ત્રણ પિયર ! – ગિરિમા ઘારેખાન

(અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો, ‘દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડી વાર આવીએ ?’

મેં હસીને પાછળ જોયું તો બેલા ! એની સાથે એક અજાણી યુવતી પણ હતી.

મેં કહ્યું, ‘અરે, આવ આવ. થોડી વાર શું કામ ? આરામથી બેસીએ, હું તો અમસ્તી બહાર આંટો મારવા જ નીકળતી હતી.’

ઘરમાં દાખલ થતાં જ બેલાએ કહ્યું, ‘દીદી, આ મેઘા છે, મેઘા દેસાઈ, આપણા ગુજરાતી સમાજમાં હમણાં જે પેલા તુષારભાઈ જોડાયા છે એમની વાઇફ, અને મેઘા આ અમારા બધાંનાં દીદી છે. અહીં ઘણાં વર્ષોથી છે. સમાજની ઘણીબધી પ્રવૃત્તિઓ કરે છે – યોગ શીખવે છે, બાળકોને ગુજરાતી શીખવે છે, સંસ્કૃતના સ્તોત્ર શિખવાડે છે, રાસ-ગરબા કરાવે છે અને બીજું ઘણુંબધું, બૅંગાલુરુમાં જે નવાં ગુજરાતી આવે એ બધાંને, દીદી જે જોઈએ એ મદદ કરે અને…’

‘બસ, બસ બેલા,’ મેં થોડા સંકોચ સાથે કહ્યું, ‘સારું મેઘા, હવે તો તું અહીં જ છે ને એટલે બાકીનો પરિચય તને આપોઆપ થઈ જ જશે.’

મેઘા સહેજ નીચે ઝૂકીને મને પગે લાગી. હવે મેં એને બરાબર જોઈ – પાતળું પણ સુડોળ શરીર, ઘઉંવર્ણો ચમકતો વાન, મોટી પાંપણોવાળી – “મીનાક્ષી” નામ પાડવાનું મન થાય એવી સુંદર આંખો અને મોંની નમણાશ એટલી નીતરે કે નીચે ખોબો ધરીને ઝીલી લેવાનું મન થાય.

‘બોલ, ક્યાંથી આજે અચાનક આવવું થયું ?’ મેં એ લોકો સામે પાણીના ગ્લાસ ધરતાં બેલાને પૂછ્યું.

‘દીદી, મેઘા રાજકોટથી આવી છે. એનાં બે બાળકોને સ્કૂલનું વર્ષ પૂરું કરાવવા એ ત્યાં જ રહેલી, તુષારભાઈ પહેલાં એકલા જ આવેલા. મારી સામેનો જ ફ્લૅટ ભાડે રાખ્યો છે.’ બેલાએ મેઘાની પૂર્વભૂમિકા આપી, પણ એના ઉપરથી મને મારું શું કામ હશે એનો અંદાજ ન આવ્યો.

‘સારું, સરસ. તને સારી કંપની રહેશે.’

‘દીદી, મેઘાનો માલવ સાતમમાં છે અને તોરલ છઠ્ઠામાં. સ્કૂલમાં ઍડમિશન લઈ લીધું છે. આમ તો બંને હોશિયાર છે, રાજકોટમાં ઇંગ્લિશ મીડિયમમાં જ હતાં, પણ અહીંયા ઇંગ્લિશમાં થોડીક તકલીફ પડે છે, ઉચ્ચારો પણ બરાબર સમજાતા નથી. તમે જો થોડો વખત એમને મદદ કરી શકો તો બંનેને સ્કૂલમાં વાંધો ન આવે.’

મારાં બંને છોકરાંઓ તો ભણી-ગણીને પરદેશમાં સેટલ થઈ ગયાં હતાં અને પતિદેવ ઑફિસના કામમાં ખાસ્સા બીઝી રહેતા. એટલે મારી પાસે સારો એવો સમય રહેતો. હું આવી રીતે ગુજરાતથી આવેલાં ઘણાં બાળકોને મદદ કરતી હતી. ત્રણ-ચાર મહિનામાં તો એમની ગાડી પાટે ચડી જતી અને કંઈક સારું કામ કર્યાનો આનંદ-સંતોષ મળતા.

