શું ખાવું, શું નહીં ? ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ? – સૌરભ શાહ

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

શું ખાવું, શું નહીં, ક્યારે ખાવું, ક્યારે નહીં ? – આ વસ્તુને ધ્યાનમાં રાખીને આયુર્વેદની આંગળી પકડીને ચાલવાના ફાયદા વિશે આપણે જાણીએ – સમજીએ.

આયુર્વેદને હિન્દુત્વ સાથે સાંકળી લેવામાં અમેરિકા જેવા રાષ્ટ્રોને તો ફાયદા જ છે. એ લોકોની મલ્ટિનેશનલ કંપનીઓ – ચાહે એ દવા બનાવનારી હોય, કૃત્રિમ ખાતર બનાવનારી હોય કે પછી મોન્સાન્ટો જેવી જિનેટિક્લી મોડિફઈડ બિયારણ બનાવનારી હોય – એ બધાને ફાયદો જ છે.

ભારતમાં ધીમે ધીમે સમજ આવવા માંડી છે કે કુદરતી ખાતરની મહત્તા કેટલી છે. ઑર્ગેનિક ફૂડના નામે વેચાતાં ફળ-ફળાદિ, શાકભાજી તેમજ ધનધાન્ય અને દૂધ-ઘી કેટલાં ઑથેન્ટિક છે એની તપાસ ખરીદનારે જાતે નાનીમોટી ગુગલસર્ચ કરીને કરી લેવાની અને એ પછી નોર્મલ કરતાં થોડી વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવાની. દવા-ઑપરેશન્સ અને સારવારમાં લાખો રૂપિયા ખર્ચી નાખવા પડે એને બદલે એ ખર્ચનો એક નાનકડો અંશ ઑર્ગેનિક ફૂડ પાછળ ખરચવામાં સમજદારી છે. હૉસ્પિટલની અવરજવરમાં જે અગવડ ભોગવવી પડે એના કરતાં દસમા ભાગની અગવડ રોજિંદી જીવનશૈલીમાં ભોગવી લઈશું તો આયુષ્ય લંબાશે કે નહીં એની કદાચ કોઈ ગૅરન્ટી નહીં મળે પણ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી હેલ્ધી લાઇફ સ્ટાઈલ રહેશે એની પાકી ખાતરી… જો આયુર્વેદને અનુસરતા હોઈશું તો.

સીધીસાદી બાજરીની જ વાત લઈએ. ગુજરાતના જાણીતા વૈદ બાપાલાલ વૈદ્ય કહે છે કે બાજરી ક્યા ખેતરની ખાઈએ છીએ તે મહત્વનું છે. ખાતર વિના ઉગાડેલી બાજરી સત્વહીન છે, ઝેરી છે. અહીં ખાતર એટલે રાસાયણિક ખાતર એવું માનવું નહીં. ઑર્ગેનિક એટલે કુદરતી ખાતરથી ઉગાડેલી બાજરીમાંથી જ બાજરીના તમામ ગુણ શરીરને મળી શકે. વળી આ બાજરીને સંચે ન દબાવવી એવી સૂચના પણ એમણે આપી છે.

વેગનના જમાનામાં દૂધ અને દૂધમાંથી બનતાં માખણ, દહીં, ચીઝ જેવા બીજા આહારોની પણ ખૂબ નિંદા થતી હોય છે. ‘દૂધ સાક્ષાત અમૃત છે’ એવું વિધાન આયુર્વેદમાં કરવામાં આવેલું છે. બાપાલાલ વૈદ્ય પણ કહે છે કે દૂધની બરાબરી કરી શકે એવો કોઈ અન્ય ખાદ્યપદાર્થ નથી અને દરેક વ્યક્તિએ હંમેશાં રોજનું એકથી દોઢ શેર (લગભગ અડધોથી પોણો લિટર) દૂધ પીવું જોઈએ. દૂધનો વધુ ઉપયોગ કરનારી પ્રજાઓ બળવાન, બુદ્ધિવાન, સાહસિક અને દીર્ઘાયુ હોય છે.

હવે સવાલ એ આવે કે કેવું દૂધ પીવું જોઈએ. ભેંસ કરતા ગાયનું દૂધ વધારે આરોગ્યપ્રદ છે. કુદરતી ચારો ચરનારી ગાયનું દૂધ સૌથી વધુ આરોગ્યપ્રદ હોવાનું અને એમાંય પેશ્વરાઈઝ્‍ડ ન કરેલું, ઉકાળ્યા વિનાનું કાચું ગાયનું દૂધ (જેને ઑર્ગેનિક ચારો અપાતો હોય) એથી યે વધુ આરોગ્યપ્રદ હોવાનું. મુંબઈ જેવાં શહેરોમાં હવે ઘેરબેઠાં ગાયનું ઑર્ગેનિક દૂધ બોટલમાં મળતું થઈ ગયું છે. આવું દૂધ મીઠાશમાં પણ ચડિયાતું હોય છે. ટેવ પાડવામાં આવે તો ખાંડ નાખ્યા વિના જ સ્વાદથી પી શકાય છે એવો વર્ષોનો અંગત અનુભવ છે.

માખણ, ઘી, દહીં, પનીર વગેરેને ક્યારેક હાર્ટ ટ્રબલ સાથે તો ક્યારેક બીજા રોગો સાથે સાંકળીને વગોવવામાં આવે છે. હૃદયરોગથી દૂર રાખવાનો દાવો કરનારાઓએ તેલ તેમજ અન્ય પદાર્થોની જાહેરખબરોથી ભરમાયા વિના સૂઝબૂઝથી એમાં રહેલાં / ઉમેરાયેલાં તત્વો વિશે ધીરજપૂર્વક જાણવું જોઈએ. કુટુંબની સેહત જાળવવાના દાવાઓ કરતાં આવાં મોંઘાં તેલ સરવાળે શરીર માટે હાનિકારક પુરવાર થતા હોય છે. પ્રમાણસર ઘી, માખણ, દહીં, પનીર શરીર માટે ઉપયોગી જ નહીં, અનિવાર્ય પણ છે એવું આયુર્વેદ ગાઈ-બજાવીને કહે છે. સમૃદ્ધ વ્યક્તિને ત્યાં ‘ઘી-દૂધની નદીઓ વહે છે’ એવું એક જમાનામાં કહેવાતું તે આજેય એટલું જ સાચું છે.

જમવાની બાબતમાં આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે ખોરાક રાંધ્યા પછી વધુમાં વધુ પોણો કલાકમાં આરોગી લેવો જોઈએ. માઈક્રોવેવ અને ફ્રિજની સગવડ આવ્યા પછી સાધારણ મધ્યમવર્ગીય કુટુંબોમાં પણ સવારે રાંધેલો ખોરાક રાત્રે ખાવાનું તો કૉમન થઈ જ ગયું છે. બીજે-ત્રીજે-ચોથે દિવસે અને ડીપ ફ્રિજમાં થિજાવીને અઠવાડિયા-પંદર દિવસ સુધી પણ હવે તો ખવાય છે. કેરીનો રસ ઘણાં ઘરોમાં છ-છ મહિના સુધી સંઘરી રાખીને વાર-વહેતારે ખવાય છે. આધુનિકતા અને આધુનિક વિજ્ઞાન સામે કોઈને કશો જ વાંધો નથી પણ વિજ્ઞાનનો આવો વરવો દુરુપયોગ ફૅશનમાં ને ફૅશનમાં ભલે કરીએ. એક વાત જાણી લેવી જોઈએ કે વાસી ખોરાક સત્વહીન હોય છે. તાજો અને ઉષ્ણ ખોરાક જમવાથી જમવામાં સ્વાદ આવે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે – ભૂખ ઊઘડે છે અને ખાધેલું જલદી પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોચન થાય છે. કફ સુકાઈ જાય છે.

ગાંધીજી ભલે મીઠાઈની ખિલાફ હતા અને આજનું મેડિકલ સાયન્સ ડાયાબિટીસનો ડર બતાવીને ભલે ભોજનમાં મીઠાઈ પર પ્રતિબંધ લાદતું હોય પણ આયુર્વેદ કહે છે કે ખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ. લૂખો ખોરાક ખાવો અહિતકર છે. સ્નિગ્ધ ખોરાકમાં મિષ્ટાન્નનો સમાવેશ થાય છે. ભોજનમાં હંમેશાં થોડો મધુર પદાર્થ ખાવામાં આવે તો સારું. મિષ્ટ પદાર્થથી દેહની અભિવૃદ્ધિ થાય છે. ખોરાક સ્વાદિષ્ટ લાગે છે. સ્નિગ્ધ ખોરાક ઉપર જ બલ, વર્ણ, બુદ્ધિ, શરીરોપચય અને સાહ્સનિર્ભર છે એવું આયુર્વેદ માને છે. કહેવાની જરૂર નથી કે કોઈ પણ ચીજના અતિરેકની જેમ મિષ્ટાન્નનો અતિરેક પણ શરીર માટે હાનિકારક જ હોવાનો.

જમવાની રુચિ ન હોય તો ન ખાવું. ભૂખ વિના ખાવું નહીં. ભૂખ ન હોય તોય કોઈને આગ્રહ કરીને ખવડાવવામાં પાપ છે. એકાદ ટંક ભૂખ્યા રહેવથી માણસ મરી જવાનું નથી. ભૂખ ઊઘડશે ત્યારે ખાશે.

ભૂખ ન હોવાનાં, ખાવાની રુચિ ન થવાનાં અનેક કારણો હોઈ શકે. શારીરિક બીમારીઓ ઉપરાંત માણસને ખબર પણ ન હોય તેવાં ટેન્શનોને લીધે, સ્ટ્રેસને કારણે ચિંતાગ્રસ્ત થઈ જવાથી ભૂખ મરી જાય. આવા વખતે ભૂખ ઉઘાડવાના પ્રયત્નો કરવાને બદલે મન સાથે તાર્કિક વાતો કરીને કે પ્રાણાયામનો આશ્રય લઈને સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડવું. ભૂખ આપોઆપ ઊઘડવાની.

