(૧) મેળો
મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.
સગપણના ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.
ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડા ગાર ગોળાઓ છૂટે.
આ ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હિંચકો તો હૈયું હલાવતો,
ટકરાતા ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..
વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવાં મૂકેલાં મારગ અલબેલાં, ત્યાગી જે માણે માયાના આ મેળા….
(૨) યાદ આવે.
માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.
આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું કે, મારા મનમાં ખરતા પાન આવે.
હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.
રોજ કાગળ-પેન લઈ શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.
ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.
‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા, આપતી તું
હર પલે ઝંખુ કે આ દિલે સતત એ ગાન આવે.
માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા, મને બહુ યાદ આવે.
– દેવિકા ધ્રુવ
4 thoughts on “બે પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ”
દેવિકાબેન,
” યાદ આવે ” માં માની યાદ આંખો ભીની કરી ગઈ. સુંદર રચના. આભાર. મેળો પણ મજાનો…
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Nice..
મા મને યાદ આવે સરસ રચના ખુબ જ ગમિ અભિનન્દન્
માઁ નો રે પ્રેમ શબ્દો માં કેમ માપવો!
જે મારે છે મુજને ને ખુદ રે રોઈ
જંખું છું આજે પણ એના એ લાફા
એ મીઠું પ્રેમ બીજા શેમાઈ ના હોઈ.