વ્હાલનું પ્રતિબિંબ – ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

(જેમની કલમે આ બીજી કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું ફરી સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 9979846971 પર કરી શકાય છે.)

“પપ્પા તમે ખોલતા નહીં હો ! હું સંતાઈ જાઉં પછી જ આંખો ખોલજો, જુઓ પપ્પા તમારી આંખો સહેજ સહેજ ખુલ્લી છે.”

“હા બેટા, હું આંખો નહીં ખોલું, તું સંતાઈ જાય પછી જ ખોલીશ. બસ!”

“પપ્પા, હું સંતાઈ ગઈ છું, હવે મને શોધવા આવો.”

* * *

મેડિકલ કોલેજની ખુશનુમા સવારનું દ્રશ્ય. કોલેજની બહાર આવેલા બગીચાના લીલાછમ ઘાસમાં હજુ ઝાકળની ભીનાશ વર્તાતી હતી. ખીલેલા ફૂલોની આછી ખુશ્બુ ચોમેર પ્રસરીને વાતાવરણને મહેકાવી રહી હતી. ક્યાંક રંગબેરંગી પતંગિયાઓની ઊડાઊડ તો ક્યાંક ભ્રમરોનું ફૂલરસપાન વાતાવરણને એકદમ આહલાદક બનાવી રહ્યું હતું. કોલેજની ફર્શ એકદમ ચમકતી અને સ્વચ્છ હતી. એવામાં તમામ વિદ્યાર્થીગણના પગલા લેક્ચર હૉલ તરફ ઝડપી ગતિ એ વધી રહ્યા હતા. આજે ડૉ. અનિમેષનું લેક્ચર હતું. વિદ્યાર્થીગણમાંથી કોઈને પણ આજ નું લેક્ચર મીસ નહોતું કરવું કેમ કે ડૉ. અનિમેષ બરફ જેવા.. સોલીડ લાગતાં કોઈ પણ મુદ્દા ને પીગળાવી એકદમ પ્રવાહી બનાવી દેતા અને આ પ્રવાહી જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ આસાનીથી પી શકતા. ક્લાસ શરૂ થાય એની પહેલાં જ સૌ ને પોતપોતાના સ્થાને જમાવટ કરી લેવી હતી કેમ કે ડૉ. અનિમેષ શિશ્તના પણ એટલા જ આગ્રહી હતા. એકવાર એમનું લેક્ચર ચાલુ થાય અને લેક્ચર હૉલ નો દરવાજો બંધ થાય તો કોઈની હિંમત નહોતી કે એ દરવાજો ખોલી ને અંદર આવી શકે.

પણ આજે અચાનક લેક્ચર હૉલનો દરવાજો ખૂલ્યો અને બહારથી કોઈએ મૃદુ સ્વરે પૂછ્યું, “મે આઇ કમીન સર?”

સૌ વિદ્યાર્થીઓ સ્તબ્ધ. હૉલમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. બધાને મનમાં થયું કે જે પણ છે આજે એની આવી જ બની!

ત્યાંજ ડૉ. અનિમેષે રોષપૂર્વક પ્રતિ સવાલ કર્યો, “હૂ ઈઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ? વોટ ઈઝ યોર નેમ?”

ત્યાં એક સુંદર નાજુક અને નમણી આકૃતિ લેક્ચર હૉલમાં પ્રવેશી. તેને જોઈ ડૉ.અનિમેષની આંખોમાં નો રોષ જાણે ગાયબ થઈ ગયો, નજર તેના પર ઠરીને સ્થિર થઈ ગઈ અને એક જ મીટે થોડીવાર માટે તેને નીરખતા રહ્યા.

“સર, માય નેમ ઈઝ આશ્લેષા. સોરી ફોર ગેટિંગ લેટ. ઈટ વિલ નેવર હેપન અગેન.” આશ્લેષાના સ્વરમાં આજે મોડા પડ્યાનો ભારોભાર અફસોસ વર્તાતો હતો.

“ઓ.કે. ટેક યોર સીટ.” ડૉ. અનિમેષે આછા સ્મિત સાથે પરવાનગી આપી.

આશ્લેષાનું સૌંદર્ય દરેક વિદ્યાર્થીના મનમાં તો વસી જ ચૂક્યું હતું, આજે ડૉ. અનિમેષના મનમાં પણ આશ્લેષા વસી ગઈ.

તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ વધુ અચંબામાં મૂકાઇ ગયા. ડૉ. અનિમેષ એમના સ્વભાવ અને પ્રકૃતિથી તદ્દન વિરુધ્ધ વર્તન કર્યું હતું અને એમના મુખમાથી એક પણ ઠપકાનો સૂર આશ્લેષા માટે ન નીકળ્યો.

