ફરી એક વાર – નીલમ દોશી

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઘડિયાળ નવ વાગ્યાનો સમય બતાવતી હતી. થોડી થોડીવારે વાદળના પંજામાંથી છટકીને સૂરજનાં બે-ચાર તોફાની ચાંદરડાં ઘરમાં હડિયાપટ્ટી કરી જતા હતા, પણ સુરેખાને એની સામે જોવાની ફુરસદ ક્યારે હોય છે ? સંચાની ઘરઘરાટી રાત-દિવસ ચાલે ત્યારે જ બે છેડા ભેગા થાય છે. આ ક્ષણે સુરેખાનું સઘળું ધ્યાન આજના ઓર્ડરનું છેલ્લું ફ્રોક પૂરું કરવામાં કેન્દ્રિત થયું હતું.

ત્યાં તીર્થાનો અવાજ આવ્યો.

‘મમ્મી, આજે મારે કોલેજે વહેલું જવાનું છે.’

સુરેખા જવાબ આપે તે પહેલાં જ ડોરબેલ વાગી.

તીર્થા બહાર ગઈ. બારણું ખોલ્યું. સામે કોઈ અજાણ્યા પુરુષને ઊભેલો જોઈ મૂંઝાઈ.

‘કોનું કામ છે ?’

પુરુષ જરા અચકાયો જલદીથી જવાબ ન અપાયો.

‘બેટા, કોણ છે ?’ અંદરથી સુરેખાનો અવાજ આવ્યો.

‘ખબર નહીં, મમ્મી. હું ઓળખતી નથી. તું જો ને.’

સુરેખા સંચા પરથી ઊભી થઈ. અધૂરું સીવાયેલું ફ્રોક નીચે સરી પડ્યું.

‘અત્યારે વળી કોણ છે ?’ બબડતી સુરેખા બહાર નીકળી.

તીર્થા બારણા આડેથી થોડી દૂર ખસી.

‘કોનું કામ છે ભાઈ ?’

શબ્દો સાથે જ સુરેખાની નજર પુરુષ પર પડી.

અને એક થડકારો ચુકાયો. નજર સામે ઊભેલી વ્યક્તિ પર સ્થિર થઈ. ઓળખવા મથી રહી કે શું ?

ના, ઓળખવા નહીં પણ આંખ ઉપર વિશ્વાસ નહોતો આવતો તેથી ખાતરી કરવા…

સુરેખાની નજર ક્ષણાર્ધમાં આગંતુકના પગથી માથા સુધી ફરી આવી. એકાદ પળ આંખોમાં દીવા પ્રગટ્યા, પણ બીજી પળે એ જ શૂન્યતા. આકાશમાં વીજળીનો એક ઝબકારો દેખાયો, પણ કોઈ મોતી ન પરોવાયું.

આગંતુકની નજર પણ સુરેખાને તાકી કે માપી રહી.

એક સન્નાટો. તીર્થા માની સામે જોઈ રહી. મમ્મી કેમ કશું બોલતી કે પૂછતી નથી ?

સુરેખાના હોઠ ફફડ્યા… સુકેતુ…

‘સુરેખા.’

સામેથી ધીમો પણ થોડો સ્પષ્ટ ઉચ્ચાર.

પુરુષે અંદર આવવાની ચેષ્ટા કરી.

નહોતું ખસવું તોયે સુરેખાથી જરીક ખસાઈ ગયું. અંદર આવવા જેટલી જગ્યા થઈ.

આ વળી કોણ છે ? કંઈ બોલ્યા સિવાય સીધું અંદર ઘૂસી ગયું ? મમ્મીએ એને કેમ આવવા દીધો ? મમ્મી પણ ખરી છે ! આવી લઘરવઘર વ્યક્તિને ઘરમાં આવવા દે છે ? તીર્થાના ચહેરા પર અણગમો લીંપાઈ રહ્યો.

પુરુષ અંદર આવ્યો. તેની બાજનજર કશુંક શોધવા ઓરડામાં ચારે તરફ ફરી વળી. કશું પરિચિત દેખાય છે ? પણ ઓળખાણનો અણસાર આપતી કોઈ ઝલક નજરે ન ચડી. હા, સામેની દીવાલ પર પિતા કેશવલાલની છબી દેખાણી જેના પર ઝાંખો પડી ગયેલો એક હાર લટકતો હતો. અર્થાત્‍ પિતા હવે નથી રહ્યા. અને મા ? સુકેતુના મનમાં પ્રશ્ન જાગ્યો, પણ પૂછવાની ઉતાવળ ન કરી.

