પરમ સમીપે – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

“આજે તો મમ્મી, પ્રેયર વખતે એવી મજા પડી ગઈ કે બધું રિંગ-અ-રિંગ – અ રોઝીસ થઈ ગયું. ઑલ લાફ્‍ડ, એન્જૉય્‍ડ ઍન્ડ હેડ એ ગ્રેટ ફન…” નાનકડો બન્ટી સ્કૂલેથી આવીને મમ્મી મૌલાબહેનને સ્કૂલની વાતો કરી રહ્યો હતો.

“યુ એન્જૉય્‍ડ, નો ? તો ચાલો, હવે કપડાં બદલી થોડું ટીટ-બિટ્‍સ કરી લો… અરે નાથુ, બન્ટીને બ્રેડ-જામ કે ટોસ્ટ-બટર બનાવી આપ તો.”

મૌલાબહેનનું બધું ધ્યાન અત્યારે રમતમાં હતું. એના બંગલાના ડ્રૉઇંગરૂમમાં કિટ્ટી-પાર્ટી જામી હતી અને મૌલાબહેન અત્યારે પ્લસ પૉઈન્ટ્‍સમાં હતાં. મૉર્ડન મમ્મી હોવાને નાતે એમણે બન્ટીની વાત સાંભળવી પડી. બન્ટી ન તો કપડાં બદલવા ગયો કે ન ડાઈનિંગ-ટેબલ પર બેઠો. એ મમ્મીનો ખભો પકડી બોલ્યો –

“મારી વાત તો સાંભળ મમ્મી. પછી શું થયું એ તને કહું.”

“અચ્છા, શું થયું પછી ?” મમ્મીનું ધ્યાન પત્તા પર જ હતું.

“મમ્મી, આજે પ્રેયર શરૂ થઈ કે પાછલી રોમાંથી રાકેશે પ્રેયર કરાવતાં આન્ટી પર રમકડાનો સાપ ફેંક્યો. આન્ટીએ ગભરાઈ એવી ચીસ પાડી કે… વી ઑલ જૉઈન્ડ વિથ હર ઈન સ્કિમિંગ. આન્ટી ખુરશી પર ચડી ગયાં… વૉટ એ કેવોસ… અમે બધાં બેન્ચીસ પર ચડી કૂદાકૂદ કરી, ક્લાસની બહાર દોડી ગયાં – ટમ્બલિંગ, ફૉલિંગ ઍન્ડ વૉટ નૉટ. પછી તો પ્રેયર જ ન થઈ…”

“જોયું રીટા, છોકરાંઓ કેટલા સ્માર્ટ થઈ ગયાં છે !” સખીવૃંદ તરફ નજર કરતાં મૌલાબહેન મરક મરક હસ્યાં.

“અરે વાત જ ન પૂછો આ જનરેશનની કે ક્યાંથી બધું શીખી જાય છે ! યુ નો, મારો પિન્ટુ એક દિવસ ટી.વી. પર વિડિયો-ફિલ્મ ચાલુ કરીને બેઠો હતો. અમિતાભ બચ્ચનનું કોઈ પિક્ચર હતું – જેમાં એ ભગવાનની મૂર્તિ પાસે ઊભો ઊભો કંઈક માગી રહ્યો હતો. એ જોઈને પિન્ટુએ કોમેન્ટ કરી તે તારી ત્રિમૂર્તિના ત્રણેય હેડ્ઝ ખાલીખમ છે, તારું કશું યે ઊપજવાનું નથી… વોટ એ જૉક ! પિન્કુની સેન્સ ઓફ હ્યૂમર ગજબની છે, હો મૌલા !”

“મને તો બધું હમ્બગ લાગે છે.” ક્રીનાબહેન બોલ્યાં, “કોઈ નવરો બાવો કોઈ ક્રુડ-ફોર્મની મૂર્તિ લાવી, એના પર ટીલાંટપકાં કરી, વાઘા પહેરાવી ફૂલ ચડાવવાનું શરૂ કરી ઘંટડી વગાડે કે મંદિર શરૂ. ઈટ રીઅલી હૅપન્ડ સો. અમારા બંગલાના સામેના ખાંચામાં કોઈએ હમણાં આવું મંદિર શરૂ કરી દીધું છે કે બુઢ્ઢા-બુઢ્ઢીઓ શરૂ થઈ ગયાં. સાંજ પડયે પેલા બાવાને વીસ-ત્રીસ રૂપિયાનું ક્લેક્શન થઈ જાય છે…”

“આ જુઓ ને, અમારા ડોશીની જ વાત કરું” મૌલાબહેને બાજી પૅક-અપ કરતાં કહ્યું, “સવાર પડે કે મારાં સાસુ હવેલીએ જવા નીકળી પડે કે પૂરા અઢી-ત્રણ કલાકે પાછાં ફરે. શી વૉન્ટ્‍સ ટુ ડુ ઑલ ધ દર્શન્સ. શોફર-ડ્રિવનકારનો તો હું ઉપયોગ કરી જ ન શકું. આ તો હમણાં એણે નવી ગાડી લઈ લીધી છે તે મારે જ ડ્રાઈવ કરીને ગુડ્ડીને નર્સરીમાં લઈ જવી પડે છે.”

“આઈ ડોન્ટ બિલીવ ઈન ધિસ ટાઈપ ઑફ વરશિપિંગ. આફટર ઑલ, આ બધા ગૉડ-ગૉડેસીસ કોણ હતાં ? ધે વેર જસ્ટ એ હ્યુમન બીઇંગ ઈન ધેર ટાઈમ. વર્ષો પછી તો ગાંધીના નામનું પણ ટેમ્પલ બની જાય. હૂ નોઝ ?”

આજે નાથુએ કિટ્ટી-પાર્ટી માટે ભેળ બનાવી હતી. એણે સેન્ટર-ટેબલ પર પ્લેટ્સ અને ડિશિઝ મૂકવી શરૂ કરી દીધી. પત્તાને બાજુ પર મૂકી, ભેળ ખાતા ખાતા સૌ ઈશ્વરની ચર્ચા કરી રહ્યા હતા. બન્ટી સોફા પર બેઠો બેઠો સૌની વાતો સાંભળતો સાંભળતો બ્રેડ-જામ ખાઈ રહ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વનો સ્પષ્ટ ઇન્કાર હતો આ ચર્ચામાં.

એક દિવસ બન્ટી સખત માંદો પડ્યો. એ એવી માંદગીમાં સપડાયો કે તાવ ઊતરે જ નહિ. જેમ જેમ સૂરજ ચડતો જાય એમ એમ એના શરીરનું તાપમાન વધતું જાય. બન્ટીને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

મૌલાબહેનને દિવસ-રાત હૉસ્પિટલમાં રહેવું પડતું. સૌ સગાં-સંબંધીઓ હૉસ્પિટલમાં આવી ખબરઅંતર પૂછી જતાં. મૌલાબહેનનાં સાસુ ઠાકોરજી પાસે બેસી પૌત્રના લાંબ આયુષ્ય માટે પાંચ માળા વધુ કરતાં. દરરોજ બપોરે એ હૉસ્પિટલમાં ટિફિન લઈને જતાં ત્યારે ઠાકોરજીને ચડાવેલાં પુષ્પો બન્ટીની આંખ પર લગાડતાં. શરૂશરૂમાં મૌલાબહેન આ ચિમળાયેલાં ફૂલોને, સાસુજી જાય પછી, કચરાપેટીમાં પધરાવી દેતાં, પણ જેમ જેમ બન્ટીની માંદગી વધુ ચાલી એમ એમ એ ફૂલોને બન્ટીનાં ઓશીકા નીચે મૂકી રાખતાં.

ભાભીનો જીવ ઊંચો રહેતો જોઈ, મૌલાબહેનની પરિણીત નણંદ ભાભી સાથે ઉજાગરો કરવા રાત્રે હૉસ્પિટલમાં આવી. એ ભાભી માટે એક પુસ્તક લઈ આવી. એ જાણતી હતી કે ભાભીને ઈશ્વર પર બહુ શ્રદ્ધા નથી છતાંયે એની તંગ માનસિક પરિસ્થિતિને હળવી કરવા એક પુસ્તક લઈ આવી.

રાત્રે નર્સ-ડૉક્ટર છેલ્લો રાઉન્ડ લઈ ગયાં. બન્ટીને ઇંજેક્શન અપાયું. એના માથા પર હાથ ફેરવતાં મૌલાબહેનનો અજંપો કળી શકાતો હતો.

