વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’

(પરિણામનો પવન અત્યારે ફૂંકાય ચૂક્યો છે. અમુક વિદ્યાશાખાના પરિણામો આવી ગયા છે અને બાકી રહેલા પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. આવા સમયે ઘણા પરિવારોમાં ખુશીનો માહોલ હશે તો ઘણી જગ્યાએ દુઃખના વાદળો ઘેરાશે. આ સમયગાળો માતા-પિતા અને વિદ્યાર્થી માટે ખરેખરી કસોટીનો છે. પ્રસ્તુત પત્રમાં એક વિદ્યાર્થીએ પરિણામ માટે ચાતક બનેલા વાલીઓને એક નમ્ર અરજ કરી છે. આ પત્ર રીડ ગુજરાતીને પાઠવવા બદલ શ્રી કૃણાલ રાજપૂત ‘હમરાઝ’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો 8866022858 અથવા krunalkasela@gmail.com પર સંપર્ક કરી શકો છો. તેમની કલમને ખૂબ ખૂબ શુભકામનાઓ)

પ્રિય
માતા-પિતા,

પરીક્ષાઓનો સમયગાળો વીતી ગયો છે અને હવે તમે તમારા બાળકોના પરિણામને લઈને ચિંતાતુર હશો. દિવસો આંગળીના વેઠે ગણાવા માંડ્યા હશે અને ભવિષ્યના અનેક વિચારોમાં આપ સૌ ગરકાવ થઈ ગયા હશો.

પણ કૃપા કરીને એટલું યાદ રાખો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સંમેલિત થયા હતા એમાં કેટલાયે કલાકાર પણ છે જેમને માટે ગણિત કે વિજ્ઞાનમાં પારંગત હોવું જરૂરી નથી. એમની કલાનો કસબ ગણિતના આંકડાઓ અને વિજ્ઞાનના પ્રયોગોમાં અટવાય ન જાય એ જોવાની જવાબદારી તમારી છે.

આમાં અનેક એવા ઉદ્યમી વિદ્યાર્થીઓ પણ છે જેમને ઈતિહાસ કે અંગ્રેજી સાહિત્ય ઘણું અઘરું લાગતું હોય, પરંતુ તેઓ આગળ જતાં ઈતિહાસ બદલી નાખશે અથવા પોતાની આગવી તવારીખ આ દુનિયા સમક્ષ મૂકી શકશે.

આમાં ઘણાયે મોટા સંગીતકાર પણ છે જેમને રસાયણશાસ્ત્રનાં ગુણોથી કોઈ જ લેવાદેવા નથી. તેમના આગવા સૂરો બીજાના મસ્તિષ્ક અને હૃદયમાં આગવા રસાયણો ઉત્પન્ન કરવા શક્તિમાન હોય જ છે. તેમના સૂરો આ શાસ્ત્રમાં ડૂબી જાય એ પહેલા એને બહાર લાવવા મથજો.

આમાં ઘણા બધા ટોચના ખેલાડીઓ પણ છે જેમના માટે ફિઝીકલ ફીટનેસનો ગ્રાફ ફિઝીક્સનાં અંકોથી વધારે મહત્વપૂર્ણ છે.

જો આપનું બાળક સારા ગુણાંકથી પાસ થાય છે તો એ ઘણી સારી બાબત છે. પણ જો તેઓ એમ નથી કરી શકતા તો મહેરબાની કરીને એમનો આત્મવિશ્વાસ ન છીનવો.

એને એ સમજાવો કે આ માત્ર ને માત્ર એક પરીક્ષા છે, એનાથી વધું કાંઈ જ નથી. અને આ પરીક્ષા એ કંઈ જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ. એ જીવનમાં આનાથીયે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બન્યો છે.

એ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે એણે કેટલા ગુણાંક મેળવ્યાં છે. તે કઈ રીતે દુનિયામાં જીવે છે અને આગળ વધી સુખ અને સમૃદ્ધિ મેળવે છે એ મહત્વનું છે.

એમને પ્રેમ અને હૂંફ આપો, ક્યારેય તમે તમારો ફેંસલો ન જણાવી દો. નિર્ણય સંભળાવવાનો અધિકાર ન્યાયાધીશને હોય છે અને મા-બાપ એ બાળકના સલાહકાર છે, આદર્શ છે. તેને જે દિશામાં જવું છે તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરો. ખોટો રસ્તો હોય તો પ્રેમથી સમજાવી બાળકને પાછું વાળો પણ જબરજસ્તી કોઈ ક્ષેત્રમાં ન ધકેલો.

જો તમે એને ખુશમિજાજી બનાવશો તો એ જે કંઈ પણ બનશે તો એનું જીવન સફળ થશે. પણ જો એ ખુશ-મિજાજી નથી તો એ કંઈ પણ બનીતો જશે તો પણ સફળ ક્યારેય નઈ થઈ શકે.

બસ એક વાર એક જ વાર આટલું કરીને જુઓ, તમારું બાળક આખી દુનિયા જીતવા માટે સક્ષમ છે.

એક પરીક્ષા જ કે એક 90% ની માર્કશીટ જ આપના બાળકનું ભવિષ્ય નથી. એ પરિણામપત્રકની બહાર પણ તેનું આગવું ભાવવિશ્વ ધબકતું હોય છે. A ગ્રેડ હોય કે E ગ્રેડ, માત્ર એક પરીક્ષા તમારા બાળકના ભવિષ્યનો આધારસ્તંભ નથી એ વાત સમજો અને તેને પણ સમજાવો.

બસ આટલું જ યાદ રાખજો.

અને આપની યાદ રાખેલી માત્ર આટલી નાની વાત કદાચ એક બાળકનું જીવન બચાવી શકશે.

લિ
એક વિદ્યાર્થી ‘હમરાઝ’

Leave a Reply to Mahavirsinh Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.