સુકેતુ એક ખુરશી પર બેઠો. સુરેખા ચૂપચાપ ઊભી હતી.

‘આ… આ તીર્થા આપણી દીકરી ? આવડી મોટી.’

વાક્ય પૂરું થાય તે પહેલાં જ ‘ના. મારી દીકરી.’

‘મમ્મી, આ અંકલ કોણ છે ?’

‘બેટા, હું અંકલ નહીં. તારો પિતા છું.’ સુરેખા કોઈ જવાબ આપે તે પહેલાં પુરુષે મોકો ઝડપી લીધો.

તીર્થા અવાચક. આટલાં વરસે આ શબ્દ સાંભળવાની એની કોઈ તૈયારી નહોતી.

સુરેખા કશુંક બોલવા જતી હતી પણ શબ્દો ન મળ્યા.

‘બેટા, મારી પાસે આવીશ ? કેટલાં વરસો બાદ મારી દીકરીને જોઈ રહ્યો છું. છેલ્લે તને જોઈ ત્યારે તું ત્રણ વરસની ઢીંગલી હતી.’

સુકેતુએ હસવાનો પ્રયત્ન કરીને દીકરીને બોલાવી.

તીર્થા આગળ ન આવી.

‘તીર્થા, તારે કોલેજનું મોડું થશે. તું નીકળ.’

‘મમ્મી, તું કહે તો હું આજે ન જાઉં.’

કદાચ માને કોઈ સધિયારાની જરૂર હોય તો.

‘ના બેટા, તું તારે જા.’

‘મમ્મા શ્યોર ?’

જવું કે ન જવું ? તીર્થા એક અવઢવમાં હતી. માને પોતાની કોઈ જરૂર પડે તો ? હવે કંઈ પોતે નાની નથી. મમ્મીએ તેનાથી કશું છુપાવ્યું નથી. બારમા ધોરણની પરીક્ષા પૂરી થઈ ત્યારે એક દિવસ માએ તેને પાસે બેસાડીને ભીતરના સઘળા દરવાજા ખોલી નાખ્યા હતા. મા-દીકરી બંને તે દિવસે ધોધમાર વરસ્યાં હતાં. એ દિવસથી તીર્થા દીકરી મટીને માની અંતરંગ સખી બની ગઈ છે.

તીર્થાને અચકાતી જોઈ સુરેખાએ ફરીથી કહ્યું, ‘બેટા, તું તારે જા.’

અંતે માની સામે જોતી તે બહાર નીકળી. ‘મમ્મા, ટેક કેર.’

‘ઓ.કે. બેટા ચિંતા ન કરીશ.’

‘હું કંઈ અજાણ્યો નથી, તે તારી માની ચિંતા કરવી પડે.’

સુકેતુને આવું કંઈક બોલવું હતું, પણ બોલી ન શકાયું. મનમાં થયું,

લાગે છે જરાક હક્કથી જ વાત કરવી પડશે. નહીંતર…

‘સુરેખા, કુંજ આપણો દીકરો ક્યાં ? હવે તો એ પણ ખાસ્સો મોટો થઈ ગયો હશે. અને બા ક્યાં ?’

સુરેખાનું મૌન અકબંધ રહ્યું. કુંજ સ્કૂલમાંથી પ્રવાસે ગયો હતો અને સાસુ મંદિરે દર્શન કરવા ગયાં હતાં, હવે આવવાં જ જોઈએ એવું કશું બોલવાનું મન થયું.

‘તારો ગુસ્સો સમજી શકું છું. મને માફ નહીં કરે ?’ અવાજમાં શક્ય તેટલી મીઠાશ ઘોળાઈ.

સુરેખા ચૂપચાપ તેની સામે જોઈ રહી.

‘એક ગ્લાસ પાણીનું પણ નહીં પૂછે ?’

સુરેખાએ પાણીનો ગ્લાસ ધર્યો.

સુકેતુએ એકીસાથે પાણી ગટગટાવ્યું.

