- ReadGujarati.com - http://www.readgujarati.com -

“અપરિગ્રહ” – ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું – સતીષ શામળદાન ચારણ

(‘નવનીત સમપર્ણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘કોનું રાજ્ય સૌથી વધુ ચડિયાતું ?’ રાજાઓના રાજ્યના વહીવટી મૂલ્યાંકન માટે એક પ્રશ્ન પુછાયો. ઉપનિષદ કાળની એક કથા છે. બધા રાજાઓએ જણાવેલાં પોતપોતાના રાજ્યની સુખ-સમૃદ્ધિ, વૈભવ અને વહીવટની સામે એક રાજાએ પોતાના રાજ્યનું વર્ણન કરતાં એક વાક્યમાં જણાવ્યું કે :

‘ન મે સ્તેનો જનપદે ન કદર્યો ન મદ્યપઃ’
‘(મારા રાજ્યમાં કોઈ ચોર કે કંજૂસ / સંગ્રહખોર તેમ જ કોઈ દારૂડિયો નથી.)’ આ રાજ્ય શ્રેષ્ઠ ગણાયું.

સંગ્રહખોરીનો અર્થ અપરિગ્રહ છે. માણસની પોતાની સંપત્તિ કે માલિકી વધારવાની વૃત્તિ – સંગ્રહવૃત્તિ વિશેષ છે અને એમાંથી જ સમાજમાં અનેક દૂષણો પેદાં થાય છે. પોતાની આવશ્યકતા કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ પેદા થશે. ઉન્નતિના રસ્તાઓ બંધ થશે. પરિગ્રહના કારણે ગરીબને ખાવા ન મળવાને લીધે પાપ અને ધનિક વધારે પૈસાના લીધે અનીતિ કરે છે. ગરીબોને ચીજવસ્તુઓના અભાવનું દુઃખ અને ધનિકોને ચોર-શત્રુઓનો ભય…, શાસ્ત્રકારોએ પરિગ્રહને પાંચ મહાપાપ હિંસા, અસત્ય, ચોરી તથા વ્યભિચારની સમકક્ષ મૂકેલ છે. સાધારણ રીતે જોતાં પરિગ્રહમાં કોઈ ખરાબ વાત જણાતી નથી, કારણ કે પોતાની ચતુરાઈના કારણે તો તે ધન કમાયેલ છે. પોતાની કમાયેલ કમાણી રાખવામાં શો દોષ ? પરંતુ ઊંડાણમાં ઊતરવાથી જણાય છે કે, જો કોઈનામાં ચતુરાઈ વધુ હોય તો તેનો ઉપયોગ બીજાના સુખની વૃદ્ધિ અને આત્માની ઉન્નતિ માટે કરવો જોઈએ. એક મહાત્માએ કહ્યું છે કે :
માયા તજે મહામૂરખ, ભેગી કરે એ ભૂત,

આપણને જેની આજે જરૂર નથી, તેવી કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ. પણ જોઈતું ભેગું ન કરવું તે એટલે અપરિગ્રહ. જે મૂળમાં ચોરેલું નથી પણ અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે એટલે અસ્તેયને લગતું ગણાય… આપણે દરરોજ આપણા પરિગ્રહને તપાસતા રહી બને તેમ તેને ઘટાડતા રહેવું જોઈએ. સભ્યતાનું એ લક્ષણ છે. વિનોબાજીની અપરિગ્રહની વ્યાખ્યા એવી હતી કે ‘સમાજની વધારે ને વધારે સેવા કરી સમાજ પાસેથી ઓછામાં ઓછું લેવું.’ જેમ જેમ અપરિગ્રહ વધારતા જઈશું તેમ તેમ સંતોષ વધશે, સેવાની ક્ષમતા વધશે.

