વેશપલટો – રાજેશ અંતાણી

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

વરસાદ રોકાઈ ગયો.

અનરાધાર વરસતો વરસાદ બંધ થઈ જતાં અચાનક બધું થંભી ગયું. ઝીણા ઝીણા છાંટા તો પડે છે. રસ્તા પર છાંટાના પરપોટા તરતા દેખાયા.

અમિત આજે ઑફિસથી વહેલો છૂટી ગયો છે.

પણ ઘેર જવાની ઈચ્છા થતી ન હતી.

ઑફિસમાંથી બહાર આવ્યો અને વરસાદ શરૂ થયો. અમિત દોડીને ઝાડ નીચે ઊભો રહી ગયો. સામે અનરાધાર વરસતા વરસાદને જોવા લાગ્યો. હવે અત્યારે તો વરસાદ રોકાઈ ગયો છે. એ બસસ્ટૉપ સુધી પહોંચીને ઘેર જવા નીકળી શકે. અમિતનું મન ઘેર જવા માટે તૈયાર થતું નથી. એ ઝાડ નીચે ઊભો રહ્યો. રસ્તા પર સરકતા પરપોટાને જોવા લાગ્યો.

અમિતને સીમા યાદ આવી.

સીમા અત્યારે શું કરતી હશે ? બાલ્કનીમાં ઊભીને વરસાદ જોતી હશે. સામેના મકાનની નળિયાંવાળી છત પર બેઠેલાં ભીંજાયેલાં કબૂતરના ટોળાંને જોતી હશે… સીમા મમ્મી સાથે ડાઇનિંગ ટેબલ પર ચા પીતી હશે – પપ્પા ઝૂલતી ખુરશી પર બેસીને ચા પી લીધા પછી કશુંક વાંચતા હશે – વરસતા વરસાદનો અવાજ ધીરે ધીરે ઘરમાં દેખાતો હશે…

પણ એ શક્ય હશે ?

ઘરમાં શાંતિ હશે ?

વરસાદની સુગંધ પસાર થઈ જાય એવી શાંતિ… અમિતની આંખોમાં, ઘરનું વાતાવરણ – ઘરમાંથી ઊઠતી ભેજલ ગંધ અને મમ્મી સાથે કે પછી કોઈક અન્ય સાથે ઝઘડો કરીને સીમા…

અમિત અંદરથી અકળામણ અનુભવવા લાગ્યો. એ પોતે અત્યારે આ ક્ષણે વિચારી રહ્યો છે એવું કદાચ આજે ન પણ બન્યું હોય – રોજ તો એવું કશું બનતું હોતું નથી ને…

સીમાનો ચહેરો ફરી જાય.

આંખોનો ભાવ ફરી જાય.

સીમાની આંખોમાં અચાનક કોઈક ચિંતા-સ્ટ્રેસ પથરાઈ જાય. પછી ચિડાઈ જાય. કોઈ પણ સાથે ઝઘડો… પછી…

અમિત ઝાડ નીચેથી બહાર આવ્યો.

આજુબાજુ જોયું.

સામે કૉફી-શોપ દેખાઈ.

અમિત રસ્તો ઓળંગીને કૉફી-શોપ તરફ ગયો. અમિત માટે આ જણીતી કૉફી-શોપ હતી. એ અહીં ઘણી વાર આવે છે. એક વાર તો સીમા સાથે પણ…

કૉફી-શોપમાં અત્યારે ભીડ હતી.

અમિતને જગા મળી ગઈ – બારી પાસે.

બારીના કાચમાંથી, કાચ પરથી નીતરતા પાણીના રેલાની આરપાર થંભી ગયેલા વરસાદની ક્ષણો દેખાતી હતી.

સામે કૉફીનો મગ મુકાયો.

ગરમ કૉફીની સપાટી ઉપરથી ઊઠતી વરાળને જોઈ રહ્યો. વર્તુળ લેતી વરાળને જોઈને અમિતને ખુશી થતી હતી. કશુંક મનને ગમે એવું બની રહ્યું હતું.

