આપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર

(‘નમસ્કાર’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી)

ક્યારેક આપણા મનમાં ફોગટનો અહંકાર જન્મે છે. હું મારા સતત પ્રયત્નોના કારણે જ સફળ થઈ શક્યો… હું ન હોત તો આ શક્ય જ ન બનત… મારી ઓળખાણ જ કામ લાગી ગઈ… વાત સાચી. મનુષ્યનો પ્રયત્ન, પુરુષાર્થ, પ્રતિભા મોટી મોટી સફળતા અપાવે છે, પણ શું એમાં એના એકલાનો જ પ્રયત્ન હોય છે ? જરા ઝીણવટથી વિચારીશું તો સમજાશે કે કોઈપણ સફળતાની પાછળ અનેક લોકોનો સહયોગ રહેલો હોય છે.

એક વિદ્યાર્થી ૯૦% માર્ક્‍સ મેળવી શક્યો. એમાં એની પોતાની પ્રતિભા અને પુરુષાર્થ જરૂર હશે, પણ એની પાછળ શું કોઈની પ્રેરણા નહીં હોય ? શું માતાનું છલકાતું માતૃત્વ એને ભણાવવામાં રેલાયું નહીં હોય ? એ વહેલી સવારે ચાર વાગે વાંચવા ઊઠ્યો હશે ત્યારે માએ વહાલથી ચ્‍હા નહીં બનાવી હોય ? શું પિતાની ચીવટ, ચિંતા અને શિક્ષકનું માર્ગદર્શન એની પાછળ કારણભૂત નહીં હોય ?

ગૌરવનો અધિકારી માત્ર વિદ્યાર્થી નહીં, એની પાછળનો પ્રત્યેક હાથ અને સાથ ગૌરવનો અધિકારી છે.

એક વ્યક્તિ મહાન વૈજ્ઞાનિક બને છે. હોઈ શકે એની આગવી પ્રતિભા, પણ કોઈક તો હશે એનું પ્રેરણાબિન્દુ ! કોઈક શિક્ષકે તો એને સાચા દિલથી ભણાવ્યો હશે ! કોઈકે તો એને આવિષ્કારની દ્રષ્ટિ જરૂર આપે હશે ! એણે વૈજ્ઞાનિક બનવાનું ગૌરવ લેવું હશે તો પહેલાં અનેકને યાદ કરવા પડશે. અનેકનું ઋણ સ્વીકારવું પડશે. એમ નહીં કરે તો એ ગૌરવ નહીં અહંકાર છે… નકામો અહંકાર !

કોઈ પણ વ્યક્તિ લો. એના વિકાસક્રમની પાછળ સેંકડો હજારો લોકોનો સહયોગ હશે. જાણ્યે-અજાણ્યે અનેક પરિબળોની સહાયથી વ્યક્તિ બળવાન બને છે. સીડીનું એક પગથિયું ચડતો ચડતો એ પહેલે માળે જાય છે.

દરેક વ્યક્તિ આ પ્રકારે સમાજનો ઋણી છે. સમાજ એને ઘણું આપે છે, પણ ભોગ-ઉપભોગની નબળી ક્ષણોમાં એ બધું ભૂલી જાય છે. જરા લપસણી ધરતી પર પગ મૂક્યો નથી કે એ લપસ્યો નથી.

જે વ્યક્તિ પોતાના વિકાસ માટે સમગ્ર સમાજને હરપળે યાદ રાખે છે તે સાચા અર્થમાં સમાજનો ઘટક છે. સમાજના ઋણમાંથી ગમે તેટલું મથીએ તોય મુક્ત થઈ શકાય નહીં એટલું બધું એ આપે છે. છતાં દરેકે ઋણમુક્ત થવાનો પ્રમાણિક પ્રયત્ન તો કરવો જ જોઈએ. કેટલાક લોકો પોતાની આગવી સમજથી આવો પ્રયત્ન કરે છે… તો કેટલાકને કોઈ જ્ઞાનીજનના જ્ઞાનનું અવલંબન મળે છે… કોઈક દિશા બંધ કરનારું પણ મળી આવે છે.

