મારી સિનેમાની સફર : કમલ સ્વરૂપ – નિલય ભાવસાર

(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી નિલય ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.)

[ભારતીય સિનેમામાં એબ્સર્ડ શૈલીની તદ્દન અલગ જ પ્રકારની “ઓમ દર-બ-દર” (૧૯૮૮) નામની કૃતિની રચના કરનાર લેખક અને દિગ્દર્શક કમલ સ્વરૂપની સિનેમાની સફર પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં]

હું રાજસ્થાનના અજમેર શહેરનો વતની છું. મને બાળપણથી જ સાહિત્યમાં રુચિ હતી, અજમેરમાં રહેતો હતો ત્યારે ફિલ્મો જોતો હતો પરંતુ હું ક્યારેય ફિલ્મના માધ્યમ થકી પ્રભાવિત નહોતો થયો. તે સમયમાં ધર્મયુગ અને માધુરી સામયિકમાં ફિલ્મોના વિષયને લઈને એક નવા પ્રકારના લેખનકાર્યનો આરંભ થયો હતો. જેમાં ‘ઉસકી રોટી’, ‘બદનામ બસ્તી’ અને ‘માયા દર્પણ’ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. મણી કૌલ, કુમાર સહાની, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટર્જી, મૃણાલ સેન જેવા દિગ્દર્શકો વિષે તે સામયિકોમાં પુષ્કળ લખાતું હતું. આ તમામ દિગ્દર્શકોની કોઈ ચોક્કસ સાહિત્ય કૃતિ પર આધારિત હતી અને મેં લગભગ તમામ કૃતિઓ વાંચી લીધી હતી. હું એવી ફિલ્મોની શોધમાં રહેતો હતો કે જે કોઈ સાહિત્યકૃતિ પર આધારિત હોય અને આ સમયગાળામાં સિનેમામાં સાહિત્યનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. જ્યારે ‘તીસરી કલમ’ આવી ત્યારે મેં ફણીશ્વરનાથ રેણુની ‘મારે ગએ ગુલફામ’ વાર્તા વાંચી લીધી હતી. કુશવાહા કાંતની ‘લાલ રેખા’ આધારિત દિલીપ કુમારની ‘શહીદ’ ફિલ્મ બની હતી. તે સમયમાં હું પલ્પ સાહિત્ય પણ વાંચતો હતો અને તે પ્રકારના સાહિત્ય આધારિત પણ ફિલ્મો આકાર પામી છે. સામયિક અને પત્રિકાઓમાં આ પ્રકારના દિગ્દર્શકો વિષે વાંચીને મને પ્રેરણા મળી કે હું પણ આ લોકો પૈકીનો જ એક છું અને તેઓની વચ્ચે સ્થાન પ્રાપ્ત કરવા માટે સક્ષમ છું.

