શુભ ઘડી અંગે વિચારના લોકો માટે – સદ્‍ગુરુ

Anand Laher(‘આનંદ લહેર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

અમુક લોકો છે, જે ભાગ્યને દોષ દે છે. “મારો સમય સારો નથી. હું જે કંઈ કામધંધો શરૂ કરું તેમાં સફળતા નથી મળતી.” આમ વેદાંતદર્શનની વાત પણ કરે છે. “ઈશ્વરઈચ્છાની વિરુદ્ધ કામ કરીને સમય બરબાદ કરવા કરતાં જિંદગીને તેના રસ્તે છોડી દેવામાં જ બુદ્ધિમાની છે.”

માત્ર રાજકારણીઓ જ નહીં, પણ જ્યોતિષી અને ધર્મગુરુ પણ તમને પોતાના નિયંત્રણમાં રાખવા ઈચ્છે છે, તેમને તો સ્નેહ-સદ્‍ભાવના જોરે તમારું હૃદય જીતતાં નથી આવડતું. તે માટે તમારી અંદર એક જાતનો ભય અને અપરાધ-ભાવ ઉત્પન્ન કરીને તમને ચક્કરમાં નાખે છે. આ લોકોએ ડંકાની ચોટ પર પોતાની વાત રજૂ કરીને તમારા મનમાં એ વિશ્વાસ બેસાડી રાખ્યો છે કે તમારી હાર-જીતનો ફેંસલો કરવાવાળું તત્વ માત્ર તમારું ભાગ્ય છે.

હારી જવાથી તરત જ જન્મકુંડળીનાં રાશિચક્રો અને નંબરવાળા એક જ્યોતિષને તમારા સાથી શા માટે બનાવવા ?

બુદ્ધિમાન લોકો આગલી ક્ષણે શું કરશે, તેનું અનુમાન લગાવવું ભલે મુશ્કેલ હોય, મૂર્ખ લોકોનો ચહેરો જોઈને સામેની વ્યક્તિ શું સહેલાઈથી અનુમાન નથી લગાવી શકતી કે તે હવે શું કરશે કે કેટલે દૂર જશે ?

તમારા નકામાપણાનો તો લાભ ઉઠાવે છે, આ લોકો ?

હારનું મૂળ કારણ આપણી મૂર્ખતા છે, એમ માનીને તેની જવાબદારી લેતા કેમ અચકાવ છો ?

એક વાત સમજી લો. ઈશ્વર કોઈ ફિલ્મી ખલનાયક નથી કે તમારી સાથે બદલો લેવા માટે, તમારા સારી રીતે કામ કરવા છતાં તમને સફળતાથી વંચિત રાખે. થોડી વાર માટે માની લો કે ભાગ્ય પ્રમાણે પહેલેથી જ એ નક્કી છે કે આજે તમને ભોજન મળવાનું ને મળવાનું જ છે. તમે એક એવા વેરાન જંગલમાં જઈને બેસો જ્યાં તમારી દેખભાળ કરનારું કોઈ ન હોય. નજીકમાં કોઈ ફળ પડે તો તેને પણ અડશો નહીં. ઈશ્વર ઈચ્છે તો જાતે આવીને તમારા મોંએ ભોજનનો કોળિયો મૂકશે એવા વિશ્વાસ સાથે રાહમાં બેઠા રહો.

જુઓ છેવટે તમારા ભાગ્યની જીત થાય છે કે ભૂખની ?

મારી પાસે એક જૂની મારુતિ ગાડી હતી, કોઈ તેને ખરીદવા ઈચ્છતું હતું. “સ્વામીજી, તમારી ગાડીનો અંક મારા માટે નસીબ લાવી શકે છે. તમે જે કંઈ કિંમત બતાવશો, હું ખરીદી લઈશ.”

હું હસી પડ્યો. પૂછ્યું, “તમે ક્યા અંકની વાત કરી રહ્યા છો ? રજિસ્ટ્રેશન નંબર કે એન્જિન નંબર ?” તે મૂંઝાઈ ગયા. પોતાના જ્યોતિષીની સલાહ લીધા પછી પાછા આવ્યા. કહ્યું કે રજિસ્ટ્રેશન નંબર જ મહત્વ રાખે છે. અંગ્રેજી અક્ષરો માટે જાતજાતના નંબર દઈને ગણતરી કરી દેખાડી.

