જ્યોત સે જ્યોત જલે… – કાલિદાસ વ. પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઑસ્ટ્રેલિયાના મેલબોર્નની ધમધમતી ફલીન્ડર્સ સ્ટ્રીટને નાકે આવેલા વૈભવશાળી આલીશાન મોલમાં અમદાવાદથી ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલો અમિત પાર્ટટાઈમમાં કાઉન્ટર પર કામ કરે છે.

અમિત પટેલ કાઉન્ટર ઉપર આવતા ગ્રાહકોનાં બિલ ફટાફટ બનાવે છે તથા પૈસા ગણીને સસ્મિત ચહેરે ગ્રાહકોનો આભાર માની બિલ તથા પૅક સામાન આપે છે. પાર્ટટાઈમમાં કામ કરીને ભણવાની મોંઘી ફી તથા રહેવા જમવાનો ખર્ચ એ કાઢે છે.

મોલના મુખ્ય પ્રવેશદ્વારથી એક દૂબળો-પાતળો, ગમગીન ચહેરે એક ગુજરાતી યુવાન પ્રવેશે છે. તે ખૂબ જ દુઃખી લાગે છે. તેને અંગત કામ માટે વતનમાં ફૅક્સ કરવો છે પરંતુ ફૅક્સ કરવાની વિધિ તથા કેટલો ખર્ચો થશે તે જાણતો નથી. અરે ! ખિસ્સામાં પૂરતા પૈસા પણ નથી ! તે અમિત સામે મીટ માંડીને, તે નવરો પડે તેની રાહ જોઈને એક ખૂણામાં ઊભો છે. ગ્રાહકોથી વીંટળાયેલા અમિતનું ધ્યાન તેની તરફ જાય છે અને ચબરાક અમિત બધું સમજી જાય છે. ગ્રાહકોને પ્રેમથી પતાવીને તે જુવાન ભણી વળે છે. તેને સસ્મિત વદને આવકારતાં પ્રેમથી બોલે છે : ‘બ્રધર ! બોલો શું સેવા કરું આપની ?’

બહુ દિવસે પોતાને કોઈએ ગુજરાતીમાં સંબોધ્યો અને તે પણ એક મોટા ભાઈના વાત્સલ્યભાવથી, તેથી એ જુવાન ભાવવિભોર થઈ ગયો ! મહાપરાણે રોકેલો અશ્રુબંધ તૂટી ગયો. બોલી જ ન શકાયું ! બસ રડતો જ રહ્યો ! ચાલાક અમિત બધું સમજી ગયો. પ્રેમથી તેને બરડે હાથ પસવારતાં બોલ્યો : ‘નાપાસ થયો છે ને ? શું રડે છે એમાં આમ છોકરીની જેમ ? ચલ ! હસ જોઉં તો ?’

મહાપરાણે, આંસુ લૂછતો જુવાન ફિક્કુ હસ્યો. બધી વ્યથા હવે મોં વાટે ટપકવા લાગી : ‘નાપાસ નહીં, બધાય વિષયમાં ફુલ્લી નાપાસ થયો છું. ફરીથી ભણવું પડશે અને બધી ફી ફરીથી ભરવી પડશે ! મોડાસાનો ગરીબ નાયીનો દીકરો છું. નાનકડી નાયીની દુકાન છે અમારી મોડાસામાં. માંડ ઘર ચાલે છે. ત્યાં ફીના અઢાર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી ? હવે, ઈન્ડિયા પાછો પણ શું મોઢું લઈને જાઉં ? ગરીબ-પ્રેમાળ પપ્પાએ ઉધાર-ઉછીના કરીને – દેવું કરીને, મારી જીદ સામે ઝૂકી જઈને, મને ભણવા મોકલ્યો છે.

