થોડાં આંસુ : થોડો આનંદ… – જયવદન પટેલ

(શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના ‘શક્તિદર્શનમ્’ સામયિકના માર્ચ-૨૦૧૬ના અંકમાંથી)

ચંદુલાલ આમ તો ભારે નમ્ર માણસ છે. પણ એમનાથી ખોટું સહન થાય નહીં. ઓફિસમાં પણ એમના “બોસ”ને તડ અને ફડ જેવું હોય તેવું કહી દે : “જુઓ સાહેબ, દિવસ હશે તો હું દિવસ જ કહીશ, તમે રાત કહેવાનું કહેશો તો પણ નહીં. હા-જી-હા કહેવાનો આપણો સ્વભાવ નથી.” પણ આ ચંદુલાલને તમે એમના પોતાના ઘરમાં જોશો તો એમનું જુદું રૂપ દેખાશે.

એમનાં પત્ની હંસાબહેન જરા ગરમ મિજાજનાં અને અને જિદ્દી છે. હંસાબેન કહેશે : “સાંભળો છો, બહાર વરસાદ પડે છે.” તો ચંદુલાલ બોલી ઊઠશે, “વાત સાચી છે. બહાર ખૂબ વરસાદ પડે છે.” હંસાબેન કહેશે : “વરસાદ પડે તો છે, પણ ઝીણો ઝીણો પડે છે. બહાર નીકળીએ તો વાંધો નથી.” ચંદુભાઈ તરત જ કહેશે : “હું પણ એ જ કહું છું. બહાર વરસાદ તો પડે છે પણ હળવો વરસાદ, બહાર જવામાં વાંધો નથી.”

ચંદુલાલને ઘેર જઈએ એમની સાથે વાત કરીએ તો હસીને એ કહેશે : “ઘરમાં બૈરીને ખુશ રાખવામાં હું માનું છું. હા-ના નું ઘર્ષણ કરવાથી ફાયદો ખરો ?” બૈરી કહે : ‘ચામાં આજે ભૂલથી ખાંડ વધારે પડી ગઈ છે.’ તો આપણે કહેવું : ‘એ તો બહુ સારું થયું આજે મારે વધારે ખાંડની જ ચા પીવી હતી. મોળી ચા રોજ રોજ પીને કંટાળો આવી ગયો હતો.’” ચંદુલાલ પછી વાત વિસ્તારીને કહે : “હંસા તે આમાં ખાંડ વધારે નાખી દીધી. ચા ગળી મધ થઈ ગઈ.’ હું એની પર ગુસ્સો કરું. ચાનો પ્યાલો જોરથી ફેંકી દઉં, એ મારી પર ગુસ્સો કરે. બન્ને વચ્ચે તકરાર થઈ જાય. સાંજે એનો મુડ રહે નહીં. ઘરમાં વાતાવરણ ભારેખમ બની જાય. એ મોઢું ચડાવીને ફરે, હું મોઢું ચડાવીને ફરું, ખાવામાં મઝા આવે નહીં. બોલો નાની અમથી વાતમાં ગુસ્સો કરીને, લડીને શું મેળવ્યું ? એના કરતાં ચામાં ખાંડ વધારે પડી ગઈ તો પડી ગઈ શું થઈ ગયું ? એમ કહીને વાત હસવામાં કાઢી નાખી હોય તો ! ઘરમાં શાંતિ તો જળવાઈ રહે ને. જુઓ સાહેબ, આપણો તો એક મંત્ર છે. ઘરની બહાર જે સાચું હોય તે બેધડક કહેવું. ઘરમાં તો પત્ની કહે એ સાચું ને પત્ની કહે એ માથા આંખ પર. એ ઓછું પારકું માણસ છે ? પોતાના માણસ સાથે લડી પડીએ તો ઘરમાં આનંદ આવે ખરો ? બૈરી જિદ્દી હોય અને આપણે ય જિદ્દી હોઈએ તો સંસારનું ગાડું સરખું ચાલે ખરું ?”

