અભિશાપ – પ્રો. (ડૉ.) કિરણ વી. મહેતા

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

સાંજ ઢળી ચૂકી હતી.

રસ્તાની આજુબાજુની વાડીઓમાંની લીલાશ શરદને જોવી ગમતી. તો વળી, રસ્તાની ધારે આવેલા વૃક્ષો પર આવીને ગોઠવાઈ જતાં પંખીઓ જોવાય એને ગમતાં. આથી જ તો એ આજે સમય મળતાં શહેરથી થોડે દૂર આવેલા એક આશ્રમ સુધી ચાલતો ગયો હતો.

પાછા ફરતી વખતે એના મનમાં ઘરે જવાની ઉતાવળ ન હતી, એટલે જ એ ધીમે ધીમે ચાલી રહ્યો હતો.

એવામાં એની નજર સૂરજમુખીના છોડ પર પડી. કોઈએ તે સૂરજમુખીના છોડને ઉખાડીને પાસેની વાડીની કાંટાળી વાડ પર નાખી દીધો હતો. સૂરજમુખીનું કરમાયેલું ફૂલ, કરમાયેલાં પર્ણો, જમીનથી વિખૂટું પડેલું મૂળિયું… જોતાં જ એને મૃદુલા યાદ આવી ગઈ. અને એનું મન વિચારે ચડી ગયું.

આ શહેરમાં જ્યારે એની બદલી થઈ હતી, ત્યારે એણે ‘નીરવ’ સોસાયટીમાં એક રૂમ ભાડે રાખી હતી.

રૂમ ભાડે રાખતાં પહેલાં એ રૂમ જોવા આવ્યો હતો, ત્યારે જ સમજી ગયો હતો કે પાસેના બે રૂમમાં કોઈ વિધવા રહે છે. એનું નામ મૃદુલા છે, એ તો એણે પાછળથી જાણેલું.

મૃદુલાનો ચહેરો કરમાયેલા સૂરજમુખીના ફૂલ જેવો જ છે. મૃદુલા કપાળમાં ચાંદલો નથી કરતી, બંગડીઓ નથી પહેરતી અને સાડીયે સફેદ રંગની ! જાણે આ વાડ પર પડેલો સૂરજમુખીનો ઊખડેલો છોડ એ જ મૃદુલા ન હોય !

શરદને યાદ આવ્યું કે એ આશ્રમે જવા નીકળ્યો, ત્યારે મૃદુલાના રૂમ આગળથી પસાર થતાં જ મૃદુલા એને સંબોધીને પ્રથમ વાર બોલી હતી,

“કાલે મારે ત્યાં જમજો.”

“કંઈ ખાસ કારણ છે ?” શરદે સવાલ કર્યો હતો.

“હા, આમ તો ખાસ કારણ જ છે. મારા ‘એ’ જીવતા હતા ત્યારે વર્ષો વર્ષ અડોશી-પડોશીને અમારે ઘરે વર્ષની કોઈ એક પૂનમે જમવા બોલાવતા. કાલેય પૂનમ છે !”

“પણ મારે કાલે ઑફિસનો ટાઈમ સવારના સાત વાગ્યાનો છે, એટલે ઘરે આવતાં બપોરના બાર-એક થઈ જાય.”

“તમે એક વાગે જમવા આવશો ને ?” “ન આવું તો નહીં ચાલે ?”

“તમે તો પડોશી ગણાવ. મારા ‘એ’ બધાયે પડોશીઓને યાદ કરીને જમવા બોલાવતા. એકેય પડોશી જમવા ન આવે એ ન ચાલે. બસ, ત્યારથી જ અમારા ઘરમાં વર્ષની કોઈ એક પૂનમે સવારમાં પડોશીઓને જમવા બોલાવવાની પ્રથા ચાલુ છે. તમે ન આવો એ કેમ ચાલે ?”

આખરે શરદને ‘હા’ પાડવી પડી હતી. આટલી વાતચીત દરમિયાન પણ શરદે મૃદુલાની આંખોમાં કંઈક જોયું હતું કે એનું મન વેદનાથી હલબલી ગયેલું.

