અંતરનાં અજવાળાં… – ડૉ. પ્રકાશ ગજ્જર

(શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના ‘શક્તિદર્શનમ્‍’ સામયિકના માર્ચ-૨૦૧૬ના અંકમાંથી)

એક સ્વજન માંદા પડ્યા હતા. વય હશે એંશી વરસ કરતાં પણ વધારે. એ વડીલની છત્રછાયા અને માર્ગદર્શનથી ઘણું શીખવા મળેલું. હિમ્મત અને ધીરજનો તો જાણે ધિંગો દરિયો. ત્યાં પહોચું એ પહેલાં તો એમની જીવનજ્યોત બુઝાઈ ગઈ. ઘણું સુખ ભોગવીને અને આપીને એ ગયા હતા, એટલે દુઃખી થવાનું કોઈ કારણ નહોતું. વાતાવરણમાં શોક કરતાં સ્વસ્થતા વધારે હતી.

એમના અંતિમ દર્શન માટે હું છેક પાસે પહોંચ્યો ત્યારે મેં ચકિત થઈને જોયું તો એ મૃત્યુ પામેલા લાગતા જ નહોતા. મોં ઉપર એ જ તાજગી, હોઠ ઉપર એ જ સ્મિત અને હજી ખુલ્લી રહી ગયેલી આંખોમાં એ જ તેજસ્વીતા. એમને મૃત્યુ પામેલા કહી શકાય જ કેમ ? જાણે કે હમણાં બોલી ઊઠશે : ‘કેમ, આઈવા કે ?’ એ એમનો રોજનો સ્વાગત ઉદ્‍ગાર, ‘મોજમાં ને ?’ એ એમનો પહેલો પ્રશ્ન હોય.

પણ એ પ્રશ્ન આજ ન પુછાયો એટલે મારે માનવું પડ્યું કી ખરેખર મૃત્યુ પામ્યા હતા. તો બીજી બાજુ એમની ઉજાશભરી આંખો એ વાત સ્વીકારવા તૈયાર નહોતી. મેં પાસે જ ઊભેલા ડૉક્ટર-મિત્રને પૂછી પણ નાખ્યું : ‘ડૉક્ટર, ખરેખર મૃત્યુ થયું છે ?’

‘હાસ્તો, તમને શંકા કેમ થાય છે ?’ ડૉક્ટરે પૂછ્યું.

‘એમની આંખો હજીય એવી જ જીવંત અને તેજભરી લાગે છે.’

‘તમારી વાત સાચી છે. નાડી ગયા પછી પણ બે ઘડી મને લાગેલું કે આંખ મૃત્યુની સાક્ષી નથી આપતી. પણ ચેતન ચાલ્યું ગયું જ હતું એટલે આપણે સ્વીકારવું જ રહ્યું.’

પછી મને આપોઆપ સમજાયું કે જે માણસ પેળેપળ જીવનની ચેતનાથી ઊભરાતો રહ્યો હોય એ મૃત્યુ પછી પણ એની સાક્ષી આપતો રહે તો એમાં આશ્ચર્ય શાનું ? આશ્ચર્ય તો મને એ વાતનું થાય છે કે કેટલાક માણસો જીવતા હોવા છતાં મરેલા જેવું જીવન જીવતા હોય છે. બીજી વાતો છોડો, પણ એમની આંખો સતત જાહેરાત કરતી હોય છે કે અહીં જીવનનો અભાવ છે, ચેતનની ગેરહાજરી છે.

ચોર લોકો એવી બેટરી રાખતા હોય છે કે, ભાગ્યે જ બીજા કોઈને ખબર પડે. જે લોકો સમાજવિરોધી પ્રવૃત્તિ કરતા હોય છે એ પોતાના પ્રવૃત્તિ સ્થળની આસપાસ કાળા પડદા રાખે છે, જેથી સહેજપણ અજવાળું બહાર ન જાય. વળી રાતે જ પોતાની કામગીરી એ કરતા હોય છે, જેથી બહાર કોઈની અવરજવરનો ઝાઝો સવાલ ઊભો ન થાય.

