બે બાળગીતો – વસુધા મ. ઈનામદાર

૧. તોફાની ટામેટું

એક હતું ટામેટું
ગોળ મટોળ ટામેટું

લાલમ લાલ ટામેટું
માથે એને લીલું ટોપું

એ તો ટનટનાટન ટામેટું
એ તો ટમટમાટમ ટામેટું

આમ દોડે, તેમ દોડે
એમ કરતાં, સહુને નડે

અમથું કોઈને અડે ને લઢે
અમથું સહુના અડફેટે ચઢે

એ તો કોઈના કીધે રોકાય નહીં,
વળી કોઈથી એને ટોકાય નહીં

એ તો લટક મટક કરતું’તું
ને પાછું મરક મરક કરતું’તું!

એ તો ટનટનાટન ટામેટું
એ તો ટમટમાટમ ટામેટું

ટામેટાને સામે મળ્યું લીંબુ
એ કહે, ઓ લીંબુ, તને ઢીબુ?

લીંબું બોલ્યું બેસ તું છાનુંમાનું
ટામેટું, તું ક્યાં મને ભટકાણું?

ટામેટાં તું ભાગ છાનું માનું,
કે પછી ડાબા હાથની તાણું

ટામેટું તો પછી દોડતું જાય
દોડતા દોડતા બોલતું જાય

જાને હવે લીંબુ, તું તો પીળું પચ!
ને વળી તું તો ખાટું ખાટું મચ!

ઓ, ટમેટા બંધ કરને લવારો,
તારે મારે ના હોય ભાઈચારો

અરે લીંબુ, તું કેમ કરે ખટપટ
મને જાવા દે તું હવે ઝટપટ

ટામેટા, સાંભળ મારી વાત
ના કર, તું કોઈની પણ પંચાત

ટામેતું તો સરસર સરકતું જાય
દડબડ, દડબડ કરી દોડતું જાય

એ તો ટનટનાટન ટામેટું
દોડે ટમટમાટમ ટામેટું

આમ દોડે, તેમ દોડે
એમ કરતાં, સહુને નડે

આને લઢતું તેને વઢતું
અમથાં અમથાં ઝગડા કરતું

એને સામે મળ્યો વટાણો,
કહે ટામેટું, તું તો નાનો દાણો

વટાણો કહે, ભલે હું નાનો દાણો
પણ હું તારાથી છું, કેવો શાણો!

હવે જાને છાનો માનો
ખસ, તું તો નાનો દાણો

લટકાળું ટામેટું બોલતું જાય
મરક મરકે તો કરતું જાય

એ તો ટનટનાટન ટામેટું
એ તો ટમટમાટમ ટામેટું

ટામેટાને સામે મળ્યું મરચું
મરચું કહે, દોડના તું ટામેટું

હવે જાને તીખું મરચું,
તારાથી વળી કોણ ડરતું!

મારું નામ છે મરચું
અડું જેને તેને હું ચચરું

અડું જો આંખની અંદર
છલકાવું એમાં સમુંદર

હું જેને કોઈને અડું
એનું હું કામ બગાડું

જોવો છે મારો ચમત્કાર
કરીશ તું મને નમસ્કાર!

ટામેટું ભાગતું જાય
આમ તેમ સંતાતું જાય

દોડતા દોડતા ગબડતું જાય
ગબડતાં ગબડતાં બેથું થાય!

એ તો ટનટનાટન ટામેટું
દોડે ટમટમાટમ ટામેટું

ટામેટાને સામે મળી કાકડી,
કહે ટામેટું, તું તો ચાલી ફાંકડી

ચાલ તારું મારું કરું કચુંબર
ના જોઈએ લીંબુ કે મરચું અંદર.

કાકડી તો હસી પડી
હસી હસી ને ઢળી પડી

કેમ કાકડી, તું આડી પડી
દઉં કે તને હું બેસાડી?

લટકાળ ટામેટું ચાલ્યું જાય,
હસતું રમતું ગબડતું જાય

એ તો ટનટનાટન ટામેટું
દોડે ટમટમાટમ ટામેટું

ટામેટાને સામે મળી કોથમીર
તે બોલી ક્યાં જાવ મારા વીર

તું તો મને વહાલી ઓ કોથમીર,
તું તો ડાહી અને છે ગંભીર

કોઈને તું વઢે નહીં
કોઈને તું લઢે નહીં

ઓ કોથમીરની જૂડી,
દઉં કે તને હું બેસાડી?

આવીશ તને મળવા હું દોડી,
જા, પડતી ના હવે તું મોડી.

તારી મારી જોડી
કોઈના શકે તોડી

ટામેટું તો આખે આખું લાલ હતું
ને માથે એને લીલું ટોપું હતું !

એ તો ટનટનાટન ટામેટું
એ તો ટમટમાટમ ટામેટું

ટામેટું તો દોડમ દોડી કરતું જાય,
હસ્તુ હસતું વળી ગાતું જાય

હું તો રમતું ભમતું
સહુને ગમતું ટામેટું

ટામેટાને મળ્યું મોટું બટાકું,
બોલ્યું ટામેટા, તું મને ના ગમતું

બંધ કર તારી દોડાદોડી
સૂઈ જા, હવે રજાઈ ઓઢી,

જાને બટાકા, તું તો પડ, પછી મને અડ
હું હસું ખડખડ, ને તું ગબડે દડબડ

બટાકાને ચઢી રીસ, ટામેટા હું તને દેખાડીશ
જો તારા પર હું પડીશ, તો તારો ભુક્કો કરીશ.

