છત્રી – જ્યોતીન્દ્ર દવે

(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ?”

“શું ?” એમણે પ્રતિપ્રશ્ન કર્યો.

“તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.”

“ખરી વાત છે.”

“ઓહ ! સૉરી ! (દિલગીર છું.) શું બન્યું છે ? હરકત ન હોય તો કહેશો ? કોઈક પ્રિયજનને ગુમાવ્યું હોય એવું લાગે છે.”

“હા, હા, એવું જ છે કંઈક.”

“કોઈક બહુ પાસેનું છે ?” મેં બને એટલા ગંભીર થવાનો પ્રયત્ન કરી પૂછ્યું.

“હા, બહુ પાસેનું. મારી પાસે જ રહેતી. મને એના વગર ઘડી ચાલતું નહીં.”

એમનાં પત્ની ગુજરી ગયાં છે એમ મને લાગ્યું. “ત્યારે તો તમે ખરેખર દુઃખી થઈ ગયા !” મેં કહ્યું.

“દુઃખી નહીં તો બીજું શું ? પોતે તાપતડકો ખમતી ને મને ઠંડક આપતી, મારા ઘરની શોભારૂપ હતી. મારી હાથલાકડી જેવી હતી. હવે એ જતી રહી એટલે મને એકલુંએકલું લાગે છે !”

“ખરેખર, આટલી ઉંમરે ઘરભંગ થયા એ બહુ ખેદકારક છે.”

“ઘરભંગ ?”

“કેમ – તમારાં – છે તે – તમારાં પત્ની એની ?” મેં કંઈક બફાયું એમ સમજી પૂછ્યું.

“મારાં પત્ની ?”

“હું તો એમ સમજ્યો.”

“ના રે ! મારી પત્નીને શી ધાડ આવતી’તી ? એ બેઠી ઘરમાં.”

“ત્યારે ?”

“એ તો મારી છત્રી. આજ આઠ દિવસથી ખોવાઈ ગઈ છે. તેની વાત કરતો’તો.”

“છત્રી ! છત્રી ખોવાઈ તેમાં આટલા દિલગીર થઈ ગયા ? એમાં શું ? બીજી ખરીદો.”

“અરે ભાઈ ! તમે જાણતા નથી. બીજી તો ખરીદાય, પણ ગઈ તો કંઈ આવવાની હતી ? એમ તો બૈરી પણ ક્યાં બીજી નથી મળતી ? મને એ છત્રી ગમી ગઈ હતી. એનાથી સારી મળે તોયે જીવને ચેન નહીં પડે.”

આપણે ઘણી વાર પૈસા સિવાયની જડ વસ્તુઓને હલકી માની લઈએ છીએ; પણ કેટલીક જડ વસ્તુઓ આપણને સ્વજન જેવી થઈ પડે છે. છત્રી જતી રહેવાથી સ્ત્રી મૃત્યુ પામી હોય એવો ખેદ સાધારણ રીતે ભાગ્યે જ કોઈને થાય છે. પણ મારા ઉપર્યુત મિત્ર જેવા કોક એવા પણ હશે જેમને સ્ત્રી કરતાંયે છત્રી વધારે પ્રિય હોય. એટલું જ નહીં પણ અમુક ઇષ્ટ કન્યા ન મળતાં અથવા મળેલી મૃત્યુ પામતાં જેમ ઘણાં ‘પ્રેમી’ઓનું ‘દિલ’ બીજી પર ચોંટી શકતું નથી. તેમ એવા છત્રીપ્રેમીઓ પણ હોય છે જેનું હૃદય એક જ છત્રીને ચાહી શકે છે.

સામાન્ય રીતે છત્રીઓ એકસરખી લાગે છે, પણ દરેક છત્રીનું વ્યક્તિત્વ નિરાળું હોય છે. સંસ્કૃત આલંકારિકોએ પાડેલાં નાયિકાભેદનાં લગભગ બધાં જ દ્રષ્ટાંતો છત્રી પૂરાં પાડે છે. પરકીયા તરફની રતિથી રસોત્પત્તિ થતી નથી, પણ રસાભાસમાત્ર થાય છે એમ આલંકારિકો કહે છે; પરંતુ છત્રીની બાબતમાં તો મનુષ્યો ઘણુંખરું પરકીયા તરફ જ વધારે પ્રીતિ દર્શાવતા હોય છે. કેટલાકને સ્વકીયા વધારે વહાલી હોય છે એ ખરું, પણ પરકીયાનું હરણ કરી જતાં એ ખંચાતા નથી.