‘સુરેખા, ચૌદ ચૌદ વરસની રઝળપાટથી હવે હું થાકી ગયો છું. હવે શરીર પણ પહેલાં જેવું સાથ નથી આપતું. અને ગમે તેમ તોયે આ મારું ઘર છે. દુનિયાનો છેડો ઘર અમથું કહ્યું હશે ? આજે અહીં આવીને એવી શાંતિ લાગે છે, હાશ ! અંતે ઘર પામ્યો ખરો.’

આજે પૂરાં ચૌદ વરસ પછી ઘર યાદ આવ્યું ? શરીર સાથ નથી આપતું એટલે ? દસ ચોપડી ભણેલી, કોઈ ડિગ્રી વિનાની પત્ની, સાવ નાનકડાં બે સંતાનો, વૃદ્ધ મા-બાપ… ઘરમાં કોઈ બચત નહીં એવી નારી કેમ જીવશે ને બધાને કેમ જિવાડશે ? એવો કોઈ વિચાર સુદ્ધાં ન આવ્યો ? કદાચ આવેશમાં આવીને ચાલી ગયા તોપણ એક અઠવાડિયા, એકાદ મહિના અરે, એકાદ વરસમાં પણ કોઈ જવાબદારી યાદ ન આવી ? પતિની ગાળો કે કદીક પતિના હાથનો માર ખાધા પછી પણ હું એક ગામડાની છોકરી પતિ પરમેશ્વરના પાઠ ભણેલી, સામાન્ય મધ્યમ વર્ગની સ્ત્રી એક હરફ ન ઉચ્ચારતી. પતિના લાખ અન્યાય પછી પણ માથે પતિ નામનું છાપરું હોવાની એક સલામતીની ભાવના મનમાં ઊછરતી. કદાચ એને લીધે જ તમારા ગયા પછી પણ શરૂઆતનાં બે, ચાર વરસ મારી ભીતર એક શબરી શ્વસતી રહી હતી. દરેક ટકોરામાં તમે આવ્યાનો આભાસ થતો. રઘવાઈ બની હું બારણું ખોલતી પણ મારા વલોપાતને ચૌદચૌદ વરસ સુધી કોઈ હોંકારો ન મળ્યો.

રોજ રાતના સન્નાટામાં લાલ હિંગળોક બની ગયેલી મારી આંખોમાં સમંદર છલકતો. એની જાણ છે તમને ?

આજે તમને સામે ઊભેલા જોઈને મારી ભીતર કોઈ સ્પંદનો નથી જાગતાં. મનની ડાળે કોઈ ટહુકા નથી ફૂટી શકતા. સઘળી લાગણીઓ ઠીંગરાઈને વસૂકી ગઈ છે. કોઈ કાંકરીચાળો જંપેલા જળને ખળભળાવી નથી શકતો. આજે સુકેતુ મારા માટે એક અપરિચિત નામ બની ગયું છે. જેને મારું દિલ આવકારી નથી શકતું. ચૌદ ચૌદ વરસ સુધી એક સ્ત્રીએ પળેપળ કરેલા જીવનસંઘર્ષની તમને જાણ છે ખરી ? એકલે હાથે, વગર પૈસે, કોઈના ટેકા વિના આ જમાનામાં બાળકોને ઉછેરવાં એટલે શું ? એ તમને સમજાઈ શકે ખરું ? બાળકો કંઈ મારી એકલીનાં તો નહોતાં ને ?

તમારા પિતાના સ્વભાવની તમને ખબર હતી. એમને વરસો સુધી મેં કેવી રીતે પાલવ્યા છે એનો અંદાજ આવી શકે ખરો તમને ? બાને તો હંમેશાં મૌન ઓઢીને જ બેસવાનું આવ્યું હતું. એની તો તમને ચોક્કસ ખબર છે. બાર વરસની ઉંમરે પરણીને આવ્યાં તે ઘડીથી બિચારાં કદી બોલવા જ ક્યાં પામ્યાં હતાં ?