એવી જ ટેવ અમારી પડોશમાં રહેતા સરોજબેનને છે. એમના પતિ શંભુભાઈનો સ્વભાવ જ એવો. વાત વાતમાં ખાંચા પાડે. આ મેજ વાંકું કેમ મૂક્યું છે ? આ સ્ટૂલ પેલા ખૂણામાં હતું, આ ખૂણામાં કોણે મૂકી દીધું ? મારી સફેદ ચાદર પર આ ડાઘ કોણે પાડ્યો ? મારા બૂટ પર આટલી બધી ધૂળ છે કોઈ બ્રશ પણ મારતું નથી. નાની નજીવી વાતનું પણ શંભુભાઈ વતેસર કરી નાખે અને ગરમ લ્હાય થઈ જાય. સરોજબેન સાંભળ્યા જ કરે. બોલે એ બે ખાય. “આજે શાકમાં મરચું વધારે પડી ગયું છે, તમને ભાનબાન છે કે નહીં. હું કેટકેટલી વાર તમને લોકોને કહું કે શાકમાં મરચું ઓછું નાખો. મને એસીડીટી છે. તમે મારી તબિયતનો તો વિચાર કરો.” સરોજબેન સાંભળી જ રહે અને ધીમે રહીને એટલું જ કહે : “આજે જરા ભૂલ થઈ ગઈ. આવતીકાલથી શાકમાં મરચું ઓછું નાખીશું બસ.” અને પછી યુદ્ધવિરામ. સામા પક્ષે શરણાગતિ સ્વીકારી લીધી પછી લડાઈ થાય ખરી ? બધા જ મોરચે લડાઈ થાય, પણ ગૃહ મોરચે યુદ્ધ સારું નહીં એવું સૂત્ર સરોજબેનનું છે. એટલે જ એમના ઘરમાં પૂરેપૂરી શાંતિ જળવાઈ રહે છે. ઘરમાં તકરાર ટંટો કરીએ તો ઘરમાં આનંદ રહે નહીં અને ઘરમાં આનંદ રહે નહીં તો જીવન જીવવાની મઝા આવે નહીં.

અમારા એક દાદીમા યાદ આવે છે. દાદીમા કોઈ કોઈ વાર એમના ભૂતકાળની વાત કરે. “એ દિવસોમાં અમારી જુવાની હતી. ભારે તેજ અને સ્વમાની સ્વભાવની હતી હું. તમારા દાદા પણ એવા જ. એમનો બોલ એ બ્રહ્માનો બોલ એવું એ પોતે માને. ભારે હઠીલો અને તંતીલો માણસ. નાની અમથી વાતમાં અમારી વચ્ચે કજિયો થઈ ગયો અને હું પિયર ચાલી ગઈ. દસ બાર દહાડા થયા. મારા મનમાં હતું કે એ તેડવા આવશે. મેં પણ મનમાં નક્કી કર્યું હતું કે એ તેડવા આવે તો જ જઉં, હું ય સ્વમાની છું. હું કાંઈ એવી સસ્તી નથી કે સામેથી વગર તેડાવે જાઉં. આમ ને આમ ચાર છ મહિના થઈ ગયા. મારી માએ મને પાસે બેસાડીને સમજાવી, “દીકરી, હૈયાનાં હેત હોય ત્યાં માન કેવું ને સ્વમાન કેવું ? પોતાના માણસ પાસે તે અહંકાર હોય ! ઘર છે, ધણી-ધણીઆણી હોય એટલે કોઈ વાર હા-નાનો કજિયો પણ થઈ જાય. ગળી જવાનું હોય એ બધું.” અને મારા મનમાં એ શબ્દ વસી ગયા. હૈયાનાં હેત હોય પછી માન કેવાં ને અપમાન કેવાં ? બસ, એમની તેડવા આવવાની રાહ જોયા વિના હું સાસરે પહોંચી ગઈ. કોઈ વાર તમારા દાદા સાથે મતભેદ થઈ જાય. ક્યારેક એ નમતું જોખી દે, ક્યારેક હું નમતું જોખી દઉં. ક્યારેક હું ગુસ્સો કરું તો એ શાંત રહે, ક્યારેક એ ગુસ્સો કરે તો હું ચૂપ રહું. વિવાદમાં ઊતરીએ તો તકરાર થાય ને ! એમની ભૂલ હું મન પર લાવું નહીં. મારી ભૂલ એ મન પર લાવે નહીં. બસ સરવાળો સરખો. અને એ ગુજરી ગયા ત્યાં લગી અમારો ઘરસંસાર આરામથી ચાલ્યો.” દાદીમાની વાત જીવનમાં ઊતારીએ તો પતિપત્ની વચ્ચે કદી ઘર્ષણ થાય ખરું ?