જ્યોતિષીએ બતાવેલી તારીખ અને ચોક્કસ સમય પર મારા હાથમાં ૯૯૯૯૯ રૂપિયા રાખી દીધા. “મહારાજ, નક્કી કરેલી રકમમાં એક રૂપિયો ઓછો આપી રહ્યું છું, તેનો બીજો કોઈ અર્થ ન કાઢશો. આ સંખ્યા જ મારા માટે ભાગ્યશાળી છે.” ધર્મસંકટ સાથે બોલ્યા.

એક રૂપિયો જે ઓછો આપ્યો હતો તેના બદલામાં કીમતી ભેટ આપીને ભરપાઈ કરી દીધું. મેં કહ્યું, “પહેલા ગાડી ચલાવી જુઓ. ઘણા ભાગ હલતા હશે, પૂરો સંતોષ થયા પછી જ ખરીદો.”

“ભાગ્યશાળી નંબર જ મહત્વ ધરાવે છે.” એમ કહીને તેમણે ગાડી ચલાવી જોવાની વાતની મનાઈ કરી.

મુશ્કેલીથી મહિનો પસાર થયો હશે. તેમણે ગાડી વેચી દીધી. ગાડી ચલાવતી વખતે આગળની સીટની સ્પ્રિંગ નીકળી ગઈ જેનાથી તેઓ પાછળની તરફ ધકેલાઈ ગયા. તેમને લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પાછળ ખેંચ્યા. બસ, આ ડરને કારણે તેમણે ગાડી વેચી દીધી.

ગાડી ખરીદીને લઈ જતાં રસ્તામાં મંદિરના દ્વાર પાસે ઊભી રાખી, વધેરેલા નાળિયેરથી પણ ફાયદો ન થયો. પૈડાની નીચે કચડેલાં લીંબુ પણ નકામાં નીવડ્યાં. ખાસ વાત તો એ છે કે તેમની ભાગ્યશાળી સંખ્યાએ પણ તેમને દગો દીધો.

તેમની જેમ વાત-વાતમાં જન્મકુંડળી જોનારા ઘણા લોકો છે.

ગ્રહોને શાંત કરવા કે ખુશ કરવા, નિવારણ માટેની પૂજા વગેરેની વાતો કર્યા કરે છે. જાતે પ્રાણવાન અને સચેતન-જાગ્રત હોવા છતાં તમે જે મૂર્ખામી કરો છો તેને માટે નિષ્પ્રાણ અને અચેતન ગ્રહો અને નક્ષત્રોને જવાબદાર ઠેરવવા, એ કાયરતા નથી તો શું છે ?

જો તમને ઈચ્છિત વસ્તુ નથી મળતી તેને માટે તમે જ સંપૂર્ણપણે જવાબદાર છો. તમારા જીવનના નિર્માણમાં તમે યથાયોગ્ય ધ્યાન ન આપ્યું. જે પદ કે વસ્તુ મેળવવાની ઈચ્છા તમારા મનમાં ઊઠી, તેને માટે યોગ્ય રીતે પોતાને તૈયાર ન કર્યાં. આ તમારી ભૂલ છે, ભાગ્યનો ખેલ બિલકુલ નથી.

પોતાના કમ્પ્યુટરની સામે બેસીને તમારા જીવનના પ્રત્યેક તબક્કા અને દશાની ગણતરી અને યોજના બનાવતા રહેવા સિવાય શું ઈશ્વર પાસે બીજું કોઈ કામ નથી ? આ જાતના કિસ્સા અને વાર્તાઓ પર વિશ્વાસ કરવા જેવા શું તમે હજુ અજ્ઞાન બાળક છો ?

શંકરન્‍ પિલ્લૈ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. સામે એક દેહાતી વૃદ્ધ બેઠા હતા, દેખાવમાં તો બિલકુલ અભણ લાગતા હતા.

“સમય પસાર કરવા માટે શું આપણે કોયડાની રમત રમીશું ?” શંકરન્‍ પિલ્લૈએ પૂછ્યું. રમતની શરતો પણ કહી. “તમારા પ્રશ્નનો જો હું ઉત્તર ન આપી શકું તો તમને હું સો રૂપિયા આપીશ. મારા પ્રશ્નનો તમે ઉત્તર ન આપી શકો તો તમે મને દસ રૂપિયા આપજો, ઠીક છે ને ?”

“પહેલો પ્રશ્ન હું પૂછીશ.” વૃદ્ધે કહ્યું. “ત્રણ મોઢા અને બાર પગવાળું કયું જાનવર છે. જે પાણીમાં તરી શકે છે અને આકાશમાં ઊડી પણ શકે છે ?”