સમાજના જાતજાતના સવાલોનો સામનો કરવો એટલે શું ? એ તમે જાણી શકો ? જીવનન સંઘર્ષનો સામનો કરવાને બદલે કાયર બની તમે તો ભાગી છૂટ્યા પણ હું કેમ ભાગું ? ક્યાં ભાગું ? અબળા ખરી ને ! ભાગવાની હિંમત ક્યાંથી લાવું ? પણ સુકેતુ, તમને ખબર છે? સંજોગોની ખરલમાં ટિચાઈ-ટિચાઈને એક અબળા આજે સબળા બની ચૂકી છે. એની ભીતરની સ્ત્રી કદાચ જાગી ચૂકી છે.

બાકી વનવાસ હંમેશાં રામનો પૂરો થાય છે, સીતાનો વનવાસ તો મહેલમાં કે જંગલમાં અવિરત ચાલુ. એની અગ્નિપરીક્ષા તો પળપળની…

તમે પુરુષ છો, મન ફાવે ત્યારે જઈ શકો અને કશું જ ન બન્યું હોય એમ વીતી ગયેલાં વરસોને ખંખેરીને પાછા આવી શકો. પોતીકા ઘરનો દાવો હક્કથી કરી શકો પણ મને પૂરી પ્રામાણિકતાથી જવાબ આપો. તમારે બદલે હું ભાગીને વરસો બાદ પાછી આવી હોત તો ? સ્વીકારી શકત મને ? ભૂલ થઈ ગઈ એમ કહી દેવાથી તમે બધું ભૂલી જાત ?

કેટકેટલું કહેવાનું હતું સુરેખાને ! હૈયું તો જોરજોરથી ચીખી રહ્યું હતું, પણ આજ સુધી નથી બોલી. આજેય ન જ બોલાયું. આમ પણ શો અર્થ હતો હવે એ બધાનો ? રડી-રડીને થાકીને અંતે એક અસ્તિત્વને હંમેશ માટે આંસુના પીડાના સમંદરમાં ધરબી દઈને જીવવા જિવાડવાનો સંઘર્ષ આદર્યો હતો.

આજે વરસો બાદ સુકેતુને જોતાં ભીતરમાં દફનાવી દીધેલી અતીતની વેદનાનો ઓથાર ઊમટી આવ્યો.

બહાર આકાશમાં જાણે તાંડવ ચાલી રહ્યું હોય એમ વરસ્યા વિનાનાં વાદળો જોરશોરથી ગરજી રહ્યાં હતાં.

ઘરમાં પતિ, પત્ની અને સન્નાટો… થોડી મૌન પળો, અને…

સુરેખા ધીમે પગલે અંદર ગઈ.

સુકેતુ અકળાયો. તેને તો હતું કે પોતાને જોતાં જ પત્ની વળગીને રડી પડશે. થોડી ઘણી ફરિયાદ કરશે. પોતાની ચિંતા કરતા પ્રશ્નો પૂછશે. એને બદલે અહીં તો બધી કલ્પનાઓ… સઘળી ગણતરીઓ ખોટી પડતી જણાઈ.

હવે શું કરવું તે સમજાયું નહીં. પોતે તેની પાછળ જાય કે નહીં ? જવું જ જોઈએ. કેમ ન જઈ શકે ? આખરે આ ઘર તેનું પોતાનું હતું. તે આ ઘરનો માલિક હતો. હા, વચ્ચે થોડાં વરસો તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો પણ એથી કંઈ તે આ ઘરનો મટી થોડો ગયો હતો ? પુરુષનો અહમ્‍ ઘવાયો.

સો વાતની એક વાત, બહુ રઝળપાટ કરી હવે પોતે ઘર નહીં છોડે. એમાં કોઈના વાંધાવચકા નહીં ચાલે. અરે, આવો વિચાર કરવાની જરૂર જ ક્યાં છે ? પોતાનું ઘર છે, પોતાનો હક્ક છે. એમાં વળી વિરોધની વાત જ ક્યાં આવી ? સુકેતુ મનોમન પોતાનો હક્ક સિદ્ધ કરવા મથી રહ્યો.

જોકે આમ તો કોઈ મોટો પ્રશ્ન નથી. સુરેખા પહેલેથી પતિપરાયણ સ્ત્રી રહી છે. પતિ પરમેશ્વરમાં માનનારી સ્ત્રી વિરોધ થોડો કરવાની ? લગ્નનાં સાત વરસમાં કદી કોઈ વાતે વિરોધ કર્યો હતો ?