પ્રથમ હું સાહિત્યના ક્ષેત્રમાં જવા માંગતો હતો અને સતત લખવાના પ્રયાસ કરતો રહેતો હતો પરંતુ લેખનકાર્યમાં મારે એક સમસ્યા હતી. હું મૂળ કાશ્મીરનો છું. કાશ્મીર છોડી અને રાજસ્થાનમાં આવ્યો એટલે ત્યાંની ભાષા સાથેનો મારો સંપર્ક તૂટી ગયો. મને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે હું સાહિત્યકાર નહિ બની શકું. કારણ કે સાહિત્યની પોતાની એક સીમા હોય છે જેમાં પ્રવેશ કરવો સરળ નથી અને બીજું કે શાળામાં મારો મુખ્ય વિષય વિજ્ઞાન હતો. હું વિચારતો હતો કે જો વિજ્ઞાનના વિષય સાથે મનોહર શ્યામ જોશી લેખક બની શકે છે તો હું કેમ નહિ? મને બાળપણથી જ વાંચવાનો ભારે શોખ હતો અને મેં સ્કૂલના વર્ષોમાં જ સમગ્ર ભારતીય સાહિત્ય વાંચી લીધું હતું. મારા પિતા અરબી અને સંસ્કૃત વિષયના શિક્ષક હતા. અમારા ઘરમાં સાહિત્યિક વાતાવરણ હતું અને પુષ્કળ પુસ્તકો હતા. મારી પાસે પર્યાપ્ત સમય નહોતો કે હું હિન્દી સાહિત્યમાં એમએનું શિક્ષણ પ્રાપ્ત કરી શકું. હું તો હજુ પણ ભાષામાં નબળો છું. તે સમયમાં હું વાંચતો હતો, કલ્પના કરતો હતો અને અનુભવના ધુમ્મસોનું વાદળ મારા સમગ્ર ચિત્ત પર છવાઈ જતું હતું પરંતુ હું તે તમામ ભાવનાઓને શબ્દોમાં આકાર આપી શકતો નહોતો. મારી પાસે માત્ર કલ્પનાઓને જ સ્થાન હતું. મને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ મુંબઈ જવામાં કોઈ રસ નહોતો. મને હિન્દી ફિલ્મસના નાયક અને લવ સ્ટોરી પસંદ હતી. મને કિશોર કુમાર પસંદ હતા. પરંતુ, સાહિત્ય આધારિત ફિલ્મ જોતા મને એવું લાગતું હતું કે હું પણ આ પ્રકારની ફિલ્મનો એક ભાગ બની શકું તેમ છું.

મારે અજમેરમાંથી બહાર નીકળવું હતું માટે વર્ષ ૧૯૭૧માં મેં એફટીઆઈઆઈ (FTII) માં પ્રવેશ લીધો. તે સમયે મારે ઉંમર ૧૯ વર્ષ હતી. જ્યારે મારી બેચમાં અન્ય વિદ્યાર્થીઓની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની હતી. અરુણ ખોપકર, જાનુ બરુઆ અને રાહુલ દાસગુપ્તા મારા સહાધ્યાયીઓ હતા. તેઓ વ્યવસાયિક ફિલ્મમાં સફળ રહ્યા. જ્યારે મારા જેવા ૧૯ વર્ષીય છોકરાને એફટીઆઈઆઈમાં અચાનક સિનેમાની દુનિયાનું મુક્ત વાતાવરણ મળ્યું ત્યારે એ સ્તબ્ધ થઈ ગયો. ઘણી ફિલ્મો મારી સમજશક્તિની બહાર હતી માટે મેં ફરી વખત વાંચવાનું શરૂ કર્યું. ત્યારે એ વાતનો કોઈ ખ્યાલ નહોતો કે હું ભવિષ્યમાં ફિલ્મો બનાવીશ. એફટીઆઈઆઈમાં મારી વયના બહુ ઓછા હોવાને કારણે હું એકલતા અનુભવતો હતો. હું આખો દિવસ મારા જ રૂમમાં ભરાઈ રહેતો હતો અને ત્યાં એવું પણ કોઈ નહોતું કે જે હિન્દી સાહિત્ય સાથે સંકળાયેલ હોય. મણી કૌલ અને કુમાર સહાની તે સમયમાં થોડા પ્રખ્યાત થયા હતા અને મીડિયા પણ તેમની નોંધ લેતું થયું હતું. તેઓ ક્યારેક અમને ભણાવવા પણ આવતા હતા. એફટીઆઈઆઈમાં તે ત્રણ વર્ષ મારા માટે સ્વર્ગ હતા અને આજે પણ એફટીઆઈઆઈમાં વિદ્યાર્થીઓ પોતાને સ્વર્ગવાસી કહે છે કારણ કે ત્યાં ભેદભાવને કોઈ સ્થાન નથી. મને તે દરમિયાન એ વાતનો અનુભવ થયો કે મુંબઈમાં પણ સંગીતકાર, ચિત્રકાર, સાહિત્યકાર સમાન કોઈ ફિલ્મમેકરની જરૂરિયાત છે. તે વખતે ફિલ્મોને આર્ટનો હોદ્દો નહોતો મળતો પણ તે સમયમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા આ પ્રકારના દિગ્દર્શકોને મદદ કરતું હતું અને દર અઠવાડિયે મૃણાલ સેન, અવતાર કૌલ, મણી કૌલ અને કુમાર સહાની જેવા દિગ્દર્શકોની કાર્યશૈલી આધારિત લેખ પણ છપાતા હતા. આ તમામ દિગ્દર્શકો ઉચ્ચકુળના પરિવારોમાંથી આવતા હતા.

