કડવી તુંબડી – રવજીભાઈ કાચા

(‘પુસ્તકાલય’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી)

પ્રાર્થનાસભામાં આચાર્યશ્રીએ જણાવ્યું : ‘આવતીકાલે આપણી શાળામાં બહુ મોટા મહેમાન આવવાના છે. તેઓ વિદ્વાન બ્રાહ્મણ છે, માટે વિદ્યાર્થીઓને મારી વિનંતિ છે કે આવતીકાલે કોઈ ગેરહાજર ન રહે.’

બીજે દિવસે આચાર્યશ્રી મહેમાનને લઈ પ્રાર્થનાખંડમાં પ્રવેશે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તાળીઓથી મહેમાનનું સ્વાગત કર્યું.

મહેમાન ઊંચા-કાંઠાળા, પ્રભાવશાળી હતા. તેમણે ધોતી-ઝભ્ભો પહેર્યાં હતાં. ગળામાં રુદ્રાક્ષની મોટી માળા છે. ભાલમાં ત્રિપુંડ શોભે છે. વિશાળ ને મોટાં નેત્રવાળા મહેમાન સૌનું અભિવાદન ઝીલતાં સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે છે.

આચાર્યશ્રીએ મહેમાનનો પરિચય આપતા કહ્યું : ‘બાલમિત્રો ! આપણા નગરના મહાન વિદ્વાન, શાસ્ત્રોના અભ્યાસી, ગહન ચિંતક એવા પંડિત દીનદયાળજી પધાર્યા છે. સંસ્થા વતી હું એમનું સ્વાગત કરું છું. હવે હું પૂજ્યવર પંડિતજીને વિનંતિ કરું છું કે એમની અમૃતવાણીનો આપણને લાભ આપે.’

સસ્મિત, બે હાથ જોડી પંડિતજીએ બધાને વંદન કર્યાં. મુખ મલકાવતાં બોલ્યાં : ‘આજે તમને જોઈ-મળીને અત્યંત હર્ષ થાય છે. બાળકો તો દેવ સમાન છે. એટલે તો કહ્યું છે કે ‘બાલ દેવો ભવ ।’ તમારામાં મને ઈશ્વરનાં દર્શન થાય છે. દરેક બાળમાં મને નટવર કનૈયાનાં અને ધીરગંભીર, આદર્શ રામનો ભાસ થાય છે. બાલકૃષ્ણે ક્યારેય નાના-મોટાનો ભેદ જોયો નહોતો. છૂતાછૂતમાં તો માનતા જ નહોતા. બધાને સમાન દ્રષ્ટિથી જોતા હતા. તો ભગવાનશ્રી રામે પણ આપણને પવિત્ર સંબંધોનો બોધપાઠ આપ્યો છે. શબરીનાં એઠાં બોર ખાધાં. ભીલરાજ ગુહને ગળે લગાડી છૂતાછૂતની ભાવના સદંતર નિર્મૂળ કરી જગતને આદર્શ બતાવ્યો. બાલમિત્રો ! કૃષ્ણ કે રામની વાત તો દૂર, પણ આપણા જમાનાની એક વ્યક્તિ જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ છે મહાત્મા ગાંધી. તેમણે તો અછૂતોને હરિના જન કહી નવો શબ્દ આપ્યો ‘હરિજન’. તો આપણા આદિકવિ નરસિંહ મહેતાને કેમ ભૂલાય ?

માટે આપણે પણ નાનામોટા ભેદભાવ ભૂલી, છૂતાછૂતની ભાવના દિલમાંથી કાઢી નાંખી, સૌ એક જ પિતાનાં (ઈશ્વરનાં) સંતાનો છીએ એમ માની વર્તવું જોઈએ. પરંતુ સમાજમાં કેટલાક પેલી કડવી તુંબડી જેવા હોય છે. એને ગંગાજીમાં ડૂબકી લગાવીએ, તીરથ કરાવીએ તો પણ કડવી તુંબડી મીઠી (ગળી) બનતી નથી. આપણે તો ગળ્યા-મીઠા બનવાનું છે, કડવા તુંબડા જેવું નહીં. સૌનું કલ્યાણ થાઓ. અસ્તુ.’

પ્રવચન બાદ પંડિતજી વિદાય થયા. સ્ટાફ અને બાળકો પર પંડિતજીની અમૃતવાણીનો ઊંડો પ્રભાવ પડ્યો. અહોભાવથી સૌ પંડિતજીને મનોમન વંદી રહ્યા.

