ટુ સ્ટેટ્‍સ – રેખાબા સરવૈયા

ખોબામાં દરિયો(‘ખોબામાં દરિયો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

જીવનના આઠમા દસકમાં પહોંચેલા બાપુજી માટે દિગંત કાયમ ન સમજાયેલો પ્રશ્ન જ રહ્યો છે. એક અણઉકેલ કોયડો… જાણે…!!!

બાપુજી પ્રખર પંડિત, વેદ-ઉપનિષદના અભ્યાસુ અને પાક્કા કર્મકાંડી ! સુખદુઃખ, પાપ-પુણ્યના ચોખઠામાં જીવતર આખું પૂરું કરી દેનાર એક ધર્મભીરુ પુરુષ… – આવી કંઈક છાપ બાપુજી વિશેની સૌની સાથે – દિગંતની પણ હતી. એવા ચુસ્ત નિયમોના દાયરામાં જીવતા બાપુજીને પોતાની જીવનશૈલી કદીય ગમી નથી. એ તો દિગંતે બહુ પહેલાં જ સમજી લીધું હતું.

કૉલેજકાળથી જ દિગંત મુક્ત પંખીની જેમ જીવતો આવ્યો હતો. એનો ખાસમખાસ દોસ્ત સમાજની તદ્દન નિમ્નસ્તરીય જ્ઞાતિમાંથી આવતો હતો. દિગંતને એના ખભે ધબ્બો મારીને વાત કરતો જોતાં જ બાપુજી ભવાં ચડાવીને ‘શિવ… શિવ…’ કરીને આઘાપાછા થઈ જતા, એની સાથેની ગાઢ મિત્રતા એક જ કંઈ દિગંત માટેના અણગમાનું કારણ નહોતું. બાપુજી બહુ માફકસર જીવવામાં માનતા અને આપણા આ ભાઈ… મન મૂકીને જીવવામાં માનતા !

ખાદીના ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખીને રૂપિયા બારા કાઢે અને મદદ લેનારને હાથમાં પકડાવીને તાકીદ કરે… ઐ… આઘો જઈને ગણજે… મારે યાદ રાખવી નથી આ વાત.

મિત્રો માટે થઈને અર્ધી રાતે હાલી નીકળનાર દિગંતનું બૅંકમાં એકાઉન્ટ પણ નહોતું ! બાપુજી તો ગણતરીનું માણસ… દિગંત ગણતરીના ત્રાજવાને ફગાવીને જીવનારો…!

ઑફિસની સ્ત્રીઓ સાથે પણ ગાઢ ધરોબો એનો… કોઈને કંઈ મદદ જોઈતી હોય તો તરત દિગંતને યાદ કરે… બાપુજીને મન આ લક્ષણો તો ચારિત્ર્યહીનતાનાં ગણાય !!!

સગાંવહાલાંઓનાં સ્વાર્થીપણાને સહન ન કરી શકવાથી મોઢામોઢ ગમે તેને ગમે તે કહી દેનારો દિગંત આખાબોલો અને કડવી જીભનો પણ કહેવાતો… એ વાતે પણ બાપુજીને દીકરા હારે વાંકું પડતું… પણ બાપુજી કહે એવી મીઠી જીભ દિગંત મરીને પાછો આવે તો ય ન રાખી શકે. આવા-આવા તો કંઈ કેટલાય મતભેદો બેઉ બાપ-દીકરા વચ્ચે ઝૂલતા રહેતા…!!

એમાં વળી બાપુજીએ જ્યારે જાણ્યું કે પોતાનો દીકરો નિયમિતપણે શહેરની બદનામ ગલીઓમાં રાતોની રાતો ગાળતો હતો… કે બસ… પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો એ મહાત્માનો…! જુવાન દીકરાને લાકડી વડે સબોડી નાખીને ઘરની બહાર કાઢી મૂકતાં એમનું રૂવાડું પણ અવળું ન થયું…

દર્દથી કરાહી ઊઠેલો દિગંત લથડાતી ચાલે ફરીથી એ ગુમનામ ગલીઓમાં ગુમ થઈ ગયો…

ગંધાતા માહોલમાં એના ઘાવ ઉપર ગરમ હળદર લગાવી રહેલી યુવતીની આંખો વહી રહી હતી. એના ગળામાંથી ત્રૂટક-ત્રૂટક શબ્દો નીકળતા હતા…

‘મન તો એવું થાય છે કે દોડીને જઈને બાપુજીને કહી દઉ કે તમારો એ દીકરો ભલે આ બદનામ માહોલમાં નિયમિત આવતો હોય પણ આજ લગી એણે કોઈ પણ સ્ત્રીનું શરીર નથી અભ…’ – વાક્ય હવામાં જ લટકી ગયું. વચ્ચેથી જ દિગંતના મોંમાંથી પીડાનો તીણો ઊંહકારો નીકળી ગયો…

– ‘ઓહ… ચલ એ બધું છોડ… એક ગીત મીઠું દર્દીલું ગાઈ દે…’

યુવતીની પાણીદાર આંખોમાં ઝિલાતા દિગંતના પ્રતિબિંબનું સ્ટેટ્‍સ શું ગણવું ???

[કુલ પાન ૧૩૬. કિંમત રૂ. ૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ટુ સ્ટેટ્‍સ – રેખાબા સરવૈયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.