કંધોત્તર ‌- અજય સોની (દ્વિતિય પુરસ્કાર વિજેતા વાર્તા)

સૂર્યકાંત એક લાંબા બોગદામાંથી પસાર થઇ રહ્યા છે. ચારે બાજુ અંધારું છે. એ સતત આગળ વધ્યા કરે છે પરંતું કશું પાછળ છૂટતું નથી. એક જ ગતિ અને એક જ સ્થિતી છતાંય ચકોર આંખો કશુંક બન્યાની રાહ જોયા કરે છે. કાળા દ્રશ્યો સિવાય કશુંયે નથી આવતું. અંધારાના ટુકડામાં એમને હાથ હલાવતી ભાનુમતી દેખાય છે. જાણે બોલાવી રહી હોય પરંતું ત્યાં પહોંચવાની સીડી જ મળતી નથી. દરરોજ સૂર્યકાંત સીડી શોધવા ફાંફાં માર્યા કરે. સામે છેડે ભાનુમતી હાથ હલાવ્યા કરે અને એમજ અંધારું હોલવાઇ જાય.

કાગનિંદ્રામાં જ સૂર્યકાંતે અંદાજ લગાવ્યો કે ભળભાંખળું થયું હશે. એમનો એક પગ હજીયે સપનામાં હતો. લાંબુ બોગદું જાણે ગતિ કરી રહ્યું હતું. અને સૂર્યકાંત બાઘાની જેમ આમતેમ જોયા કરતા હતા. ભાનુમતીનો અવાજ ચારે તરફ પડઘાતો હતો પરંતું હવે એ દેખાતી ન હતી. સૂર્યકાંત રોજની જેમ નિરાશ થઇ જાય છે. સવાર થઇ ગઇ છે એ ખ્યાલ આવતાં જ પેલું બોગદું દૂર ચાલ્યુ જાય છે અને સૂર્યકાંત પથારીના એક છેડે રહી જાય છે. હવાની લહેરખી બારીમાંથી આવીને ભાનુમતીના હાથ જેવો સ્પર્શ આપીને ચાલી જાય છે જાણે ભાનુ પોતે જ જગાડી રહી હોય.

સૂર્યકાંતે આંખ ખોલી. ઘરની છત આંખ સામે આવી. તૂટી ગયેલી તંદ્રાના લીરાં હવામાં લટકી રહ્યા હતા. પલંગ નીચે રાખેલ તાંબાનો કળશ્યો લીધો. અડધોક તો એક ઝાટકે જ પી ગયા. રાતે કળશ્યો ભરતી વખતે દરરોજ એક વિચાર આવતો કે સવારે પાણી પીવા નહીં ઉઠે પરંતું રોજ સવાર પડતી અને પાણી પીવાઇ જતું. ફરી દિવસ આખાની યાત્રા શરુ થતી જેમાં કાંઇ જ બનવાનું ન હોય. સતત ચાલી આવતી વિચારમાળામાં એક નવો મણકો ઉમેરાતો.

થોડીવાર પથારીમાં બેઠા રહીને મેલી થઇ ગયેલી દીવાલ પર નજર પાથરતા રહ્યા. આળસના કારણે એક બગાસુ આવ્યું. ભાનુએ ઘરની બધી દીવાલો ભરી નાખી હતી. એ નવરી પડે એટલે કશુંક કર્યા કરતી. ચાકળા, વૉલપીસ, શૉપીસ એ બધાથી મેલી, રંગ વિનાની દીવાલો પણ શોભી ઊઠતી ત્યારે લાગતું કે ભાનુ આ બધુ દિવાલના ડાઘ છુપાવવા કરતી હશે. આખો દિવસ કામમાં વ્યસ્ત ભાનુને જોઇને સૂર્યકાંતને ઈર્ષ્યા આવતી. “શા માટે આંખ્યું ફોડસ. આખી જીંદગી કર્યુ. હવે નથી કરવું. કોને બતાવવું છે.”

ઘણીવાર ભાનુ સૂર્યકાંતની વાતનો બીજો જ મતલબ કાઢી બેસતી જે સુર્યકાંતને ખબર પણ ન હોય. “કોઇને બતાવવા ક્યારેય કશું નથી કર્યું. જીવ પરોવાય એટલે જ આંખ ફોડુ છું. તમે તો હવે રીટાયર્ડ થયા એટલે નવરા છો. મેં તો આખી જીંદગી આ ઘરની દીવાલોને રંગ ઉતારતા જોઇ છે.”