‘ચંપલ, ચોપડી ને છત્રીની બાબતમાં સામાન્ય રીતે ઉચ્ચ પ્રકારના ચારિત્ર્યવાળા માણસોની પણ નીતિની ભાવના જરા શિથિલ થઈ જાય છે.’ બીજા પાસેથી વાંચવા આણેલી ચોપડી તેને પાછી પહોંચાડવી જ જોઈએ એમ માનનારા – ને ખાસ કરીને એ મંતવ્યને અમલમાં મૂકનારા – વિરલ હોય છે. ચંપલ ને છત્રી કોઈ પાસેથી માંગી લાવવાની જરૂર પડતી નથી, પણ મેળાવડો, સભા કે એવા સ્થાનમાં, જાણે ભૂલથી જ હોય એમ, પોતાની ચંપલ એ છત્રીને બદલે પારકી ઉપાડી લઈ ચાલ્યા જવું એ સહેલું થઈ પડે છે. ઘણી વાર અજાણ્યે, ખરેખરી ભૂલને લીધે પણ આમ બને છે, પણ જો બદલાયેલી ચંપલ કે છત્રી વધારે સારી હોય તો ‘કંઈ નહીં, એને બદલે હું મારી મૂકી આવ્યો છું ને’ એમ કરીને ગમે એવો પ્રમાણિક મનુષ્ય પણ પોતાને છેતરે છે. ગાર્ડિનરે આ પ્રકારની મનોવૃત્તિને ‘અમ્બ્રેલા-કોન્શયંસ’ નામ આપ્યું છે અને એ પ્રકારની વૃત્તિ, આપણા દેશ પેઠે, ઇંગ્લૅન્ડમાં પણ કેટલી બધી વ્યાપક છે તે એણે બહુ સચોટ રીતે દર્શાવ્યું છે. હું પોતે આ પ્રમાણે કેટલીયે છત્રી ઉપાડી લાવ્યો છું – મારી સારી છત્રી ગુમાવી પણ આવ્યો છું. હમણાં પણ મારી અને જે છત્રી છે – ના, છે નહીં પણ હતી, કારણ કે થોડા દિવસ પર જ હું એને ક્યાંક ભૂલી આવ્યો છું ને મારી વાટ જોતી પ્રોષિતભતૃકા જેવી અત્યારે પણ એ ત્યાં જ હશે – એ છત્રી આ વર્ષ દરમિયાન બદલાયેલી આઠમી છે. એના ગયાનો મને બહુ શોક થતો નથી, કારણ કે એ મેં નહોતી બદલી લીધી, પણ મારા કરતાં કોઈ વધારે ચતુર માણસે મારી સારી છત્રી ઉપાડી તેના બદલામાં એને મૂકી હતી ને મારે પરાણે તેનો સ્વીકાર કરવો પડ્યો હતો.

‘સ્ત્રી રહે તો આપથી ને જાય તો સગા બાપથી’ એ લોકોક્તિ જેટલી સ્ત્રીને લાગુ પડે છે, તેટલી છત્રીને પણ પડે છે. પતિનું નામ ધારણ કરનારી સ્ત્રીઓ ને છત્રીઓ – બંનેનાં હરણ ઘણી વાર થાય છે. તેમ કેટલીક વાર એમ પણ બને છે કે પતિથી છૂટા થવાની ગમે એટલી ઈચ્છા છતાં તેનો ત્યાગ તેનાથી થઈ શકતો નથી.

એવી એક પતિપરાયણા છત્રી મારે નસીબે આવી હતી. આજે એ છત્રી હયાત નથી એટલે કહી શકું છું કે મને એ જરા ગમતી નહોતી. એને સાથે લઈને બહાર નીકળતાં મને શરમ લાગતી. સભ્ય સમાજમાં ફરવા જેવું એનું રૂપ નહોતું. એની ઉપર ગૂણપાટ જેવું જાડું ખાદીનું કપડું વરસાદથી પલળી પલળી કાળા હાથાના રંગથી રંગાઈ ચિત્રવર્ણ બની ગયું હતું. એનો હાથો સૂજીને ફૂલી ગયો હતો. કમરમાંથી મરડાઈ ગઈ હોય એમ એ વાંકી થઈ ગઈ હતી.

