- ReadGujarati.com - http://www.readgujarati.com -

સુખનો પતંગ… સંજોગોનું આકાશ – દિનેશ પાંચાલ

(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.)

માણસ સતત સુખની શોધમાં ભટકતો રહે છે. પાશેર સુખની લ્હાયમાં મણબંધી દુઃખી થતાં લોકોને અમે જોયા છે. સુખની વ્યાખ્યા પેચીદી છે. કરોડ રૂપિયાની લોટરી લાગી હોય તે પછી પણ માણસના અંતરના આક્રંદ અકબંધ રહેતા હોય છે. પૈસો હંમેશાં સુખનો ગેરન્ટી કાર્ડ બની શકતો નથી. સુખનો પતંગ સંજોગોના આકાશમાં પલટી ખાતો રહે છે. એક ઉદાહરણ જોઈએ. ઉંદર પાંજરામાં ફસાઈ ગયું હોય તો એ સ્થિતિ તેને માટે દુઃખદ કહેવાય. પરંતુ પાંજરાની ફરતે બહાર બિલાડી આંટા મારતી હોય તો ઉંદર માટે એ પાંજરુ ઈશ્વરના આશીર્વાદ સમુ બની રહે છે. સુખ અમિબાની જેમ આકાર બદલતું રહે છે. એક ચિંતક લખે છે : ૧૮ વર્ષનો યુવક કહે છે : ‘આજે હું અત્યંત ખુશ છું. શ્યામાએ મારા તરફ જોઈ સ્મિત કર્યું !’ ચાલીશ વર્ષે એ માણસ કહે છે, ‘આજે મારી પત્ની મેઘનાએ ખૂબ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો હતો, મઝા આવી ગઈ !’ અને સાંઠ વર્ષે એ માણસના સુખનું સરનામુ બદલાઈ ગયું હોય છે. એ કહે છે, ‘આજે ત્રણ દિવસ બાદ પેટ સાફ આવતા જીવને ખૂબ સારુ લાગે છે !’ સુખ પવનની જેમ દિશા બદલતું રહે છે. લતા મંગેશકર જેવા કોકીલકંઠી હોવું એ કોઈ યુવતી માટે ગૌરવશાળી બાબત કહેવાય. પરંતુ એનો પતિ સંગીતનો ઓરંગઝેબ હોય તો મામલો એવો બની રહે માનો કોઈ આંધળાને લકી ડ્રોમાં ટીવીનું ઈનામ લાગ્યું હોય !

દોસ્તો યે વયસ્કીએ કહ્યું છે : ‘સાચું સુખ હંમેશાં સુખમાં નથી હોતું, તે મેળવવામાં હોય છે.’ અર્થાત્ સુખ એરકન્ડીશન્ડ બંગલામાં નથી હોતું, એરકન્ડીશન્ડમાં સૂઈ શકવાની માણસની પાત્રતામાં હોય છે. (શરીરે સંધિવા થયો હોય તો પંખો ય ના પરવડે… ત્યાં એરકન્ડીશન્ડ શા કામનું ?) તમે સોનાનો કાંસકો ખરીદી શકો એટલા પૈસા તમારી પાસે હોય પણ તમારે માથે વાળ જ ના હોય તો ? તમે ૫૦ હજાર રૂપિયે કિલોની મોંઘી મીઠાઈ ખરીદી શકો એટલા ધનવાન છો પણ સુગરને કારણે તમારે ચા પણ ખાંડ વિનાની પીવી પડતી હોય તો ? તમારે પહેલે ખોળે દીકરો હોય પણ તેને પોલિયો થયો હોય તો ? દીકરી કુંવારી માતા બને, અથવા દીકરો નઠોર બની જાય તો સુખ મળે ખરું ? સુખના કોઈ સ્થાયી સરનામાં હોતાં નથી. અમે એક યુવતીને ઓળખીએ છીએ. તે અભ્યાસમાં અવ્વલ રહેતી પણ જન્મથી જ તેની પીઠ પાછળ ઊંટના ઢેકા જેવી ખૂંધ હતી. એવી વિકલાંગ યુવતીનું ભવિષ્ય શું ? એને કોણ નોકરી આપે ? કોણ એની જોડે પરણે ? પણ કહે છે : ‘દર્દ કા હદ સે ગુજરના… ખુદ હે દવા હો જાના !’ નસીબજોગે બન્યું એવું કે ખોડને કારણે એને સરકારની ‘વિકલાંગ કલ્યાણ યોજના’ હેઠળ બેંકમાં નોકરી મળી ગઈ. ત્યારબાદ સારી નોકરીને કારણે મુરતિયો પણા મળી ગયો.