મેં હા પાડી, દિવસ-સમય બધું નક્કી થઈ ગયું અને માલવ અને તોરલને લેવા-મૂકવા આવતી મેઘા સાથે પણ મારે ઘરોબો થઈ ગયો. તોરલ બિલકુલ મેઘાની પ્રતિકૃતિ અને માલવ આબેહૂબ એના પપ્પા જેવો, બંને બાળકો હોશિયાર હતાં, થોડા વખતમાં તો તૈયાર થઈ ગયાં. પછી તો મેઘા પણ બૅંગાલુરુના ગુજરાતી સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ ગઈ અને રહેતાં રહેતાં મારા જમણા હાથ જેવી બની ગઈ.

મેઘા અને તુષાર સાથેનો પરિચય જેમ જેમ વધતો ગયો એમ એમ એમના માટેનું માન પણ વધતું ગયું – એક નર્યું આદર્શ યુગલ. એમની આંખોમાં, બોલચાલમાં એકબીજા માટે અઢળક પ્રેમ છલકાય, પણ ઘણાં યુગલોમાં હોય છે એવો ઘેલછાભર્યો પ્રેમ નહીં, પરસ્પર સન્માન ધરાવતો પ્રેમ ! વગર બોલે એકબીજાની વાત સમજી જવાની કંઈક આંતરિક શક્તિ બંનેએ કેળવી લીધી હોય એવું લાગે, બંને છોકરાં પણ એટલાં જ ડાહ્યાં. દરેક જગ્યાએ હોય છે એમ તોરલ તુષારની આગળ-પાછળ ફરે અને માલવ ‘મમ્મી-મમ્મી’નું રટણ કર્યા કરે. માલવ આ ઉંમરના છોકરાઓ હોય એમ થોડો ચંચળ ખરો, પણ મમ્મીનો બોલ ન ઉથાપે, મેઘાનું પણ ‘મારો માલવ, મારો માલવ’ કહેતાં મોં ન સુકાય. આ પ્રેમથી હર્યાભર્યા કુટુંબને જોઈને મને અમારાં છોકરાંનું બાળપણ યાદ આવી જતું.

એ દિવસે રવિવાર હતો, આમ તો ભાદરવો મહિનો ચાલતો હતો પણ આગલા દિવસે બૅંગાલુરુમાં ખૂબ વરસાદ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાં હતાં. એટલે અમે રવિવારની સવારનો ગુજરાતી ભાષાનો વર્ગ બંધ રાખ્યો હતો, પતિદેવ એમની ઑફિસના કામે મુંબઈ ગયેલા હતા, એટલે હું તો શાંતિથી પરવારતી હતી, ત્યાં જ મેઘાનો ફોન આવ્યો,

‘દીદી, ફ્રી છો ?’

‘હા, કેમ ? કામ છે કંઈ ?’ મને હતું કે એને માલવ-તોરલને ભણવા મોકલવાં હશે, એને બદલે એણે તો કહ્યું,

‘દીદી, એકાદ કલાક પછી મારે ઘેર આવી શકશો ?’

એને ઓચિંતું શું કામ પડ્યું હશે એ મને કંઈ સમજાયું નહીં, તોપણ મેં કહ્યું, ‘હા, રસોઈ કરીને આવીશ. પણ કામ શું છે એ તો કહે.’

‘ના દીદી, રસોઈ ન બનાવતાં, અહીં સાથે જમીશું, તમે બને એટલા વહેલાં આવી જાઓ. પછી વાત કરીએ.’

મને લાગ્યું કે કદાચ માલવ કે તોરલનો જન્મદિવસ હશે. હું કોઈ ભેટ લઈને જ જઉં માટે કહેતી નહીં હોય.

હું તો ચૉકલેટનો ડબ્બો લઈને મેઘાને ઘેર પહોંચી ગઈ, પણ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું એનાથી અવાચક જ થઈ ગઈ.