બન્ને વચ્ચે લાંબુ મૌન છવાઇ જતું. બોઝીલ હવા ઘટ્ટ થઇ જતી. થોડીવારે સૂર્યકાંત ભાનુનો હાથ પોતાના હાથમાં લઇને પસવારતા પછી પોતે અધુરુ ભરતકામ પૂરું કરવાનો પ્રયત્ન કરતા પરંતું ન આવડતું. બન્ને વચ્ચે સ્મિતની કળીઓ ફૂટતી. ભાનુએ ઘરની દરેક વસ્તુને આંખ આપી દીધી હતી. બધુ જીવંત લાગતું. જ્યારે પણ ઘરમાં બેઠા હોઇએ ત્યારે દરેક વસ્તુ આપણને તાકી રહી હોય એવો વહેમ થતો. રાત્રે પણ…

સૂર્યકાંત ખાલી દીવાલોને જોઇ રહ્યા. મેલાઘેલા ડાઘા દેખાતા હતા. દીવાલો પર ખાસ કશું ટીંગાયેલું ન હતું. દરવાજાની જમણી બાજુ એક કેલેન્ડર હવામાં ફરફરવા રાખ્યું હતું જે સમયનું ભાન અપાવતું. એ સિવાય કશું નહીં જે ભાનુની યાદ અપાવે…

સૂયકાંત ઊભા થઈ બહાર આંગણામાં આવ્યા. પાણીનો ઝારો લઇ ચીકુને પાણી પાવા લાગ્યા. અન્યમન્સકપણે ચીકુના ઝાડના પાંદને જોઇ રહ્યા. ભાનુની ઈચ્છા હતી કે બગીચામાં એકાદ ફળનું ઝાડ હોય. સૂર્યકાંતે ખાસ્સી મહેનત કરીને આંગણામાં બગીચો બનાવ્યો હતો. બધી માટી ઊથલપાથલ કરેલી. ફૂલ-ઝાડના ક્યારા બનાવેલા. મેઇન ગેટ પાસે આસોપાલવના બે ઝાડ હતા. આંગણાની વચ્ચે એક ચીકુનું ઝાડ પણ વાવ્યું હતું. શરુઆતમાં ઘણી મહેનત કરી. ખાતર પાણી આપ્યા પરંતું પછી ખબર પડી ગઇ કે ચીકુડીને ફળ નહીં બેસે. સ્હેજ અફસોસ થયેલો પણ કશું થાય એમ ન હતું. છતાંય એ દરરોજ હેતથી પાણી પાતા.

સૂર્યકાંત ભાનુની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતા. છેલ્લે ભાનુની ઈચ્છાથી હરદ્વારની યાત્રા કરવા અનિલભાઇ સાથે ગયેલા. બન્ને જુના મિત્રો હતા. આ રીતે બહાર જવાનું કદી બન્યું ન હતું. ભાનુ બહુ ખુશ હતી. યાત્રા કરવાની એની બહુ ઈચ્છા હતી. ગંગા આરતી વખતે તો એ જાણે ગાંડી થઇ જતી. એકવાર તો એણે કહેલું, “આપણે અહીં જ રહી જઇએ.” સૂર્યકાંતને આગળ પાછળનો વિચાર આવ્યો પણ કાંઇ વિચારવા જેવું ન હતું. ક્ષણેક થઇ આવેલું કે રહી જઇએ. અનિલભાઇને વાત કરી તો એમણે તો રીતસરના ઊધડે લઇ લીધા. “શું ગાડાં જેવી વાતો કરો છો. એમ કાંઇ રે’વાતું હશે. તું અહીં રહી જઇશ તો મારા જેવાનું શું થશે. હું મરુ પછી આવજો.”

પછી ચારેય જણાયે વાતને હસી કાઢેલી. પરંતું સૂર્યકાંત ભાનુના મનમાં જાગેલા આ ભાવનું કારણ જાણવા ઈચ્છતા હતા. ક્યારેય ભાનુએ આવી વાત કરી ન હતી. પોતે હજી ક્યારેક ભાંગી પડતા તો ભાનુ આશ્વાસન આપતી. પરંતું સૂર્યકાંતને કશી સમજ પડે એ પહેલા જ ભાનુ અનંત યાત્રાએ ચાલી ગઈ.