ઘણી વાર સુધી વિચાર્યા પછી શંકરન્‍ પિલ્લૈને ઉત્તર ન મળ્યો. સો રૂપિયા કાઢીને આપી દીધા. અને પૂછ્યું, “તમારા પ્રશ્નનો શું જવાબ છે ?”

વૃદ્ધે સો રૂપિયા ખિસ્સામાં મૂક્યા. દસ રૂપિયાની નોટ આપી દીધી, “મને પણ ખબર નથી.”

“ભગવાનની ઈચ્છા” કહેતા લોકોમાં ઘણા આ પ્રકારના છે. જે બાબત તેમને સમજવામાં ન આવતી હોય, તે બીજાને સમજાવતા હશે.

તમારા જીવનની પ્રત્યેક ક્ષણ જ નહીં, પણ પોતાના મૃત્યુની ક્ષણને પણ સો ટકા નક્કી કરનારા તમે જ છો. આ સમજ વગર કોઈ બીજાએ આવી ઘણી બાબતો તમારા મગજમાં ભરાવી રાખી છે. પહેલાં આ પ્રકારના વિચારને શાંત કરો.

તમારી સાથે જે ઘટનાઓ બની રહી છે, તેમાંથી દરેક તમારા દ્વારા ઊભી કરવામાં આવી છે. સમસ્યા એ છે કે તમે આ વાતને સમજતા નથી કે ઘણી વાર બેદરકારીથી તમે તેને આમંત્રણ આપ્યું છે.

જાગૃતિના અભાવમાં તમારા દ્વારા વેરવામાં આવેલાં બીજ ઝેરીલા છોડ બનીને તમારી ચારેબાજુ વધીને ઊભાં છે. તેને ભગવાને લાવીને તમારા બગીચામાં લગાવી દીધાં છે, એવું વિચારીને લાંબા નિસાસા નાખવાનો કોઈ અર્થ નથી.

વરસાદ પહાડ ઉપર થાય છે. પાણી ઝરણાના રૂપમાં નીચે પડે છે. નાની નદીઓના રૂપમાં વહેંચાઈને-ફંટાઈને ઊંડાણની શોધમાં વહેતાં વહેતાં અંતે સમુદ્રમાં જઈને મળે છે.

પોતાના જન્મની પહેલી ક્ષણથી જ નદી સમુદ્રમાં મળવા માટે મચલતી-મચલતી વહે છે, આવી ઉક્તિ કવિતા માટે સહાયરૂપ બની શકે. સમુદ્રમાં જઈને મળવું નદીની નિયતિ નથી. તેના માથા પર આવું કશું લખાયેલું નથી.

વચ્ચે બંધ બાંધીને તેની ગતિને રોકવાથી પોતાના પ્રિયતમ સમુદ્રને ન મળી શકવાના શોકમાં નદી આત્મહત્યા પણ કરવાની નથી. નદીની સરખામણીમાં જો સમુદ્રની સપાટી ઊંચી થઈ જાય તો સમુદ્ર નદીની શોધમાં આવશે કે નદી સમુદ્રને શોધતી વહેશે ?

કોઈ પણ બાબતને જાગૃતિ સાથે સંભાળી શકવાની ક્ષમતા તમારામાં આવી જાય તો કોઈ ભાગ્ય તમને ચલિત કરી શકે નહીં. તેથી ભાગ્યવાદના કિસ્સાઓને દૂર ફેંકી દઈ પોતાની જિંદગીને પોતાના સહારે જીવવાનું શરૂ કરો.

જન્મને કારણે કે પાલન-પોષણના કારણે તમે અમુક મૂળભૂત ગુણોને જાણીને કે અજાણતાં પ્રાપ્ત કર્યા છે. તમારા માર્ગનો નિર્ણય કરનાર આ ગુણ જ મહત્વના છે. આ વાત અમુક હદ સુધી જ સાચી છે. નહિ તો જો તમે ધ્યાનપૂર્વક કામ કરશો તો તમારા કહેવાતા ભાગ્યને ઈચ્છાનુસાર બદલી શકો છો.

પોતાને સર્વસ્વ માનનારી એક બુદ્ધિજીવી વ્યક્તિ પાસે શંકરન્‍ પિલ્લૈ આવ્યા હતા. પિલ્લૈએ તેમની સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી, “મારે એક સુંદર દીકરી છે, તે શિક્ષણ, કલા વગેરેમાં ખૂબ પ્રતિભાશાળી છે. પણ તેની એક મુશ્કેલી છે. સવારે ઊઠતાં જ તે બહુ સુસ્ત હોય છે. જે કંઈ ખાય છે, તેને તરત ઊલટી કરી નાખે છે. આનું શું કારણ છે ?”