માલવ અને તોરલ પૂજા કરવા બેઠાં હતાં. માલવની સામે બાજોઠ ઉપર કોઈ યુવતીનો અને તોરલની સામે બાજોઠ ઉપર કોઈ યુવાનનો ફોટો હતો. પુરોહિતજી એ બંને પાસે જે વિધિ કરાવતા હતા એ જોઈને મને ખ્યાલ આવી ગયો કે આ શ્રાદ્ધની વિધિ છે, પણ શ્રાદ્ધની વિધિ આ બાળકો કરે ? અને કોની ? આ ફોટા કોના હતા ? મેઘા પણ એ બંનેની વચ્ચે એમને જરૂર પડે એ વસ્તુઓ આપતી બેઠી હતી, એટલે વચ્ચે એને પૂછું પણ શું ? મારી અતૃપ્ત જિજ્ઞાસામાંથી નીકળતા મૂંઝવણના ધુમાડાથી હું ગૂંગળાતી હતી. એક વાર મારી અને એની આંખો મળી એટલે એણે એની મોટી પાંપણો હલાવીને અને હોઠ ફફડાવીને મને ‘પછી કહું છું’ એમ કહ્યું.

હાશ ! વિધિ સંપન્ન થઈ. દક્ષિણા લઈને પુરોહિતજી હજુ બારણા સુધી પહોંચ્યા પણ ન હતા ત્યાં જ મારા મોંમાં પુરાઈ ને અકળાઈ ગયેલા શબ્દો આકુળવ્યાકુળ બહાર આવ્યા, ‘આ બધું શું છે મેઘા ? આ ફોટા કોના છે ?’

મેઘાએ તો જાણે બૉમ્બ ફોડ્યો. યુવાનના ફોટા તરફ આંગળી ચીંધીને એણે કહ્યું, ‘આ મીનેષ, મારો પહેલો પતિ. તોરલ એની અને મારી દીકરી છે અને આ હેમાદીદી – માલવનાં મમ્મી. આઇ મીન… તુષારના પહેલાં પત્ની.’

હું તો સાવ અવાચક, હોઠ ફફડે પણ શબ્દ ફૂટે તો ને ! આટલું એક વાક્ય બોલીને એણે આ ચતુષ્કોણના સંબંધોમાં એક એવું જાળું ગૂંથી દીધું હતું કે હું તો એ જાળામાં અટવાઈ જ ગઈ, કંઈ જ ખબર ન હતી પડતી.

મને એ જ સ્થિતિમાં મૂકીને મેઘા ઊભી થઈ, ‘દીદી, છોકરાંઓ ભૂખ્યાં થયાં હશે, પહેલાં જમી લઈએ, પછી તમને બધી જ વાત કરું છું. આ બધું તમને ન કહું તોપણ ચાલે, પણ આજે જ મને અને તુષારને એક સાથે જ વિચાર આવ્યો કે આપણે દીદીને બધું જણાવી દઈએ. એમનાથી શું છુપાવવાનું ?’

એ દિવસે હું શું જમી હતી મને યાદ નથી, મારે તો આ અકળ રહસ્યને ઉકેલવું હતું. જમીને તુષાર છોકરાંઓને લઈને બેડરૂમમાં ગયો. અમે બહાર સોફા ઉપર જ જમાવ્યું. ધીમે ધીમે મેઘાએ પડદો ખેસવ્યો. એના જીવન-રંગંચનાં જે દ્રશ્યો મારા કાન-આંખો સામે ભજવાયાં એ કોઈ પણ વાર્તા, નાટક કે દંતકથા કરતાં ય વધારે રસપ્રદ હતાં !

મેઘાએ શરૂઆત કરી, ‘દીદી, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારું અને તુષારનું આ બીજું લગ્ન છે. મીનેષ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ત્યારે હું માત્ર વીસ વર્ષની હતી. એકવીસમા વર્ષે તોરલ જન્મી અને એનો પહેલો જન્મદિવસ ઊજવીએ એ પહેલાં તો એક અશુભ સવારે મીનેષની ઑફિસમાંથી ફોન આવ્યો કે હાર્ટઍટેકના તીવ્ર હુમલામાં એ ખુરશી ઉપર જ ઢળી પડ્યો હતો.