પછી તો પૂછવું જ શું? કોઈ ને કોઈ બહાને ડૉ. અનિમેષ આશ્લેષાની નજીક જતાં. એને સમજણ ન પડે એ મુદ્દાની છણાવટ કરી સમજાવતા અને આશ્લેષા તરત જ સમજી જતી. બંને કેન્ટીનમાં પણ સાથે કોફી પીવા જતાં. ક્યારેક ડૉ. અનિમેષ આશ્લેષા માટે પોતાના હાથે ટિફિન પણ બનાવી લાવતાં અને બંને સાથે લહેજતથી જમતાં. આશ્લેષાના જન્મ દિવસે તો ડૉ. અનિમેષ આશ્લેષા માટે ગિફ્ટ અને કેક બંને લઈ આવ્યાં અને ધામધૂમ પૂર્વક આશ્લેષાના જન્મ દિવસની ઉજવણી કરી, એમની આંખોમાં હર્ષ છલકાઈ રહ્યો હતો. આશ્લેષાને પણ ડૉ. અનિમેષનો સાથ ગમતો.

હવે તમામ ખૂણે એક જ ચર્ચા થવા લાગી, ડૉ. અનિમેષ અને આશ્લેષાના સ્નેહ સંબંધની. વિદ્યાર્થી અને સ્ટાફમાં ગણગણાટ શરૂ થઈ ગયો પણ સ્ટાફમાં કોઈની હિંમત નહોતી ડૉ. અનિમેષ સાથે આ બાબતે ચર્ચા કરવાની. ડૉ. અનિમેષ જ્યાંથી પણ પસાર થતાં ત્યાં એમની પીઠ પાછળ વિદ્યાર્થીઓમાં કાનાફૂસી થતી, જે કયારેક ડૉ. અનિમેષના કાને અથડાતી અને એ સહેજ પણ પરવા કર્યા વગર નિજ મસ્તીમાં મશગુલ રહેતાં.

એક દિવસ ડૉ. અનિમેષ પગથિયાં ચડી ને જઈ રહ્યાં હતાં, ત્યાં જ એમના કાને એ જ મૃદુ અવાજ પડ્યો. ડૉ. અનિમેષ આશ્લેષા નો અવાજ એક જ ક્ષણમાં પારખી ગયાં. આશ્લેષા પોતાના વિશે જ વાત કરી રહી છે એ વાત નો ખ્યાલ આવતાં જ એમના પગ થંભી ગયાં. આશ્લેષાએ પોતાની સખી ને કઇંક કહ્યું અને એ શબ્દો ડૉ. અનિમેષને શૂળ ની જેમ હ્રદય માં ભોંકાયા, કારમો આઘાત લાગ્યો અને મન ત્યાંજ વ્યગ્ર અને ઉદાસ થઈ ગયું. આંખો બંધ થઈ અને આંખના ખૂણામાંથી એક ટીપુ સરી પડ્યું. હ્રદય ભારેખમ થઈ ગયું.

* * *

ભારેખમ હ્રદયે પોતાના ઘરના દરવાજાનું લૉક ખોલ્યું અને ઘરમાં પ્રવેશતાં જ શબ્દો સરી પડ્યા, “બેટા સંતાઈ ગઈ છે ને? હું આવું છું તને શોધવા!” જેનો કોઈ જ પ્રત્યુત્તર ન આવ્યો.