મહેનત એ સુખની પ્રથમ શરત છે. વિનોબા ભાવેએ કહ્યું છે : ‘આળસની ગતિ એટલી ધીમી છે કે ગરીબી એને પકડી પાડે છે.’ અહીં એમ પણ કહી શકાય કે આળસની ગતિ એટલી તેજ છે કે પ્રગતિ એને ઓવરટેક કરી શકતી નથી. આળસ અને દુઃખ વચ્ચે ફ્રીઝ અને આઈસ્ક્રીમ જેવો સંબંધ છે. કેટલી ધીરજથી માણસ જીવનના ફ્રીઝમાં આળસને ઝામવા દે છે ત્યારે દુઃખની કુલ્ફી તૈયાર થાય છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે, ‘સુખ એટલે જે આપણી પાસે નહીં પણ પાડોશી પાસે છે તે !’ વાત સાચી છે. માણસની પ્રકૃતિ ઈર્ષાળુ છે. તેને પોતાના ટીવી કરતાં પાડોશીના ટીવીનો પરદો મોટો લાગે છે. તેને પોતાના કરતા બાજુવાળાની લાપસીમાં કાજુ વધારે દેખાય છે. જુલેસ રોનાર્ડ કહે છે : ‘માત્ર સુખી થવાથી સુખ મળી જતું નથી, એ પણ જરૂરી છે કે બીજાઓ ન થાય !’ (આખા મહોલ્લામાં બધાં પાસે મારૂતિ કાર હોય તો આપણી પાસે મારૂતિ હોવાની શું ધૂળ મજા રહે ?) એકવાર મિલના એક શેઠિયાએ અંધેરી નગરીના ગંડુરાજા જેવું પરાક્રમ કર્યું. મેનેજર જેટલો જ ઊંચો પગાર તેણે મજૂરોને પણ કરી આપ્યો. એથી મજૂરો પણ સાઈકલ છોડી હીરોહોન્ડા પર આવવા લાગ્યા. થોડા જ દિવસોમાં ઉચ્ચ અધિકારીઓના દિલમાં એ વાતનો અસંતોષ જાગ્યો કે અમારો પગાર ૫૦ હજાર કર્યો તે યોગ્ય છે પણ મજૂરોને ૫૦ હજાર શા માટે મળવા જોઈએ ? મજૂર અને મેનેજર વચ્ચે કંઈક તો ફરક રહેવો જોઈએ ને ? દોસ્તો, જાણ્યે અજાણ્યે માણસજાતની મૂક અપેક્ષા એવી રહેતી આવી છે કે સાઈકલ અને હીરોહોન્ડા વચ્ચેની ખાઈ અકબંધ રહેવી જોઈએ. સુખ સૌને જોઈએ છે, પણ જે બધા પાસે હોય તેને દુન્વયી વ્યાખ્યામાં સુખ નથી કહેવાતું. આંખે અંધ હોય તેને આપણે દુઃખી કહીએ છીએ. પણ દરેક દેખતાને સુખી નથી કહેતા. ટીવી અને પંખો સુખના સાધનો છે, પણ ટીવી કે પંખો ધરાવતા માણસોને આપણે તેટલા ખાતર સુખી ગણતા નથી. કેમકે ટીવી અને પંખા હવે તો ઝૂંપડપટ્ટીમાં પણ હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું છે : ‘ફકીરની ગરીબી એ રાજાની અમીરી માપવાનો માપદંડ છે. અર્થાત્‍ રાજાના મુગટની મહત્તા ગરીબોના ફાટેલા જૂતાને કારણે છે.’