એફટીઆઈઆઈમાંથી સ્નાતક થયો ત્યાં સુધી મને ફિલ્મ બનાવવામાં કોઈ રસ નહોતો. તે વખતે અમે હજુ એક આર્ટિસ્ટ અને ફિલ્મમેકરની પર્સનાલીટીમાં ઢળી રહ્યા હતા. અમે ફ્રાન્ઝ કાફ્કા, કામૂ, નિરાલા અને નાગાર્જુન જેવા દેખાવાના સઘન પ્રયત્નો કરી રહ્યા હતા. હું રાજકમલ ચૌધરીના પ્રભાવ હેઠળ જીવી રહ્યો હતો. મને તેમની કેટલીક કૃતિઓ ખૂબ પસંદ હતી. હું તે સમયમાં ખૂબ ઝડપથી વાંચતો હતો. ભાષા અને તેના તથ્યો પર પણ કોઈ ચોક્કસ ધ્યાન નહોતો આપતો. મને ખ્યાલ આવી ગયો હતો કે મારું કોઈ ભવિષ્ય નથી અને હું માત્ર વર્તમાન માટે જ જીવી રહ્યો છું. એફટીઆઈઆઈમાં મારા સહાધ્યાયીઓને ફિલ્મક્ષેત્રનું જૂઠ્ઠાણું ખબર હતું, તેઓ વિશ્વ સિનેમાનો અભ્યાસ કરીને આવ્યા હતા અને તેઓને ફિલ્મી દુનિયામાં પોતાની દિશા વિશેની સમજ હતી. એફટીઆઈઆઈમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફિલ્મઉદ્યોગ સાથેનું જોડાણ હતું. તેઓને એ વાતનો ખ્યાલ હતો કે પૈસા કેવી રીતે કમાવાય છે તે અંગે તેઓને પૂરતી સમજ હતી. છતાં પણ કામ કરતી વેળાએ જ ખરું શીખવા મળે છે. તે વખતે દૂરદર્શનનો આરંભ થયો હતો. તે સમયમાં રોજગારીના અવસર ઓછા હતા પરંતુ અત્યારના જેવી મોંઘવારી પણ નહોતી.

હું વર્ષ ૧૯૭૪માં મુંબઈ આવ્યો તે સમયે મારી પાસે કશું જ નહોતું અને હું ફિલ્મક્ષેત્રના લોકોને મળતા પણ ગભરાતો હતો કારણકે તેઓ મોટેભાગે પંજાબી હતા અને મને પંજાબીઓથી ડર લાગતો હતો. ત્યારે હું ૨૨ વર્ષનો હતો. તે સમયે ઈસરો ખુલ્યું હતું એટલે હું ત્યાં ગયો અને બે વર્ષ ત્યાં જ પસાર કર્યા. ત્યાંથી પરત આવ્યા બાદ ‘ઘાસીરામ કોતવાલ’ ફિલ્મ બનાવી. જેમાં અમે કુલ ૧૫ લોકો હતા જે પૈકી ૪ દિગ્દર્શક હતા. જેમાં મારા સિવાય સઈદ મિર્ઝા, મણી કૌલ અને હરિહરણ દિગ્દર્શક હતા. અમે લોકોએ કુલ ૧ લાખ ૨૫ હજાર રૂપિયામાં રંગીન ‘ઘાસીરામ કોતવાલ’ ફિલ્મ બનાવી હતી. સઈદ મિર્ઝા અને મણી કૌલનું