ઘણા માણસોનું જીવન આવા ચેતનના ચોર જેવું હોય છે એમની પાસે જે ધૂંધળો ઉજાશ હોય એ પણ કાળા પડદા ઢાંકી રાખતા હોય છે. એમના આત્મા ઉપરથી અંધારી રાત કદી ઉતરતી જ નથી. એમની જીવનભોમ ઉપર કાળાં વાદળાં હંમેશાં ઝળૂબ્યા કરતાં હોય છે. એ બિચારા ખુદ અંધારે અટવાતા હોય, પછી બીજાના રસ્તા ઉપર રોશની પાથરી જ શી રીતે શકે ? હારેલો અને હતાશ, ધીરજહીણો અને આશાવિહીન માણસ પોતાની અંદરનું તેજ ગુમાવી બેઠેલો કહેવાય. એ બધા ખરેખર તો સૂક્ષ્મ આપઘાતી મનોદશાવાળા હોય છે. એમના અજવાળાં અધવચ્ચે અટવાઈ ગયા છે.

તમે કોઈ સ્વાર્થી માણસને જોયો છે ? જેણે જીવનમાં સ્વાર્થ સાધવા સિવાય બીજું કાંઈ જ જોયું નથી એવા માણસની આંખને જરા વિગતે તપાસી જોજો : ત્યાં જોવા મળે એવી જડતા અને શૂન્યતાના અંધકાર તમને બીજે કશે જોવા નહીં મળે. એનો અવાજ, એનો દેખાવ, એના વ્યક્તિત્વ ઉપર તે ધૂંધળાશ છવાઈ ગઈ હોય છે, કારણ કે કદીક પણ સ્વાર્થભાવ છોડીને અંતરનાં અજવાળાંને પ્રગટવા દેવાનો આનંદ એણે ક્યારેય જોયો જ નથી.

જિંદગીથી એક માણસ સાવ થાકી ગયેલો. આર્થિક બોજમાં એ ફસાઈ ગયો હતો. પત્ની એને સમજી શકતી નહોતી. માતા-પિતાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. સાંજનો સૂરજ આથમતાં, છાયા જેવા મિત્રો સરી ગયા હતા. લાગણીના સંઘર્ષમાં સતત અફળાતું એનું મન ત્રાસી ગયું હતું. હૃદય અકળાઈ ઊઠ્યું હતું. આમ ચારેબાજુથી એ થાક્યો હતો, હાર્યો હતો. ક્યાંક કોઈ જ રસ્તો દેખાતો નહોતો. છેવટે કંટાળીને, મોતને વહાલું ગણીને એણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો.

ઊંડા પાણીની શોધ કરતો કરતો નદીને કાંઠે ચાલ્યો જતો હતો ત્યાં ઉપરવાસ કશોક ધબાકો થતો એણે સાંભળ્યો. એને પળમાં સમજાઈ ગયું કે કોઈકે પાણીમાં પડતું મૂક્યું હતું. એ પણ પાણીમાં ખાબક્યો ને પેલી વ્યક્તિને કિનારે ખેંચી લાવ્યો.

એ કહે : ‘મને મરવા દ્યો.’

‘એમ ન મરાય. જિંદગી જીવવા જેવી છે. તોફાનો તો આવે ને જાય, પણ એમ ભાંગી ન જવાય. સહન કરતાં શીખવું જોઈએ. જિંદગીને એમ હાથે કરીને મોતના મુખમાં ધકેલી ન દેવાય.’

જાણે પોતે પણ ભૂલી ગયો કે પોતે પણ જિંદગીની હાલાકીથી કંટાળીને જિંદગીને મોતના હાથમાં સોંપી દેવા આવ્યો હતો ! અન્ય દુઃખી વ્યક્તિની શ્રદ્ધાજ્યોતને સંકોરતાં સંકોરતાં સ્વયં એની શ્રદ્ધા પણ પુનર્જીવિત બની ગઈ. સામાના જીવનકોડિયામાં રેડેલું પ્રેરણાનું તેલ કોઈ અદ્રશ્ય રીતે નવો ઉજાશ આપી ગયું. ને એ સાથે જ આપઘાતી મનોદશાનાં અંધારાં પણ ઓસરી ગયાં. એ પાછો વળી ગયો, ને નવા જ ઉત્સાહ સાથે એણે નવી જિંદગી શરૂ કરી.

આ અજવાળાં એને બહારથી મળ્યાં એમ કોણ કહેશે ? અરણીના લાકડામાં જેમ અગ્નિ છુપાયેલો હોય છે તેમ, અજવાળાં આપણી અંદર જ બેઠેલાં છે. એમને બહાર આવવા દઈએ છીએ કે કેમ એ જ પ્રશ્ન છે.

