- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભાડેથી મળશે – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ભાડૂતી માણસો તો આજથી દોઢસો-બસો વર્ષ અગાઉ પણ મળતા – ખાસ કરીને મરણ વખતે ખોટું-ખોટું રડનાર, પોક મૂકનાર અને છાજિયાં લેનારા. જેમણે ‘રૂદાલી’ ફિલ્મ જોઈ છે તેમને આ હકીકતની ખબર છે. પછી સમાજ સુધરતો ગયો ને મરણ પાછળ રોવા-કૂટવા તેમ જ કાણ-મોકાણનો રિવાજ અસ્ત પામ્યો એટલે ખોટું-ખોટું રોનારાંઓનો ધંધો પડી ભાગતાં તેમને સાચું રડવાના દિવસો આવ્યા. હવે ગુજરનારાઓની પાછળ પ્રાર્થનાસભાનો નવો ચાલ શરૂ થયો છે. પ્રાર્થાનાસભાઓમાં ગાયકોને, અલબત્ત, ભાડેથી બોલાવવામાં આવે છે. જોકે એમાંના કેટલાક ગાયકો તો મરશિયાના ઢાળમાં જ ભજનો ગાતા હોય છે, પરંતુ એ મુદ્દાની ચર્ચા અહીં જરૂરી જણાતી નથી.

અને ભાડાના ઘંઘામાં બરકત છે એવું જણાતાં એક ભાઈએ એક એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલ્યો છે, જેમાં તમે માગો એ બધું ભાડેથી મળે. કડિયાનાકા પર કડિયા, મજૂર, સુથાર, લુહાર, પ્લમ્બર, ઈલેકિટ્રશિયન, રંગારા વગેરે એક જ સ્થળે મળી શકે છે એ રીતે આ સ્ટોર દ્વારા સભા-સરઘસ માટેના માણસો, હડતાળ પડાવનારાઓ, ઘેરથી (અર્થાત તમારા ઘરેથી) જમીને, તમે મોકલો એ સ્થળે જઈ ઉપવાસ પર બેસીને ‘ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે…’ જેવી કાવ્ય-પંક્તિઓ ગાનારા માણસો પૂરા પાડવામાં આવે છે.

સ્ટોરનો માલિક સાહિત્યપ્રેમી છે. સાચમસાચ સાહિત્યપ્રેમી છે એટલે તો કવિતા, વાર્તા કે એવું કશું લખતો નથી – આ અર્થમાં સાહિત્યક્ષેત્રે તેનું પ્રદાન નોંધપાત્ર ગણાવું જોઈએ. તેની સાહિત્યપ્રીતિને કારણે તે સાહિત્યિક કાર્યક્રમો માટે વાજબી ભાવે ખાસ માણસો પૂરા પાડે છે.

આપણે સાદી ભાષામાં જેને ‘બેસણું’ કહીએ છીએ તેને આ સાહિત્યવાળાઓ ‘શોકસભા’ તરીકે ઓળખાવે છે. આ શોકસભા અને બેસણાની વચ્ચે પાયાનો ફરક એટલો જ હોય છે કે બેસણું મૂંગું હોય છે, જેમાં આગંતુકો દિવંગતના ફોટા પાસે બે પુષ્પો મૂકે છે અને સદ્ગતના સ્વજનો સામે હાથ જોડી જય જય કરી ત્યાંથી ખચકાતા-ખચકાતા બહાર નીકળી જાય છે. આથી વધારે કશું કરવાની તેમની જવાબદારી નથી.

જ્યારે શોકસભા સ્ત્રીલિંગ હોવાને કારણે બોલકી છે, જેમાં વક્તાઓ મરનાર વિશે ઓછું ને પોતાના વિશે વિગતે બોલવાનું ચૂકી ન જવાય એની ખાસ કાળજી રાખે છે. આ જ કારણે સાહિત્યિક શોકસભાઓમાં ઓડિયન્સની ખેંચ વર્તાય છે. આથી સાહિત્યપરિષદ જેવી સંસ્થાઓ મારા જેવો કોઈ એકલ-દોકલ મીડિયોકર લેખક હતો – નહતો થઈ જાય કે તરત જ શોકસભા ભરવાની ઉતાવળ કરવાને બદલે આઠ-દસ દિવસ એ આશાએ ખેંચી નાખે છે કે આ ગાળામાં જો ત્રણ-ચાર લેખક-કવિઓની પાલખી ઊઠી જાય તો સમૂહ યજ્ઞોપવીત યા સમૂહલગ્નોની પેઠે સમૂહમાં શોકસભા યોજી શકાય. અહીં શ્રોતાઓની સંખ્યાનો પ્રશ્ર્ન ઓછો નડે. આ ચાર લખનારાઓએ લખેલ પુસ્તકોના સરવાળા કરતાં અડધા લોકો ઉપરાંત તેમના મિત્રો, વેવાઈ પક્ષનાં સગાંઓ, સ્નેહીઓ, પ્રકાશકો, તંત્રી-સંપાદકો હાજરી આપે એટલે હોલ અડધો-પોણો તો ભાડૂતી સેવા વગર પણ ભરાઈ જાય.