જેનામાં પરિગ્રહ વૃત્તિ છે તેનો ભાર વધુ છે તેથી ત્રાજવું ભારે થતાં તેનું મન ભગવાન ઉપરથી ઊઠી જઈ સંસાર તરફ ઝૂકી પડશે, પણ જેનામાં અપરિગ્રહની ભાવના – બધું છોડવાની તૈયારી વધુ હશે તેનું ત્રાજવું હલકું થતાં તેનું મન સંસારેથી ઊઠીને ભગવાન તરફ ઝૂકી પડશે. જૈન અને રાજયોગ પરંપરામાં અપરિગ્રહ એ આત્મસંયમ સંબંધી પાંચ યમોમાંનો એક યમ છે. યોગની ભાષામાં સ્થૂળ વસ્તુઓ ઉપરાંત માન્યતાઓ, વિચારો, ટેવો, ગમો-અણગમો વગેરેમાંથી મુક્ત થવું તેને પણ અપરિગ્રહ કહે છે. વસ્તુની જેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ.

ગાંધીજી કહેતા કે આ પૃથ્વી પર સૌની જરૂરિયાત માટે પૂરતું છે, પરંતુ લોભિયા માટે કશુંય પૂરતું નથી. ચાણક્ય એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે મધમાખી પુષ્પમાંથી મધ એકઠું કરે તોય પુષ્પને હાનિ પહોંચતી નથી. મધમાખીનો પરિગ્રહ સમ્યક છે. આવો સમ્યક લોભ કે પરિગ્રહ સંસારના અસ્તિત્વ માટે અનિવાર્ય છે.

સાંઈ ઈતના દીજિયે, જામે કુટુંબ સમાય,
મેં ભી ભૂખા ન રહું ઔર સાધુ ભૂખા ન જાય.
આ વાણીમાં સમ્યક પરિગ્રહની વાત છે.

રૂપિયા-ધન એ જીવનની જરૂરિયાત છે પણ જીવન નથી. આંગણે આવેલ ભૂખ્યો ન જાય અને ઘરમાં પહેરે-ઓઢે કોઈ દુઃખી ન હોય એનું નામ સુખ. કરોડો પ્રત્યેનો પ્રેમ અને વ્યક્તિગત માલિકીનો ભાવ બંને સાથે ન ચાલી શકે. ઈશુ ખ્રિસ્ત, બુદ્ધ, મહાવીર, મહંમદ વગેરેએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને અપરિગ્રહ વ્રતનું પાલન કર્યું હતું. ગાંધીજી પોતાની જાતને ગરીબ કહેતા અને કસ્તુરબાને ગરીબની પત્ની…

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે : મા ગૃધઃ કસ્યસ્વિદ્‍ ધનમ્‍ (કોઈના ધનની ઈચ્છા રાખો નહીં). વિનોબાજીએ ‘ગૃધ’ શબ્દ પરથી અંગ્રેજી શબ્દ ‘Greed’ આવ્યો તેમ તેમના પુસ્તક “ઈશાવાસ્યવૃત્તિ”માં કહ્યું છે. ‘greed’ એટલે દ્રવ્ય લોભ, ખાઉધરાપણું, અતિતૃષ્ણા, લાલસા. ગીધ એ અતિલોભનું પ્રતીક છે. રવિશંકર મહારાજ કહેતા કે ગીધ જ્યારે મરેલી ભેંસ ઉપર બેસીને ઉજાણી કરે ત્યારે પાંખ પ્રસારીને એવી રીતે ચાંચ મારે કે બીજું કોઈ પક્ષી કે પ્રાણી ભાગ ન પડાવે.

એક પારસી જરથોસ્તી બાળકની રોજિંદી પ્રાર્થનાના ચાર સિદ્ધાંતોમાં એક દાનવૃત્તિ અર્થાત્‍ સખાવત-સ્વાર્થ-ત્યાગ સાથે બેસીને ખાઓ. જરથુસ્ટ્રે પિતાની મિલકતમાંથી ફક્ત એમનો કમરબંધ (કસ્તી) પસંદ કર્યો હતો.

ત્યાગના આનંદનું રહસ્ય ‘મા’ ખૂબ જાણે છે. પોતે સંતાનો માટે ભૂખી રહીને આનંદ પામે છે એટલે જ… ઉપનિષદમાં આપેલું શિક્ષણ ‘તેન ત્યક્તેન્‍ ભુંજીથાઃ’ ત્યાગીને ભોગવી જાણે, વાંછો મા ધન અન્યનું… આવી અપરિગ્રહવૃત્તિ આવે, ત્યારે જ સમાજ સુખી થાય.