નેપોલિયનનું નામ તો સાંભળ્યું છે ને ? પોતાના તમામ ઉપસેનાપતિઓ કરતાં પણ એની ઊંચાઈ ઓછી હતી. છતાં જગતે જવલ્લે જ જોયેલા સેનાપતિ તરીકે એનું નામ વિશ્વવિખ્યાત છે, કેમ ? એ કહેતો : ‘હું નાનો જ હતો, સામાન્ય જ હતો. પણ મારી પ્રવૃત્તિઓ દ્વારા મારી જાતનું ગુણાંકન મેં કર્યું છે.’ અંતરનાં અજવાળાંને બહાર ફેલાવવાનો એક રસ્તો આ છે : પ્રવૃત્તિઓને સઘન બનાવો. જીવનના તેજ માટેનો એ સરસ રસ્તો છે.

એક વખત એક મિત્રને ત્યાં ગયેલો. જોયું તો જૂના, નાના, સાદા મકાનને સ્થાને સરસ બંગલો ખડો હતો. આ નવા બંગલા માટે અભિનંદન આપ્યાં તો એમણે કહ્યું : ‘આ જૂનો જ બંગલો છે. માત્ર એનો વિસ્તાર કર્યો છે એટલું જ. એની જૂની ચાર દીવાલોની બાજુએ ચાર ઓરડા બાંધ્યા. ચારે બાજુ ઘરનો વિસ્તાર-એક્ષ્ટેન્શન ! એટલે તમને નવું નવું લાગે છે.’

જીવનનું પણ આમ જ છે. આપણે એનો કેટલો વિસ્તાર કરીએ છીએ. અરીસાની ગોઠવણી દ્વારા એના મૂળ તેજને કેટલા વિપુલ પ્રમાણમાં પ્રતિબિંબિત કરી શકીએ છીએ એના ઉપર આપણા તેજના બાહ્ય પ્રાગટ્યનો આધાર છે.

જીવનના અણુઅણુમાં આપણે જીવંત ના હોઈએ તો આ ‘વિસ્તાર’ શક્ય ન બની શકે. અંતઃ ચેતનાના વિસ્તરણ માટે તો આકાશ પોતે પણ સીમા નથી. કોઈ પરિસ્થિતિ એને બાંધી ન શકે. કેડથી નીચેના ભાગમાં લકવો થઈ ગયેલા એવા એક વૃદ્ધે પૈડા-ખુરશીમાં બેઠાં બેઠાં રોજ રાત્રે આકાશદર્શન કરીને એ શોખને એટલો બધો વિકસાવેલો કે નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓમાં એમની ગણના થતી. જમીન ઉપર બંધાયેલી ખુરશીમાં અજવાળાંને આભની સીમા બાંધી શકે છે !

માટે જ તો આપણા રોજરોજના, પળેપળનાં જીવનમાં જીવંતતા, ચેતના, સભાનતા, જાગૃતિ પ્રગટાવવી જોઈએ. વહેલી સવારે ફરવા નીકળ્યા હોઈએ ને કોઈ બંગલામાંથી આવતી ધૂપસળીની સુગંધ સ્પર્શી જાય તો એ સુગંધને સ્મરણની વેલીમાં ગૂંથી લેતાં શીખવું જોઈએ. આથમવા માંડેલી રાતરાણીનાં ફૂલની સુગંધ માણવા જેતલું તીવ્ર નાક બની રહેવું જોઈએ. ગાડીમાં બેઠા છીએ ને કોઈ તેજભરી આંખોવાળું બાળક જોવા મળે તો એ રોશની ઝીલતા આવડવું જોઈએ. કોઈના નિખાલસ હાસ્યના રણકારને હૃદયમાં ભરીને યોગ્ય પ્રસંગે રેલાવતાં શીખવું જોઈએ. અંતરનાં અજવાળામાં ઉમેરો કરનારાં તો આ જ તેલ ને !

ટૂંકમાં, જીવન ને જગત વિષેનો આપણો રસ વધારે જીવંત, ગહન અને સભર બનવો જોઈએ. જીવનના રસની વ્યાપકતા જો સ્વાભાવિક બની જાય તો ભયોભયો. પછી બીજું જોઈએ પણ શું ? આ રસ મળ્યો તો અંતરનાં અજવાળાં તો આપોઆપ ઝિલમિલ થઈ ઊઠવાનાં.

