બધું જ છે… – નયના શાહ

(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

નવીનભાઈ અને વીરબાળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી. જોકે ઘણાબધાં એમની ઈર્ષ્યા પણ કરતાં હતાં. જોકે દયા ખાનાર વ્યક્તિ જ્યારે વીરબાળાબહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષ્યાપાત્ર બની જતી. વીરબાળાબહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ કરવી નહીં. જેવા સંજોગો હોય એવા સંજોગોને અનુરૂપ થઈની જીવવું. ઈશ્વરે જિંદગી જીવવા માટે આપી છે. જિંદગી તો હસીખુશીથી જ વિતાવવી જોઈએ. એ તો હંમેશાં કહેતાં, ‘મારી જિંદગી જોઈ કોઈ દયા ના ખાય. પરંતુ લોકો મારી જિંદગી જોઈ ઈર્ષ્યા કરે. જે વ્યક્તિ ઈશ્વરે આપેલી જિંદગીને સહર્ષ રીતે જીવતા નથી. તેની ઉપર ઈશ્વર ક્યારેય પ્રસન્ન રહેતા નથી.’

દરેક વ્યક્તિને બીજી વ્યક્તિનો પ્રસન્ન ચહેરો જોવો ગમે છે. દરેકને ખીલેલું પુષ્પ જોવું ગમે છે. કોઈને પણ ચીમળાયેલું કે મૂરઝાયેલું ફૂલ જોવું ગમતું નથી. અરે, તમે ઈશ્વરને પણ પૂર્ણપણે ખીલેલું પુષ્પ ચઢાવો છો. કોઈ ક્યારેય ઈશ્વરને ચીમળાયેલું પુષ્પ ચઢાવતું નથી. ઈશ્વરને પૂર્ણતા ગમે છે. અધૂરપ ક્યારેય કોઈને પસંદ નથી પડતી.

વીરબાળાને તો હસવું એ એનો સ્વભાવ બની ગયો હતો. નવીનભાઈ અને તેમની પત્નીની ઉંમર પંચ્યાસી ઉપરની હતી. જોકે વીરબાળાબહેન અનેક રોગોથી પીડાતાં હતાં. બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગો તો છેલ્લાં પાંત્રીસ વર્ષથી એમના સાથી હતા. દરરોજ દવાઓ લેવાની જરૂરી બની ગઈ હતી. છતાંય કહેતાં, ‘વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે માણસનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. જોકે મેં તો એનો ભરપૂર લાભ લીધો છે, બાકી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આપણે ભગવાનને પ્યારાં થઈ ગયાં હોત તો મારા પતિનું શું થાત ? અમારો તો બહુ દીર્ઘકાળનો સંગાથ છે. ત્યારે તો અમે આટલાં વર્ષો પ્રેમથી જીવી શક્યાં.’

જોકે એ ક્યારેય એવું ના કહેતાં કે મારે દવા લેવાની છે. જમતાં પહેલાં દવા લેવાનો સમય થયો હોય તો કહે, ‘જમતાં પહેલાં હું જરા સ્ટાર્ટર લઈ લઉં છું.’ (એનો અર્થ એવો થતો કે જમતાં પહેલાં ડાયાબિટીસની ગોળી લેવી.) જમ્યા બાદ પણ એ એવું કહેતાં, ‘હવે હું જરા મુખવાસ લઈ લઉં.’ (જેનો અર્થ થતો બ્લડપ્રેશરની ગોળી) પણ બોલવામાં આટલી સહજતા, દરેક જણને થતું કે આ વાત વીરબાળાબહેન પાસેથી શીખવા જેવી જ છે. દવા લેવાની જ છે તો એ હસીને લેવાની કે મોં બગાડીને લેવી એ તમારા હાથમાં છે.