વળી પાછા પેલા સ્ટોરમાલિક તરફ વળીએ, તો સાહિત્યના એક કાર્યક્રમમાં તે હાજર હતો. તેણે જોયું તો શ્રોતાઓ કરતાં વક્તાઓની સંખ્યા બમણી હતી- એક વક્તા દીઠ અડધો શ્રોતા. આ હ્રદયદ્રાવક દ્રશ્યમાંથી પ્રેરણા લઈને માલિકે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે સાહિત્યના કાર્યક્રમો માટે ઓડિયન્સ ભાડે આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેનો પ્રચાર થતો ગયો અને હવે તો કઈને ‘મનજિતરામ તામ્રચંદ્રક’ જેવો કોઈ એવોર્ડ મળ્યો હોય તો એના સન્માન-સમારંભમાં જો હોલ છલોછલ ભરવો હોય તો એને માટે પણ આ સ્ટોર ભાડૂતી પ્રેક્ષકો મોકલે છે. ખાદીના ઝભ્ભા-લેંઘા પહેરેલ ને ખભે ખાદીના જ બગલથેલા સાથે આ લોકો ઘટનાસ્થળે પહોંચી જાય છે. તેમના નિસ્તેજ ચહેરા પરથી જોનારને તો એવો ભાસ થાય કે તે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી કે પછી સ્નાતક હશે. શુદ્ધ સાહિત્યના કાર્યક્રમો આમેય પારા જેવા હોય છે; પચાવવા ભારે પડી જાય. એટલે આ વિશિષ્ટ પ્રકારના પ્રેક્ષકોને કંપની દ્વારા ચાલુ પ્રવચનોમાં ઊંધી જવાની છૂટ આપવામાં આવે છે, જેથી તે સામાન્ય પ્રેક્ષકોથી અલગ ન તરી આવે. જોકે ઊંધતા ઝડપાઈ ન જવાય એ માટે તેમને ઝોકાં ખાવાને બદલે પ્રવચન દરમિયાન આંખો બંધ રાખવાની સૂચના અપાય છે, જેથી મીંચેલી આંખે તે સાહિત્યનું ગહન ચિંતન કરતા હોવાની છાપ એ વખતે જાગતા પ્રેક્ષકો પર પડે.

મોડર્ન કવિઓની ‘સરરિયલ’ કવિતાઓનું પઠન હોય ત્યારે મોટા ભાગે તો આ સ્ટોરવાળો (બહારના વર્ધી પર પૂરતું ધ્યાન આપતો હોય છે છતાં) પોતાના માણસોને મોકલવાનું પસંદ નથી કરતો, કેમ કે વીમા-કંપનીઓ આવા કાર્યક્રમમાં હાજર રહેનારાંનો વીમો ડબલ પ્રિમિયમ ઓફર કરવા છતાં સ્વીકારતી નથી. તેમ છતાં છૂટકો જ ન હોય એવા કિસ્સામાં તેની પાસે હાજર સ્ટોકમાં હોય અને એવા સાંભળી શક્તા ન હોય તેવા થોડાક કર્ણસુખરાયોને મોકલી આપે છે !

શેરસટ્ટાના ઘંઘામાં રાતોરાત કરોડપતિ થઈ ગયેલાઓમાંના કેટલાક પછી પોતાને ઘીરુભાઈ અંબાણી અને કરસનદાસ નિરમાવાળાની સમકક્ષ માનતા થઈ જાય છે અને આ કારણે તે પોતાનાં ગરીબ સગાંસ્નેહીઓને લીધે શરમાવા માંડે છે. ગરીબો ક્યારેક તેમનાં સગાં નથી હોતાં, એ તો તેમનાં અશ્રિત જ હોય છે. આ લોકોને, એટલે કે ધનિકોને આવી કમનસીબ દુર્ધટનામાંથી કામચલાઉ રાહત આપી શકે એવા ભાડૂતી જાનૈયાઓ મોકલી આપવાની વ્યવસ્થા પણ આ સ્ટોર કરે છે. મૂળ તો જોધપુર ખાતે આવેલ ‘ધે બેસ્ટ ગેસ્ટ સેન્ટર’ની અમદાવાદમાં ખૂલેલી એક શાખા છે; જે શ્રીમંતોને ત્યાં લગ્ન હોય ત્યારે સારા, વીડિયોમાં શોભે એવા, લગ્નમાં રંગત લાવે એવા માણસો આ સ્ટોર પૂરા પાડે છે. આ ભાડૂતી જાનૈયાઓ આમ તો ‘બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના’ જ હોય છે. યજમાન ઈચ્છે એવા સૂટ-બૂટ પહેરેલા રાજસ્થાની ચુનિફોર્મધારી જાનૈયા પણ માગતાં જ મળી શકે છે. લગ્નપ્રસંગે, એમાંય ખાસ તો વરઘોડો દીપાવવા માટે, તેમાં નાચી શકે એવા મહેમાનો પણ સ્ટોર થકી ભાડેથી મળી શકે છે. કેટલાક ધનપતિઓ અંગ્રેજી ભાષાના અજ્ઞાનને લઈને ઈન્ફિરિયોરિટી કોમ્પલેક્સ અનુભવતા હોય છે. આવા લોકો પણ જો પોતાનો વટ રાખવા માગતા હોય તો અંગ્રેજીમાં ગૌટપીટ કરી શકે એવાં વરઘોડિયાંની વ્યવસ્થા પણ આ સ્ટોરે રાખી છે. આ યુવાનો આમ તો ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હોવા છતાં લોચાલાપસી વગરનું કડકડાટ ઈંગ્લિશ બોલે, જેથી સાંભળનારને સહેજ પણ વહેમ ન પડે કે તે ગુજરાત યુનિવર્સિટીની પ્રોડક્ટ છે. તેમ છતાં યજમાનને જો ગુજરાત યુનિવર્સિટી ઓછી પ્રિય હોય તો તે માંગશે એ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટને વરઘોડામાં મોકલવામાં આવશે, અલબત્ત, અન્ય યુનિવર્સિટીનો ચાર્જ થોડો ઊંચો રહેશે. સવાલ અહીં ધનનો નહીં વટનો છે. મૂળ વાત તો ભાડૂતી માણસોથી વટ પાડવાનો છે, લગ્નમાં તો લગ્ન કરતાંય વટનું જ મહત્વ વધારે હોય છે ને!