બે અછાંદસ રચનાઓ.. – ઇસ્માઇલ પઠાણ

(૧) અનુભૂતિ

મારા ઘરથી ખેતર સુધી
ટૂંકો રસ્તો છે

હું ચાલતો જાઉં છું  
શેઢા પર
અને ખાડા-ટેકરા આવતા જાય છે

ખેતરના છેડે ઉભેલા થોરીયા
મારી સામે જોઈ રહે છે

નિ:શબ્દ બની હું એમને
જોતો રહું છું…

માણસોની ભીડ ધીરે ધીરે
દૂર થતી જાય છે
મારા અંદર રહેલી ઉદાસીનું
સૂર્યના તડકામાં બાષ્પીભવન થાય છે

ચાલતાં-ચાલતાં…
લીલાંછમ ખેતરોની વચ્ચે
અચાનક એક કવિતા
ઉગી નીકળે છે
આપોઆપ

એક-એક શબ્દ ફેલાય છે
સંવેદનાઓ છલકાય છે
ને અક્ષરો દોડે છે મારા
ધસમસતા રક્તપ્રવાહ સાથે

અને

મને લાગે છે કે

“વનસ્પતિ સંવેદનશીલ હોય છે”

એ ખરેખર સાચું છે.

(૨) દિકરી…

ગઈકાલે
પાડોશીની દિકરીના
લગ્નની તારીખ નક્કી કરવા
મહેમાનો આવ્યા હતા,
હું પણ હાજર હતો

કેલેન્ડરની હાજરીમાં તારીખ
નક્કી થઈ
અને મારી આંખો સામે
કન્યાવિદાયના પ્રસંગો
ફિલ્મપટ્ટીની જેમ પસાર થવા લાગ્યા

બેકગ્રાઉન્ડમાં દિકરીના કરૂણ
રૂદનનો અવાજ સંભળાયો…
હું ઘરે આવ્યો
મન બેચેન હતું…

મારી દિકરીએ પૂછ્યું :
“શું થયું પપ્પા? તબિયત ઠીક નથી?”

મેં કહ્યું
“ના બેટા હું તો બસ એમ જ જરા…”
ને બસ પછી
મારાથી એકદમ જાણે
ચીસ પડાઇ ગઈ
અંદરોઅંદર

હા..હા..એક દિવસ તારે પણ
દિકરીની તારીખ નક્કી કરવી પડશે…

ત્યાં હાથમાં ગ્લાસ લઈ આવેલી દિકરીએ જગાડ્યો…
“લો પપ્પા પાણી પીવું છે?”

મેં મારી આંખમાં આવેલું પાણી
માંડ‌-માંડ
અંદરોઅંદર પી લીધું.

– પઠાણ મો. ઇસ્માઇલ અલીખાન
મુ.તાલેપુરા(મડાણા‌-ગઢ), તા. પાલનપુર, જિલ્લો – બનાસકાંઠા. ફોન – 89-80-654-308
E-mail- ismailpathan2@gmail.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “બે અછાંદસ રચનાઓ.. – ઇસ્માઇલ પઠાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.