પરંતુ થોડાં વર્ષો પહેલાં રાત્રે એક વાર પથારીમાંથી ઊઠવા ગયાં અને પડી ગયાં. ઉંમરને કારણે પડતાંની સાથે જ હાથમાં ઈજા થઈ અને દવાખાને દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે હાથમાં સળિયો નાંખવો પડશે. નજીકમાં રહેતો એમનો દીકરો આવી ગયો હતો. સાથે વહુ પણ આવી. સગાંવહાલાંને ફોન કરી મમ્મી પડી ગયાના સમાચાર પણ આપી દીધા. વીરબાળાની બંને દીકરીઓ પણ આવી ગઈ. પરંતુ નવીનભાઈએ કહ્યું, ‘કોઈએ કંઈ તકલીફ લેવાની જરૂર નથી. જે થવાનું હતું તે થઈને જ રહે છે.’ ત્યારબાદ અમેરિકા રહેતા દીકરાનો પણ ફોન આવી ગયો કે, ‘પપ્પા તમે પૈસાની ચિંતા ના કરતા. હું તો મારી મમ્મીની સેવા કરવા આવી શકું એમ નથી પણ તમે કોઈ બાબતની ચિંતા ના કરતા. મોટા ભાઈ-ભાભી શારીરિક રીતે સેવા કરી શકે એમ છે જ્યારે હું માત્ર આર્થિક રીતે જ સેવા કરી શકું એમ છું.’

પરંતુ નવીનભાઈનો જવાબ હતો, ‘તેં આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું. મને ખબર છે કે તારા શબ્દેશબ્દમાં લાગણી છલકાઈ રહી છે અને અમારે લાગણીના થોડા શબ્દો સિવાય બીજું શું જોઈએ ? તું અને તારી પત્ની ત્યાં ચિંતા રહિત થઈને રહો. અહીં તો બધા જ છે જે તને તારી મમ્મીની તબિયત વિશે સમાચાર આપતા રહેશે.’

નવીનભાઈની મોટી પુત્રવધૂ કે જેણે બધાને ફોન પર લાગણીસભર અવાજે નાટ્યાત્મક રીતે કહેલું કે, ‘મને મમ્મીની ઘણી ચિંતા થાય છે.’ બધા સગાંઓ વારાફરતી આવતાં અને મોટી પુત્રવધૂ બધાંને કહેતી, ‘અમે તો મમ્મીની ઘણી ચિંતા કરીએ છીએ.’ જોનાર અને સાંભળનારને થતું કે આ પતિ-પત્નીએ કેટકેટલાં પુણ્ય કર્યાં હશે ત્યારે આવી પુત્રવધૂ મળી.

શાંભવીની વાતોથી નવીનભાઈ પ્રભાવિત તો બિલકુલ થયા ન હતા. તેઓ એ પણ સમજતા હતા કે આ બહાને શાંભવી દવાખાનામાં આરામ કરશે અને તૈયાર થાળી ખેંચી, લાગણી હોવાનો દંભ કરશે. પરંતુ ચૂપચાપ રહેવું નવીનભાઈના સ્વભાવમાં હતું અને આમ પણ સજ્જન માણસ પોતાની સજ્જનતા છોડતા નથી. બંને દીકરીઓ એ જ શહેરમાં રહેતી હોવાથી અવારનવાર આવતી, ક્યારેક કહેતી, ‘ભાભી, તમે ઘરે જાવ. અમે અહીં થોડી વાર બેસીશું.’ પરંતુ શાંભવી કહેતી, ‘આ કંઈ તમારી જવાબદારી નથી. આ જવાબદારી સંપૂર્ણપણે અમારી જ છે.’

નવીનભાઈને કહેવાનું મન થતું કે અહીં એની દેખરેખ રાખનાર નર્સો છે તે ઉપરાંત એમણે એક બાઈ પણ રાખી લીધી હતી. ખરેખર તો એની કોઈ જ જરૂર નથી. પરંતુ સમાજમાં દીકરા કે તેની પત્નીનું ખરાબ ના દેખાય તેથી ચૂપ રહેતા. એ શાંભવીના સ્વભાવથી સંપૂર્ણપણે પરિચિત હતા તેથી જ કહેતા, ‘દીકરા, તું અને તારી પત્ની તથા તારી બંને દીકરીઓ નજીકમાં જ રહો છો તેથી આવતાં જતાં રહેજો. આમ પણ થોડાંક દૂર રહેવાથી પ્રેમ વધુ ગાઢ બને.’ જોકે નવીનભાઈએ વ્યવસ્થિત રીતે કહી દીધેલું કે, ‘નિવૃત્તિ પછી પણ હું આ શહેરમાં આવીશ તો તારી સાથે નહીં રહું.’