શરદની દરરોજ સવારે છ વાગ્યે ઊઠવાની ટેવ. એ બ્રશ કરતો કરતો ધાબા પર જતો. વહેલી સવારે ધાબા પર મજાની ઠંડક હોય છે. ઝાંખા ઝાંખા અજવાળામાં દૂર… દૂરનાં વૃક્ષોમાંથી આવતો પંખીઓનો ક્લરવ, આસોપાલવની ડાળે બેસીને ચહકતું બુલબુલ, રંગ ભરેલી પૂર્વ ક્ષિતિજ… શરદનું મન ઘડીભર પ્રફુલ્લિત થઈ રહેતું. એક વાર આવા સમયે એની નજર મૃદુલા પર પડી હતી. વહેલી સવારે દેવપૂજા માટે જતી કોઈ શ્વેત વસ્ત્રધારિણી રૂપકુંવરી સમી મૃદુલા ! એ અનિમેષ નયને મૃદુલાને જોઈ રહ્યો હતો. જ્યારે મૃદુલા શેરીના વળાંકે વળી ત્યારે કંઈક ગમગીની લઈને એ ધાબા પરથી નીચે ઊતર્યો હતો. એને થતું કે ખરેલાં પર્ણોની કેવી લાચારી ! ખરેલાં પર્ણોને પવન રમાડે એમ રમવાનું હોય છે ! એમની પોતીકી ઈચ્છાઓનું કોઈ મૂલ્ય હોતું નથી.

એ દરરોજ મૃદુલાને મંદિરે જતી જોતો અને પછી ગમગીન ચહેરે ધાબા પરથી નીચે ઊતરતો. ત્યાર બાદ સ્નાન કરતી વખતે, છાપું વાંચતી વખતે એ કંઈક ભૂલવા પ્રયત્ન કરતો અને એવામાં જ ઑફિસે જવાનો સમય થઈ જતો.

પણ એક વાર એ દરરોજની ટેવ પ્રમાણે જ ધાબા ઉપર ઊભો ઊભો મૃદુલાને નિહાળી રહ્યો હતો. કદાચ, મૃદુલાને ખબર પડી ગઈ હતી કે એ દરરોજ મંદિરે જાય છે ત્યારે શરદ જોતો તો નથી ને ? એની નજર શરદના ચહેરાને અથડાઈને તરત જ પાછી વળી હતી. શરદે મૃદુલાની આંખોમાંથી શંકા અને ભયનાં પાનાં વાંચી લીધા હતાં.

બીજે દિવસથી શરદ ધાબા પર જતો ન હતો. મૃદુલા એકલી જ રહે છે. એનો ચહેરો જોઈને કહી શકાય કે એની ઉંમર ત્રીસ વર્ષથી વધુ તો નહીં જ હોય. વચ્ચે-વચ્ચે ક્યારેક મૃદુલાનો વીસ-એકવીસ વર્ષનો ભત્રીજો અમદાવાદથી એને મળવા આવતો, ત્યારે મૃદુલા સગા દીકરાની જેમ એને સાચવતી. તે વખતે એનો મૂરઝાયેલો ચહેરો થોડાક દિવસ ફરીથી કોઈ પુષ્પની જેમ ખીલી ઊઠતો, અને ભત્રીજો જતાં જ મૃદુલાનો ચહેરો પૂર્વવત્‍ મૂરઝાઈ જતો.