મારે ઘરે ફૅક્સ કરવો છે રૂપિયા મંગવાવા, પરંતુ તે ફૅક્સ કરવાનાં ફદિયાં પણ મારી જોડે નથી ! અહીં બહુ મથ્યો પાર્ટટાઈમ નોકરી કરવા પરંતુ અંગ્રેજી બરાબર આવડતું નથી તથા અહીંના ગોરા લોકોના ઉચ્ચાર પણ એવા જુદા જ છે કે કશું ય સમજાતું નથી ! જ્યાં કોમ્યુનિકેશનમાં જ પ્રોબ્લેમ હોય, ત્યાં નોકરી ક્યાંથી મળે ? વળી, હું બહુ ભણેલો નથી ! જેમ તેમ કરીને ધો. ૧૨ પાસ કર્યું અને દેખાદેખીમાં એજન્ટની મદદથી ‘કૂકરી’ (રસોઈ વિજ્ઞાન)માં એડમિશન મળી ગયું અને મોટે ઉપાડે દેવું કરીને આવી ગયો ! અહીં બધું કમ્પ્યૂટરથી ચાલે છે અને મને કમ્પ્યૂટરનો ‘ક’ નથી આવડતો ! પછી નોકરી ક્યાંથી મળે ? મજૂરી જેવાં કામ માટે જાઉં છું તો મારા શરીરનો માયકાંગલો બાંધો જોઈને જ તરત ના પાડી દે છે !’

અમિતનો પ્રેમાળ હાથ હજુ પણ તેનો બરડો પસવારતો હતો. તેણે હિંમત બંધાવતાં કહ્યું : ‘અરે ! તેમાં ગભરાઈ જવાનું ? બધું નવું હોય, ઘર યાદ આવતું હોય, ત્યારે આવું લાગે તે સ્વાભાવિક છે. જ્યારે અમે નવા આવેલા ત્યારે અમે પણ બાથરૂમમાં જઈને છાને ખૂણે રડેલા !’

અમિતે તેણે મોડાસા ફૅક્સ કરી દીધો તથા પૈસા જાતે ચૂકવી દીધા. પછી પ્રેમથી તે જુવાનને જણાવ્યું, ‘મારું નામ અમિત પટેલ. અમદાવાદથી ભણવા આવ્યો છું. પરીક્ષા પતી ગઈ છે અને સદ્‍નસીબે હું પાસ પણ થઈ ગયો છું. P.R. ની ફાઈલ મૂકી છે, હાલ તો જૉબ કરું છું. તારું શું નામ ભઈલા ?’

‘કનુભાઈ લીંબચિયા મારું નામ. મોડાસામાં વૃદ્ધ પિતા નાયીની દુકાન ચલાવે છે. માંડ-માંડ ગુજરાન ચાલે છે : ફરીથી ફી ભરી શકય તેમ નથી. ક્યાંક કંઈક કામ મળી જાય તો… નહિતર પરત ઈન્ડિયા જવું પડશે !’

ચબરાક અમિતના મગજમાં ઝબકારો થયો. તેણે વિચાર્યું. નાયીનો દીકરો છે તો નાયીનું કામ પણ જાણતો હશે ને ? અહીં ‘હેર ડ્રેસર’ શોધ્યાય જડતા નથી ! તેણે પ્રેમથી કનુને પૂછ્યું : ‘તને ‘હેર ડ્રેસર’ તરીકે કામ મળે તો ? વળતર પણ સારું મળે !’

કનુ ઉત્સાહથી બોલ્યો : ‘હા ! હા ! તે તો અમારો ખાનદાની ધંધો છે. મને સરસ ફાવે છે. હું એકદમ તૈયાર જ છું.’

અને અમિતે કનુભાઈને જ્યાં પોતે નિયમિત વાળ કપાવતો હતો તે હેર ડ્રેસરની મોટી દુકાનમાં ગોઠવી દીધો. બસ ! કારીગરીનું જ કામને ? ક્યાં અંગ્રેજી ઝાઝું બોલવું પડે કે ન ફાવે ? પાછો બાપદાદાનો ખાનદાની ધંધો ! કનુભાઈ તો જબરા ગોઠવાઈ ગયા !

વર્ષો વીતી ગયા આ વાતને. અમિતને P.R. પણ મળી ગયો. ઑસ્ટ્રેલિયાની ટેલિકોમ્યુનિકેશન માસ્ટર ડિગ્રીને લીધે એકદમ સેટલ થઈ ગયો.

એક દિવસ મોબાઈલ ટેલિફોનના કવરેજની મોજણી કરવા ઓફિસર અમિત પોતાની મોજણી ટીમ સાથે સિટીમાં ફરતો હતો ત્યારે એક સુંદર વૈભવશાળી દુકાનમાંથી કોઈએ તેના નામની બૂમ પાડી ! તેને નવાઈ લાગી. તેણે દુકાનને ધારીને જોઈ તો ઉપર સુંદર મજાનું બોર્ડ હતું : ‘ઈન્ડિયન હેર ડ્રેસર્સ.’