પછીનું એક વર્ષ કેવી રીતે વીત્યું એ મને જરાયે યાદ નથી. મારું મગજ જાણે એક વર્ષ સાવ મૂર્છિત હતું. હા, એટલી ખબર છે કે મારાં મમ્મી-પપ્પા વારંવાર મને એમને ત્યાં લઈ જવા માટે આવતાં હતાં અને હું મારાં સાસુ-સસરાના ચહેરા સામે જોઈને એમને ના પાડી દેતી હતી. તોરલના બીજા જન્મ દિવસ પછી, તમને આશ્ચર્ય થશે પણ, મારાં સાસુ-સસરાએ જ મને બીજા લગ્ન માટે તૈયાર કરી. હું પણ સમજવા તો માંડી જ હતી કે એક ત્રેવીસ વર્ષની રૂપાળી વિધવા માટે આખી જિંદગી એકલા વિતાવવી કેટલી અઘરી છે. મારાં જેઠ-જેઠાણી તોરલને દત્તક લેવા તૈયાર હતાં પણ મેં તો એવી શરત કરી હતી કે જે તોરલની સાથે મને અપનાવવા તૈયાર થશે એની સાથે જ હું લગ્ન કરીશ.

એક દિવસ મારા સસરાએ છાપામાં, તુષારની જીવનસાથી શોધવા માટેની જાહેરાત જોઈ, એ જાહેરાતમાં તુષાર માટે આવું લખ્યું હતું, “એક પુત્રવાળો યુવાન વિધુર.” પપ્પાએ તપાસ કરાવી. હેમાદીદી માલવને જન્મ આપીને થોડા વખતમાં મૃત્યુ પામ્યાં હતાં. અમે બંને મળ્યાં. તુષાર મને તોરલની સાથે અપનાવવા તૈયાર હતા. એમણે કહ્યું, ‘મા વિના બાળકની શું હાલત હોય એ હું મારા માલવને જોઈને સમજી શકું છું. તારી તોરલ મા હોવા છતાં નમાઈ બને એ મને ન ગમે.’

મારાં મમ્મી-પપ્પાને સમજાવીને મારાં પહેલાંનાં એ સાસુ-સસરાએ જ મારું કન્યાદાન કર્યું. જેઠે ભાઈની ફરજો બજાવી, હું અને તુષાર લગ્ન અને પછી પ્રેમની ગાંઠથી પણ બંધાઈ ગયાં. અમારું એક સંપૂર્ણ કુટુંબ બની ગયું. વળી, અમારા આ સમચોરસ પરિવારને પંચકોણીય નહીં બનાવવાનો નિર્ણય અમે પહેલાં જ લઈ લીધો હતો. માલવ અને તોરલ થોડાં સમજણાં થયાં એટલે અમે જ એમને બધી વાત કરી દીધી. એમ કરવા પાછળ અમારાં મનમાં એક તકેદારી હતી; મોટાં થઈને બધી વાત બહારથી જાણીને એમને છેતરાયાની લાગણી તો ન થાય ! એટલે જ હેમાદીદી અને મીનેષના દસ વર્ષ પછીના શ્રાદ્ધની વિધિ આજે એમની પાસે કરાવી.’

વાતાવરણ એકદમ શાંત હતું અને મારું મન સ્તબ્ધ. ‘સાવકી મા’ અને ‘સાવકો બાપ’ શબ્દને આપણા સમાજે એટલા ભયંકર બનાવી દીધા છે કે કોઈ સાવકાં મા-બાપ આટલો પ્રેમ વરસાવી શકે એ તો માલવને મેઘા સાથે કે તોરલને તુષાર સાથે લાડ કરતાં જોઈએ ત્યારે જ સમજાય.

એ દિવસથી મેઘા અને તુષાર માટેનો મારો આદર ખૂબ જ વધી ગયો. મને લાગતું કે નિઃસ્વાર્થ પ્રેમનું એ બંને સાક્ષાત ઉદાહરણ છે. કોઈને માટે ક્યારેક થોડું પણ કરે તો ય લોકો છલકાઈ છલકાઈને અધૂરા ઘડા થઈ જતા હોય છે. જ્યારે સાવકાં સંતાનો ઉપર હથેળીની છાયા કરતાં આ મા-બાપ દુનિયાને એની જાણ થવા દેતાં નહોતાં. મેઘા અને મારી વચ્ચેનો પ્રેમનો સેતુ આ વિગત-વાત પછી વિશેષ મજબૂત થતો ગયો. સમાજને લગતાં સઘળાં કામની મારી ઘણી જવાબદારી એણે ઉપાડી લીધી હતી. ડિસેમ્બરના સ્કૂલ વૅકેશનમાં એ એક મહિનો માલવની જનોઈ માટે રાજકોટ ગઈ ત્યારે મારો તો જાણે જમણો હાથ જ કપાઈ ગયો. એણે વૅકેશનમાંથી પાછા આવીને મને ફોન કર્યો ત્યારે મને હાશ થઈ. મારે તો કેટલી બધી વાતો અને કેટલાં બધાં કામ ભેગાં થયાં હતાં ! જોકે લાગતું હતું કે એને તો પાછા આવવાનું જરાયે ગમ્યું ન હતું. કારણ કે એણે તો એક મહિનાનું વૅકેશન કેટલું નાનું પડે છે અને કોઈની સાથે મન ભરીને રહેવાયું નથી એવું જ ગાણું ગાયે રાખ્યું.