હા, પત્ની રિસાઈ છે. થોડોક ભાવ ખાશે, મનાવી લેવાશે એ તો. એમાં વળી વાર કેટલી ? બહુ થશે તો જરીક ચમત્કાર બતાવવો પડશે.

અને હા, મા દેખાતી નથી. મંદિર ગઈ હશે ? મા તો પોતાને જોઈને રીતસર રડી જ પડવાની. ‘ભાઈ આવી ગયો ? ક્યાં ચાલ્યો ગયો હતો અમને મૂકીને ?’ સાડલાથી આંસુ લૂછતી જશે ને બોલતી જશે.

કદાચ થોડું ખિજાય પણ ખરી. જોકે ખિજાવાની આદત બાપુજીએ પડવા જ ક્યાં દીધી હતી ? ધોકે નાર પાંસરી એવું કંઈક બાપુજી બોલતા રહેતા.

પણ બાએ ક્યારેય સામો જવાબ નથી વાળ્યો. એ બધું પોતે નાનપણથી નજરે જોતો જ આવ્યો હતો ને ? ત્યારે નહોતી બોલતી એ આજે આ ઉંમરે શું બોલવાની હતી ? બા આવશે એટલે સુરેખા પણ એની જાતે ઠેકાણે આવી જશે… આ તો બોલતો નથી ત્યાં સુધી. લાગે છે ફૂંફાડો તો રાખવો જ પડશે. બૈરાને બહુ માથે ન ચડાવાય. બાપુજી બરાબર જ કહેતા હતા. બાએ કદી બાપુજી સામે ચૂં કે ચાં કર્યું હતું ?

થોડી વારે સુકેતુની ધીરજ ખૂટી. તે ઊભો થયો.

અંદરના રૂમમાં ગયો. સુરેખા મશીન પર કંઈક સીવતી હતી. સંચો કંઈક વધારે પડતા જોશથી જ ચાલી રહ્યો હતો.

સુકેતુ જોઈ રહ્યો. સંચાની ઘરઘરાટી અવિરત ચાલુ રહી.

સુકેતુને જોઈ સુરેખાના પગ સંચા ઉપર વધારે જોશથી દબાયા.

‘સુરેખા, બા ક્યાં ?’

‘મંદિરે ગયાં છે. થોડી વારમાં આવવા જોઈએ.’

સુકેતુના મનમાં એક હાશકારો થયો. બસ બા આવે એટલી વાર છે. બધું બરાબર થઈ જશે.

‘સુરેખા, કેમ કંઈ બોલતી નથી.’

‘બોલવાની ટેવ નથીને એટલે.’

‘અરે, આટલાં વરસો પછી ઘેર આવ્યો છું. મને જોઈને તું ખુશ નથી થઈ ? પૂછ તો ખરી કે મેં આટલાં વરસો કેમ કાઢ્યાં ? ક્યાં કાઢ્યાં ?’

પણ મૌન અકબંધ રહ્યું.

‘મારાથી નારાજ થઈ છો ? મારી ભૂલ હતી. એક વાર કહ્યું તો ખરું. કહે તો લેખિતમાં આપું કે પગે પડીને માફી માગું.’

‘મારે આજે આ કપડાં સીવીને આપી દેવાનાં છે. આ મહિને તીર્થાની કોલેજની ફી ભરવાની છે.’

ત્યાંથી ચાલ્યા જવાનો, ડિસ્ટર્બ નહીં કરવાનો સ્પષ્ટ નિર્દેશ જોઈ શકાયો.

સુકેતુ પગ પછાડતો પાછો બહારના રૂમમાં આવી ગયો. ટિપોય પર પડેલું છાપું ઉપાડ્યું. પાનાં ઉથલાવ્યાં.

ટી.વી. પર નજર જતાં ટીવી ચાલુ કર્યું. નવું લીધું લાગે છે. મનમાં વિચાર ઝબકી ગયો. સુરેખા કપડાં સીવીને સારું કમાઈ લેતી લાગે છે. પોતાને કામ નહીં મળે તોપણ ચાલશે. બહુ રઝળપાટ કરી લીધી. તન ઉપર ભગવાં કપડાં પણ પહેરી જોયાં પણ મન ઉપર ભગવો રંગ ચડ્યો નહીં.