અમિતે ખિસ્સામાંથી સેલફોન બહાર કાઢ્યો. સેલફોનને ટેબલ પર મૂક્યો. અમિતના મનમાં વિસ્તરતી કોમળ ક્ષણો મુક્ત થવા લાગી. અમિતને થયું લાવ ને, સીમાને ફોન કરું. પૂછું… શું કરે છે અત્યારે? વરસાદ માણે છે? આજે ઑફિસથી વહેલો છૂટી ગયો છું. તું તૈયાર રહેજે – આપણે તારી માનીતી જગા જૂહુ બીચ જશું. દરિયાકિનારે દોડતાં દોડતાં વરસાદમાં ખૂબ ભીંજાશું… જેમ આપણે વરસો પહેલાં… પલળતાં હતાં – તેમ – આપણે સાથે…

અમિતે સેલફોન પરથી હાથ ઊંચકી લીધો.

થયું. આ બધું અત્યારે સીમા-

અમિતે કૉફીની ચુસ્કી લીધી.

પછી એણે વિચારવાનું રોકી લીધું.

એ વિચારતાં રોકાઈ ગયો – થંભી ગયો.

આ અનરાધાર વરસાદની જેમ.

મનની સપાટી પર વરસાદની ભીની આછી વાછંટ અથડાય છે. મન ઘેલું બનીને સીમ સુધી દોડી જાય છે; પણ પછી…

વરસાદની આરપાર – ધીમા વરસાદની આરપાર સીમાનો ચહેરો દેખાય છે… ભાવુક… અંદર ભરેલા પ્રેમ-સરવરથી છલકાતો…

આવું તો અમિતને ઘણી વાર થઈ જાય છે.

પણ કોણ જાણે કેમ બીજી ક્ષણે બધું વિખેરાઈ જાય છે. સીમાનો ચહેરો યાદ આવતાં મન વરસો પહેલાંની ક્ષણોમાં ધકેલાઈ જાય છે. એ બધા સુખદ દિવસો સજીવ થવા લાગે છે… જાણે કે બધું ગઈ કાલે નહિ – પણ આજે અત્યારે બની રહ્યું છે.

ધીમી ધારે વરસતા વરસાદની આરપાર, અમિત વીતી ગયેલા સુખદ દિવસોને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો… સીમાને એણે પહેલી વાર બાલ્કનીમાં કપડાં સૂકવતી જોઈ હતી.

*

અમિત એના ઘરની બાલ્કનીમાં ઊભો હતો. સામે નવું ટાવર ઊભું થયું હતું. ટાવર થઈ ગયા પછી, એમાં ધીરે ધીરે લોકો રહેવા આવવા લાગ્યા હતા. અમિતનું ધ્યાન એક ઘરની બાલ્કની તરફ ગયું હતું – ત્યાં જોયું તો એક છોકરી બાલ્કનીમાં કપડાં સૂકવતી હતી. અમિતે છોકરી પર નજર સ્થિર કરી હતી. છોકરીની નજર અમિત તરફ ખેંચાઈ હતી. છોકરી કપડાં સૂકવતી થંભી ગઈ હતી. કપડાં સૂકવવાનું મૂકીને અંદર ચાલી ગઈ હતી. ત્યારે અમિતને એક કંપનીમાં એકિઝક્યુટિવ જોબ મળી હતી. રસ્તામાં પસાર થતાં એક છોકરી અમિતને મળી હતી. પછી એક વાર અમિતને એ છોકરી ઘર પાસેના નજીકના મોલમાં મળી હતી. છોકરી એની મમ્મી સાથે ઝઘડતાં ઝઘડતાં ચાલતી હતી. ઝઘડતાં અચાનક અમિત તરફ ધ્યાન જતાં, છોકરી રોકાઈ ગઈ હતી. ત્યારે છોકરીની મમ્મી છોકરીને કહેતી હતી કે… ‘સી… મા… સીમા… પ્લીઝ શાંત થા. આટલા બધા લોકો વચ્ચે આપણું ખરાબ લાગે છે.’ અમિત ચમક્યો – સીમા નામ છે – આ કપડાં સૂકવતી છોકરીનું.