પછી જાન્યુઆરી મહિનામાં તો ત્રણ-ચાર ઓણમની પાર્ટીઓમાં મેઘાને ઉપરાઉપરી મળવાનું થયું. દર વખતે મેઘા નવી નવી સાડીઓમાં દેખાતી. છેવટે એક દિવસ મેં એને પૂછી નાખ્યું, ‘શું મેઘા, આ વખતે રાજકોટથી ઘણીબધી ભારે સાડીઓ ખરીદીને લઈ આવી છે ?’

‘ના દીદી, આ બધી તો માલવની જનોઈમાં મોસાળામાં આવેલી સાડીઓ છે,’ મેઘાએ સાડીના પાલવ ઉપર હાથ ફેરવતાં કહ્યું.

‘પણ આટલી બધી ?’

‘કેમ દીદી, મારે તો ત્રણ પિયર નહીં ? એટલે ત્રણેય પિયરથી મોસાળા આવ્યાં !’ સૂરજનું પ્રતિબિંબ ઝીલીને ઝાકળ મલકાય એમ મલકાતાં મેઘા બોલી.

હું થોડી વાર તો પહોળી આંખે મેઘાની સામે જોઈ રહી. મને કંઈ જ સમજાયું નહીં, છેવટે મોટા આશ્ચર્યચિહ્‍નને પહેરીને મારા શબ્દો મોંમાંથી નીકળ્યા.

‘ત્રણ, પિયર ? એ કેવી રીતે ? આવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી.’

‘દીદી’, મેઘા જાણે નાના બાળકને સમજાવતી હોય એમ બોલી, ‘મારાં મમ્મી-પપ્પાનું ઘર મારું પિયર ખરું કે નહીં ?’

‘હા, પણ… એમણે માલવનું મોસાળું…!?’

‘તે મારા દીકરાની જનોઈ માટે એના નાના-નાની મોસાળું તો કરે જ ને ?’ મેઘા જાણે સાવ સામાન્ય વાત કરતી હોય એવી રીતે બોલી.

‘મેઘાનાં મમ્મી-પપ્પા એના પતિના પહેલા લગ્નના છોકરા માટે મોસાળું કરે ?’ મને નવાઈ તો ઘણી લાગી, પણ એને બાજુમાં હડસેલીને મેં પૂછ્યું, ‘ઓ.કે. પણ બીજું પિયર ?’

‘અરે મારાં દીદી, હેમાદીદીની જગ્યા મેં લીધી એટલે હું એમનાં મમ્મી-પપ્પાની દીકરી થઈ કે નહીં ? રાજકોટ જઈએ ત્યારે અમારા વૅકેશનનો ચોથો ભાગ એમના ખાતામાં નાખી દેવાનો. એમણે તો અત્યારથી તોરલના લગ્નના મોસાળા માટે સોનું ભેગું કરવા માંડ્યું છે, તો પછી માલવ તો એમના, બધાના શબ્દોમાં કહું તો ‘સગો દોહિત્ર’, એટલે ત્યાંથી પણ મોસાળું તો ચડે જ ને ? તમને ખબર છે દીદી, બે-ચાર દિવસે મારા ફોન ન જાય તો એ લોકો ઊંચા-નીચા થઈ જાય. આવતા મહિને તો એ લોકો અહીં મહિનો રહેવા આવવાનાં છે, ત્યારે હું તમને એ લોકો સાથે મેળવીશ. તમને પછી એમને વારંવાર મળવાનું મન ન થાય તો મને કહેજો.’