શરદને થતું કે આખો દિવસ ઘરમાં પુસ્તકો વાંચ્યા કરતી કે આરામખુરશીમાં બેસીને પુસ્તક વાંચવાને બદલે કંઈક વિચાર્યા કરતી મૃદુલાને જઈને કહું કે, “મૃદુલા ! તને ઘરમાં પુરાઈ રહેવાથી કંટાળો નથી આવતો ? તને બહાર ફરવા જવાની ઈચ્છા નથી થતી ? ચાલ, મારા ઘેર, વતનમાં, મારી પત્ની અપૂર્વાને તારી જોડે મજા આવશે અને તુંયે ખુશ થઈ જઈશ, અને મારો આઠ વર્ષનો પુત્ર નેમિષ તો તને એટલો હેરાન કરશે કે એનાં તોફાનોથી જેમ અપૂર્વા કંટાળી જઈને કહે છે કે, “તોબા છે આ છોકરાથી તો ! છે આઠ વર્ષનો પણ આખાયે ઘરને માથે ઉપાડી લીધું છે !” – એમ તું પણ અપૂર્વાની માફક જ કંઈક આવી જ મતલબનું કહીશ.”

પ…ણ એક વિધવા અને એકલી સ્ત્રીને આમ કહેવા જતાં જો એને કંઈક અવળું સમજાઈ ગયું તો તો શરદને ‘નીરવ’ સોસાયટીમાં રહેવુંયે ભારે થઈ પડે ! અને એક વાર વાત સોસાયટીમાં ફેલાયા પછી તો જાણે આવી જ બન્યું સમજો ! લોકોના મોઢે કંઈ ડૂચા મારવા થોડું જવાય છે ! આમેય અર્થનો અનર્થ થતાં આ દુનિયામાં ક્યાં વાર લાગે છે !

ઘર આવ્યું. મૃદુલાના રૂમ પાસેથી જતાં શરદે જોયું કે મૃદુલા કોઈ પુસ્તક વાંચી રહી છે. સવારે સાડા છ વાગ્યે શરદ ઑફિસે ગયો. પોણા એકે ઘરે આવ્યો. એ જ્યારે મૃદુલાના રૂમ આગળથી પોતાના રૂમ તરફ જતો હતો, ત્યારે મૃદુલા બહાર આવી.

“શરદભાઈ, હાથ-મોં ધોઈને જમવા ચાલો. તમે એકલા જ બાકી છો !”

“હાથપગ ધોઈને આવ્યો. આજ તમારા હાથની રસોઈ જમવા મળશે !’’

એ બાથરૂમમાં હાથપગ ધોવા ગયો ત્યારે વિચારમાં ને વિચારમાં એને ઘણી વાર થઈ. આથી, મૃદુલાએ બૂમ મારી, “શરદભાઈ, કેટલી વાર કરશો ?”

“એ આ આવ્યો.” કહેતો શરદ બાથરૂમમાંથી બહાર નીકળ્યો.

મૃદુલાના રૂમમાં એ પ્રવેશ્યો ત્યારે મૃદુલાએ એને આવકાર્યો અને બેસવા માટે આસનિયું પાથરી આપ્યું.

“કેમ, બીજાં બધાં જમીને જતાં રહ્યાં ?” – શરદે પૂછ્યું, એ ભૂલી ગયો હતો કે મૃદુલાએ આ બાબતનો તો અગાઉ ઉલ્લેખ કર્યો હતો.

“હા, તમે એકલા જ બાકી છો.” મૃદુલાએ જવાબ આપ્યો.

“તમેય જમ્યાં ?” શરદ પૂછી બેઠો.

“હા” કહેતાં મૃદુલા સહેજ સંકોચાઈ. એને થયું કે શરદના અવાજનો રણકો કેમ બદલાઈ ગયો ?

ભાણું પીરસતી મૃદુલાને શરદ જોઈ રહ્યો. મૃદુલાને ખ્યાલ આવતાં જ પાણીનો ગ્લાસ ભરી લાવવાના બહાને ભાણું પીરસીને તરત જ એ રસોડામાં સરકી ગઈ.

મૃદુલાનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. એના મનઃચક્ષુ સમક્ષ બની ગયેલી ઘટનાઓ તરવરી રહી.

એની બહેનપણી અનીતા. સગી બહેન જેવી જ માયાળુ. જ્યારે મૃદુલાને ઘરની એકલતા અકળાવતી, ત્યારે એ અનીતાના ઘરે જતી. વળી, અનીતાનું ઘર પણ મૃદુલાના ઘરથી દૂર નહોતું.