એક ચિંતકે માણસની સરખામણી ગંજીફાના પત્તાં જોડે કરતાં કહ્યું છે, ‘દરેક પત્તાંનું સર્જન એક જ કાગળમાંથી થયું હોય છે છતાં દરેકની કિંમત ભિન્ન ભિન્ન હોય છે. કોઈ એક્કો, કોઈ બાદશાહ, કોઈ દૂરુ, કોઈ તીરુ !’ આ વાતને વધુ યથાર્થ રીતે સમજવી હોય તો માણસને ચલણી નોટ સાથે સરખાવી જુઓ. રીઝર્વ બેંક એક જ પ્રકારના કાગળનો જુદો જુદો ભાવ નક્કી કરે છે. કોઈની કિંમત સો રૂપિયા, કોઈની પચાસ, કોઈની દશ તો કોઈની કિંમત એક રૂપિયો. સંતો કહે છે, ‘કિસ્મતની રિઝર્વ બેંક માનવીના કપાળ પર તેની કિંમત છાપીને તેને આ દુનિયાના સરક્યુલેશનમાં ફરતો મૂકે છે.’ ઉપરવાળાની એક જ ફેક્ટરીમાં તૈયાર થયેલા માણસો ધરતી પર આવી કોઈ રોડ પર લારી ચલાવે છે, કોઈ મહેલોમાં મહાલે છે, તો કોઈ ભીખ માગીને જીવન પૂરું કરે છે. તમારા સંડાસનો ખાળકૂવો સાફ કરવાનો હોય તો તે સાફ કરનારા માણસો જુદાં હોય છે. અને તમારા દીકરાને શાળામાં ઍડમીશન અપાવવા માટે જેની ભલામણ ચિઠ્ઠીની તમને જરૂર પડે છે તે માણસો જુદાં હોય છે. તમારુ ખિસુ સોની નોટોથી તર હોય છતાં ક્યારેક એક રૂપિયાની નોટના અભાવે તમારો આર્થિક વ્યવહાર અટકી પડે છે. તમારે ખુદ નરેન્દ્ર મોદીજી સાથે ઘરોબો હોય તોય તમારો નળ બગડ્યો હોય ત્યારે પ્લમ્બરનું મહત્વ પ્રધાનમંત્રી કરતાં વધી જાય છે. કબીરે કહ્યું છે, ‘જહાં કામ આવત સૂઈ, કહા કરત તલવારી ?’

દોસ્તો, તમે તલવાર છો કે સોય તેનું મહત્વ નથી. તમે જ્યાં ઊભા છો તે સ્થાનેથી તમારી ભૂમિકા ઠીક રીતે ભજવો છો કે નહીં તેનું મૂલ્ય ઉપજે છે. તમે જે કાંઈ કરો તે પૂરી નિષ્ઠાથી, દિલપૂર્વક કરશો તો તમારું કામ દીપી ઉઠશે. દા.ત. તમારે ભાગે ઝાડુ મારવાનું કામ આવે તો તે ય એવું ઉત્તમ મારો કે દુનિયા તેની નોંધ લે. બચુભાઈ કહે છે : ‘બીજા કોઈએ નહીં તો કમસે કમ આપણાં રાજકારણીઓએ આ વાત ગંભીરતાપૂર્વક અમલમાં મૂકી છે. તેમણે દેશની તિજોરી પર એવી નિષ્ઠાપૂર્વક ઝાડુ માર્યું છે કે આખા વિશ્વએ એની નોંધ લીધી છે.’