એ છત્રીને દૂર કરવાના મેં બને એટલા પ્રયત્ન કર્યા. કોઈને ઘેર જતો, ત્યાં એ છત્રીને મૂકી આવતો. એ સદ્ગૃહસ્થ બીજે દિવસે કોઈક માણસ મારફતે પાછી મોકલાવતા. મેં એને બદલી જોવાના પ્રયત્ન કર્યા, પણ જ્યારે જ્યારે એ છત્રીને બદલે હું એની જોડેની ઊંચક્તો ત્યારે ત્યારે હંમેશાં એ બીજી છત્રીના માલિકની નજર અચાનક મારા તરફ પડતી ને એ કહેતો : ‘અરે ! એ તો મારી છત્રી છે’ ને હું ‘ભૂલ થઈ ગઈ હોં, માફ કરજો’ કહીને વીલે મુખે પાછી મૂકી દેતો. એક વખત તો હું એ જર્જરિત છત્રીને બદલે કોઈકની નવી છત્રી ઉપાડીને ઘર સુધી પહોંચ્યો હતો. પણ ઘરમાં પ્રવેશ કરું તે પહેલાં એ છત્રીના માલિક દોડતા મારી ભૂલ બતાવી મને મારી જૂની છત્રી પાછી સોંપી પોતાની નવી પાછી લઈ ગયા. છેવટે મેં ચાલતી ટ્રામમાંથી છત્રીને ફેંકી દીધી; પણ રસ્તે ચાલતા કોઈ પરગજુ માણસની દ્રષ્ટિએ પડવાથી એણે છત્રી લઈ ટ્રામ સાથે દોડવાની હરીફાઈમાં ઊતરી હાંફતાં હાંફતાં બારીમાંથી મને એ છત્રી પાછી પહોંચાડી.

પરકીયા છત્રી પેઠે પૈસા બચાવવાની દુઃસાધ્ય કલામાં અતીવ નિપુણ એવા મારા એક ઓળખીતા ગૃહસ્થને ત્યાં દશ માણસ વચ્ચે એક છત્રી રાખવાનો રિવાજ છે. વરસાદ પડતો હોય તો જેને સૌથી વધારે જરૂરી કામ હોય તે પહેલો જઈ પાછો આવે ત્યાં સુધી બીજા ઘરમાં બેસી રહે. બહુ થાય તો એક છત્રીમાં બે જાય; પણ એકસાથે એકથી વધારે છત્રી ઘરમાં કદી પણ હોવી ન જોઈએ એવો એમનો કડક નિયમ છે.

કેટલીક છત્રીઓ બહુ શરમાળ હોય છે. એના નાજુક હાથાને અડકો એટલે એનું આખું શરીર કંપી ઊઠે. કેટલીક કુપિતા નાયિકા જેવી હોય છે. મારે એવી એક કુપિતા જોડે પાનું પડ્યું હતું, કંઈ પણ કારણ હોય કે ન હોય પણ એ હંમેશાં ખિજવાયેલી જ રહેતી. હું એને ગમે એટલું સમજાવું, પટાવું પણ એ કદી દિલ ખોલે જ નહીં. વરસાદ પડવા માંડે ને હું એને ઉઘાડવા જાઉં તો એ છણકો કરીને મારા હાથમાંથી સરી જાય. કદાચ ઊઘડે તો થોડી વારમાં અચાનક પોતાની મેળે બંધ થઈ જાય ને મારા માથા પર પ્રહાર કરે. આખરે અકળાઈને મેં મારા ઘાટીને ભેટ આપી દીધી. ઘાટી જોડે થોડો વખત એ સીધી ચાલીને પછી તો ઘાટી પણ અકળાયો ને મને પાછી આપી ગયો. અંતે મેં કોઈ જળસંકટનિવારણના ફંડમાં એ છત્રી પધરાવી દીધી.