મનસુખ શાળામાંથી છૂટી ઘેર ગયો. તેને મન તો પંડિતજી ભગવાન લાગ્યા. મનસુખ ગામના છેવાડે વાસમાં રહેતો હતો. નિશાળે જતી-આવતી વખતે રસ્તામાં પંડિતજીનું ઘર આવે. પંડિતજીનું પ્રવચન સાંભળ્યા બાદ દરરોજ મનસુખ પંડિતજીના મકાન પાસેથી પસાર થતી વખતે વંદન કરતો.

એક દિવસ મનસુખને આચાર્યશ્રીએ બોલાવી કહ્યું : ‘બેટા ! તારા રસ્તામાં પંડિતજીનું ઘર આવે છે. આ પત્ર તું એમને આપી દઈશ ?’

મનસુખનું હૃદય ઘડીભર ધબકારા ભૂલી ગયું. બગાસું ખાતાં પતાસું મળ્યું હોય એવા ભાવ સાથે પ્રસન્નતાથી મનસુખ બોલ્યો : ‘સાહેબ ! જરૂર આપી દઈશ. લાવો.’

અને તે દિવસે મનસુખે ભગવાનને મળવા જવું હોય ને જે આનંદ-ઉત્સાહ જોવા મળે એવા ભાવથી, પ્રસન્નતાથી, લગભગ દોડતાં જ પંડિતજીને ઘેર આવી દરવાજો ખટખટાવ્યો. બારણું ખૂલ્યું. પંડિતજીએ દર્શન દીધાં. મનસુખ નતમસ્તક વંદી રહ્યો.

‘કોનું કામ છે, બેટા ?’ પંડિતજીએ પ્રેમપૂર્વક પૂછ્યું.

‘પંડિતજી ! પાય લાગું ! આ પત્ર અમારા હેડમાસ્તર સાહેબે આપને દેવા માટે કહ્યું છે.’ હાથ લંબાવી પત્ર આપતાં તેણે નિખાલસભાવે કહ્યું.

‘ઊભો રહે, હું ત્યાં આવું છું.’ પગથિયાં ઉતરતાં પંડિતજીએ બીજો પ્રશ્ન કર્યો : ‘કેવા છો તમે, બેટા ?’

‘હરિજન.’ સસંકોચ મનસુખે કહ્યું.

‘ઊભો રહે.’ કહી પંડિતજી પાછા ફર્યા. મનસુખે વિચાર્યું કે પંડિતજી પ્રસન્ન દેખાય છે. કદાચ મારા માટે કાંઈ લેવા ગયા હોય એવું તેણે અનુભવ્યું. તેના મનમાં ફરી પંડિતજી માટે અહોભાવ જાગ્યો. પંડિતજી બહાર આવતા દેખાયા. તેમના હાથમાં પાણીનો લોટો હતો. મનસુખનું ગળું-કંઠ ભરાઈ આવ્યા. તેને થયું કે પંડિતજી સાચે જ ભગવાન છે. જેવું બોલતા હતા એવું જ વર્તન છે. તેને પાણી પીવાની ઈચ્છા નહોતી, છતાં આજ પંડિતજીના હાથનું પાણી પીવા એનું મન બેચેન બની ગયું. તેના મનમાં પંડિતજી પિતાતુલ્ય લાગ્યા. સામે ઊભેલા પંડિતજીમાં તેને રામ-કૃષ્ણનાં દર્શન થયાં.

ત્યાં એક ઘેરો ને કરડાકીભર્યો આદેશાત્મક હુકમ થયો : ‘પત્ર નીચે મૂક.’ મનસુખ આજ્ઞાને અનુસર્યો. પંડિતજીએ નીચે પડેલા પરબીડિયા પર પાણીનો છંટકાવ કરી બોલ્યા : ‘દૂર હટ.’

મનસુખ ભારે પગે ને હૈયે દરવાજાની બહાર જઈ ઊભો રહ્યો. તેનું નાનકડું મન કે મગજ માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું કે જુએ છે તે સાચું છે કે ખોટું ! શૂન્યમનસ્ક તે પૂતળાની માફક જોતો રહ્યો. પંડિતજીએ પત્ર લઈ દરવાજો અને રસ્તો લોટાના પવિત્ર જળ વડે પવિત્ર બનાવ્યા અને ધડ દેતાંને દરવાજો બંધ થયો.

અવાજ સાથે મનસુખની તંદ્રા તૂટી. તે ભગ્નહૃદયે અને વિસ્ફારિત નયને જોઈ રહ્યો ને મનમાં બોલ્યો : ‘પંડિતજીની તુંબડી પણ કડવી રહી ગઈ લાગે છે.’

– રવજીભાઈ કાચા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “કડવી તુંબડી – રવજીભાઈ કાચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.