થોડા સમય પૂર્વે બનેલી ઘટના છે.

પાકિસ્તાનથી કચ્છમાં નાસી આવેલા નિવાસિતોની વહારે ધાવા પૂજ્યશ્રીએ વ્યાખ્યાનસભામાં દર્દભરી અપીલ કરી અને વીસ જ મિનિટમાં લગભગ ચાલીસ હજાર રૂપિયાનો ફાળો થયો. બહેનો ટપોટપ પોતાના ઘરેણાં ઉતારવા લાગી. સો ઉપર સંખ્યા પહોંચી ગઈ.

વ્યાખ્યાનસભામાં એક ખૂણે ગરીબ મા-દીકરી બેઠાં હતાં. આ અપીલ સાંભળીને એમનાંય હૈયા દ્રવી ઊઠ્યાં… પણ શું દેવું ? એ વખતે એમના જીવનના સર્વસ્વ સમી વીસ રૂપિયાની એક નાનકડી રીંગ દીકરીની આંગળીએ માતાએ જોઈ. ‘બેટા બોલ, આ રીંગ દઈ દેશું ?’ માતાએ પૂછ્યું.

‘બા, આવે વખતે પૂછવાનું શું ?’ એમ કહીને દીકરીએ રીંગ કાઢવા મહેનત કરી… પણ અફસોસ ! કેમેય કરીને રીંગ ન નીકળી.

મા બોલી ઊઠી… ‘આપણે અભાગિયાં ! બધી વાતે અભાગિયાં ! આવા સમયે આપણને આ લાભ નહીં મળે શું ?’ મા-દીકરી બેય રડી પડ્યાં !

આજુબાજુ બેઠેલા બહેનો તરત મદદે આવ્યાં. થોડી વધુ મહેનત કરતાં રીંગ નીકળી ગઈ. રીંગ ઝટ પહોંચાડવામાં આવી.

મા અને દીકરીની ચારેય આંખોમાંથી દડ દડ કરતાં હર્ષનાં આંસુ…

કોઈ કરોડપતિના દસ લાખ રૂપિયાના અનુકંપાના દાન કરતાંય આ દાન ચડિયાતું છે.

સમાજઋણમાંથી મુક્ત થવાનો કેવો સુંદર અભિગમ !

માણસની પ્રગતિનું પૂર્ણ રહસ્ય તેની પારસ્પરિક સહકારની ભાવનામાં રહેલું છે. વિખરાયેલાં તણખલાંથી દોરડું ન બનાવી શકાય. વિખરાયેલાં પીંછાથી સાવરણી ન બને. ઈંટો જુદી જુદી રીતે રહે તો ઘર કેવી રીતે બને ? દોરાની અંદર મોતી એકસાથે મળવાથી હાર બને છે. સૈનિકોનો સમૂહ શત્રુ ઉપર વિજય મેળવે છે. માણસના સહકારસભર સ્વભાવને કારણે જ કુટુંબનામની સ્વર્ગ સમાન સંરચના થયેલી છે.

એકાકી પ્રયત્નોથી સંસારનો કોઈપણ માનવી આગળ વધી શકતો નથી… કારણ કે સફળતાનું રહસ્ય હળીમળીને કામ કરવામાં રહેલું છે. સમાજનું અવલંબન કોઈના પણ માટે અનિવાર્ય છે.

એક વાર બળ, સંકલ્પ અને વિવેક આપસમાં લડી પડ્યાં કે સફળતા માટે મુખ્ય જરૂરી કોણ ?

નિર્ણય માટે તેઓ પ્રજાપતિ પાસે પહોંચ્યા. તેમણે ફેંસલો કરતાં પહેલાં પ્રમાણ બતાવવાનું નક્કી કર્યું. ત્રણેયે સામાન્ય માણસો જેવો વેશ ધારણ કરી લીધો.