તેને લાગ્યું કે કોઈ ભાઈબંધ વાળ કપાવવા આવ્યો હશે અને તેને જોઈને બોલાવતો હશે. તે દુકાનની અંદર ગયો. વૈભવી ઠાઠવાળી, પાંચ ખુરશીવાળી, હેર ડ્રેસિંગની મજાની ઍરકન્ડિશન્ડ દુકાન જોઈ અમિત ખુશ થઈ ગયો. અમિત હજુ કંઈ જુએ વિચારે તે પહેલાં તો, ફૅશનેબલ કપડાંમાં સજ્જ એક યુવાન તેના પગમાં પડીને તેની ચરણરજ લેતો હતો ! અમિત ઓળખી જ ન શક્યો આ જુવાનને. સુંદર તંદુરસ્ત શરીર અને એકદમ લેટેસ્ટ ફૅશનનાં ઉત્તમ કપડાં !

જુવાને જ ઓળખાણ આપી : ‘ન ઓળખ્યો મને અમિતભાઈ ? હું કનુભાઈ લીંબચિયા ! મોડાસાનો ! તમારે ત્યાં ફૅક્સ કરવા આવ્યો હતો !’

અમિતને તરત ટ્યૂબલાઇટ થઈ : ‘અરે કનુભાઈ તમે ! કેમ છો ? તમે નોકરી બદલી કે શું આ બીજી દુકાનમાં ?’

‘ના અમિતભાઈ ! આપની કૃપાથી આ મારી પોતાની દુકાન હું ચલાવું છું. પાંચ ખુરશીની દુકાન ધમધોકાર ચાલે છે.’

અમિત આભો બની ગયો ! તેને બધું યાદ આવી ગયું. પુરુષાર્થ કરનાર કદી નિરાશ થતો નથી તે સત્ય તેની નજર સમક્ષ ઝગારા મારતું હતું ! તેણે કનુનો ખભો થાબડ્યો : ‘શાબાશ દોસ્ત ! મને તારા પર ગર્વ છે !’

બંને જણા પ્રેમથી વાતે વળગ્યા. વાતવાતમાં અમિતની નજર દુકાનના પ્રવેશદ્વારના કાચ પર પડી. મોટા સુંદર અક્ષરે ગુજરાતીમાં લખ્યું હતું : ‘ઈન્ડિયન સ્ટુડન્ટસને જોબ મળશે : રૂબરૂ મળો.’

‘કનુભાઈ ! તમે વળી ક્યારથી ઍમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જ ખોલ્યું ?’

ખૂબ જ ગંભીરતાથી કનુ બોલ્યો : ‘હા ! અમિતભાઈ, આ મારી દુકાન ઈન્ડિયાના સ્ટુડન્ટસ માટે ઍમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જ કરતાં પણ વધારે છે. હું કોઈ પણ વિદ્યાર્થીને કામ અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. મારી દુકાનમાં જ પંદર છોકરા કામ કરે છે. તથા જેને કામ જોઈતું હોય તે સામેના પાટિયા પર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખી જાય છે. જ્યારે કામ મળે ત્યારે હું અચૂક તેઓને ફોન કરું છું અને બોલાવીને જેને કામ આપવું હોય તેનો મેળાપ કરાવી દઉં છું. અને, હવે તો જેને કામ આપવું છે કે પાર્ટ-ટાઈમ માણસની જરૂર છે તેવા માલિકો મારે ત્યાં તેમનાં નામ, કામ તથા મોબાઈલ નંબર લખાવી જાય છે. હું તો બંનેને જોડી આપતી ‘કડી’ છું. માત્ર આપે જ આ સંસ્કાર આપ્યા હતા ને ?’

અમિત અનિમેષ નેત્રે જોઈ જ રહ્યો કનુભાઈને ! તેનું મન વિચારતું હતું કે –
‘જ્યોત સે જ્યોત જલાતે ચલો…’

– કાલિદાસ વ. પટેલ

સંપર્ક : ૪૬, શાકુન્તલ બંગ્લોઝ, સોલા રોડ, અમદાવાદ- ૩૮૦૦૬૧.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

54 thoughts on “જ્યોત સે જ્યોત જલે… – કાલિદાસ વ. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.