અનીતાના પતિ યશવન્તકુમાર પણ માયાળુ સજ્જન. પણ એક વાર મૃદુલા લગભગ રાત્રે આઠ-સવા આઠે અનીતાને ઘરે ગઈ હતી. ઘરે એકલા બેસી રહેવાથી કંટાળો આવતો હતો, એટલે થયું કે અનીતાને ઘરે જવાથી કંટાળોય દૂર થઈ જશે, અને સમય પણ જલદી પસાર થશે. નહીંતર, ઘરમાં તો સમય કાચબાની ઝડપે જાય છે. અનીતા અને યશવન્તકુમાર બીજે માળ રહેતાં. નીચેનું મકાન એમણે ભાડે આપ્યું હતું. એ અનીતાના ઘરમાં દાખલ થઈ, પણ એને લાગ્યું કે, કદાચ અનીતા ઘરે નહીં હોય, નહીં તો ઘરમાં આટલી શાંતિ ન હોય.

યશવન્તકુમાર કોઈ સામયિક વાંચતા હતા. “આવો, આવો” એમ કહી એમણે મૃદુલાને આવકારી.

મૃદુલાએ પૂછ્યું, “અનીતા બહાર ગઈ છે ?”

“હા. પરમ દિવસે આવી જશે.”

“કેમ ? એકાએક ?”

“એના પિયરથી આજે પત્ર આવ્યો હતો કે એની બાની તબિયત સહેજ બગડી છે. વળી, મયંકને પણ રજા હતી. આથી એ પણ અનીતાની સાથે જ એના મામાને ત્યાં ગયો છે. મારે ઓફિસમાં રજા મૂકી શકાય એવી સ્થિતિ નથી. નહીં તો હું પણ અનીતાની સાથે જ ગયો હોત.”

“તો તો હું બે દિવસ પછી આવીશ.” આવું કહી મૃદુલા બારણા તરફ પાછી વળી.

“કેમ, મારો ડર લાગે છે ?” યશવન્તકુમારે પૂછ્યું.

આ સાંભળતાં જ બારણા તરફ આગળ વધતા મૃદુલાના પગ એક ક્ષણ થંભ્યા. મૃદુલાના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. એણે યશવન્તકુમાર સામે જોઈને કહ્યું, “ના… રે… ના. પણ આ તો અનીતા છે નહીં એટલે…”

“તો શું થયું ? હું તો છું ને ?” કહેતાં યશવન્તકુમાર લુચ્ચું હસ્યા.

મૃદુલાને આ શબ્દોએ ચોંકાવી દીધી હતી. માણસાઈનું પૉલિશ કરેલું કવર ફગાવી દઈને યશવન્તકુમારની લુચ્ચાઈ કોઈ તીક્ષ્ણ છરીની માફક મૃદુલાના મનમાં ખૂંપી રહી હતી. એ છરી વધુ ઊંડી ઊતરે એ પહેલાં જ એ ઝડપથી રૂમમાંથી નીકળીને સીડીનાં પગથિયાં ઊતરી ગઈ. એ આખી રાત એને ઊંઘ આવી ન હતી. એ વિચાર્યા કરતી… કેવો લુચ્ચો માણસ ! અનીતા હોય છે ત્યારે તો ‘મૃદુલાબહેન… મૃદુલાબહેન’ કહેતાં એનું મોં સુકાતું નથી અને આજે…

ત્યારથી મૃદુલાએ અનીતાના ઘરે જવાનું બંધ કર્યું હતું. ક્યારેક અનીતા એને ત્યાં આવતી અને પૂછતીયે ખરી, “કેમ મૃદુલા, તું તો હવે મારા ઘરે પણ નથી આવતી ?” મૃદુલા કોઈ ને કોઈ બહાનું બતાવીને ખરા જવાબને મનમાં સંઘરી રાખતી, કારણ, એ જાણતી હતી કે આ પ્રશ્નનો ખરો જવાબ અનીતાના જીવનમાં વંટોળ પેદા કરશે. અનીતાના શાંત જીવનમાં વંટોળ આવે એવું એ ઈચ્છતી નહોતી, અને સ્મૃતિઓમાં ડૂબેલા મૃદુલાના મન સમક્ષ એક આવો જ બીજો પ્રસંગ આવી ગયો.