પોતાની પુત્રી જ્યાં સંતાઈ જતી એ જગ્યા એ જઈ ડૉ. અનિમેષ ઊભા રહ્યાં પણ ત્યાં કોઈ નહોતું. જ્યારે પણ આમ મન ઉદાસીની સીમાઓ વટાવતું ત્યારે ત્યારે ડૉ. અનિમેષ ભૂતકાળમાં સરી પડતાં અને વર્તમાનનો ભેદ ભૂલી જતાં. આજે પોતાની ૪ વર્ષ ની પુત્રી અર્ની ની એમને બહુ યાદ સતાવી રહી હતી. એ પોતાની પુત્રીના રૂમમાં ગયાં. ૧૫ વર્ષથી પોતાની પુત્રી અર્ની નો રૂમ જેમ નો તેમ સાચવેલો હતો. એના રમકડાં એની ઢીંગલી ઓ હજુય જેમની તેમ સચવાયેલી હતી, જેની પર હાથ ફેરવી આજે અર્ની ને એમની નજદીક અનુભવી રહ્યાં હતાં. એક ઢીંગલી ને જોઈ તો એમની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં કેમ કે એ ઢીંગલીને લાવી ને અર્ની ને જ્યારે આપી હતી ત્યારે અર્ની ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એને એના પપ્પાના ગાલ પર એક પ્રેમ ભરી પપ્પી આપી હતી. અનાયાસે જ ડૉ. અનિમેષ નો હાથ ગાલ પર એ પ્રેમ ભરી પપ્પી ને અનુભવી રહ્યો હતો, જાણે ગઈકાલની જ વાત ન હોય! ત્યાં જ એમની નજર અર્નીની નોટબુક્સ પર પડી, એ નોટબૂક ખોલી ને જોયું તો એને લખેલી એ બી સી ડી માં શાહી સુગંધ હજુય અનુભવાતી હતી. અને એમની નજર સમક્ષ હોમવર્ક કરતી અર્ની જીવંત બની ગઈ. અર્ની ની તિજોરીમાંથી એ કપડાંને પોતાની છાતી એ લગાવતા અને ભીની થયેલી આંખો સાથે ફરી જેમ ના તેમ ગડી વાડીને સાચવીને પાછાં તિજોરીમાં મૂકી દેતાં.

આમ પોતાની ની પત્ની અને ૪ વર્ષ ની પુત્રી અર્ની ના એક ગમખ્વાર કાર અકસ્માતમાં થયેલા મૃત્યુ પછી ડૉ. અનિમેષને એકાકીપણું સતત સાલતું રહેતું. પોતાની પત્ની કરતાં ય વધુ અર્ની ની યાદ ડૉ. અનિમેષ ને ભાંગી નાખતી. અચાનક આજે આશ્લેષા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો ફરી કાને પડ્યા અને હ્રદય વધુ ભાર તળે દબાઈ ગયું, છાતી માં ડૂમો ભરાઈ ગયો અને આંખો માંથી અશ્રુઓએ પોતાનો રસ્તો શોધી લીધો.

* * *

આશ્લેષાના મન અને આંખો બંને ઉચાટ સાથે કોલેજ માં ડૉ. અનિમેષ ને શોધી રહ્યા હતાં. ત્રણેક દિવસથી ડૉ. અનિમેષે કોલેજમાં દેખા નહોતી દીધી એટલે ત્વરિત આશ્લેષા ઉચાટ મન સાથે ડૉ. અનિમેષ મળવા એમની ઓફિસ પહોંચી ગઈ. ડૉ. અનિમેષ ઓફિસમાંય નહોતા પણ એમના ટેબલ પર એક ડાયરી પડી હતી. આશ્લેષા પામી ગઈ કે એ ડૉ. અનિમેષની પર્સનલ ડાયરી હતી. પહેલા તો એને મન થયું કે કોઈ ની પર્સનલ ડાયરી ને ના વાંચે પણ એની જિજ્ઞાસા એને એમ કરતાં રોકી ના શકી અને એ એક પછી એક ઝડપ થી ડાયરીના પાનાં ઊથલાવતી રહી. ડાયરીમાં લખેલા કેટલાક વાક્યો એના નજર આગળથી પસાર થઈ રહ્યા હતા.

“બેટા અર્ની, આજે તારી અને તારી મમ્મીની પુણ્યતિથી છે. તારી બહુ યાદ આવે છે. આમ સાવ એકલો મૂકીને તમે જતાં રહ્યાં, આવું કરાય?”

“બેટા અર્ની, એવી તો તું ક્યાં સંતાઈ ગઈ કે હજુ પણ હું તને શોધી નથી શકતો, બેટા તું જીતી ગઈ હવે બહાર આવી જા.”

“બેટા, આજે તારો રૂમ સાફ કર્યો, તારી નોટબૂક્સ, તારી ઢીંગલીઓ, તારા રમકડાં અને હું બધા તારા વગર સૂના પડી ગયા છીએ.”

“બેટા, આજે બહુ નવાઈ લાગી, તારું જ પ્રતિબિંબ મારી સામે આવી ને ઊભું રહ્યું. તું બેટા આજે હોત તો આશ્લેષા જેવી જ દેખાતી હોત.”

“બેટા, હવે મને એકલું નથી લાગતું. આશ્લેષાની આંખોમાં હું તને શોધું છું અને તું જાણે મને જોતી હોય એવો આભાસ થાય છે. આશ્લેષામાં મને મારા વ્હાલ નું પ્રતિબિંબ, તું દેખાય છે.”

“બેટા, આજે તારી બહુ યાદ આવી અને તને ભાવતો શીરો બનાવી આશ્લેષા માટે લઈ ગયો અને જ્યારે મેં મારા હાથ થી એને શીરો ખવડાવ્યો તો જાણે એવું લાગ્યું કે હું તને ખવડાવી રહ્યો છું અને આજ થી ૧૫ વર્ષ પહેલાં હું તને ખવડાવતો હતો એ ક્ષણો ને ફરીથી આજે હું જીવ્યો.

“બેટા આજે બીજી નવાઈ ની વાત એ કે તારો અને આશ્લેષા જન્મ દિવસ પણ એક જ છે. તારી મનભાવતી કેક આજે આશ્લેષા પાસે લઈ ગયો અને આશ્લેષા અને તારો જન્મદિવસ મેં ખુશીસભર ઉજવ્યો. આજે બેટા હું તારા જન્મદિવસ ખૂબ જ ખુશ છું.”

“બેટા, અન્યો શું વિચારે છે એની મેં કદીયે પરવા નહોતી કરી, પણ આજે આશ્લેષાના મુખે આવા શબ્દો સાંભળી ને મારૂ હ્રદય ચિરાઈ ગયું. બેટા આજે બહુ જ ઉદાસ છું, હવે મારે નથી રહેવું આ દુનિયામાં. મારે પણ હવે તારા અને તારી મમ્મી પાસે આવવું છે ”

ત્યાં જ આશ્લેષા લાગણીશીલ બની ગઈ અને આંખો ના બંને ખૂણા ભીના થઈ ગયા. પોતાની સખી સમક્ષ ઉચ્ચારેલા પોતાના શબ્દો યાદ આવ્યા “જોયું? ડૉ. અનિમેષ કેવા લટ્ટુ છે મારા પાછળ! એટલે પરીક્ષા ની મને કોઈ ચિંતા નથી. એમને હું બધુ પૂછી લઇશ.”

પોતાના શબ્દો પર આશ્લેષા આજે ભારોભાર પસ્તાઈ રહી હતી. ડૉ. અનિમેષની પિતાતુલ્ય સ્નેહ વર્ષાને સમજી જ ન શકી. સમજે પણ કઈ રીતે? પોતે ૪ વર્ષની હતી ત્યારે જ આશ્લેષાના પિતાએ ચિરવિદાય લીધી હતી. એક પિતા વગરની છોકરીને પિતાના પ્રેમની વ્યાખ્યા ક્યાંથી ખબર હોય? પણ આજે આશ્લેષાના મનમાં ડૉ. અનિમેષ રૂપે એના પિતાએ પુનઃ જન્મ લીધો હતો.

આંખોના બંને ખૂણા લૂછી ડૉ. અનિમેષની માફી માંગવા એ બહાર આવી અને ત્યાંથી પસાર થતાં એક અન્ય પ્રોફેસર ને ડૉ. અનિમેષ વિષે પૂછી લીધું.

“બેટા, તને નથી ખબર? ડૉ. અનિમેષને આજે સવારે જ હ્રદય રોગનો હુમલો આવ્યો છે અને આપણી જ હોસ્પિટલના આઇ.સી.યુ વિભાગમાં દાખલ છે.”

એક પળ નો વિલંબ કર્યા વગર આશ્લેષા ડૉ. અનિમેષ ની પથારી આગળ પહોંચી ગઈ. હજુ ડૉ. અનિમેષ બેભાન હતાં. એમની કાળજી અને દેખરેખમાં આશ્લેષાએ કોઈ કસર બાકી ન રાખી. ભગવાનને આશ્લેષા પ્રાર્થના કરી રહી હતી “તમે એકવાર મારા પિતા છીનવી લીધા, મેં કોઈ જ ફરિયાદ ન કરી, પણ હવે બીજીવાર તો મારી સાથે આવું ન કરો, પ્લીઝ!”

અને જાણે ભગવાને આશ્લેષાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હોય એમ ડૉ. અનિમેષ હવે ભાનમાં આવી રહ્યા હતાં, આશ્લેષા ની આંખો હર્ષ સાથે ભરાઈ ગઈ. આંખો ખોલતાં જ ડૉ. અનિમેષે આશ્લેષાને જોતાં કહ્યું “બેટા, આશ્લેષા!”

ત્યાં જ આશ્લેષા ડૉ. અનિમેષ ને ભેટી પડી અને સહેજ ભીના સ્વરે કહ્યું “પપ્પા, આશ્લેષા નહીં અર્ની!”

– ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “વ્હાલનું પ્રતિબિંબ – ડૉ. નિલેષ ઠાકોર “નીલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.