પછી તો એકાદ-બે વાર પ્રોવિઝન સ્ટોરમાં – બસની ક્યૂમાં – મુલાકાત થઈ. પરિચય થયો. એ પરિચય પછી ધીરે ધીરે આગળ વધ્યો. ઘરની નજીક ગાર્ડનમાં મળતાં. ખૂણાની બેંચ પર એ લોકો બેસતાં… આવું ઘણા લાંબા સમય સુધી ચાલ્યું પછી – એક વાર ઘેરાતી સાંજે અમિતે સીમાને કહ્યું હતું – ‘સીમા, આપણે આ રીતે ક્યાં સુધી મળતાં રહેશું ? આપણે-’

સીમાએ અમિત સામે ભાવથી જોયું ને કહ્યું – ‘તારા મનમાં જે વાત ચાલે છે એ હું જાણું છું, અમિત… પણ હું એ બાબતે માનસિક રીતે તૈયાર થઈ શકતી નથી… અમારા ઘરના સંયોગો તું કશું જાણતો નથી, અમિત…’

‘સીમા, તું મારી ચિંતા છોડી દે. તું કહે – મન ખોલીને તારી વાત કર.’ અમિતે કહ્યું.

સીમાની આંખો ભીની થઈ ગઈ. એ જરા અમિત તરફ ખસી – પછી કહેવા લાગી… ‘અમિત… અમે ભાવનગરથી અહીં આવ્યા છીએ. મારા પપ્પા બૅન્ક ઑફિસર હતા. અમે અત્યારે આ નવા બનેલા ટાવરમાં રહેવા આવ્યાં – ત્યાં મારા પપ્પાનું ઍકિસડન્ટમાં મૃત્યુ થયું. હું મારા પપ્પાને – પપ્પા મને – અમે એકબીજાને ખૂબ ચાહતાં હતાં. અત્યારે હું અને મારી મમ્મી સાવ એકલાં પડી ગયાં છીએ. – મારું બી.કૉમ. પૂરું થયું – એમ.બી.એ. ફાઇનાન્સ થયું હતું. એક વર્ષ પૂરું થયું – પણ પછી મમ્મીએ એ કરવા ન દીધું. – મારે એક ભાઈ છે – હેમંત. એ અત્યારે યુ.એસ.માં છે. એ તો પપ્પા હતા ત્યારે યુ.એસ. ચાલ્યો ગયો છે એ અમારો ખ્યાલ રાખે છે… અમને પૈસા પણ મોકલે છે. એ ત્યાં સેટલ થયો છે – પરણી ગયો છે – સંતાનો પણ છે. મને એની સાથે બનતું નથી. મારા જીવનમાં મારા પપ્પા ચાલ્યા ગયા પછી એમની ગેરહજરીમાં મને ક્યાંય ગમતું નથી – મને કોઈ સાથે ફાવતું નથી – મમ્મી સાથે પણ નહીં.’ સીમા રડવા લાગી.

અમિતે સીમાનો હાથ પકડી લીધો. સીમા અમિતના સ્પર્શથી ધ્રૂજી ગઈ. ભીની આંખે અમિત તરફ જોયું – અમિતે કહ્યું : ‘પણ સીમા… તને મારી સાથે ફાવશે. તું મારી સાથે લગ્ન કરશે ?’

સીમાની આંખો ઢળી ગઈ.

અમિત અને સીમાનાં લગ્ન થઈ ગયાં.

પછી –

‘હાય… અમિત…!!’

અમિત ચમક્યો. ઉપર જોયું.

‘ન ઓળખ્યો મને ? હું મિલન-‘

‘અરે ! મિલન, તું અહીં…’

‘યેસ- યેસ…!!!’