અશોકભાઈ નામના કોઈ આધેડ વયના આદમી પાસેની રૂમમાં રહેવા આવ્યા હતા. એક વાર સાંજે એ મૃદુલાના રૂમના બારણા આગળ સમય પૂછવા આવ્યા હતા, “કેટલા વાગ્યા છે ?”

“છ ને પાંચ મિનિટ.” મૃદુલાએ ખુરશી પરથી ઊભી થતાં કહ્યું.

કાંડા ઘડિયાળની ચાવી ઘુમાવતા ઘુમાવતા અશોકભાઈ રૂમમાં આવ્યા, “આ મારી ઘડિયાળ બરાબર ચાલતી નથી. વારે વારે અટકી જાય છે.” આટલું કહી અશોકભાઈ અટક્યા, મૃદુલા તરફ જોઈને બોલ્યા, “મને થાય છે કે એક નવી દીવાલ ઘડિયાળ લઈ આવું. આમેય આ કાંડા ઘડિયાળ ગમે ત્યારે બંધ થઈ જાય છે. એનો કોઈ ભરોસો જ નહીં. ક્યાં છે તમારી દીવાલ ઘડિયાળ ? મારે મૉડેલ જોવું છે.”

“પણ ઘડિયાળો તો દુકાનમાંય હશે જ. ત્યાં જોઈ લેજો ને.” મૃદુલાને પોતાના રૂમમાં કોઈ પુરુષ શિયાળાની સાંજે આવી રીતે આવે એ પસંદ નહોતું.

“તમારી ઘડિયાળ જોઈ હોય તો ઠીક રહે” કહી અશોકભાઈ પાસે દીવાલ પર લટકાવેલ ઘડિયાળને જોઈ રહ્યા, એક મિનિટ પછી મૃદુલા તરફ જોઈને બોલ્યા, “ઘડિયાળ છે તો મજાનું, જોતાં જ ગમી જાય એવું. બિલકુલ તમારા જેવું.”

ચમકેલી મૃદુલાએ જોયું કે અશોકભાઈમાં રહેલું જંગલી પ્રાણી એને ઘૂરી રહ્યું હતું, અને એની નજર મૃદુલાના અંગ-અંગ પર ફરી રહી હતી. અશોકભાઈ આગળ કંઈ બોલે એ પહેલાં જ ‘સ…ટ્ટા…ક’ કરતો જોરદાર તમાચો પાસે જ ઊભેલી મૃદુલાએ અશોકભાઈના ગાલ પર ચોડી દીધો. “બહાર નીકળી જાવ મારા ઘરમાંથી. જો બીજી વાર મને એકલી જાણીને ભૂલથી પણ આ રૂમ તરફ નજર કરી છે, તો અડોશી-પડોશીને બોલાવીને ધક્કો મારીને આ મકાનમાંથી કઢાવી મૂકીશ. જા, અહીંથી તારું કાળું મોઢું લઈને ટળ મૂઆ.”

અશોકભાઈ તો ત્યાંથી ચૂપચાપ નીકળી જ ગયા. થોડી વાર પછી તો મૃદુલાને પણ નવાઈ લાગી હતી કે એનામાં તમાચો મારવાની હિંમત ક્યાંથી આવી ગઈ હતી ? જિંદગીમાં પહેલી વાર આટલી સખ્તાઈથી એ કોઈની સાથે વર્તી હતી. બસ, ત્યારથી એ સંભાળીને રહેતી. પેલા અશોકભાઈ તો બીજા જ દિવસે સામાન લઈને ગયા તે ગયા, તે ઘડી ને આજનો દિ’, કોઈ દિવસ ફરીને આવ્યા નથી.