દૂરના સગાં સબંધીઓ અને નજીકના મિત્રો આવ્યા. શાંતિથી બધુ ઊકલી ગયું. ચાર કંધા પર ભાનુ જઇ રહી હતી ત્યારે સહેજે વિચાર આવી ગયો કે ચારેય કંધોતર પરાયા હતા. પોતાનું કહી શકાય એવું કોઇ ન હતું. એ દિવસો દરમ્યાન અનિલભાઇ સતત સાથે રહેલા. સૂર્યકાંતને ઘડીયે એકલા ન છોડતા પરંતું ભાનુના ગયા પછી સર્જાયેલા ખાલીપાએ બધુ બદલી નાખ્યું. આટલા વર્ષોથી જેને હડસેલતા આવ્યા હતા, નિયતી માનીને સ્વીકારી લીધુ હતું એ સત્ય હવે વિચારવા મજબૂર કરતું હતું. સૂર્યકાંત લગભગ નિઃસહાય બનીને એમાં સપડાઇ જતા. અંતે એમણે હારીને હકીકતો સ્વીકારી લીધી હતી. છતાંય પેલો ડંખ જેવો વિચાર કેડો મૂકતો ન હતો. ભાનુના ગયા પછી તો જીંદગીમાં કાંઇ રહ્યું જ ન હતું. અનેક્વાર મૃત્યુના વિચાર આવી ગયા પરંતું દરેક વખતે ભાનુની નનામી ઉઠાવી જનારા અજાણ્યા જેવા લાગતા સબંધીઓ દેખાતા અને પીડા વધવા લાગતી. જખ્મમાંથી પરુ નીકળે એમ સૂર્યકાંત અંદરથી કોહવાતા રહેતા. ભાનુની દરેક નિશાની એમણે દૂર કરી નાખી હતી. મોટાભાગની વસ્તુ સંકેલીને રાખી દીધેલી. દીવાલ પરથી ચાકળા અને વૉલપીસ ઉતરી ગયા હતા જેથી ભાનુ યાદ ન આવે.

ચા પીવાની ઈચ્છા થતા તે રસોડામાં ગયા. ચા સ્ટવ પર ચડાવી સાણસી પકડી ઊભા રહ્યા. થોડા દિવસોથી અનિલભાઇ પણ કંટાળી ગયા હોય એમ લાગતું હતું. તેમણે ઘરના કંકાસની વાત કરેલી ત્યારે સહેજે મનમાંથી નીકળી આવ્યુ હતું. “આના કરતા તો વસ્તાર ન હોય એ સારુ.” પછી તરત જ ભાનુની નનામી યાદ આવતા અફસોસ ઘેરી વળેલો.

ચાનો કપ લઇ બહાર આવ્યા, પગથીયા પાસે બેસીને બગીચાને જોઇ રહ્યા. એમને અહીં બેસીને જોયા કરવું ખૂબ ગમતું. દરેક વખતે એની બાજુમાં ભાનુ હોય. આડીઅવળી વાતો થતી હોય. પરંતું હમણાથી એ ક્રમ તૂટી ગયો છે. મૌનમાં જ બધું ચાલ્યા કરે છે. ગઇ કાલે સાંજે અનિલભાઇ બગીચામાં મળ્યા ત્યારે વધુ પડતા ખીન્ન લાગતા હતા. એમને જોઇને સૂર્યકાંત પણ વિચારે ચડી ગયેલા. અનિલભાઇને ખબર હતી કે સૂર્યકાંત શેનો વિચાર કરતા હતા.

“યાર સૂર્યકાંત, હું તારાથી મોટો છું છતાંય જો કેવો અડીખમ છું. તું રોજેરોજ નીચો નમતો જાશ.” અનિલભાઇએ હળવાશ લાવતા કહ્યું.

“તમારી વાત સાચી છે, મારું શરીર પહેલીથી જ આવું છે. એકાધ રોગ, દર્દ તો શરીરમાં હોય જ. કાંઇ ન થતું હોય એવું તો મને સાંભરતું જ નથી. મારી ફરીયાદો સાંભળી ભાનુ હંમેશા કહેતી તમારી રાવ ક્યારેય નહીં સૂકાય.”

અનિલભાઇ ધીમુ ધીમુ હસવા લાગ્યા. સૂર્યકાંતનું હાસ્ય વેરાઇને સંકેલાઇ ગયું.

“કયા વિચારમાં પડી ગયો?” અનિલભાઇએ સીધુ પૂછ્યું.