મુંબઈમાં ઘર હતું. અમે લોકો એમને ‘જમાઈ ફિલ્મમેકર’ કહેતા હતા. શ્યામ બેનેગલ, કુમાર સહાની અને એમ એસ સથાયુ પણ ‘જમાઈ ફિલ્મમેકર’ હતા. તેઓ સાઉથ બોમ્બેમાં રહેતા હતા અને ત્યાં એક ‘ક્લાસ’નો હોદ્દો મળતો હતો કારણ કે તમે મીરાં રોડ જેવી જગ્યામાં ‘ઉસકી રોટી’ ફિલ્મ ના બનાવી શકો. હું હિંદીભાષી હતો એટલે તેઓના ‘ક્લાસ’નો નહોતો. ત્યારબાદ કોઈક રીતે મને રીચાર્ડ એટેનબરોની ફિલ્મ ‘ગાંધી’માં આસિસ્ટન્ટનું કામ મળી ગયું અને તેમાંથી થોડા પૈસા મળ્યા એટલે ફિલ્મ બનાવવાની હિંમત એકઠી થઈ ત્યારે મેં ‘ઓમ દર-બ-દર’ની સ્ક્રીપ્ટ લખી. ‘ઓમ દર-બ-દર’નો દર્શક વર્ગ એ આજની પેઢી છે. આજના ચિત્રકાર, સંગીતકાર અને કળાના અન્ય ક્ષેત્રોમાં કાર્યરત યુવાઓ મારી ફિલ્મના દર્શકો છે. હવે લાગે છે કે મેં આજની પેઢીને અનુલક્ષીને ફિલ્મ બનાવી હતી માટે મને તે સમયે દર્શકો ના મળ્યા. તે સમયે મારા મિત્રો પણ ફિલ્મોની એક ચોક્કસ પરંપરા સાથે જોડાયેલા હતા. હું જ્યારે ‘ઓમ દર-બ-દર’ બનાવી રહ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે હું શું બનાવી રહ્યો છું અને ક્યાં જઈ રહ્યો છું. તે મારા માટે એક પ્રકરની આંતરિક પ્રક્રિયા હતી કે જેની સાથે હું સંવાદ રચી રહ્યો હતો. ફિલ્મોમાં સાહિત્ય અને શબ્દોનું ખૂબ મહત્વ છે. મેં અત્યાર સુધી સાહિત્ય આધારિત ફિલ્મ નથી બનાવી પરંતુ હું સાહિત્ય જાણું છું. ફિલ્મ જોવી તે ખરેખર ફિલ્મ વાંચવા સમાન છે. દર્શક કોઈ એક પ્લોટના આધારે ફિલ્મ વાંચે છે. ઘણી ફિલ્મોમાં પ્લોટ નથી હોતા તો તે ફિલ્મ્સ ચિત્રાત્મક અને વિવરણાત્મક હોય છે. આવી ફિલ્મ દર્શક વાંચી નથી શકતા માટે તેને નકારી કાઢે છે. કારણ કે દર્શકો પાસે એવી ક્ષમતા નથી કે તેઓ આ પ્રકારની ફિલ્મનો આનંદ માણી શકે. જો દર્શકોએ સાહિત્ય વાંચ્યું હોય અથવા સાહિત્યની પૂરતી સમજ હોય તો તેઓ આ પ્રકારની ફિલ્મોને યોગ્ય રીતે સમજી શકે છે.

