અને બની શકે એટલું એકાંત સ્થળે હોવું જોઈએ. એમ વિચારીને મેં અંદરનો પ્લોટ ખરીદ્યો અને અત્યારે થાય છે કે મેઈન રોડ પર મારો બંગલો હોત તો કેટલા બધા પૈસા ઊપજત !

નમ્રતા આ સાંભળતી હતી. તે પતિને કહે છે : “તમારો વિચાર બરાબર હતો.” વિદ્યુત કહે : “પરંતુ વિશાલે આપણી સાથે જ જમીન લીધી હતી ત્યારે કિંમતમાં બહુ ફરક ન હતો. વિશાલે આગળના રોડ પર મોકાની જમીન ખરીદીને ત્યાં બંગલો બંધાવ્યો તેના એ બંગલાના કરોડો રૂપિયા ઊપજ્યા. વિશાલનું તો નસીબ ખૂલી ગયું.”

નમ્રતા બોલી, “તો આપણુંય નસીબ ખૂલેલું જ છે ને ! આપણી પાસે અત્યારે શું નથી ? રહેવા માટે આટલો સરસ બંગલો છે. તમારે કારખાનું છે અને આપણે વૈભવમાં રહીએ છીએ. આપણી નાતમાં અને સમાજમાં પ્રતિષ્ઠા છે.”

વિદ્યુત ઉશ્કેરાટથી બોલ્યો, “ઠીક છે, હવે એ તો મન મનાવવાની બાબત છે. તમે સ્ત્રીઓ આટલામાં સંતોષ લઈ શકો. તમારામાં બુદ્ધિ કેટલી ? તમને તો ખાવાપીવા મળે અને બે-પાંચ સરસ કપડાં મળ્યાં એટલે અધધધ… તમારામાં મહત્વકાંક્ષા જ ક્યાં હોય છે ?

આપણી સાથેના લોકો આપણા કરતાં આગળ નીકળી જાય એ મારાથી સહન ન થાય. પેલો અજય કેવો ડફોળ હતો ! ભણવામાંય મારાથી ક્યાંય પાછળ હતો. આજ સુધી તો મામૂલી નોકરી કરી ખાતો હતો, પણ એનાથી એક સોદો એવો થઈ ગયો કે એ મારાથી આગળ નીકળી ગયો. એક-સામટા કરોડો રૂપિયા કમાઈ ગયો. કરોડો રૂપિયાની એણે કદી કલ્પનાય નહોતી કરી. આજે એ કરોડપતિ થઈ બેઠો છે.

નમ્રતા, તું કરોડો રૂપિયાની કલ્પના કરી શકે છે ?”

નમ્રતા બોલી : “ના, વિદ્યુત, મારી કલ્પનામાં પૈસા નથી આવતા, પરંતુ મેઘધનુષના રંગો આવે છે. હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો આવે છે. કાલિદાસ અને વલ્લભદાસના લખેલાં નાટકો આવે છે. શરદબાબુની નવલકથાના સંવાદો યાદ આવે છે. પૈસા સિવાય માણસના જીવનમાં ઘણું બધું છે. મને એ બાબતોમાં રસ છે.”

“બસ કર, તારી આવી ટાયલી વાતોની જ મને ચીડ છે. આપણાં બેઉ છોકરાંઓને તેં તારા જેવા ઘેલાં બનાવ્યાં છે. કોઈ ઊંચી ઉડાન જ નહીં. સાવ સામાન્ય રહેવા જ જન્મ લીધો છે તમે. સાવ પામર જંતુડા…”

નમ્રતા ઉશ્કેરાયા વિના બોલી, “પૈસા હોય તો જ અસામાન્ય બની શકાય ?”

“હા, આપણા સમાજમાં પૈસાની કિંમત છે. પૈસા હોય તો જ અસામાન્ય બની શકાય.

દુનિયા ધનવાનોને સલામ કરે છે, તારા જેવા વાત ડાહ્યાને નહીં. નમ્રતા, મારે ન કહેવું જોઈએ તોય હું કહ્યા વિના રહી શકતો નથી કે દુનિયામાં આગળ વધવા તેં મને કોઈ મદદ નથી કરી.