મને ખબર ન પડી કોણ વધારે વંદનીય કહેવાય – પતિની પહેલી પત્નીનાં મા-બાપને એવું જ સન્માન આપનાર મેઘા કે મૃત પુત્રીનું સ્થાન લેનાર સ્ત્રી અને એની પુત્રીને પણ અનરાધાર પ્રેમ આપનાર એ વૃદ્ધ દંપતી ?

પણ સહુથી મોટું આશ્ચર્ય તો હવે આવવાનું હતું જ્યારે મેઘાને મેં પૂછ્યું, ‘અને ત્રીજું પિયર ?’ અને પછી હસતાં હસતાં ઉમેર્યું, ‘તારાં સાસુ-સસરા ખૂબ સારાં હશે એટલે એ ઘરને પણ પિયર જ ગણતી હોઈશ ને ?’

મારી મજાકને સમજીને મેઘા પણ એવું જ હસી, પછી મારો હાથ પકડીને બોલી, ‘સાસુ-સસરા તો ખૂબ સારાં છે. પણ દીદી તમે ભૂલી ગયાં ? મને તુષાર સાથેના લગ્ન વખતે કન્યાદાન કોણે આપ્યું હતું ?’

‘પણ એ તો મીનેષનાં મમ્મી-પપ્પા – તારાં સાસુ-સસરા…!’ ‘હા, પણ મીનેષ ગયો એ દિવસથી તો એમણે મને દીકરી જ માની છે ને ? એટલે એ ઘર પણ મારું પિયર જ છે. અમે રાજકોટ જઈએ ત્યારે ખાલી હું અને માલવ-તોરલ નહીં, તુષારે પણ ત્યાં રહેવા આવવાનું જ, એટલે માલવનું મોસાળું એમણે પણ કર્યું.’ મેઘાએ પોરસાતાં પોરસાતાં કહ્યું.

‘પણ માલવ તો તુષારનો…’

‘અરે દીદી, હજુ તમે મારાં એ નંદ-યશોદાને ઓળખતાં નથી. અમારી વેડિંગ એનિવર્સરી ઉપર અહીં આવે ત્યારે મળી લેજો. મને બીજો જન્મ તો એમણે જ આપ્યો ને ? બાકી મીનેષના ગયા પછી હું તો માત્ર શ્વાસ લેતી હતી, જીવતી ક્યાં હતી ?’

આંખોમાં આંસુ હોય ત્યારે પણ મેઘા એટલું જ મીઠું અંજની સ્મિત આપી શકતી. આશ્ચર્ય અને અહોભાવના મિશ્રિત ભાવો મારા ચહેરા ઉપર લીંપાઈ ગયા. મારી આંખોનાં નેવાંમાંથી વહાલ ટપક્યું.

આ છોકરીને, એના વરને, એના કુટુંબને શું કહેવું ? પ્રેમનું મેઘધનુષ ? જ્યારે સહોદર ભાંડુઓ વચ્ચે પણ સંપ નથી હોતો; ઈર્ષા, અદેખાઈ, અહમ્‍ અને કાવાદાવામાં, વાડકી-વાડકાના ભાગલામાં જ્યાં ઘરો તૂટે છે અને સામસામી ઈંટો ફેંકાય છે, એ સંસારમાં એક આવો સંસાર પણ વસે છે !

અમુક નક્કામી, સામાજિક ઘરેડનો ભોગ હું ન બની હોત તો મેં ત્યારે મેઘાને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા હોત. મેં સહેજ ઊંચા થઈને એનું કપાળ ચૂમ્યું. પછી એના બે હાથ મારા હાથમાં પકડીને અબોલ હું ઊભી રહી.

સંપર્ક :
૧૦, ઈશાન બંગલોઝ, સુરધારા-સતાધાર રોડ, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. : ૮૯૮૦૨૦૫૯૦૯


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શું ખાવું, શું નહીં ? ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ? – સૌરભ શાહ
દમયંતી – નયનાબેન શાહ Next »   

31 પ્રતિભાવો : ત્રણ પિયર ! – ગિરિમા ઘારેખાન

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ગિરિમા,
  અત્યંત સંવેદનશીલ અને હૃદય સોંસરવી નીકળી જાય તેવી સચોટ વાર્તા આપી. આજના જમાનામાં પણ આવાં ઉદારચરિત માનવો પણ છે, તે આ સંસારનું સૌભાગ્ય છે. સાચે જ તેથી જ કહેવાયું છે ને — બહુ રત્ના વસુંધરા !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Krishna Nirav says:

  Maja aavi gayi …
  Too thouchy story ..

