ત્રણ કાવ્યો – ચિંતન આચાર્ય

(રીડ ગુજરાતીને પ્રસ્તુત કાવ્યો મોકલવા બદલ શ્રી ચિંતનભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક c.acharya@ymail.com પર કરી શકાય્ છે. ચિંતનભાઈની કલમને ખૂબ ખૂબ શુભકામનાઓ)

૧) ‘ગામ’ યાદ આવે છે

ભૂતકાળના સ્મરણોનો સાદ આવે છે, કોણ જાણે કેમ મને ‘ગામ’ યાદ આવે છે,
રસ્તાને ઘેરેલાં ધાસની લીલોતરીને, મંદ મંદ વાયરાનો અહેસાસ આવે છે.

લીમડાનાં છાંયડે એ ઢોળેલો ઢોલિયો, સાથે નીરવ શાંતિનો સંવાદ આવે છે,
વડની વડવઈએ બાંધેલો હીંચકો, ને ફરી બાળક થવાની દરકાર આવે છે.

ખેતરના આભ ઉપર જામેલું વાદળું જોઈ, સોનેરી પાકનો ઉન્માદ આવે છે,
પર્વતની દેરીનો પ્રજ્વલિત દીવો ને, દૂર થતી આરતીનો રણકાર આવે છે.

કડ-કડતી ઠંડીમાં પાદરે જે કરતાં, એ હૂંફાળી તાપણીની ગર્માશ આવે છે,
રાત્રે ઉગેલી પેલી ભૂરી હવાઓ, પરોઢિયે ઝાકળનો સંગાથ લાવે છે.

વાડામાં બાંધેલી ભેંસને સતાવતા, હોલા ને કાબરનો કલબલાટ આવે છે,
ભાંભરતી ગાય તરફ દોડતું વાછરડું, જાણે માડીના પાલવનો વ્હાલ લાવે છે.

અંધારી રાતમાં ઉડતા એ આગિયા જોઈ, હારેલી આંખોમાં ચમકાટ આવે છે,
ભૂતકાળના સ્મરણોનો સાદ આવે છે, કોણ જાણે કેમ મને ‘ગામ’ યાદ આવે છે.

૨) વરસાદ છે

આ મહેક ભીનાશની, જો નક્કી આ વરસાદ છે,
છે હવામાં લાગણી, જો નક્કી આ વરસાદ છે.

સુક્કી ભઠ્ઠ આ ચામડીમાં કૂંપળો ફૂટી રહી,
સળવળે છે ગરદનો, જો નક્કી આ વરસાદ છે.

નામ કાગળનું હવે બદલાઈ ને હોડી થયું,
બાળકો છે ગેલમાં, જો નક્કી આ વરસાદ છે.

છત્રીઓની ભીડમાં આ કોણ જે ઉદાસ છે ?
છત વગરની ઝૂંપડી, જો નક્કી આ વરસાદ છે.

ગર્જનાઓ આભ આજે શાનથી કરતું રહ્યું,
ભેંસની ભાંભર કહે, જો નક્કી આ વરસાદ છે.

થાય છે તૈયાર આજે બે બળદની જોડીઓ,
ફાળિયા મલકાય છે, જો નક્કી આ વરસાદ છે.

આ ધરાની તૃપ્તતામાં પણ ઘણો ઉન્માદ છે,
વાદળીની આંખ ભીની, નક્કી આ વરસાદ છે.

૩) ઘરડું દફ્તર

આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યું છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યું છે

કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતું કોણમાપક મળ્યું છે
સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળું ઘસાયેલું સુગંધીદાર રબર મળ્યું છે
આજે મળિયેથી એક ઘરડું દફ્તર મળ્યું છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યું છે.

પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ
કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનું એક બાક્સ પણ મળ્યું છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યું છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યું છે.

કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે
ચીરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનું ગૂંચડુય મળ્યું છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યું છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યું છે.

એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળું થઈ ગયું છે
વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નું મળ્યું છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યું છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “ત્રણ કાવ્યો – ચિંતન આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.