અલબત્ત, કદીક બાહ્ય પ્રેરણાનો પ્રકાશ પણ આપણને ઘણો ઉપયોગી થઈ પડે. જેની પાસે જવાથી હૈયાને નવી ઉષ્મા અને સદ્‍ભાવની પ્રાપ્તિ થતી હોય એવી વ્યક્તિઓ પાસે કદી કદી આંટો મારી આવવો ને પ્રેરણાની ગંગોત્રીઓ પાસેથી અંજલિઓ ભરી આપવી એ એક સારો રસ્તો છે. જીવનલક્ષી અને પ્રેરણાદાયક વાચન દ્વારા પણ આ કાર્ય વધારે રીતે થઈ શકે. થોડાંક ખરેખર સારાં પ્રેરક પુસ્તકો હાથમાં રાખવાથી જ્યારે પણ વધુ ઉજાશની જરૂર પડે ત્યારે એમને ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રેરણાની પ્રાપ્તિનો એક મજાનો રસ્તો છે પ્રકૃતિનું સાનિધ્ય. સૂર્યોદય પહેલાં એકાંતમાં અથવા ધાબે ચઢી જઈને પ્રભાતની આ પાવન વેળાનો પ્રેરણા-પ્રકાશ ઝીલવાની ટેવ કેળવવા જેવી છે. આભના નવલખ તારલા જ્યારે અગમ અગોચરની આરતીમાં લીન બન્યા હોય ત્યારે એમના મૌન સાથે એકતાર બની રહેવાથી એમના ઓછાં તેજ પણ અંતરદીપને જે ઝગમગાટ આપે છે એ તો અનુભવે જ સમજાય.

મહત્વ આનું છે : હૃદયમાં તમે કેટલો ઉલ્લાસ જગાવી શકો છો ? સંવાદિતા વગર એ ઉલ્લાસ વગર તો ઉજાશ ક્યાં ? ઢીલાશની ધૂંધળાશ જ તો બધી તકલીફ ઊભી કરે છે. ઉપર દર્શાવેલ્લી અનેકવિધ રીતે અંતરમાં ઉલ્લાસ પ્રગટાવવાની પ્રક્રિયા જેને આવડી ગઈ એને અંધારાં નડી જ ન શકે; કારણ કે, એની સામે ઊભા થતાં પહેલાં જ એમને ઓગળી જવું પડે છે.

તમારી શોધ શાની છે ? તમારે પૈસા જોઈએ છે ? પ્રતિષ્ઠા જોઈએ છે ? તમારે લોકપ્રિય થવું છે ? પડોશીના કરતાં આગળ વધવું છે ? આ બધાનો સાર હું એક જવાબમાં આપી દઉં ? તમારે જીવનની કલા શીખવાની જરૂર છે. જીવનની આ મોટામાં મોટી ને સૌથી વધુ મહત્વની શોધ છે. એક વાર આ શોધ આદરો, આ જવાબ મેળવવા પ્રયત્ન કરો તો બાકીની તમામ વસ્તુઓ પોતપોતાની જગાએ બેસી જશે.

ફરી યાદ કરી લઈએ કે અજવાળાં તો તમારા અંતરમાં ભર્યા છે. જરૂર છે એમના ઉપર જે ધુમ્મસ ઢંકાઈ ગયાં છે એમને વીખેરવાની. વિધાતા, દૂરનો ભગવાન કે કોઈ દેવી પુરુષ એ ધુમ્મસના પરદાને હટાવી દેશે એવી ખોટી આશા સેવવાને બદલે, તમે પોતે જ પુરુષાર્થ શા માટે નથી આદરતા ? અપાર ઉજાશની સૃષ્ટિ સંકેલીને તમારો આતમ-મોરલો તમારી અંદર બેઠેલો છે. ઈન્દ્રધનુની નવરંગી ઝૂલણીઓ તમારા બંધ પિચ્છકલાપમાં છુપાયેલી છે. એ પાંખો ઉઘાડો, રંગભર્યા અજવાળાને બહાર રેલાવા દો, તમારું આખું જીવન ને જગત ઉજાશે ઊભરાઈ રહેશે.

– ડૉ. પ્રકાશ ગજ્જર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અંતરનાં અજવાળાં… – ડૉ. પ્રકાશ ગજ્જર”

Copy Protected by Chetan's WP-Copyprotect.