ટી.વી.ની ચેનલોની સાથે મનમાં વિચારોની ચેનલો આડેધડ ફરતી રહી. અચાનક ખ્યાલ આવ્યો. ભૂખ લાગી હતી. સુરેખાએ ચાનું પણ નથી પૂછયું. ખેર હમણાં બા આવે એટલી વાર. નહીં કરે તો ક્યાં જશે ? સમજે છે શું એના મનમાં ? બૈરાની જાતને ચડી બેસતાં વાર નહીં. એક વાર બધું બરાબર થઈ જાય પછી…

મનમાં ઘોડા ઘડતો બેઠો હતો ત્યાં…

બા અંદર આવી.

‘સુરેખા, આ શાકની થેલી લો ને બેટા.’

સુરેખા આવે એ પહેલાં સુકેતુએ દોડીને માના હાથમાંથી થેલી લીધી. માને પગે લાગ્યો.

મા જોઈ જ રહી. જલદીથી ઓળખાણ ન પડી.

‘બા, હું સુકેતુ તારો દીકરો. દીકરાનેયે ભૂલી ગઈ ?’

મા સ્તબ્ધ ! બે-પાંચ પળો એમ જ ચિત્રવત્‍ ઊભી રહી ગઈ.

માની આંખો જરીક ભીની બની કે પછી ફક્ત એક ભ્રમ ?

આજે અચાનક ફિનિક્સ પંખી રાખમાંથી આળસ મરડીને બેઠું થયું હતું. અતીતનો એક આખો ટુકડો સજીવન થઈને ઘરમાં દોડી આવ્યો હતો, પણ…

‘બા હવે હું હંમેશાં તારી સાથે રહેવાનો છું. તમને બધાને છોડીને જવાની ભૂલ કરી હતી. પણ બા સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો…’

વાક્ય અધૂરું જ રહ્યું કે રખાયું…

મા દીકરાની સામે જોઈ રહી. એની આંખો વાંચવાનો પ્રયત્ન કરી રહી કે શું ?

હાશ ! મા નથી બદલાઈ. હવે બાજી આપણા હાથમાં, પત્ની નહીં સમજે ને જશે ક્યાં ?

‘બેસ બેટા હું આવું.’

મા ધીમા પગલે અંદર ગઈ. અંદર જઈને બારણાં બંધ કર્યા. સુકેતુ નવાઈથી જોઈ રહ્યો. હવે મા થોડીક નહીં આખ્ખેઆખી બદલાયેલી કેમ લાગી ?

અંદર સુરેખા સાથે ક્યાંય સુધી કંઈક ગુસપુસ ચાલતી હોય એવું લાગ્યું. સુકેતુને કંઈ સમજાયું નહીં. દીકરા પાસે બેસવાને બદલે અંદર વહુ સાથે વળી શી વાત કરતી હશે ? અને તે પણ બંધ બારણે ?

થોડી વારે મા બહાર આવી.

ઘરમાં અને બહાર આકાશમાં મેઘો જોરશોરથી ગરજી રહ્યા, પણ…

થોડી વારે વાદળોના સકંજામાંથી છૂટેલા સૂરજદાદાએ એક નવાઈભર્યું દ્રશ્ય જોયું.

સુકેતુ ફરી એક વાર ઘરની બહાર જઈ રહ્યો હતો. ચૌદ વરસો પહેલાં તેણે ઘર છોડ્યું હતું. આજે ચૌદ વરસો બાદ ઘરે તેને છોડ્યો હતો. આજે કદાચ પહેલી વાર એક બુઢ્ઢી મા કે અબળા નારી નહીં, એક દીકરો, એક પુરુષ, એક પતિ ઘરની બહાર જઈ રહ્યો હતો.

પુરુષે એક વાર પાછળ ફરીને જોયું. માએ કોરીકટ્ટ આંખે હળવેકથી બારણું બંધ કર્યું. મક્કમ પગલે અંદર ગઈ. સુરેખા ખુલ્લી બારી પાસે ઊભી હતી. પગરવ સાંભળી તે પાછળ ફરી. સાસુ સામે જોયું. ધીમે રહીને બારી બંધ કરી.