વીરબાળાબહેન પણ કહેતાં, ‘આપણા સમાજમાં સાસુ એટલે વગોવાયેલું પાત્ર. મારે એવું પાત્ર બનવું નથી. આમ પણ હું શાંભવીના સ્વભાવથી પરિચિત છું. નાની વહુ સંસ્કારી છે ત્યારે એ ભારત બહાર જઈને વસી છે. આપણે બંને સુખેદુઃખે સાથે જ રહીશું.’

સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ એમને ઘણું પેન્શન આવતું હતું. એ કંઈ દીકરાની કમાણીના મોહતાજ ન હતા. પરંતુ એ દીકરાનો પ્રેમ સમજી ના શકે એટલા અબુધ પણ ન હતા.

વીરબાળાબહેન ઘેર આવ્યાં ત્યારે એમનું માથું ઓળવા તથા તેમને સ્નાન કરાવવા માટે બાઈ રાખી જ લીધી હતી. આવનાર વ્યક્તિ કહેતી પણ ખરી, ‘શાંભવી નથી કે તમારે બાઈ રાખવી પડે ? તમે દવાખાનેથી ઘેર આવ્યાં ત્યારે એ સવાર-સાંજ માત્ર જમવાના સમયે આવે છે. સાંજે મહેમાનો સાથે ડાહીડાહી લાગણીસભર વાતો કરે છે. પરંતુ એ તમારું શું કરે છે ?’

ત્યારે વીરબાળાબહેન હસીને કહેતાં, ‘અરે, શાંભવી છે તો લાગણીથી આવે છે ને ? અમે તો બહુ જ સુખી છીએ. જુઓને એમને પેન્શન આવે છે. ભગવાને બે દીકરા ને બે દીકરીઓ આપી છે. એ લોકો પણ એમના ઘેર સુખી છે. અમારી પાસે પૈસો છે તો અમે માણસ રાખીને કામ કરાવી શકીએ છીએ. મારી શાંભવી એકલા હાથે આટલું બધું કરે તો થાકી ના જાય ?’

સગાંવહાલાંમાં પછી તો વાતો પણ થવા માંડી કે શાંભવી તો બધું કરવા તૈયાર છે પણ એનાં સાસુ એની દયા ખાય છે કે શાંભવી થાકી જાય. સાસુ વહુ છે પણ પ્રેમ તો જુઓ મા-દીકરી જેવો. ખરેખર વીરબાળાબહેન કહે છે, ‘મારી પાસે બધું જ છે.’ આ વાત કેટલી સાચી ?

શાંભવી પણ સાસુના મુખેથી થયેલી વાતો સાંભળતી. ધીરે ધીરે એને એની ભૂલ સમજાતી ગઈ. નવીનભાઈ તો ક્યારેક પત્નીને કહેતા પણ ખરા, ‘હું ધારું છું કે તું મૂરખ નથી, તું શાંભવીની બદમાશી જાણવા છતાં પણ એનાં વખાણ શા માટે કરે છે ? તું વખાણ કરવાને બદલે ચૂપ તો રહી શકે ને ?’

પરંતુ વીરબાળાબહેન કહેતાં, ‘જુઓ, લોકો જ્યાં છિદ્ર જુએ એને પૂરવાની કોશિશ કરવાને બદલે છિદ્રને મોટું કરે. આ વાત હું નથી ઈચ્છતી. આપણું સુખ બધા સાથે વહેચવું. પણ આપણા દુઃખની વાત ક્યારેય કોઈ જોડે ના કરવી અને આપણો દીકરો એ આપણું લોહી છે એની વિરુદ્ધ બોલીને આપણને શું મળવાનું છે ? આપણા દીકરાને શાંભવી ગમે છે, આપણને આપણો દીકરો ગમે છે માટે આપણે શાંભવીને ગમાડવી જ જોઈએ.’

આ બધી વાતો શાંભવી સાંભળી ગઈ હતી. તેથી તો તેના વહેવારમાં પરિવર્તન આવતું હતું. સૌપ્રથમ રાંધનારી બાઈને રસોઈ છોડાવતાં બોલી, ‘આજથી મમ્મીને જે ખાવું હશે એ હું જ બનાવીશ !’ ધીરે ધીરે શાંભવી સાસુનાં કપડાં પણ બદલાવતી. એમનો હાથ પકડી બાથરૂમમાં પણ લઈ જતી. એનું આવું પરિવર્તન જોઈ વીરબાળાબહેને એમના પતિને કહ્યું, ‘જોયું… મારી પાસે બધું જ છે…’ ત્યારે પતિ-પત્ની બંનેની આંખોમાં સંતોષ હતો.