વર્ષ ૧૯૮૨ની વાત છે ત્યારે હું મુંબઈમાં યારી રોડના એક બિલ્ડીંગમાં રહેતો હતો. તે સમયમાં એફટીઆઈઆઈમાં મારી આગામી બેચના કેતન મહેતા પ્રખ્યાત થયા હતા અને ત્યારબાદની બેચના સઈદ મિર્ઝા અને કુંદન શાહ પણ ફિલ્મોમાં સફળ રહ્યા હતા. મારું માનવું છે કે કોઈપણ વસ્તુને પરિપક્વ થવા માટે દસ વર્ષનો સમયગાળો જોઈએ કારણકે સ્થિરતા અને સ્થાયિત્વ બાદ જ કાંઈક થઈ શકે છે. મારા જીવનમાં સૌથી મોટી દુર્ઘટના એ હતી કે મારું કોઈ ચોક્કસ ઠેકાણું નહોતું અને હું કોઈ એક જગ્યાએ સ્થિર નહોતો રહી શકતો. મારી પાસે પૈસા પણ નહોતા. તે સમયમાં હું ખૂબ બોલતો હતો અને લોકો મને કહેતા હતા કે તું લોકોને નકારી કાઢે છે. મારા અંદર જ્ઞાનનો અહંકાર હતો. મારી એક એવી જીદ હતી કે હું કોઈ મૌલિક કામ જ કરીશ. હું માનતો હતો કે ચરિત્ર જેવી કોઈ વસ્તુ નથી હોતી. મેં વિચાર્યું કે હું દર્શકોને મારી ફિલ્મ સાથે કનેક્ટ નહિ કરું. મેં ફિલ્મ લખવાની શરૂઆત કરી ત્યારે હું ફિલ્મ માટે ભાષા શોધી રહ્યો હતો. મુંબઈમાં બધું અંગ્રેજીમાં જ ચાલે છે માટે મેં અંગ્રેજીમાં લખવાનું શરુ કર્યું પરંતુ અંગ્રેજીમાં કલ્પનાઓ એક અલગ જ રસ્તો પકડી લે છે. મને ફિલ્મ ‘ગાંધી’માં કામ મળ્યું એ પહેલા હું બેકાર હતો. રહેવાની કોઈ જગ્યા પણ નહોતી એટલે હું ગોવા જતો રહ્યો અને ત્યાં પપેટ્રી કરવા લાગ્યો. ત્યાં સુધી મારા ૩૦ વર્ષ થઈ ગયા હતા અને લાગતું હતું કે ક્યાં સુધી આવી રીતે ભાગતો રહીશ? ક્યારેક તો ફિલ્મ શરૂ કરવી પડશે ને? માટે મેં થોડું વિચાર્યું અને પછી લખવાનું શરૂ કર્યું. બાળપણના ચારેક મિત્રોની કેટલીક છબી સાથે મેં ‘દર-બ-દર’ના નામે ફિલ્મ લખવાની શરૂઆત કરી. ત્યારબાદ મેં લોકોને મારી વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું અને એ રીતે મને ‘ઓમ દર-બ-દર’ની વાર્તા મળી. ત્યાર પછી મેં મારી વાર્તા બોલવાની શરૂ કરી કારણકે હું હંમેશાં બોલીને જ લખી શકું છું. આ વસ્તુ મેં મનોહર શ્યામ જોશી પાસેથી શીખી હતી. ‘ઓમ દર-બ-દર’ ફિલ્મ મેં અંગ્રેજીમાં લખી કારણ કે મારો વિષય નોખો હતો માટે મારે એક અલગ ભાષા બનાવવી પડી. મારા અંગ્રેજીમાં કોઈ વ્યાકરણ નહોતું પણ તેમાં એક પ્રકારનું સ્પંદન હતું. મારે મારી ફિલ્મમાં કાંઈક એવું કરવું હતું કે જે અગાઉ કોઈએ જોયું પણ ના હોય કે ક્યારેય સાંભળ્યું પણ ના હોય. મજાની વાત તો એ છે કે મારી સ્ક્રિપ્ટ મંજૂર થઈ ગઈ. પણ હવે સમસ્યા એ હતી કે આને હું હિન્દીમાં કેવી રીતે લખું? કારણકે અંગ્રેજીમાં તો કંઈ પણ લખો તો એ સારું લાગે છે જ્યારે હિન્દીમાં તો આપણી ધરતીનો પણ ખ્યાલ રાખવો પડે છે. હિન્દીમાં લખવાનું શરૂ કર્યું તો કાંઈક અલગ જ ફિલ્મ બની ગઈ. મને સ્ક્રિપ્ટ લખવામાં આશરે દોઢ વર્ષનો સમય લાગ્યો. શરૂઆતમાં જ્યારે ‘ઓમ દર-બ-દર’ એનઆઈડીમાં દેખાડી તો તેમને આ ફિલ્મ ના સમજાઈ. મને પહેલા લાગ્યું કે હું આ ફિલ્મમાં બધું સમજી રહ્યો છું પછી લાગ્યું કે કશું સમજમાં નથી આવી રહ્યું અને ધીરે-ધીરે તમામ અર્થ છૂટવા લાગ્યા. હું એક અલગ જ સંસારમાં રાચી રહ્યો હતો, મને પાગલ થઈ જવાનો ડર સતાવી રહ્યો હતો કે જે હું પહેલેથી જ હતો. મારો એક સિદ્ધાંત હતો કે Art is not natural.