ઓફિસમાંથી પતિદેવે રજાઓ લીધી, મનમાં થયું કે રજાઓ ચડી ગઈ છે રદ થાય એના કરતાં ભોગવી લઈએ તો શું ખોટું ! પતિએ રજાઓ લીધી છે એ વાત જાણતાં જ પત્નીદેવી ખુશ ખુશ થઈ ગયાં. ચાલો, થોડા દહાડા પિયર બાળકોને લઈને રહી આવીશ. પિયર ગયે બધાંને મળે કેટલા બધા દિવસ થઈ ગયા અને પતિએ પત્નીની વાત કાપી નાખી : “ના, આપણે બધાએ ગામડે બા-બાપુજીની પાસે જઈને થોડા દહાડા રહેવાનું છે. બાની તબિયત ઠીક રહેતી નથી એવો કાગળ હતો.” પત્ની બોલી ઊઠી : “તમને તમારાં મા-બાપ વહાલાં છે. મને મારાં માબાપ વહાલાં નહિ હોય. બસ, મારે પિયર જવું છે.” એક તરફ પિયર બીજી તરફ પતિનાં મા બાપ. બન્ને વચ્ચે તકરાર જામી ગઈ. પતિ એવો તો ગુસ્સે ભરાયો કે છુટો પ્યાલો ફેંક્યો અને પત્નીના કપાળે વાગ્યો. દવાખાને જવું પડ્યું. રજાઓ રજાઓના ઠેકાણે રહી ગઈ, પતિ અને પત્ની બન્નેમાં જો સમજદારી હોત તો તકરારનું નિવારણ થઈ શક્યું હોત. ચાલો આપણે સમાધાન કરી લઈએ. બે અઠવાડિયાની રજાઓ મળી છે તો એક અઠવાડિયું તારાં બા-બાપુજીને ઘેર જઈને રહીશું. એક અઠવાડિયું મારાં માતા-પિતા સાથે જઈને રહીશું. તો તકરાર પતી ગઈ હોત.

પતિએ સમજવું જોઈએ કે મને જેમ મારા માબાપ માટે લાગણી છે. એમ પત્નીને પણ એનાં માબાપ માટે લાગણી હોય જ ને ! મને જેમ મારા માબાપ યાદ આવે છે, એમ પત્નીને પણ એનું પિયર તો યાદ આવે જ ને ! બન્ને જણાં જો એકબીજાની લાગણી સમજે, તો પતિપત્ની વચ્ચે કદી ઝઘડો થાય નહીં. બન્નેનાં અહમ અને અહંકાર તકરાય છે ત્યારે જ એમાંથી ઘર્ષણ ઊભું થાય છે. દુરાગ્રહ એ એક પ્રકારનો દુર્ગુણ છે. દુરાગ્રહમાંથી વિસંવાદ અને ક્લેશ પેદા થાય છે.

મનુભાઈ સાંજે દુકાનેથી ઘેર આવે છે ત્યારે વેપારની જ વાતો લઈને આવે છે. ઘરમાં પણ વેપારની લેવડ-દેવડની જ વાતો. ટેલિફોન પર પણ એની એ જ વાતો, ફલાણા શેરના ભાવ વધ્યા અને ફલાણા શેરના ભાવ ઘટ્યા. બજારમાં ભારે મંદી છે, ઉઘરાણી આવતી નથી. નાણાંભીડ સતાવી રહી છે. બસ એની એ જ વાતો. મનુભાઈના પત્ની મંજુબેનને આવી બધી એકની એક વાતોથી કંટાળો આવે છે. કોઈ કોઈ વાર તો ગુસ્સો પણ આવી જાય છે. પણ મનુભાઈના સ્વભાવથી એ વાકેફ છે. એટલે એમની વાતો, ગમતી હોય, ન ગમતી હોય તો પણ સાંભળ્યા કરે છે. પતિની સાથે દલીલમાં ઉતરવાનો કોઈ અર્થ નથી, એના કરતાં ન બોલ્યામાં નવ ગુણ એ કહેવતનો એ અમલ કરે છે. કુટુંબજીવનમાં બધાંના સ્વભાવ અને વિચારો એક હોતા નથી. પોતાને જ મનગમતું બધું જ થતું નથી. પોતાની જ ઈચ્છા મુજબ ઘર ચાલે કે કુટુંબજીવન ચાલે એવો આગ્રહ બરાબર નથી. એવા આગ્રહથી તો ઘરમાં મતભેદ અને ક્લેશ ઊભા થયા વિના રહે નહીં. દરેકને પોતાનો અભિપ્રાય હોય છે, દરેકને પોતપોતાના ખ્યાલ હોય છે અને એટલે જ એકબીજાના વિચારોનું સન્માન કરવું જોઈએ. વિચાર અલગ અલગ હોય તો પણ સમજદારી હોય તો ઘરમાં ક્લેશ પેદા થતા નથી. બિનજરૂરી વાદવિવાદથી મન ઊંચા રહે છે.