બુદ્ધિજીવી આંખો બંધ રાખી થોડી વાર વિચારમગ્ન રહ્યા. પછી પૂછ્યું : “તમારી દીકરી દૂધ પીએ છે ?”

“હા, સારી જાતનું ગાયનું દોહેલું ચોખ્ખું દૂધ તેને પિવડાવીએ છીએ.” શંકરન્‍ પિલ્લૈએ જવાબ આપ્યો.

“સમસ્યા અહીં જ છે” બુદ્ધિજીવીએ કહ્યું. પછી સમજાવ્યું, “પેટની અંદર જતાં જ તે દૂધ દહીંના રૂપમાં જામી જાય છે. રાત્રે જ્યારે તમારી દીકરી પથારીમાં પડખાં ફેરવે છે, તે દહીં માખણનું રૂપ લે છે. શરીરની ગરમીને કારણે તે માખણ ઘી બની જાય છે. ત્યાર પછી તે ઘી રાસાયણિક પ્રક્રિયાને કારણે ખાંડ બને છે જ્યારે તે સાકર લોહીમાં ભળે છે, એક ખાસ પ્રકારનો નશો મગજમાં છવાઈ જાય છે. સવારે તે નશામાંથી મુક્ત થતાં પહેલાં તમારી દીકરી જાગી જાય છે. આ કારણથી આ સમસ્યા ઉત્પન્ન થઈ છે.”

ન સમજાતી પરિસ્થિતિઓ માટે ભાગ્યને દોષ આપી પોતે બચી નીકળવું તે પણ બુદ્ધિજીવીએ બતાવેલા કારણની જેમ નિરર્થક છે. એ જરૂરી નથી કે વ્યક્તિને માટે બાહ્ય પરિસ્થિતિઓ હંમેશાં અનુકૂળ જ રહે. જે માહોલ-સ્થિતિને આપણે બદલી નથી શકતા તેની સાથે લડવાથી શાંતિ નષ્ટ થાય છે. મગજ નિષ્ક્રિય થઈ જાય છે. (થંભી જાય છે)

આના બદલે જો આપ તેને જેમની તેમ સ્વીકારી લો તો તમે બુદ્ધિપૂર્વક વિચારી શકશો એ હવે આગળ શું કરવું જોઈએ. પૂર્વજોએ આ માટે તેને ભાગ્ય કે નસીબ કહ્યું. પરંતુ તમે તેને ભૂલથી નિયતિ માની લીધી. એવું માની લીધું કે કોઈ પણ બાબતને સહન કરતાં અકર્તા બની રહેવું જ ભાગ્ય છે.

બરાબર સમજી લો. હું તમને કોઈ પણ પરિસ્થિતિબે સહન કરવાની સલાહ આપતો નથી. સહન કરવું એ સ્વેચ્છાથી નહીં, પણ લાચારીથી થતી ક્રિયા છે. તેથી હું એમ કહું છું કે કોઈ પણ સ્થિતિનો શાંતિથી સ્વીકાર કરી ભાગ્યને પોતાને અનુકૂળ બનાવવા વિશે વિચારો.

શંકરન્‍ પિલ્લૈએ ત્રણ મિત્રો સાથે ભાગીદારીમાં ઘણા ઉદ્યોગ-ધંધા કરી જોયા. કોઈ પણ કામધંધો કરે તેમાં નુકસાન જ થતું હતું.

પિલ્લૈએ પોતાના મિત્રો સાથે બેઠક કરી. તેમણે કહ્યું, “જુઓ, શહેરમાં બધા લોકો ભરપૂર કમાણી કરે છે. આજકાલ લોકો રિક્ષાને બદલે ટૅક્સીમાં જવાનું પસંદ કરે છે. તો આપણે કેમ એક ટૅક્સી ન ખરીદી લઈએ ?”

મિત્રોએ તે માટે સંમતિ આપી. જેમ તેમ પૈસા ભેગા કરી એક કાર ખરીદી લીધી. ટૅક્સી માટે નક્કી થયેલો પીળો અને કાળો રંગ પણ કર્યો.