મિલન સામે બેસી ગયો.

‘ક્યારે આવ્યો – યુ.એસ.થી ?’

‘બસ – પંદર-વીસ દિવસ થયા હશે !’

‘ખરો છે તું… અહીં આવી ગયે – પંદર-વીસ દિવસ… અને છેક આજે મળે છે ? એ પણ કૉફી-શોપમાં – અચાનક ?’

‘ઓહ ! નો- હું દોડાદોડીમાં હતો – યુ.એસ.થી આવીને – હાં – તારો મિલન હવે સાઇકિયાટ્રિસ્ટ છે – યુ.એસ. થી ડિગ્રી લઈને આવ્યો છું. – અહીં અંધેરીમાં ક્લિનિક શરૂ કર્યું છે – પેશન્ટ પણ મળવા લાગ્યા છે. ઓ.કે. તું તારી વાત કહે – ઘરમાં બધાં કેમ છે ? અરે હા ! સૉરી યાર – તારાં લગ્ન વખતે મારે યુ.એસ. જવાનું થયું. આપણે ફોન પર જ મળ્યા હતા. તને કૉન્ગ્રેટ કરવાનું ભૂલી ગયો. ઓહ ! યા… મારાં ભાભી…!’

‘સીમા.’

‘વાહ ! ગુડ નેમ… પણ સમથિંગ રોંગ વિથ – યુ – તું આમ ઢીલો કેમ લાગે છે ? વ્હૉટ હૅપ્પન…?’

અમિતે મિલનને થોડી વાત કરી.

મિલન અમિતની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. પછી અચાનક બોલ્યો : ‘સ્ટ્રેસ ઇન્વૉલ્વમેન્ટ…’

‘શું કહ્યું તે મિલન ?’

‘ઓહ ! નથિંગ કંઈ નહીં યાર… તું મને તારો ફોન નંબર આપ-‘

અમિતે મિલનને ફોનનંબર આપ્યો –

મિલન ફોનનંબર સેવ કરવા લાગ્યો – પછી અચાનક બોલ્યો : ‘અચ્છા – તું એક કામ કર – સીમાભાભીને લઈને મારા ક્લિનિક પર આવ. આ મારું કાર્ડ – ઓકે – યુ કૅન ટેઈક યોર ટાઇમ – ગમે ત્યારે તું આવી શકે છે. – ઓ.કે. ! અચ્છા અમિત, હું જાઉં – અહીં મેં મારા એક પેશન્ટને કાઉન્સેલિંગ માટે બોલાવ્યો છે. હી ઈઝ વેઈટ ફૉર મી – ધેર – હું તારી રાહ જોઈશ…’

મિલન ઊભો થયો.

અમિત મિલનનું વિઝિટિંગ કાર્ડ જોવા લાગ્યો. શું કરી ગયો આ મિલન ? કોઈ જાદુ કરી ગયો કે શું ? મેં તો એને બધી વાતો કરી એ પણ તૂટક તૂટક – એમાંથી શું સમજ્યો હશે ? સીમાને મળીને એ શું કરવાનો હશે ? પણ કોણ જાણે કેમ મનમાં કાંઈક આશા તો બંધાય જ છે.

અમિતે જોયું.

મિલને અમિત તરફ હાથ ઉંચો કર્યો.

અમિત કૉફી-શોપની બહાર નીકળ્યો.

ધીમો ધીમો વરસાદ શરૂ થયો.

*

ટેક્ષીમાં બેસતાં સીમાએ પૂછ્યું : ‘કોણ છે ?’ સીમાએ આ ત્રીજી-ચોથી વાર પૂછ્યું.

‘કહ્યું ને – મારો નાનપણનો મિત્ર-મિલન – હમણાં જ એ યુ.એસ.થી આવ્યો છે. એ સાઇકિયાટ્રિસ્ટ છે. હમણાં જ એણે ક્લિનિક શરૂ કર્યું છે – આપણાં લગ્ન વખતે એને યુ.એસ. જવાનું હતું એટલે એ હાજર રહી શક્યો ન હતો…!’

લિફ્ટમાં પ્રવેશતાં સીમાએ અમિતનો હાથ પકડી લીધો. ‘મને ડર લાગે છે અમિત… તું મને ક્યાં લઈ જાય છે ? મને કંઈ સમજાતું નથી.’

‘રિલેક્ષ સીમા, મારા મિત્રને મળવામાં ડર ? એ તો તને મળશે જ – એ તો બહુ આનંદી છે. અમને સતત હસાવ્યા કરતો-’ અમિત હસ્યો.

લિફ્ટનો દરવાજો ખૂલ્યો.

સામે જ મિલનનું ક્લિનિક.

અમિતે રિસેપ્શનિસ્ટને વિગતો આપી.

રિસેપ્શનિસ્ટે ઇન્ટ્‍રકોમનું રિસીવર ઊંચક્યું. અમિત જોઈ રહ્યો.

મિલન બહાર આવ્યો. ‘અરે અમિત ! બહાર કેમ પેશન્ટની જેમ ઊભો રહી ગયો ? તારે તો ચાલ્યું અવાય સીધું અંદર. ભાભી, યુ આર વેલકમ.’

મિલન બન્નેને અંદર લઈ ગયો.

બન્ને ખુરશી પર બેસી ગયાં.

‘ભાભી… આપણે પહેલી વાર મળીએ છીએ – અમિતે તો મારો પરિચય આપી દીધો હશે – એની વે – તમને મળીને મને આનંદ થાય છે અને અમિતની જેલસી…’ મિલન હસ્યો.

‘મિલન… તું પણ.’ અમિત હસ્યો.

‘એની-વે – ભાભી, અત્યારે હું અમિતનો મિત્ર નથી. પણ સાઇકિયાટ્રિસ્ટ છું – બરાબર ? તમારે મને બધું કહેવું પડશે, વિના સંકોચે.

અમિત કહેતો હતો કે – તમારી લાઇફ નોરમલ છે પણ તે છતાં તમને ચિંતા રહ્યા કરે છે. તમે ગુસ્સે પણ નાની નાની વાતોમાં થઈ જાઓ છો. તમે કોઈની સાથે લાંબો સમય મિક્સ થઈ શકતાં નથી અને અચાનક કોઈની સાથે વિના કારણે ઝઘડો…’

સીમાની આંખો ભીની થવા લાગી.

એણે અમિત તરફ જોયું.

અચાનક સીમા ઊંડો શ્વાસ લઈને બોલવા લાગી – ‘હા મિલનભાઈ અમિતે તમને સાચું કહ્યું છે. કોણ જાણે કેમ તમને જોઈને મને અંદર – મારી અંદર ચાલતી વાતો તમને કરી દેવાની ઈચ્છા થાય છે.’

‘હા, એટલે જ ભાભી, તમે કહો, તમને અંદર જે કંઈ પણ ફીલ થાય છે એ તમારી રીતે – ખુલ્લી ને – ઓપનલી કહો.’

‘મારો સ્વભાવ પહેલાં આવો ચીડિયો નહોતો. હું ભાગ્યે જ કોઈની સાથે ઝઘડો કરતી. મારા પપ્પાના આકસ્મિક અવસાનથી મારી જિંદગી જ જાણે બદલાઈ ગઈ. મારી મમ્મીની સ્થિતિ પણ મેં જોઈ. મને સતત ચિંતા રહ્યા કરે છે. રાત્રે ઊંઘ પણ નથી આવતી. ક્યારેક મારી આંખોમાં ઊંઘ ઘેરાય, હું ઝબકીને જાગી જાઉં છું. મને કોઈ ને કોઈ ચિંતાનું કારણ રહ્યા કરે છે. ચિંતા દૂર થાય – હળવી બનું ત્યાં તરત જ બીજી ચિંતા વેશપલટો કરીને સામે આવીને ઊભી રહી જાય – પછી…’ સીમા અટકી. પછી ધીમેથી કહ્યું – ‘મને કોઈ સાથે ફાવતું નથી.’

સીમા બોલી હતી – વેશપલટો.

મિલનને આ શબ્દ અસર કરી ગયો.

એણે અમિત સામે જોયું.

‘ભાભી… તમને અમિત સાથે ફાવે છે ? કેવું રહે છે એની સાથે ?’ મિલને કહ્યું.

સીમાએ અમિત તરફ જોયું.

‘ના, એમની સામે મને કોઈ ફરિયાદ નથી. એમનો મારા પ્રત્યેનો પ્રેમ મને સુધરવા માટે સતત પ્રેરતો હોય છે.’ – સીમાએ કહ્યું.

થોડી વાર શાંતિ પથરાઈ ગઈ.

થોડી વાર પછી મિલને કહ્યું, ‘અમારા ક્ષેત્રમાં આ સ્થિતિને એડજસ્ટમેન્ટ ડિસઑર્ડર કહે છે. એની-વે, અમિત… તમારાં મૅરેજને કેટલો સમય થયો હશે ? ત્રણ વર્ષ કેમ ?’

‘હા… ત્રણ વર્ષ…’

‘સંતાન માટે…’

‘બે વખત મિસ કેરેજ-’

‘આહ ! નો – !’ મિલન ચેર પરથી ઊછળી ગયો… ‘અમિત… ઈટ ઈઝ વેરી સિમ્પલ… તમારો પ્રૉબ્મેલ પ્રૉબ્લેમ જ નથી.

મારી ટ્રીટમેન્ટ તો સિમ્પલ છે એ તો આપણે શરૂ કરીશું જ; પણ મારો એક મિત્ર ગાયનેક છે. આપણે તેને રિફર કરીને વ્હેર એબાઉટ્‍સ કરીશું – એ ઘણો હેલ્પફુલ થશે – એણે આવા કેઈસીસ સોલ્વ્ડ કર્યા છે… ઓ.કે.? ભાભી – રિલેક્ષ થાવ – અમિત, તું પણ. ચિંતાનું કોઈ જ કારણ નથી. હવે તો બન્ને જણ હસો !’ મિલન હસ્યો.

સીમા-અમિત પણ હસી પડ્યાં.

‘હું તમને જાણ કરું છું – ત્યારે જરૂર આવી જજો – હા, અમિત, આ રવિવારે તારે ભાભીને લઈને મારે ત્યાં આવવાનું છે. સ્વભાવ પ્રમાણે ભૂલી ન જતો…’ મિલને કહ્યું.

બન્ને જણ ઊભાં થયાં.

બહાર આવ્યાં. સામે જોયું. સાંજનો વરસાદી તડકો સ્થિર થઈ ગયો હતો.

સીમાએ અમિતનો હાથ પકડી લીધો. અમિતે અનુભવ્યું કે, સીમાના હાથની ઉષ્મા આજે કંઈક જુદી હતી.

‘અમિત… મને આઇસક્રીમ ખાવા લઈ જશે ? મને ભાવે છે તે સ્ટ્રોબેરી ?’ સીમાએ કહ્યું.

અમિત ચમકી ગયો…

‘કેમ નહીં ? ચોક્કસ – ચાલ જલ્દી ચાલ.’ અમિતે કહ્યું.

અમિતે સીમાની આંખોમાં જોયું – લાગ્યું કે…

સીમા તદ્દન સ્વસ્થ જણાતી હતી. એના હસતા ચહેરા પર હવે કોઈ ચિંતા વેશપલટો કરીને સામે ઊભી રહી શકે તેમ નથી.

– રાજેશ અંતાણી

સંપર્ક :
૭, પારસનાથ ફ્લેટ્‍સ, જૈન દેરાસર પાસે, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “વેશપલટો – રાજેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.