કેટલીક આરંભમાં બહુ કોમળ, નાજુક ને ભલા સ્વભાવની દેખાય છે. પોતે વરસાદ ને તડકો વેઠેને આપણું સંરક્ષણ કરે. જ્યાં જઈએ ત્યાં આપણી શોભામાં વૃદ્ધિ કરે, પોતાની કુમાશથી આપણું દિલ હરે, કાર્યપરાયણતાથી આપણને અનિવાર્ય ઉપયોગની થઈ પડે ને નિમકહલાલી ને ટકાઉપણાથી આપણો ત્યાગ ન કરે; પણ પછીથી એનામાં પવન ભરાય છે ને એ એવી તો ફુલાઈ જાય છે કે આપણી જરાય પરવા કરતી નથી. આપણા તરફથી નજર ખસેડી વ્યસ્તવસના બની આકાશ તરફ મોં કરી બેસે છે ને વરસાદ કે તડકામાં આપણને નિઃસહાય બનાવી મૂકે છે.

તાપ અને વરસાદથી રક્ષણ કરવા ઉપરાંત છત્રીના બીજા ઘણા ઉપયોગ છે. એનાથી શોભામાં વૃદ્ધિ થાય છે. ગૌરવ ને પ્રતિષ્ઠાનો આધાર પણ કંઈક અંશે એના પર રહે છે. આથી જ રાજામહારાજાઓને છત્રચામર ધરવામાં આવે છે. તેમજ પરણવા જતી વખતે વરરાજાને માથે વાળંદ છત્રી ઓઢાડે છે. કોઈક પ્રસંગે મારામારીમાં છત્રી લાઠી તરીકે વાપરી શકાય છે. જોકે એવા યુદ્ધને પ્રસંગે છત્રી વાગવા કરતાં ભાંગી જલદી જાય છે. કરડવા આવતા કૂતરા સામે છત્રી જોરમાં ઉઘાડદે કરવાથી તે નાસી જાય છે. લપસણી જમીન પર ચાલવું હોય ત્યારે છત્રીનો ટેકો લઈ શકાય છે.

અસહ્ય તાપમાં ચાલતાં છત્રી આપણને તડકો લાગવા દેતી નથી. ધોધમાર વરસાદની અંદર છત્રી હેઠે આપણે વગર પલળ્યે જઈ શકીએ છીએ, તે જ પ્રમાણે જાહેરમાં હજાર આંખો જોતી હોય ત્યારે એકાન્ત ઈચ્છનારાઓને માટે છત્રી બહુ સુંદર સાધનરૂપ થાય છે. હ્રસ્વ ઇકારની અંદર રહેલા સંયુક્તાક્ષર જેવા છત્રીના ઓથામાં રહેલા યુગલને ખુલ્લી સાર્વજનિક જગામાં હજારો મનુષ્યોની વચ્ચે પણ જોઈતું એકાન્ત મળી રહે છે. છત્રી આ પ્રમાણે જગતની નજરથી ઉરના પ્રેમાગ્નિ હોલવવા ઈચ્છનારા પ્રેમી યુગલને ઢાંકી કલ્પનાનાં ઉડ્ડયન કરાવે છે. ને બળતા ઘરમાંથી નાસવા ઈચ્છતા માણસને ત્રીજા માળની બારીએથી જમીન પર કૂદી પડવાના કાર્યમાં પણ છત્રી સહાય કરે છે. કલ્પનાપ્રદેશમાં લઈ જવા વિમાનનું કાર્ય પણ કરે છે ને બીજી રીતે ‘પૅરૅશૂટ’નું કાર્ય પણ એ જ કરે છે.

આખી દુનિયાને સુધારવા કરતાં પોતાની જાતને સુધારવી એ જ સુખી થવાનો માર્ગ છે એ છત્રીનું ઉપદેશરહસ્ય છે. વરસાદ કે તડકાથી બચવા માટે આખા આકાશને કપડાંથી ઢાંકી દેવાતું નથી. પણ મનુષ્ય પોતાની જાતને જ ઢાંકે છે; એટલે પછી આખા જગતમાં ફાવે તેટલો તાપ પડે કે વરસાદ પડે એ સર્વથી વિમુક્ત તે રહી શકે છે. સર્વ બાહ્ય ઉપાધિથી રક્ષણ કરે એવી એક છત્રી શોધી તેની શીતળ છાંય હેઠે રહેવાની ઈચ્છા દરેક મનુષ્યને હોય છે. એવી છત્રીની શોધમાં એ જીવન વ્યતીત કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “છત્રી – જ્યોતીન્દ્ર દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.