લગ્નની વર્ષગાંઠનો દિવસ છે. પત્ની વહેલી સવારે ઊઠી જાય છે. રોજ કરતાં વધારે સારો સરસ નાસ્તો તૈયાર કરે છે. દીવાનખાનામાં ફ્લાવરવાઝમાં નવાં તાજાં ફૂલ લાવીને ગોઠવે છે. પતિ સવારનો નાસ્તો લઈ ઓફિસે જાય છે. પત્ની પતિને આશ્ચર્ય આપવા માગે છે. એ બપોરથી જ તૈયારી શરૂ કરે છે. બારીબારણાંના પરદા બદલે છે. પલંગ પરની ચાદરો બદલે છે, ઘરને વ્યવસ્થિત અને સુંદર રીતે ગોઠવે છે. સાંજ માટે સરસ મનગમતી વાનગીઓ બનાવે છે અને સાંજે પતિની રાહ જોતી વરંડામાં ઊભી રહે છે. પતિ આવે છે, સજધજ થયેલી સુંદર વસ્ત્રો પહેરેલી પત્ની સામે જોઈ રહે છે : “આજે તો તું ખૂબ રૂપાળી લાગે છે ને ! અરે ઘર પણ સરસ શણગાર્યું છે. આજે કોઈ મહેમાન આવવાના છે કે શું ?” પત્ની પૂછે છે : “તમને કશું જ યાદ આવતું નથી ? આજના દિવસની કોઈ વાત તમને યાદ નથી આવતી ?” પતિ થોડા વિચારમાં પડી જઈ ના નથી યાદ આવતું કહે છે. પત્ની નિરાશ થઈ જાય છે. એ બોલે છે : “આજે આપણા લગ્નની ત્રીજી તિથિ છે. એ વાત પણ તમને યાદ નથી ?” અને પત્નીની આંખમાં આંસુ આવી જાય છે. ઝટપટ એ આંસુ લૂછી નાખીને હસી પડે છે. આજના પ્રસંગનો આનંદ એ ગુમાવવા માગતી નથી. એ એટલું જ કહે છે : “તમે તો સાવ ભૂલકણા ભરથાર છે. આજે લગ્નની સાલગિરાહ ભૂલી ગયા. કાલ ઊઠીને મને ભૂલી જશો.” એ હસી પડે છે.

બીજી પત્ની હોત તો પતિ સાથે કજિયો કરત, રડી પડત, લડી પડત અને કહેત : તમને બધું યાદ રહે છે લગ્નની તિથિ પણ યાદ રહેતી નથી, અને એવો વ્યવહાર કરત કે મંગલપ્રસંગનો આનંદ બાજુ પર રહી જાત અને ઘરનું વાતાવરણ ક્લેશથી ખરડાઈ જાત. સમજદાર પત્ની અને સમજદાર પતિ ઘરમાં ક્લેશ-કંકાસ થાય એવી વાતોને ટાળતાં રહે છે અને બગડતી બાજીને સુધારી લે છે.

બે જુદા જુદા સ્વભાવ, રુચિઓ અને વ્યક્તિત્વ ધરાવતી જુદા જુદા પરિવેશ અને માહૌલમાં જુદી જુદી રીતે ઉછરેલી વ્યક્તિઓ સાથે રહેવાનું શરૂ કરે ત્યારે થોડી કડવી તો થોડી મીઠી વાતો બનતી જ રહે છે. એકલી કડવાશ પણ સારી નહીં અને એકલી મીઠાશથી પણ મોં ભાગી જાય. થોડી કડવાશ અને થોડી મીઠાશ, થોડો તાપ તો થોડો છાંયો, થોડાં આંસુ તો થોડા આનંદનો સરવાળો એટલે જ સુખી સુમધુર દામ્પત્ય. આ વાત જે સ્ત્રી-પુરુષ સમજે છે એમના જીવનમાં મીઠાશ હોય છે, આનંદ હોય છે. સંઘર્ષમાંથી સંતાપ જન્મે છે. દામ્પત્ય જીવનમાં થોડી બાંધછોડ કરે છે એ સુખેથી જીવે છે.

– જયવદન પટેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “થોડાં આંસુ : થોડો આનંદ… – જયવદન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.