મૃદુલાને મનોમન થઈ આવ્યું કે ભગવાને મને શા માટે આટલું રૂપ દીધું ? જે રૂપ માટે એ પરણી ત્યારે ગૌરવ અનુભવતી હતી, તે રૂપના લીધે એ વિધવા બન્યા પછી દુઃખ અનુભવતી. બીજાં લગ્ન કરવા એનું મન માનતું નહોતું, પતિની સ્મૃતિઓ એ વિસરી શકે એમ નહોતી.

માતા-પિતા પણ રહ્યાં ન હતાં, નહીં તો એમની પાસે જઈને રહેત, સાસુ-સસરા જેઠજીના પરિવાર સાથે રહેતાં હતાં. વડનાં સૂકાં પર્ણો જેવો વર્તમાન મૃદુલાના કાળજામાં અથડાયા કરતો.

યશવન્તકુમાર અને અશોકભાઈ જેવા પુરુષોને શાપ દેવાનું મન થઈ આવતું, પણ એ જાણતી હતી કે હવે દીધેલ શાપ ફળતા નથી. કદાચ, કોઈ જન્મમાં એ એવી સુંદરી હશે કે જેણે કોઈ પરિણીત પુરુષ સાથે સંસાર માંડીને તેની પરિણીતાને જિંદગીભર દુઃખી કરી હશે અને ત્યારે કોઈ ઋષિએ તે પરિણીતાની વ્યથા સાંભળીને એને શાપ દીધો હશે કે, “હે સુન્દરી ! તું કોઈ જન્મમાં, વિધવા બનીને પતિના વિયોગની વેદના સહન કરતી રહીશ.”

…અને ત્યાં જ શરદના શબ્દોથી એની વિચારધારા તૂટી. શરદે પાણી માંગ્યું હતું. એ પાણી લઈને મનમાં કંઈક સંકોચ સાથે આવી.

“તમે કૂવે પાણી ભરવા ગયાં હતાં કે રસોડામાંથી ? તે આટલી વાર થઈ ?”

શરદની આ રમૂજ સાંભળી એનાથી સહેજ મીઠો છણકો કરીને બોલી જવાયું, “હવે બેસો છાનામાના, ખાઓ છો થોડું અને બોલો છો વધુ.”

શરદ કંઈ બોલ્યો નહીં, પણ એની આંખો ભીંજાઈ ગઈ. મૃદુલાને નવાઈ લાગી. ઘણા સમય પછી એણે કોઈ પુરુષની આંખોને ભીંજાતી જોઈ હતી.

“કેમ, આંખો ભીની થઈ ગઈ, શરદભાઈ ?”

“મારેય એક બહેન હતી. એય હું ખાવા બેસતો ત્યારે જો કંઈ બોલતો હોઉં તો તમારી જેમ જ કહેતી કે, હવે બેસો છાનામાના, ખાઓ છો થોડું અને બોલો છો વધુ… એક બસ-અકસ્માતમાં… વીસ… વર્ષની વયે…” મૃદુલાને આ ગમગીની સ્પર્શી ગઈ. એણે પૂછ્યું, “શું નામ હતું તમારી બહેનનું ?”

“મૃદુલા.”

સંપર્ક :
સરસ્વતી કૃપા, ભાગ્યોદય સોસાયટી, માનસરોવર રોડ, પાલનપુર-૩૮૫ ૦૦૧


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous થોડી હાસ્યસમિધા.. – સંકલિત
પરમ સમીપે – ગિરીશ ગણાત્રા Next »   

2 પ્રતિભાવો : અભિશાપ – પ્રો. (ડૉ.) કિરણ વી. મહેતા

  1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    કિરણભાઈ,
    બહુ સંવેદનશીલ કથા આપી. વિધવા હોવું એ જ મોટો અભિશાપ છે.

    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  2. અન્ત ખુબ જ સરસ છે….. અનઅપેક્ષિત….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :