મૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ….

Mrugesh Shahતારીખ ૫મી જૂન ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લઈને ગુજરાતી સાહિત્યને કદી ન પૂરાય એવી ખોટ મૂકી જનાર મૃગેશભાઈના અવસાનને આજે બે વર્ષ થઈ ગયા. કદાચ ઈશ્વરને પણ ગુજરાતી સાહિત્ય ‘રીડ’ કરવા એક અદના નિષ્ઠાવાન અને સમર્પિત ભાવકની જરૂર હશે કે તેમણે મૃગેશભાઈને સાવ જ કાચી ઉંંમરે બોલાવી લીધા. આજે બે વર્ષ પછી ઓનલાઈન સાહિત્ય વિશ્વમાં તેમની ખોટ સહેજે પૂરી શકાઈ નથી, ઉલટું એ વધુ તીવ્ર બની છે એ બાબત તેમના સમર્પણ, સાહિત્ય પ્રત્યેના તેમના પ્રેમ, સાહિત્યકારો અને મિત્રો સાથે તેમના સરળ વ્યવહાર અને નિષ્ઠાનું સ્પષ્ટ પ્રમાણ છે. અમારી આવડત અને ક્ષમતા મુજબ રીડગુજરાતી તેમની સમર્પણભાવના અને ઇચ્છાને લઈને સતત તેમના ધ્યેયને પહોંચવાનો પ્રયત્ન કરતી રહેશે..

આજે પણ જ્યારે વડીલ સાહિત્યકારો, નવોદિત લેખકમિત્રો કે રીડગુજરાતીએ જેમને પ્રથમ મંચ આપ્યો હતો એવા હવે પ્રસ્થાપિત થઈ રહેલા લેખકમિત્રોના ફોન આવે અને તેમની સાથે સંપર્ક થાય તો સૌપ્રથમ તેઓ મૃગેશભાઈને યાદ કરવાનું, તેમના ઉત્સાહ અને જોમને બિરદાવવાનું ચૂકતા નથી. રીડગુજરાતી અને આપણી માતૃભાષા માટેના મૃગેશભાઈના પ્રેમને આપણે કોઈ કદી ભૂલી શકીએ તેમ નથી. મૃગેશભાઈના મિત્ર હોવું, તેમના સાન્નિધ્યનો અને એ સહજ વાર્તાલાપનો, એ મનભરીને માણેલી ગોષ્ઠીઓનો અને પાણીપૂરીના એ ખૂમચાઓ પરની અમારી મજાની યાદ મારા માટે ગર્વની બાબત છે, તેમ સર્વે સર્જકો અને વાચકોને માટે પણ મૃગેશભાઈ સાથેનો તેમનો સંંપર્ક તેમના માટે એક સ્નેહભીનું અને યાદગાર સંભારણું છે તેની પ્રતીતિ એ મિત્રોની વાત સદાય તાજી કરાવે છે.

મૃગેશભાઈ પ્રવાસપ્રિય માણસ હતા. તેમના અનેક પ્રવાસોની વાતો તેમણે રીડગુજરાતી પર મૂકેલી, તેમના અંતિમ સમય પહેલા પણ તેઓ અંબાજી માતાના દર્શને ગયેલા.. આજે તેમની દ્વિતિય પુણ્યતિથિએ રીડગુજરાતી પર તેમના મનપસંદ પ્રકારની સ્પર્ધાની જાહેરાત કરતા આનંદ થાય છે.. શીર્ષક છે

‘મારા પ્રવાસના સંભારણાં’

ત્રણ હજાર શબ્દોની મર્યાદામાં વાચકમિત્રો આ સ્પર્ધામાં ભાગ લઈ શક્શે. વધુ વિગતો આવતીકાલે..

મૃગેશભાઈ, દોસ્ત… આશા છે જ્યાંથી પણ વાંચતા હશો, આ ગોઠવણ તમને ગમશે જ! આપણો ગીરનો પ્રવાસ એ વાતની સાક્ષી છે..

જ્યાં જ્યાં વંચાય રીડગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત…

‘કૃષ્ણં શરણં ગચ્છામી..’

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “મૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ….”

Copy Protected by Chetan's WP-Copyprotect.