ભૂખ લાગે ત્યારે જ જમવાનો મતલબ એ નહીં કે રાત્રે જમવાના સમયે રુચિ ન હોય તો જમવું નહીં અને અડધી રાત્રે બે વાગ્યે ભૂખ લાગે ત્યારે આચરકુચર ખાઈ લેવું. જમવાનો અને ઊંઘવાનો સમય નિશ્ચિત રાખવો. દિવસ દરમિયાન અગિયાર વાગ્યે લંચ કરવાની ટેવ હોય કે પછી બે વાગ્યે, સમય નિશ્ચિત રાખવો. ઊંઘની બાબતમાં પણ કોઈ રાત્રે પ્રોપર ઊંઘ ન આવી હોય તો બીજે દિવસે બપોરે સૂઈ જઈને રાતની ઊંઘ સરભર કરી લેવાની લાલચ રોકીને બીજી રાત્રે સમયસર ઊંઘી જવાની મક્કમતા કેળવવામાં કંઈ બહુ મોટા વિલ પાવરની જરૂર પડતી નથી.

જમતી વખતે પાણી પીવામાં જરા પણ નુકસાન નથી એવું આયુર્વેદ કહે છે. આ વિવાદાસ્પદ પ્રશ્નને જોઈએ તે કરતાં વધુ મહત્વ અપાયેલું છે એવું બાપાલાલ વૈદ્યનું મંતવ્ય છે. તેઓ કહે છે : ‘(જમતી વખતે) જ્યારે પાણીની તરસ લાગે ત્યારે પાણી પીવું.’ વાગ્ભટના ‘અષ્ટાંગહૃદય’ને ટાંકીને કહે છે : ‘ભોજનની મધ્યમાં પાણી પીવાથી શરીર બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં તેવું સમાન રહે છે. ભોજનના અંતમાં પાણી પીવાથી શરીર સુકાય છે.’

જમવાની બાબતમાં ક્યારેય અંતિમવાદી બનવું નહીં. માત્ર ફળ પર, માત્ર દૂધ પર કે માત્ર અમુક જ ખોરાક પર શરીર નભી શકે પણ સુદ્રઢ ન બને, સ્વાસ્થ્ય પણ ઘટે. માટે બની શકે તેટલા જુદા જુદા પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરવો. એક જ ટંકમાં જાતજાતનું ખાઈ લેવું નહીં. પણ અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રકારના પદાર્થો ખોરાકમાં લેવાથી શરીર સ્વસ્થ રહે છે.

આયુર્વેદ કહે છે કે બપોરના જમણ બાદ શાંતચિત્તે કલાકેક આરામ લેવો. જમીને તરત કામે વળગવાથી અન્ન પચવામાં વાંધો આવે છે. વામકુક્ષિ – ડાબે પડખે સૂવું એટલે ઊંઘી જવું નહીં પણ લાંબા થઈને, જાગતાં રહીને શાંતિથી આરામ કરવો. રાતના ભોજન બાદ થોડોક આરામ લીધા બાદ એકાદ કિલોમીટર, સવા કિલોમીટર જેટલું એકદમ ધીમે ધીમે ચાલવું. એક સંસ્કૃત શ્લોક છે જેનો અનુવાદ છે : ‘ખાઈને જે આરામથી સૂતો નથી તેને તંદ્રા લાગુ પડે છે. ખાઈને જે ઊંઘી જાય છે તેનું શરીર જાડું થાય છે, જે આંટા મારે છે તે આયુષ્ય પ્રાપ્ત કરે છે. ખાઈને દોડે છે તેની પાછળ મૃત્યુ પણ દોડે છે.’

તમને થશે કે શહેરના ધમાલભર્યા જીવનમાં ઉપર લખેલી કેટલી વાતોનો અમલ શક્ય છે ? આવો પ્રશ્ન થતો હોય એમણે દવાઓના ખર્ચા અને હૉસ્પિટલાઈઝેશન પાછળ બગડતા સમયની સાથે સરખામણી કરીને આખો લેખ ફરી એકવાર વાંચી જવો જોઈએ.

– સૌરભ શાહ

કાગળ પરના દીવા

સ્વાસ્થ્યની ગેરહાજરીમાં ડહાપણ પોતાને પ્રગટ કરી શકતું નથી. કળા ખીલતી નથી. શક્તિઓ કોઈનો સામનો કરી શકતી નથી. સંપત્તિ નિરૂપયોગી થઈ જાય અને મતિ મૂંઝાઈ જાય છે.
– હિરોફિલસ (શરીરશાસ્ત્રની વિદ્યાનો પાયો નાખનાર ગ્રીક તબીબ – ઈ.પૂ. ૩૩૫-૨૮૦)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “શું ખાવું, શું નહીં ? ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ? – સૌરભ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.