નણંદે હળવેક રહીને પેલું પુસ્તક ભાભીના હાથમાં મૂક્યું.

મૌલાબહેને પુસ્તક હાથમાં લીધું. શીર્ષક હતું ‘પરમ સમીપે.’ પરમ સમીપે પહોંચવા, પરમ કૃપાળુની શક્તિનો એક અંશ પામવા માટે લેખિકા કુન્દનિકા કાપડિયાએ જગતના તમામ ધર્મોની વિવિધ પ્રાર્થાનાઓ એમાં મૂકી હતી.

“ભાભી, હું જાણું છું કે તમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. જો કે, આપણી સૌની માન્યતામાં ફરક હોઈ શકે છે. પરંતુ મારો સ્વાનુભવ છે કે નાસ્તિકતા કરતાં આસ્તિકતા આપણા નિરાશ જીવનમાં આશાનાં ઘણાં કિરણો ફેંકી શકે છે. વેદોમાં પણ લખ્યું છે કે ‘શ્રદ્ધામયોયં પુરુષઃ’ શ્રદ્ધા ધરાવવી એ માનવીનું લક્ષણ છે. અનેક અસંગતતાઓથી ભરેલા આપણા જીવનમાં ક્યારેક તો આપણે નિરાશા અનુભવવી પડતી હોય છે. અંધકારની એ ક્ષણોમાંથી બહાર આવવા કોઈ પરમતત્વને, કે જેનો તાગ આપણે પામી શક્યાં નથી એવી એ પરમ શક્તિને સ્મરી આપણે આપણી તમામ ઈન્દ્રિયોને એવામાં કેન્દ્રિત કરીશું તો મનની શાંતિ અવશ્ય પ્રાપ્ત થશે. મનની સ્વસ્થતા માનવી પાસે સારા નિર્ણયો લેવડાવે છે. તમે રાત્રે બન્ટી પાસે બેઠા હો ત્યારે આ સંગ્રહની કોઈ એકાદ-બે પ્રાર્થના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને સારું લાગશે.”

એ રાત્રે મૌલાબહેને પુસ્તક હાથમાં લીધું. રાત્રિના શાંત, એકાંત વાતાવરણમાં એમણે એક પ્રાર્થનાનું મનન કરવા માંડ્યું. શરૂશરૂમાં ચંચળ ચિત્તવૃત્તિએ ધ્યાન કેન્દ્રિત કરવા ન દીધું. પણ બીજી રાત્રે તો એ તાર જોડી શક્યાં. ધીમે ધીમે એ સમજી શક્યા કે મનોનિગ્રહ શાંતિપ્રાપ્તિના પાયામાં છે. અર્પિત ધ્યાન એટલે જ જ્ઞાન. એ સમજી ન શક્યા કે આ શેનું અર્પણ છે, શું અર્પિત થઈ રહ્યું છે પણ રાતના ઉજાગરા પછીયે સવારે સ્વસ્થ રહી શક્યાં એનું જ એમને આશ્ચર્ય થયું. ઊંઘ અને આરામ વિના પણ એ સવારે પ્રફુલ્લિત જણાતાં હતાં. ભાભીથી મોટી ઉંમરની નણંદ ભાભીના ચહેરાનો, એના ચિત્તતંત્રનો અભ્યાસ કરી રહી હતી.

ડૉક્ટરની દવાથી કે પછી પ્રાર્થનાથી બન્ટી સાજો થઈ ઘેર પાછો ફર્યો એ તો મૌલાબહેન નક્કી ન કરી શક્યાં, પણ હૉસ્પિટલમાં વિતાવેલી રાતો દરમિયાન ‘પરમ સમીપે’માંથી પ્રાપ્ત કર્યું તે આટલું જ : જે પરમતત્વને આપણે પામી શક્યા નથી તો એની હાંસી શા માટે ? એ રાત્રે બન્ટી સૂતો ત્યારે મૌલાબહેને એના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં હળવા સાદે ગાયું : ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા. સોફા પર બેઠાં બેઠાં સાસુએ વહુને પ્રાર્થના કરતી સાંભળી. એને માળાના મેરુને આંખ પર સ્પર્શ કરાવતાં મનોમન પ્રાર્થના કરી : પ્રભુ, વહુની આવી સદ્‍બુદ્ધિ તું કાયમ રાખજે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પરમ સમીપે – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.