સૂર્યકાંત થોડી ક્ષણો ઊભા રહ્યા. ક્ષિતિજ તરફ જોઇ રહ્યા. પછી નંખાઇ ગયેલા અવાજે બોલ્યા, “વારંવાર એજ વિચાર આવે છે. હું બધુ સમજું છું છતાંય પાછો પડું છું. હું જ મનને મનાવું છું અને હું જ હારી જાઉ છું. જીવવા માટે તો કોઇ કારણ નથી રહ્યુ પણ મરવા માટે પણ…” સૂર્યકાંતના બાકીના શબ્દો નિ:શ્વાસમાં ભળી ગયા.

“ઈશ્વર સાથે સબંધ રાખવાનો છે બાકી બધુ નકામું છે. તારા જેવો સમજદાર વ્યક્તિ આવી નબળી વાત કરે એ કેમ ચાલે.” અનિલભાઇ બોલ્યા બાદ પોતે જ વિચારમાં પડી ગયા.

“આંખ આડે ઝાંખપ આવે, ઓછુ દેખાય, ઘૂંટણમાં સટાકા આવે અને પીઠમાં સબાકા બોલે ત્યારે સમજદારીને પણ લકવો લાગી જાય છે. ઢળતી ઉંમરે હૂંફ સિવાય કશું કામ નથી આવતું યાર.”

“ઈશ્વરે જે આપ્યુ એ નિભાવે છૂટકો.”

“મારા ભાગે તો ઇશ્વરે છેલ્લુ સુખ પણ નથી આપ્યું એ વાત જ કોરી ખાય છે. નહીંતર આ જીંદગીને ક્યારનીયે ટૂંકાવી દીધી હોત.” સૂર્યકાંત વૉકીંગ ટ્રેક પર દોડતા લોકોને એકધારુ જોઇ રહ્યા હતા.

“મન તો મનાવવું પડશે ને! આ રીતે ક્યાં સુધી ચાલશે. દોઢ વર્ષ થયું ભાભીને ગયે. હું તો આઠ વર્ષથી એકલો જીવું છું. આઘાત તો મને પણ લાગ્યો છે.”

સૂર્યકાંત વચ્ચે જ બોલી પડ્યા, “હું તો તને એ વાતે નસીબદાર માનું છું. તું મરીશ તો તારી આંખોમાં સંતોષ લઇને મરીશ.”

“સાચું કહું સૂર્યકાંત, આ તો તારું મન ઢીલું ન પડે એટલે નબળી વાત નથી કરતો બાકી જીવવામાં હવે મને પણ રસ નથી રહ્યો. શા માટે દિવસો ખૂટાડું છું એ જ નથી સમજાતું. ઘર છે, છોકરા-પોતરા છે પણ એ બધુ નામનું. તારા ભાભીના ગયા પછી એ બધુ બદલાઇ ગયું. ઘરે જતાંંની સાથે મારો એકાંત ઓરડો સામે આવે. આખી રાત કણસવામાં નીકળે. કોઇ સાથે વાતચીત સુદ્ધાં નહીં. ખાવા સિવાય ઘર સાથે કોઇ સબંધ જ ન હોય એમ લાગે. આવી જીંદગી શું કામની?”

અનિલભાઇના સ્વરમાં લાચારી તરી આવી. આંખમાં ભીનાશ તગતગવા લાગી હતી. “અંતે એ ઘરનાં જ કામ આવશે. મારી જેમ તો નથી ને…?”

અનિલભાઇ અકળાઇ ગયા, “શું તુંયે એક જ વાત પકડી બેઠો છો. છોડ એ વાતને, ચાલ ચા પીએ.”

અનિલભાઇના ચહેરા પર સ્મિત આવ્યું. સૂર્યકાંતના ચહેરા પર એજ વિષાદ છવાયેલો હતો. બન્ને બહાર આવ્યા. ચાની રેકડી પાસે આવીને ગોઠવાયા. ચૂસકી લગાવતા સૂર્યકાંત બોલ્યા, “કેટલા દાયકા સાથે કાઢ્યા. પાછળ નજર કરુ છું તો લાગે છે કેટલું બધુ જીવી લીધું.”

“હા, ક્યારેક લાગે છે કે કેટલું બધુ જીરવી ગયા. હવે વધારે નહીં, છતાંય ઉપરવાળો આપ્યા જ કરે છે.”

અનિલભાઇ ફિક્કું હસ્યા. પ્રાયમસનો એકધારો અવાજ આવતો હતો. બન્ને વચ્ચે છવાયેલી ખામોશી ઘટ્ટ થતી જતી હતી. બન્નેને એવું લાગ્યું કે વધારે વાર સાથે રહીશું તો ફસકી જવાશે. પૈસા ચૂકવી અનિલભાઇ ઊભા થયા.

“તારી સાથે બેસવા માટે હિંમત કરીને બહાર આવું છું બાકી શરીરમાં વત્ત નથી.” પછી અટકીને બોલ્યા, “તું સંભાળજે. બહુ લાગણીવેડા ન કરજે.”

સૂર્યકાંતે હસવાનો પ્રયત્ન કર્યો પરંતું મોં બોખુ થઇ ગયું. અનિલભાઇ ધીમી ચાલે ચાલ્યા જતા હતા. એમની ચાલમાં થાક સ્પષ્ટ વર્તાતો હતો. થોડીવારે સૂર્યકાંત પણ શહેરના અંધારા ઉલેચવા ઊભા થયા. ખીસ્સામાં હાથ ભરાવી રોડની લાઇટના આછા પ્રકાશમાં ફૂટપાથ પર ચાલ્યા જતા હતા.

ચા પીવાઇ ગઇ. ક્યારે આંખ ભીની થઇ ગઇ એ ખબર ન રહી. અનિલભાઇ પણ સતત દુઃખો સાથે જીવ્યા છે. ઘરમાં કોઇનો સહારો નથી. સૂર્યકાંત જ્યારે પણ હતાશ થઇ જતા ત્યારે પોતાની જાતને અનિલભાઇ સાથે સરખાવતા. બધી રીતે પોતે સુખી છે એવું આશ્વાસન મળતું. પણ છેલ્લી બાજી એ મારી જવાના છે એ વિચારે થથરી જવાતું હતું. મરવા માટે પણ કાંઇક તો આશ્વાસન જોઇએ ને..!

અનિલભાઇ બહુ ધાર્મિક હતા. વારંવાર ઈશ્વરની વાતો કરતા. પરંતું સૂર્યકાંતને ઈશ્વર પર ખીજ ચડતી. શા માટે એકલો સડવા રાખી દીધો. ભાનુ સાથે જ લઇ લીધો હોત તો સારુ હતું. આ રોજની યાતના માંથી તો છૂટત. રોજ કરવતથી વેરાઇને ભુક્કો થવાનું. આનો ક્યારે અંત આવશે એ જ નથી સમજાતું. અંત તો શું આવવાનો. ગતિ સ્હેજ અવરોધાશે. અંત આવશે ત્યારે પણ સંતોષ તો નહીં જ હોય.

સૂર્યકાંતના મનમાં ઘમાસાણ મચ્યું હતું. રોજ મન મનાવવાના પ્રયત્ન કરતા પણ બધા હથિયાર ઠાલા નીકળતા. મન આગળ ધરવા કોઇ મજબૂત કારણ જ ન મળતું. એના તીવ્ર વેગમાં બધુ તણાવા લાગતું. અનિલભાઇ એમને સમજાવતા પરંતું ઘરે જઇને એ પોતે પણ આંસુ સારતા હશે.

ઊભા થઇ ચાનો કપ રસોડામાં મૂકીને રૂમમાં આવ્યા. આંખે અંધારા જેવું લાગતાં તરત જ દીવાલનો ટેકો લઇ લીધો. પણ દીવાલ ફસકી જશે એવો ડર લાગ્યો. દીવાલ ધ્રુજી રહી હોય એવું લાગ્યું.એના પર ટાંગેલા બધા ચાકળા નીચે પડી રહ્યા હતા. સૂર્યકાંત ઝીણી નજરે બધુ જોઇ રહ્યાં. રૂમના સામેના છેડે પલંગ હતો. સૂર્યકાંતને લાગ્યું ત્યાં પહોચી જવાય તો સારુ. પગ કાંપતા હતા. પેલા વિચારો વીંધી રહયા હતા. દીવાલના ટેકે ચાલતા હતા કારણ કે આ જ રૂમમાં વચ્ચે ચંદનનો લેપ લગાવીને ચૂંદડી ઓઢીને ભાનુમતિ સૂતી હતી. એના ચહેરા પર પ્રસન્નતા હતી. ધૂપની સુગંધ ફેલાયેલી હતી. એને ઊઠાવી જનારા કંધોતરો બહાર આંગણામાં ખિખીયાટા મારી રહ્યા હતા.