પ્રથમ દ્રષ્ટિએ તારી સુંદરતા, તારી ડિગ્રી, તારી વિદ્યા-વિનય-વિવેક પર હું વારી ગયો હતો, પરંતુ મારી એ ગંભીર ભૂલ હતી. પત્ની તો એવી હોવી જોઈએ જે પતિને આગળ વધવા માટે પ્રેરણા આપે. જ્યારે તારામાં એ દીર્ઘદ્રષ્ટિ, સમજ કે જોમ નથી. નમ્રતા, તને પામીને હું કશું જ પામ્યો નથી. મારા જીવનમાં તેં કશુંય આપ્યું નથી.”

પતિની વાતો સાંભળી નમ્રતાનું મોં પડી ગયું. પણ એ ખૂબ સમજદાર અને શાણી હતી. એ સમજતી હતી કે દલીલ કરવાનો આ વખત નથી. હું કંઈ પણ બોલીશ તો વિદ્યુત વધારે અકળાશે. તેથી નમ્રતાએ મૌન જાળવ્યું. પણ વિદ્યુત મૌન રહી શકતો નથી. એ આખો દિવસ અફસોસ જ વ્યક્ત કર્યા કરે છે કે આગળનો પ્લોટ મેં કેમ ન ખરીદ્યો. ઘરમાં એનાં સંતાનો હશે કે કંઈ બોલે તો એ તરત જ ખિજવાઈ જતો ને બોલતો, “તમારી માની જેમ દાધારંગા ન થશો, નહીં તો ધૂળમાટીમાં રગદોળાતાં જ રહેશો.”

નમ્રતા પૂછતી, “હસવું કે વાતો કરવી એ મૂળામાની બાળકો છે. તો મનનીય જીવે એમને એમની રીતે જીવવા દો.”

“નમ્રતા, બાળકો ને તું તારી રીતે જીવવાનું શિખવાડીશ નહીં. નહીં તો એ ભીખ માગશે. આટઆટલું કહું છું, પણ તારામાં અક્કલ આવતી જ નથી.”

નમ્રતાને થયું, “વિદ્યુત ભલે ભણેલો છે પણ એ તદ્દન સામાન્ય સ્તરનો છે. એનામાં જીવનની ઊંડી અને સાચી સમજ નથી. એ કેમ મન વાળી શકતો નથી કે જીવનમાં આવું તો થયા જ કરે. કોઈને વધારે પૈસા મળે, કોઈને ઓછા મળે. એમાં આટલો વલોપાત કરવાનો ? જે મળ્યું છે એને લક્ષમાં જ નહિ લેવાનું ! વિદ્યુતમાં આનંદ પામવાનું કૌશલ કે કળા છે જ નહીં. જે નથી મળ્યું એને ભૂલી જવાની એનામાં ખુમારી જ નથી.

જીવનને તે અખિલાઈથી કેમ નથી જોઈ શકતો ? અસંતોષની આગમાં શેકાઈને પારિવારિક જીવનની સ્વભાવિક શાંતિ, સુખ, ઉમંગ અને ઉલ્લાસને શું કામ જોખમમાં મૂકી રહ્યા છે ?”

નમ્રતાએ પતિને કહ્યું, “વિદ્યુત, તું જો સંતુલન નહિ જાળવે તો તું નબળો પડી જઈશ. હવે તું નહિ ચેતે તો વધુ પાયમાલ થઈ જશે. માટે વિદ્યુત, હવે તું સ્વસ્થ થઈ જા. બળાપો કરવાનું છોડી દે.”

નમ્રતાના અવાજથી વિદ્યુત ચમકી ગયો. આજ સુધી શાંત રહેતી નમ્રતામાં આવી ભાષામાં ચેતવણી આપવાની કડકાઈ પણ છે ?

નમ્રતા બોલ્યે જતી હતી : “માણસે સભાનપણે પોતાના મનને પ્રસન્ન રાખવું જોઈએ. પ્રસન્નતા જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. જો તું આમ સતત બળાપો કર્યા કરીશ તો ઘરના વાતાવરણ પર અને આપણા સંબંધ પર અસર પડશે. બોલ, તને આ બધું કબૂલ છે.”

નમ્રતાની આવી સ્પષ્ટ વાતથી વિદ્યુત ચમક્યો.

રોજની જેમ આજે એ ગુસ્સો કરી ન શક્યો. એનું વિવેકભાન જાગ્રત થયું. એ બોલ્યો, “સોરી નમ્રતા. હું બહુ દિલગીર છું. હવે તારે ફરિયાદનું કોઈ કારણ નહિ રહે.

જીવન ધન કરતાં મોટું છે, ઘણું મોટું. આ મહત્વની વાત હું આજ સુધી ભૂલી ગયો હતો. પણ હવે નહીં ભુલાય. જે મળ્યું છે, જેટલું મળ્યું છે એમાં આપણે આનંદથી જીવીશું. આપણા સુખને હું આંચ નહીં આવવા દઉં. ઘરના વાતાવરણને મલિન નહીં થવા દઉં. તું મારા પર વિશ્વાસ રાખ. આપણે પ્રસન્નતથી જીવીશું.”

નમ્રતા બોલી, “તારા પર વિશ્વાસ છે એટલે તો તારી સાથે રહી છું.”

સંપર્ક :
‘શાશ્વત’ ઓપેરા સોસાયટી, જૈન ઉપાશ્રયની સામે, અમદાવાદ – ૩૮૦ ૦૦૭)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગિફ્ટ… – અલ્પેશ પી. પાઠક
બે ગઝલ – નરેશ ડોડિયા Next »   

12 પ્રતિભાવો : આપણું સુખ આપણા હાથમાં છે – અવંતિકા ગુણવંત

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સાચી વાત છે અવંતિકાબેન. સુખ આપણા હાથમાં જ છે … જો સુખી થવું હોય તો !
  બાકી, આજે સૌને ” જે છે તેની અવગણના, અને જે નથી તેની લાલસા છે. ” … પરિણામે સૌ દુઃખી થઈ રહ્યા છે !
  સરસ બોધદાયક વાર્તા આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Hardik Kachhiya says:

  ખુબ જ સરસ…

 3. Arvind Patel says:

  જીવન માં જો અને તો ને વધુ મહત્વ આપવું નહિ, જો તમે ડાહ્યા માનસ હોવ તો. જો આમ થયું હોત તો સારું થાત. આમ ના થયું તેથી ખોટું થયું. કુદરત નું ગણિત સમજવું આપણી સમજ બહાર છે. આપણે દરેક કામ સંપૂર્ણ જાગૃતિ થી કરવા. ખુબ મહેનત પછી જે પરિણામ આવે તે સહર્ષ સ્વીકારવું. અફસોસ કરવો નહિ. આમ કરવાથી જીવન સરળ બનશે. નહીતર કારણ વગરના દુખી થવાનો ધંધો થશે.

 4. sandip says:

  “જીવન ધન કરતાં મોટું છે, ઘણું મોટું.”

  ખુબ સરસ્…………………….
  આભાર્…………………………

 5. Allgovtjobs says:

  Amazing Information in the post

 6. Mustufa M Khra says:

  સરસ !!!

 7. Chatrabhuj B Shankhala,Ahmedabad says:

  Very nice story

 8. MANOJ HINGU says:

  सर्पा: पिबंती पवनम न च दुर्बलस्ते |
  शुष्कइः तृणे: बलिनों भवनति गजा: ||
  फल कंदेही क्ष्पयंती कालों मुनिवराहा : |
  संतोष एवं पुरुष्यस्य परम निधानम ||
  સાપ હવા પીવે છે છતાં દુર્બળ નથી બનતા ,
  સૂકું ઘાસ ખાઈ ને હાથીઓ મદમસ્ત અને બળવાન બને છે ,
  ફળ, ફૂલ અને કંદ મૂળ ખાઈને ઋષિ મુનિઓ જીવન વ્યતીત કરે છે ,
  સંતોષ એ માનવ નો અમુલ્ય ખજાનો છે .

 9. pooja patel says:

  very nice story

 10. such a great article thanks for share

 11. Bhailal Bhanderi says:

  सुखस्य दुखस्य न कोपि दाता, परो दधातीति कुबुद्धिरेषा |
  संतोष एवं पुरुष्यस्य परम निधानम ||
  સંતોષ એ માનવ નો અમુલ્ય ખજાનો છે.

 12. Kaushik Senghani says:

  Very very nice story

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.