 3. keerti says:

  aa real story chhe?

 4. p j pandya says:

  ખુબ જ સરસ વારતા ગુન્થિ ચ્હે લેખિકને ખુબ ખુબ અભિનન્દન્

 5. સંગીતા ચાવડા says:

  આંખોમાં આંસુ આવી ગયા હૃદય શ્પર્શી આલેખન

 6. shirish dave says:

  અતિ સુંદર વાર્તા. મેડ ફોર ઇચ અધર, તે આનું નામ

 7. Hitesh Patel says:

  અલન્કારીત વાર્તા…..સરસ….Keep it up writting…

 8. Lata Bhatt says:

  હ્રદયસ્પર્શી વાર્તા..સરસ વાર્તાગૂંથણી

 9. Ekta says:

  if Story -> Super like
  if Real story -> Super Super like

 10. sejal shah says:

  Very nice and heart touching story.aapda samaj ma pan aava parents and inlaws hova joi e.bahu badha ni lifesudhri jay.

 11. ASHABEN BUCH says:

  very interesting and immosanal story

 12. Sunil Vaidya says:

  વાહ ! જીજ્ઞાસા એટલી થઇ કે। .. એકજ શ્વાસે વાંચી ગયો

 13. sunil talpada says:

  sooo….incredible story…i love this story,,thanks to give us… garima…

 14. NIPA MAYUR PATEL says:

  nice story***
  thank you so much is story ko upelod karne ke liye
  biji avi story mukta rahejo

 15. KANAIYALAL PATEL says:

  Unbelievable ?

 16. મારી અતૃપ્ત જિજ્ઞાસામાંથી નીકળતા મૂંઝવણના ધુમાડાથી હું ગૂંગળાતી હતી…

  વાહ સરસ વાક્ય રચના….
  સરસ રચના અભિનંદન

 17. Bharati Khatri says:

  Very nice story and touching

 18. Nitin says:

  આખો માથિ અશ્રુઓ વહે તેવિ નિતાન્ત પ્રેમ નિ કથનિ શુધ્ધ પ્રેમ નિ વાર્તા ખુબ જ ગમિ ગિરીંમા બહેન નો ખુબ આભાર

 19. umesh says:

  garima ben khub saras varta, aavi varta aapva badal tamaro khub khub aabhar, gana samay pachi aatli sari varta vaachi, tamaru lekhan bahuj saras che…..god bless u…

 20. uma says:

  કાશ આ સત્ય હઓય

 21. uma marfatia says:

  very nice story.wish this happen in real life.

 22. meghana says:

  ખુબ જ હ્રદયસ્પર્શી

 23. tejal says:

  ખરેખર ખુબ જ સરસ….હ્રદયસ્પર્શી…

 24. HITESH says:

  EXCELLENT STORY

  REALLY NICE ONE.

  SUPERB

 25. pinal says:

  VERY BEAUTIFUL STORY

 26. ખુબ જ સુન્દર વાર્તા !! જો સત્યઘટના હોય તો કથાના સઘળા પાત્રોને મહામાનવ સિવાય બિજિ યોગ્યતા અત્યારે સમજ્મા નથિ.

 27. Vaishali says:

  Heart touching story.vachine ankhma ashu avi gaya

 28. RIDDHI BRIJESH KOTADIYA says:

  ખુબ જ સરસ વર્તા
  વાચવેી ખુબ જ ગમેી
  આખ મ અસુ લવેી દે

 29. Ashwinkumar Kikani says:

  સરસ… હ્રદય ને સ્પર્શી ગઈ…

 30. Pranali Desai says:

  Garima,
  Your story reminded me of my own life story. My husband and I both lost our first life partners. This is our second marriage, just like the main characters in your story. One difference is, we didn’t have any kids at that time. We were very fortunate to have blessings from four families (including extended) at our wedding. My brother in law’s (jeth) children still calls me “kaki” and my husband “kaka” though they do not have any blood relation with him. I would love to know what inspired you to write this story. Any real life events or your own story?
  Lots of good wishes for the future!
  Pranali

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.