‘ઓમ દર-બ-દર’માં એક્ટર અને નોન-એક્ટર બંનેને સમસ્યા એ હતી કે તેઓ મારી સ્ક્રિપ્ટ સમજી શકતા નહોતા. ના તો પોતાનું પાત્ર સમજી શકતા હતા કે ના સંવાદોનો અર્થ સમજી શકતા હતા. ‘ઓમ દર-બ-દર’માં મજાની વાત એ છે કે એની વાર્તા તમે કોઈને ક્યારેય સંભળાવી નહિ શકો. ‘ઓમ દર-બ-દર’ કુમાર સહાનીને પસંદ આવી હતી. ગુલામ શેખ, ભૂપેન ખખ્ખર અને અન્ય ચિત્રકારોને પણ મારી ફિલ્મ પસંદ આવી હતી. શરૂઆતમાં મેં મારી ફિલ્મનું નામ ‘દર-બ-દર’ રાખ્યું હતું કે જેનો અર્થ થાય છે ભટકવું. પહાડોમાં અવાજનો જે પડઘો સંભળાય તેને પણ ‘દર-બ-દર’ કહેવાય છે માટે મેં આ શબ્દને સ્થિર કરવા માટે સાથે ઓમ શબ્દ જોડી દીધો. ઓમ મારી ફિલ્મનો મંત્ર અને સૂત્ર હતો. આ મંત્ર જ મારી ફિલ્મનો સંકલ્પ બને છે. પરંતુ ‘ઓમ દર-બ-દર’ રિલીઝ ના થઈ શકી. આ ફિલ્મ માટે મેં આઠ લાખ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મના બીજા શિડ્યુલમાં કેમેરાનું શટર ખરાબ થઈ ગયું હતું. મારે એક વર્ષ રાહ જોવી પડી અને પછી જ્યારે પુષ્કરમાં મેળો ભરાયો ત્યારે હું ત્યાં શૂટિંગ કરવા માટે ગયો. ત્યારે લોકો કહેવા લાગ્યા કે આ વ્યક્તિ સાથે તો આવું જ થવું જોઈએ. આ તો જવાબદારી વગરનો વ્યક્તિ છે. લોકો મારી મજાક ઉડાવી રહ્યા હતા અને હું મજાકનું પાત્ર બની ગયો હતો. કોઈક રીતે મેં આ ફિલ્મ પૂરી કરી અને તેને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. આ ફિલ્મ બર્લિન પણ ગઈ. એવોર્ડ અને ફેસ્ટિવલ્સમાં હું સેલેબ્રીટી બની ગયો. ત્યારે હું મુંબઈમાં આદર્શનગર વિસ્તારમાં રહેતો હતો. ત્યારે તે એક ઝૂપડપટ્ટી વિસ્તાર હતો અને આવા વિસ્તારમાં રહીને તમે આર્ટ ફિલ્મ ના બનાવી શકો કારણકે આર્ટ ફિલ્મ એક ‘ક્લાસ’ની વસ્તુ છે. આર્ટ ફિલ્મ માટેની પૂર્વશરત એ છે કે તમે કોઈ ચોક્કસ ‘ક્લાસ’ની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મને ‘વીમેન ઈન સેટેલાઈટ સિટી’ માટે ગ્રાન્ટ મળી હતી. પરંતુ તે પૂર્ણ કરતા પહેલા હું દાદા સાહેબ ફાળકેમાં લાગી ગયો. દાદા સાહેબ ફાળકે પર મેં વર્ષ ૧૯૯૦થી કામ શરૂ કર્યું. ત્યારે હું ન્યુ બોમ્બેમાં