ટૅક્સીને રેલવે સ્ટેશનના દરવાજા પાસે ઊભી કરી દીધી. ઘણા મુસાફરો બહાર નીકળતા. તે બધા બીજાં વાહનોમાં બેસીને જતા રહેતા. ભૂલથી પણ કોઈ આ ટૅક્સી પાસે ન આવતું. “રેલગાડીમાં આવનાર બિલકુલ કંજૂસ હોય છે. ઍરપોર્ટ પર જઈએ તો સવારી મળશે.” શંકરન્‍ પિલ્લૈએ કહ્યું.

ઍરપોર્ટના દરવાજા પર પણ ટૅક્સી ઊભી રાખીને રાહ જોઈ. ત્યાં પણ કોઈ ગ્રાહક ન મળ્યું.

મોટા મોટા શૉપિંગ કૉમ્પ્લેક્ષની બહાર ઊભી રાખીને પણ જોઈ લીધું. બીજી ગાડીઓ ભરાઈ જતી હતી, આ ગાડીની તરફ કોઈ આવતું ન હતું. અહીંથી ત્યાં ભાગતા રહેવાથી પેટ્રોલ પણ પાણીની જેમ વપરાતું હતું.

છેવટે પોપટ-જ્યોતિષી પાસે જઈને શંકરન્‍ પિલ્લૈએ ગાડી ઊભી રાખી પોતાની સમસ્યા બતાવી. પાંજરામાં પોપટ હસ્યો અને બોલ્યો : “અરે મૂર્ખ, ચારેય ભાગીદાર જો ગાડીની અંદર બેઠા રહો તો કોઈ પણ ગ્રાહક એમ જ સમજશે કે ગાડી ભરેલી છે ! એવામાં કોણ ગ્રાહક તમારી ટૅક્સી પાસે આવશે. આટલી સમજ વિના તમે પોપટ-જ્યોતિષી પાસે આવ્યા છો ?”

આ રીતે ધંધો કરશો તો કયો ગ્રહ શંકરન્‍ પિલ્લૈના ભાગ્યને સારું કરી શકે ?

તરવાનું જાણ્યા વગર પાણીમાં કૂદશો તો સંજોગવશાત્‍ કદાચ કોઈ વાર તમે બચી શકો છો. પણ એ જ કોશિશ કર્યા કરશો તો જીવતા રહેવાની કોઈ ગેરંટી નથી. આ રીતે સંજોગવશાત્‍ મળેલી સફળતા કાયમી રહેશે, તેની પણ ગેરંટી નથી.

આવડતનો ઉપયોગ કર્યા વિના બીજાં કારણોથી ઉચ્ચ પદ મેળવનારાઓએ એ ભય સાથે જીવવું પડશે કે કોણ જાણે ક્યારે તેમનું પદ છીનવાઈ જશે. બહાર પગલું મૂકવા માટે પણ ગ્રહ નક્ષત્રો જોઈને દિવસની શરૂઆત કરવાની સ્થિતિ આવી જશે.

આવડત અને યોગ્યતાના આધારે ઊંચા સ્થાને પહોંચનારને આવો ભય રહેતો નથી. કદાચ કોઈ અણધાર્યા કારણે ક્યાંક ફસાઈ જવાય તોપણ તેમાંથી બહાર આવી ફરી ઊભા થઈ આગળ વધવાની યુક્તિ તેઓ જાણતા હોય છે.

જો તમારા મનમાં કોઈ વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા થાય છે તો પહેલાં તે વ્યવસાયને લગતી પાયાની-મૂળભૂત બાબતોને બારીકાઈથી સમજી લો. તેના બદલે બીજા ચાર જણને એ કામ કરતા જોઈને તમે પણ એ વ્યવસાયમાં રુચિ લો કે તમારા ગ્રહોની સ્થિતિ જોઈને તે પ્રમાણે વ્યવસાય શરૂ કરો તો સફળતા કાયમ નહીં રહે. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખીને વ્યવસાય શરૂ કરશો કે આંકડાઓ પર ભરોસો મૂકીને વ્યવસાય શરૂ કરશો ? આ લઘુતાગ્રંથિ નથી તો શું છે ?

જો કોઈ કહે એ તમારા માટે ભાગ્યશાળી અંક એક છે તો શું તમે તમારી એક આંખ ફોડી નાખશો ? કે તમારો એક હાથ કે એક પગને કાપી ફેંકી દેશો ?