એક બાઃઅક રમતું હતું. પ્રજાપતિએ વાંકી ખીલી અને હથોડો તેના હાથમાં આપી દીધાં અને કહ્યું, ‘બેટા ! આ સીધી કરી દે. પેટ ભરીને મીઠાઈ ખવડાવીશ.’

બાળકે હા કહી. પણ હથોડો ભારે હતો ને ખીલી બહુ વાંકી ! તેણે હિંમત મૂકી દીધી ને કહ્યું, ‘મારા હાથમાં એટલું જોર નથી કે હું હથોડો ઉપાડી શકું.’

એક કારીગર સૂતો હતો. પ્રજાપતિએ સૂતેલાને જગાડી કહ્યું, ‘આ ખીલી સીધી કરી આપ. પાંચ રૂપિયા મળશે.’ રૂપિયાની વાત સાંભળી પાસું બદલ્યો, ઊઠ્યો અને હથોડો હાથમાં પણ લીધો… પણ એટલી બધી ઊંઘ આવતી હતી કે કામ ન બની શક્યું. ઝોકું આવી ગયું, ખીલી-હથોડો બાજુમાં જ પડી રહ્યાં.

આગળ જતાં એક બુદ્ધિમાન એન્જિનિયર પાસે પહોંચ્યા. ખીલી સીધી કરવા માટે પચાસ રૂપિયા આપવા કહ્યું. એન્જિનિયર માંદો હતો. કેટલીક મુશ્કેલીઓથી અકળાયેલો અને વ્યગ્ર હતો. એણે માથું હલાવી ઘસીને ના પાડી દીધી.

બીજે જવાનો વિચાર છોડીને પ્રજાપતિએ કહ્યું, ‘આપ ત્રણેના મળવાથી જ સફળતા મળશે. એકલા રહેવાથી તમે ત્રણે અસફળ રહેશો.’

સમાજના ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય એક જ… આપણી દરેક સફળતાનો યશ સમાજને આપવો… સમાજને દેવ માનવો.

સમાજ થકી આપણે છીએ. આપણા થકી સમાજ નહીં એ લાગણી મનમાં સ્પષ્ટ કરવી. સમાજ વિશાળ મહાસાગર છે, આપણે તો એક માત્ર બુંદ… એ વાત સારી રીતે સમજવી અને તો જ સમાજઋણમાંથી મુક્ત થવાની નિતનવી દિશાઓ ઊઘડશે !

(આ સામયિકના તંત્રી કિશોર મકવાણા છે; namaskar.advt@gmail.com, 079-26564734)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’
મૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ…. Next »   

5 પ્રતિભાવો : આપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  તથાગતભાઈ,
  આપણા ફોગટના અહંકારની — ” હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે ! ” વાળી સમજ આપતો આપનો લેખ ગમ્યો. દરેક વ્યક્તિની સઘળી સફળતા પાછળ કોઈને કોઈનો ફાળો જરૂર હોય છે જ.
  … પરંતુ, આપનું વાંકી ખીલી અને હથોડાવાળું દૃષ્ટાંત સ્પષ્ટતા કરતું હોય તેમ જણાતું નથી. તેમાં બળ, સંકલ્પ અને વિવેકની વાત કેવી રીતે સમજાય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. સરસ લેખ્ અહીં રિબ્લોગ કર્યો…
  https://gadyasoor.wordpress.com/2016/05/24/ego-3/

 3. Arvind Patel says:

  જો કુદરતને સમજીશું તો આપણો અહંકાર જતો રહેશે. એક વૃક્ષ જમીન ઉપર ઉભું છે, તે ફળ આપે છે અને છાંયો આપેછે. આ પ્રક્રિયામાં હવા, પાણી, સૂર્યનો તાપ, વરસાદ, મૌસમ વગેરે બધાય નો ફાળો છે. વૃક્ષ ને અભિમાન નથી કે તે ફળ આપે છે. આમ જો કુદરતને સમજીશું તો ક્યારેય પોતે કાર્યનું અભિમાન થશે નહિ.

 4. મનસુખલાલ ગાંધી says:

  બહુ સુંદર સંદેશ છે.

 5. pjpandya says:

  બહુ સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.