માંડ પલંગ સુધી પહોંચ્યા. પલંગની ધાર પર બેસીને ભોંય પર જોઇ રહ્યા, ભાનુ યાદ આવી ગઇ. આંખ આડે ધુંધળાશ આવી ગઇ. ભાનુનો છેલ્લીવારનો એ ચહેરો આંખા સામેથી ખસતો ન હતો. એમને થયું ભાનુની બાજુમાં પોતે સુતા છે. મોઢુ અડધુ ખુલ્લુ છે જેમાં બધા ગંગાજળ રેડી રહ્યા છે. અંદર તુલસીનું પાંદ પડ્યું છે. એ જ પરિચીત ધૂપની સુગંધ ફેલાયેલી છે. ઉદાસી લીંપેલા ચહેરા આમથી તેમ થઇ રહ્યા છે. અનિલભાઇ કોઇ ખૂણામાં બેઠા બેઠા રડી રહ્યા છે અને દૂરના સબંધીઓ એવા કંધોતરો ઉતાવળા થઇ રહ્યા છે. છાણીમાંથી ઊઠતો ધુમાડો ચારેબાજુ ફેલાઇ ગયો છે. કંઇ જ દેખાતું નથી પરંતું ધૂંધળાશમાં ભાનુનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. એ લાંબા બોગદાના સામે છેડે ઊભી છે. અંધારામાં સ્હેજ ઉજાશ ફેલાય છે. ભાનુ લાંબો હાથ કરીને રોજની જેમ બોલાવે છે. પોતે એ બાજુ ડગ ઉપાડે છે. ભાનુ નજીક આવી રહી છે. એના ચહેરા પર એજ પ્રસન્નતા છે. એ ક્યાંક લઇ જવા ઉતાવળી થવા લાગે છે. પરંતું થોડું જ દેખાતું અંતર કપાતું નથી. ભાનુ આકળ વિકળ થાય છે. એને ઉતાવળ હોય એમ બોલાવ્યા જ કરે છે. સતત દોડ્યા કરે છે. હવે ભાનુ ઊધું ફરીને ચાલવા માંડે છે. પોતાના હાથ ભાનુને બોલાવવા લંબાય છે પણ મોઢામાંથી અવાજ નથી નીકળતો. ગળામાં રોજની જેમ ખારાશ બાઝી જાય છે.

ફોનની રીંગ વાગી. સૂર્યકાંત ઝબકીને જાગ્યા. એમને ફોન ઊપાડવાની ઈચ્છા ન થઈ. ઘડીક તો થયુ બાજુમાં ભાનુ બેઠી છે અને બન્ને ક્યાંક જવાની વાત કરી રહ્યા છે. પરંતું રોજની જેમ સ્વપ્ન ભાંગી ગયું. ચહેરા પર ખિન્નતા છવાઇ ગઇ. સૂર્યકાંત માંડ ઊભા થયા. ફોન ઊપડતા પહેલા એમને ખબર ન હતી કે આટલી મોટી ધ્રુજારી એમની રાહ જોઇ રહી છે.

* * * *

બપોરે બાર વાગ્યે નનામી નીકળી. બહુ રોકકળ ન થઇ. માણસો ઘણાં હતા. ગંગાજળ પીવડાવતી વખતે હાથ રીતસરનો કંપ્યો હતો. બાજુમાં જલતા ધૂપની સુગંધ ક્યાંય દૂર લઇ જતી હતી. સૂર્યકાંતથી નનામી સામે જોવાતું ન હતું. હજી ગઇ કાલે જ વાત થઇ ને…

સૂર્યકાંત નનામી ઊઠાવી જનારા કંધોતરોને ઈર્ષ્યાથી જોઈ રહ્યા.

– અજય સોની

સંપર્ક – રામ નગર, પ્લોટ નંબર-૯૯/એ, અંજાર-કચ્છ, પિન કોડ-૩૭૦૧૧૦, મોબાઇલ – ૯૦૩૩૮ ૪૩૮૦૫, ૯૯૭૯૬ ૧૦૪૦૭, ઈ મેઈલ ‌- ajay_r_soni@yahoo.com

સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪ માં દ્વિતિય ક્રમાંકે વિજેતા વાર્તા…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કંધોત્તર ‌- અજય સોની (દ્વિતિય પુરસ્કાર વિજેતા વાર્તા)”

Copy Protected by Chetan's WP-Copyprotect.