અને પછી સાસુ-વહુ; ના ના બે સ્ત્રીઓ એકમેકને વળગીને ફરી એક વાર કદાચ પહેલી અને છેલ્લી વાર પીડાનો દરિયો વહાવી રહી.

છબીમાં સમાઈ ગયેલા કેશવલાલની આંખો આશ્ચર્ય અને આઘાતથી એવી તો પહોળી બની હતી કે…


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સુખનો પતંગ… સંજોગોનું આકાશ – દિનેશ પાંચાલ
બે બાળગીતો – વસુધા મ. ઈનામદાર Next »   

16 પ્રતિભાવો : ફરી એક વાર – નીલમ દોશી

 1. Hitesh Patel says:

  Heart touching Emotional Story Very Fine

 2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નીલમબેન,
  બહુ સુંદર અને સંવેદનશીલ કથા આપી. આવા કાયર પતિ માટે પત્ની તથા માતાએ લીધેલો નિર્ણય એકદમ વ્યાજબી જ ગણાય. … સંવાદો ખૂબ જ જીવંત રહ્યા. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 3. સંગીતા ચાવડા says:

  સમય આવ્યે નારી બધું જ કરી શકે છે પરંતુ પોતાના પતિ ની વાત હોય તો તે નબળી પડે છે કોરી ધાકોર આંખે સાસુ-વહુ મળીને એક કાયર પુરુષ જે પોતાનો પતિ અને પુત્ર છે તેને ઘર ની બહાર નીકળવા મજબૂર કરે તે વિચાર આપણા સમાજમાં ક્રાંતિ કારી છે આખો ઘટનાક્રમ જીવંત રહ્યો આભાર નીલમબહેન

 4. વાર્તાનો અન્ત કોઇપણ ઘટનાથી સમાપન થઇ શકે તેવિ રહ્સ્યમય સુન્દર સરળ વાર્તા. સુકેતુના, પલાયનવાદ અને બિનજવાબદાર વર્તન સામે, માતા અને પત્નિના સહિયારા નિર્ણયનુ પલ્લુ જ નમતુ રહેવાનુ.

 5. વૉતા નો અંત બહુ સરસ ..amazing story of amazing ladies

 6. Kishor Prajapati says:

  saras story chhe. amuk manas naffat hoy chhe. samajava jevi vat chhe.

 7. Bharati Khatri says:

  Very nice story

 8. કાયર પતિ… મિત્રો, મેં મારી બીજી શોર્ટ સ્ટોરી મારા બ્લોગ પર પોસ્ટ કરી છે. આપ સહુને મારી વિનંતિ કે આપ વાંચશો. મારો બ્લોગ છે http://www.ultimateattempts.blogspot.com

 9. gopal khetani says:

  શ્રી કાલિદાસ ભાઇ એ જણાવ્યુ તેમ સંવાદો એકદમ જીવંત લાગ્યા. બહુ જ સંવેદનશિલ વાર્તા.

 10. Arvind Patel says:

  જવાબદારી એ સંસારનું અગત્યનું સુત્ર છે. જે પુરુષ પોતાના ઘરનો મોભ હોય અને જવાબદારીમાં થી છટકી જઈ પોતાની પત્ની અને બાળકોને નોધારા છોડી જઈ શકે, તેવા પતિની કઈ પત્ની કદર કરે !!! આવો પુરુષ. એ પુરુષ કહેવાને પણ લાયક નથી.

 11. Amee says:

  This is one of reason why I like you. In your writing most of the time you don’t let down/Bow down WOMAM. Really nice one.

 12. Rajni Gohil says:

  સુંદર મઝાનો બોધપાઠ આપતી વાર્તા બદલ નીલમબેનને અભિનંદન.

 13. Rekha Shukla says:

  ‘વાદળોના સકંજામાંથી છૂટેલા સૂરજદાદાએ એક નવાઈભર્યું દ્રશ્ય જોયું.’ખૂબ સુંદ ભાવના થી ભરચક વારતા ને સ્ત્રીદાક્ષિણ્ય નો બોધપાઠ આપતી વાત ઃ)

 14. વાહ ખુબ સરસ

 15. Bipin Parmar says:

  વાહ … ફરી એક વાર …
  નિલમ જી આઈ લવ યૂ .

 16. SHARAD says:

  સરસ આલેખન અને સ્ત્રેી શક્તિનો પરિચય

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.