એ સાચું છે કે બીજા ગ્રહોના ફેરફાર અને આંદોલનોનો થોડોઘણો પ્રભાવ પૃથ્વી પર પડે છે. પરંતુ જો લોકો મનમાં સમતા અને સંતુલન રાખે છે, તેમના પર ગ્રહોનું સ્પંદન કોઈ પણ જાતનો પ્રભાવ પાડી શકતું નથી. તિથિ, વાર અને સંખ્યાઓ આપણી સગવડ માટે આપણા લોકોએ બનાવી છે. શું તેમને આપણા જીવનનો નિર્ણય કરવાની અનુમતિ છે ?

તમારાં હવેનાં વીસ વર્ષોનું ફળ જ્યોતિષી લખીને આપે છે ને ? તેમની સાથે આગળની પાંચ મિનિટ પછી શું બનવાનું છે તેની શું તેમને ખબર છે ? તમે કોઈ કામ શરૂ કરવાની ઈચ્છા કરી. પહોંચી ગયા જ્યોતિષી પાસે. જો તેઓ કહી દે કે સફળતા નિશ્ચિત છે તો બેદરકારીને કારણે તમે તમારી ક્ષમતાનો પૂરો ઉપયોગ નહીં કરો. જો તેઓ કહે કે સફળતા નહીં મળે તો નિરાશાને કારણે તમે સંપૂર્ણ ધ્યાનપૂર્વક કામ નહીં કરો.

આમ અડધા-પડધા મનથી કામ કરો તો ઈચ્છિત વસ્તુ કેવી રીતે મળશે ?

મનની ઈચ્છા પ્રમાણેની વસ્તુ કે પદ પ્રાપ્ત કરવું છે તો પોતાની ક્ષમતા વધારો. રમત શરૂ કરતાં પહેલાં પરિણામ જાણવા માટે ઉતાવળા ન થાવ. પોતાનાં કાર્યોની પૂરી જવાબદારી લેવાનું સાહસ ભેગું કરી લો. જો તમે ઉન્નતિ પામવા ઈચ્છો છો તો પહેલાં ભાગ્યને લગતી શંકાઓમાંથી-માન્યતાઓમાંથી બહાર આવવું જોઈએ.

ભલે ભગવાન પોતે આવીને કહે તોપણ જો તમારામાં એવી દ્રઢતા ન હોય કે તમારા ભાગ્યનો નિર્ણય તમે જાતે જ કરશો, તો તમારી જિંદગી તેના રસ્તા પર નહીં ચાલે. મનથી ઈચ્છિત ફળ મેળવવાની તીવ્ર આસક્તિ તમારી અંદર હોય તો તમારા ભાગ્યને ભગવાનના હાથમાંથી લઈ ખુદ જાતે તેનું સંચાલન કરી શકશો. તમે સો ટકા સફળતાની રાહ જોતા યોજના બનાવો. તમારી ક્ષમતાનો ઉપયોગ કરો. પરિસ્થિતિઓને જાણીને તેને અનુકૂળ ધ્યાન અને જાગૃતિ સાથે કામ કરો. બધા ગ્રહ અને બધા નક્ષત્ર તમને અનુકૂળ કામ કરવા લાગશે.

જો તમારા શરીર પર તમારું નિયંત્રણ રહે તો જીવનનું વીસ ટકા ભાગ્ય તમારા હાથમાં આવી જશે. મનને સંભાળતા આવડી જાય તો પચાસથી સાઠ ટકા ભાગ્ય તમારું કહ્યું માનશે. તમારી પ્રાણશક્તિને પૂરી રીતે નિયંત્રિત કરવાનું શીખી લો તો ક્યા ગર્ભાશયથી જન્મ લેવો છે, કેવી રીતે જીવવું છે, કેવી રીતે મરવું છે – એવી બધી બાબતો તમારી ઈચ્છાને અનુરૂપ નક્કી કરવાનું શક્ય બનશે.

પ્રાણશક્તિ શું છે ? તમારા દરેક સ્પંદન માટે કોઈ શક્તિની જરૂર પડે છે ને, તે જ પ્રાણશક્તિ છે. તેમાંથી બહુ નાના અંશનો ઉપયોગ કરીને તમે તમારા દૈનિક કાર્યો કરી શકો છો. તેને પૂર્ણરૂપે જગાવી લેશો તો એવા મહાન કાર્યોને તમે નિર્માણ કરી શકશો કે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.

[કુલ પાન ૨૩૯. કિંમત રૂ. ૧૭૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “શુભ ઘડી અંગે વિચારના લોકો માટે – સદ્‍ગુરુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.