રહેતો હતો. હું ખૂબ જ વ્યથિત હતો કારણકે એનએફડીસી (NFDC)ના પૈસા નહિ ચૂકવવાને કારણે હું ડિફોલ્ટર થઈ ગયો હતો. તે દરમિયાન મારી માનસિક સ્થિતિ પણ સારી નહોતી. દાદા સાહેબ ફાળકે પર કામ કરતા વીસ વર્ષ પસાર થઈ ગયા જે હવે હું જલ્દી જ પૂર્ણ કરીશ. હવે ‘ઓમ દર-બ-દર’ રિલીઝ થઈ છે અને મને લાગે છે કે મારું દેવું માફ કરી દેવામાં આવ્યું છે. આર્ટ સિનેમા માટે જરૂરી છે કે તેને નેશનલ એવોર્ડ મળે કારણકે ત્યારબાદ જ તેને યોગ્ય સન્માન અને અન્ય સુવિધાઓ મળે છે. ‘ઓમ દર-બ-દર’ને સેન્સર થકી એડલ્ટ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું. મને લાગે છે કે મારી ફિલ્મને એટલા માટે એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું કારણકે તે માત્ર એડલ્ટ લોકોને સમજાઈ શકે તેવી છે.

હાલ બોલીવૂડમાં મને વિશાલ ભારદ્વાજ અને અનુરાગ કશ્યપની ફિલ્મ્સ ગમે છે. મને વિશાલ ભારદ્વાજ પસંદ છે કારણકે તેઓ સાહિત્યના જાણકાર છે અને ગુલઝાર સાહબની સંગતમાં રહ્યા છે. તેઓને સંગીતનું પણ જ્ઞાન છે અને તે ફિલ્મમાં સંગીતની મદદથી સમયને રજૂ કરી શકે છે. કોઈપણ ફિલ્મમેકરની ખૂબી એ જ છે કે કિલ્મના લગભગ બે કલાકના સમયગાળામાં તે કુલ કેટલા કાળનો અનુભવ કરાવી શકે છે. મને લાગે છે કે આજકાલના ફિલ્મમેર્ક્સને કાળની ભાષાનો કોઈ ખ્યાલ નથી. સમાંતર સિનેમા સાહિત્ય પર આધારિત હતું માટે મને તે પસંદ હતું. મણી કૌલને ભાષાની સમજ હતી. આજકાલ નાના શહેરોમાંથી ટેલેન્ટ આવી રહ્યું છે અને તે પૈકીના મોટાભાગના લોકો મૌલિક કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ, વિદેશી ફિલ્મ અને સાહિત્યના પ્રભાવ હેઠળ જીવી રહેલા ભારતીય ફિલ્મમેર્ક્સમાં સમસ્યા એ છે કે તેઓ સિનેમાને સાચા સંદર્ભમાં નથી જોઈ શકતા. યુવા ફિલ્મમેર્ક્સની ઘણી ખરી ફિલ્મ્સ પ્રભાવિત તો કરે છે પણ તેમાં કોઈ પ્રકારનો સામાજીક અથવા સાંસ્કૃતિક સંદર્ભ જોવા નથી મળતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “મારી સિનેમાની સફર : કમલ સ્વરૂપ – નિલય ભાવસાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.