સંપર્ક :
સી-૧૦૨, હરિભાઈ શરણમ્‍ ફ્લૅટ્‍સ, વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ, વડોદરા-૨૫
ફોન : ૦૨૬૫-૨૫૮૨૨૧૮


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ કાવ્યો – ચિંતન આચાર્ય
વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’ Next »   

10 પ્રતિભાવો : બધું જ છે… – નયના શાહ

 1. સંગીતા ચાવડા says:

  બહુ સરસ વાત કરી નયનાબેન સારા વર્તન થી અને પોઝિટિવ ઐટીટ્યૂડથી બધું
  શક્ય છે

 2. નિકુલ એચ ઠાકર says:

  સુંદર વાર્તા. અહી વિરબાળાબેનનું કાલ્પનીકપાત્ર વાસ્તવિક જીવનમાટે પ્રેરણારૂપ બની જાય છે.ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ સમાન આ પાત્રનું સુંદર નિરૂપણ વાર્તાનું હાર્દ બની જાય છે.
  આભાર

 3. Rekha Shukla says:

  આપણા દીકરાને શાંભવી ગમે છે, આપણને આપણો દીકરો ગમે છે માટે આપણે શાંભવીને ગમાડવી જ જોઈએ.’
  સુંદર સહનશીલ પાત્ર ની વાર્તા ઘણી ગમી.

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નયનાબેન,
  સાચે જ સહનશીલતા અને સાચી સમજ હોય તો કુટુંબો તૂટતાં બચે છે અને એકાદું પાત્ર અનુકૂળ ન હોય તો તે પણ સાનુકૂળ થઈ જતું હોય છે. વીરબાળાની સમજ અને સહનશીલતાને સલામ !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 5. Ami Patel says:

  Overall good story. But I don’t understand that if parents can afford money to buy help then why not?

  Buying help does not put daughter in law in bad place, she has her life to live as well with her own set of responsibilities….

  She comes and live with u and help where ever she shd be good enough, she has desire to go out and earn like other daughter in law in US as well

 6. Arvind Patel says:

  ખુબ જ સુંદર વાર્તા છે. જો માણસ તેના જીવનમાં થી વીરબાળા બહેનની જેમ બે વસ્તુની બાદબાકી કરી નાખે , અપેક્ષા અને ફરિયાદ. તો તેવી વ્યક્તિ દુનિયાની સુખી વ્યક્તિ બની શકે. અજમાવી તો જુઓ. સંબંધો બધાય સારા જ હોય છે. આપણે વધુ પડતી અપેક્ષા રાખીને સંબંધ બગડી નાખી એ છીએ. ત્યાર બાદ ફરિયાદ કરીએ છીએ. જો અપેક્ષા જ ના રાખો તો ફરિયાદને બિલકુલ જગ્યા જ નથી. કહેવાય છે ને કયો માણસ સુખી, જેની પાસે ખુબ છે, કે જેની જરૂરિયાતો ઓછી છે !! ખુબ વિચારવા જેવી વાત છે. આ વાર્તા જીવનમાં ઉતારવા જેવી છે.

 7. Hansa jetly says:

  સાચે જ સુન્દર વાર્તા.પ્રેમ અને સારપ સાચેી સમજથેી સર્જાય તો સુખ અનુભવાય્.

 8. Mamtora Raxa says:

  ખૂબ જ સરસ વાર્તા, આજની દરેક સાસુ વિરબાળા બહેનની જેમ વહુને દિકરી સમાન ગણી તેની સાથે પ્રેમપૂર્વક વર્તન કરે તો કેટલાય ઘરોમા આનંદ અને ખુશીનુ મોજુ કાયમ માટે બની રહે,.આભાર.

 9. Nazir sheikh says:

  Very good story

 10. Nausad Sheikh says:

  આવિ ખુબસરસ અને ઉમદા વિચારો આપવા બદ્લ લેખક ને ખુબ ખુબ અભિુનદન, ખુબ સમજ નિ વાત કહિ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.