જાને જાડું પાડું બટાકું
તને હું કોથળામાં નાંખું?

સાંભળ ટામેટા કહું છું, સાચે સાચું
ખાઈશ અત્ને હું કાચેકાચું

ટામેટું તો એવું ગભરાણું,
ડુંગળી પાછળ જઈ સંતાણું

બટાકું તો એવું હસી પડ્યું
ટામેટું તો કેવું ગબડી પડ્યું,

ગબડતાં ગબડતાં રડ્યું,
ને ગાઢ નિંદ્રામાં ઢળ્યું!

ટામેટું તો બહું ડાહ્યું,
રાત પડી ને સૂઈ ગયું.

૨. બેટી એ તો બેટી

પશું પંખી ને પવન ફુલની
કહું તમને વાર્તા મજાની

તળાવ કાંથે, તેઓ સહુ
હળી મળીને રહેતાં બહુ

ભૂરીયાં તળાવનાં મીઠા પાણી
હંસ – હંસી ત્યાંના રાજા રાણી

એમેને ત્યાં આવી દીકરી મજાની
સુંદર એવી જાણે પરીઓના દેશની!

ફુલ, પંખીને પવન પતંગિયા,
એમના ઘરમાં કરતાં ડોકિયાં

આમથી તેમથીતેઓ આવતા જાય,
બારણે ટકોરા એ ઓ મારતાં જાય

હંસ – હંસલી બારણું ખોલો
તમારે ત્યાં કોણ આવ્યું છે બોલો

હસીને હંસી બારણું ખોલે
વળી મલકાતી મલકાતી બોલે

અમારે ત્યાં આવી દીકરી મજાની,
મારી વાત રાખો જરા છાની.

બેબી મારી હજી છે બહુ નાની
નિરાંતે સૂતી છે, કેવી મજાની

બેબીને પગ છે, પણ ચાલે નહીં
બેબીને મોઢું છે પણ બોલે નહીં

આંખો છે પણ ઝાઝી ખોલે નહીં,
પાંખો છે, પણ બેબી મારી ઊડે નહીં

બેબી મારી નાની
વાત, રાખો છાની,

ફરતો, ભમતો પવન આવ્યો,
હસ્તો રમતો એ તો બોલ્યો

કહું હું તમને ખાનગી વાત
ખાનગી વાત, સાંભળે સહુ સાથ!

પશુ- પંખીને ફુલની એ જાત
કોઈના રાખે, છાની એ વાત.

હંસી રાણી, હંસી રાણી
ચિંતા તમારે નહીં કરવાની

ભલે, બેબી તમારી હજી છે નાની
જોવા દો ને, એ છે કેવી મજાની!

પવન પાંખે દીકરી તમારી બેસવાની
પથારી, એની ફુલોની હવે કરવાની

ઊડતું – ભમતું પતંગિયું બોલ્યું
ફુલે ફુલે બેસીને, એ તો ડોલ્યુ!

રમતી ભમતી આંખો પટપટાવતી
દોડી આવી, ખિસકોલી સરરર કરતી!

હંસી બેની, ચિંતા તારે નહીં કરવાની
હું ખિસકોલી, લાવીશ એના દાણા પાણી

હવે, વાત ના રાખો તમે છાની
સહુને, એની હવે જાણ કરવાની

કલબલ કરતી કાબર બોલી,
ઓ હંસી રાણી, તું મને વહાલી!

દીકરી તારી કાલે મોટી થાશે
મારી સાથે કલબલ કરી, ચણશે

મારી વાત માનવી પડશે,
બોલો વાત કેમની છાની રહેશે?

હસતી રડતી રમતી ને જમતી
હવે, દીકરી એમની મોટી થાતી

એક દિવસની આ વાત
હંસી રાણીને, થઈ પંચાત

તે આમ તેમ ફરતી જાય
ને, ચિંતા કરતી બોલતી જાય

બેબી ને હંસી, સંતાકૂકડી રમે
હંસલીને એની દીકરી બહુ ગમે

મમ્મા, હંસલી રડતી જાય
બેબી હંસીને શોધતી જાય

શોધતાં શોધતાં બોલતી જાય
બોલતાં બોલતાં શોધતી જાય

ઓ, વહાલી તું ક્યાં સંતાય
મારી આંખે, તો આંસુ ન માય

બેબી હંસી તો આવી દોડી
મમ્મીને તો તે વળગી પડી

મમ્મી ડરતી ના તું ગભરાતી ના તું
ખાલી ખોટું ખોટું, રડતી ના તું

મને પગ આવ્યાં, અને મારી પાંખો ખૂલી
આંખો પણ મેં ખોલી, જોને હવે હું કેવી બોલી?

હું તો હવે મોટી થઈ
મિત્રોને, હું મળવા ગઈ

પવન સાથે ફરવા ગઈ
પતંગિયા સાથે ઊડવા ગઈ

તળાવે તો તરવા ગઈ
કાબર જોડે ગાવા ગઈ

ખિસકોલી સાથે ખાવા ગઈ
તું તો અમથી ગભરાઈ ગઈ,

થાકીને હું ઘરે આવવાની
તારા ખોળામાં સૂઈ જવાની

મને ઝટ, તારા ખોળામાં દે સંતાડી
તું તો એ મારી વહાલુડી માવડી

મા હું તારી બેટી
હવે થઈ છું મોટી

ચિંતા ના કર તું ખોટી
બેટી એ તો બેટી!

– વસુધા મ. ઈનામદાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.