ગાંધીજી અપરિગ્રહ વ્રતને સમજાવતાં કહેતા કે જે વસ્તુની પોતાને આજે જરૂર નથી, પણ તેની ભવિષ્યમાં જરૂર પડશે, એવું માનીને એનો સંગ્રહ કરી રાખવો તે પરિગ્રહ છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખનાર તો એમ માને છે કે વસ્તુની જ્યારે જરૂર પડશે ત્યારે તે વસ્તુ તેને મળી જ રહેશે. આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય છે.

સાધુ ગઠરિયા મત બાંધ, ઉદર સમાત લેત
આગે પીછે હરિ ખડે, જબ માંગત તબ દેત.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે ત્યાંના હિંદીવાસીઓએ જાહેર સેવાના બદલામાં બહુમાન અને કીમતી ભેટો પણ આપી હતી. આ સેવા કર્યાની કિંમતરૂપે ભેટોનો સ્વીકાર કેવી રીતે કરાય ?… તેઓ નોંધે છે કે “સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.” આખરે બધી ભેટ ટ્રસ્ટને સોંપી દેવાનો નિર્ણય કર્યો.

કલામસાહેબ સાવ સાદગીભર્યા નિર્વાહ માટેના રૂપિયા બાદ બાકીની રકમ વિદ્યાર્થીઓ માટેના વેલ્ફેર માટે આપી દેતા. રાષ્ટ્રપતિના પદ પર હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવનના મહેલ જેવા આવાસના ખંડો, સગવડો વગેરે જોવાની તસ્દી સુધ્ધાં તેમણે નહોતી લીધી.

આપનારનો અહમ્‍ ન વધે અને લેનારને લઘુતાનો ભાર ન પડે તેવી રીતે મદદ કરવી જોઈએ. આપનાર અને લેનાર બન્નેના હર્ષનો સરવાળો થવો જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનું આપી દીધાનું દુઃખ, તણાવ કે અહમ્‍ ન રહે અને તો જ આત્માને ઊર્ધ્વ બનાવવાની દિશા તરફ આગળ વધી શકીએ આવી ગૂઢ વાતો જૈન શાસ્ત્રોએ કરી છે. જ્યારે મન આ બધાથી મુક્ત થાય છે ત્યારે અપરિગ્રહની સાદગી અદ્‍ભુત રીતે સુંદર બની જાય છે. ‘હિબ્રૂ’ (યહૂદી ભાષા)માં એક કહેવત છે કે ‘જેણે એક જીવન બચાવ્યું તેણે આખી દુનિયા બચાવી લીધી છે.’ કવિ ત્રાપજરના શબ્દો :

મંદિરો કે મહેલ ન થાજે !
હીરો ના લાખનો થાજે !
રેઢા કોઈના ખેતરે તારા
હાડનાં ખાતર નાખતો જાજે રે.
મળ્યું છે તો આપતો જાજે રે…!

આંતર બાહ્ય સમૃદ્ધિ હોય ત્યાં જ અપરિગ્રહ હોઈ શકે. જે અપરિગ્રહનું ચરમ ઉદાહરણ છે. જેમાં અપરિગ્રહનો મનથી સ્વીકાર છે. જે લોકોએ અપરિગ્રહનો ઝભ્ભો ધારણ કર્યો છે, પરંતુ અંદરખાને મોભો અને કીર્તિ ઝંખે છે. એ ગરીબાઈ નથી.

આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીના શિષ્ય પ્રશાંતમૂર્તિ કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજે વૃદ્ધાવસ્થા હોવા છતાં તેમની વિહાર યાત્રા માટે ક્યારેય ડોલી વાપરી નહીં. તેઓ કહેતા કે અમારે સાધુઓને શું ? એક ટંક ગોચરી મળે અને ખપ પૂરતો સંયમ જળવાય તેટલાં ઉપકરણો મળે તેથી વધારાનું અમારે શું કરવું… આમ, જીવનમાં જરાય પરિગ્રહ નહીં.

મહંમદસાહેબે તેમની પાસેના બચેલાં એક સફેદ ખચ્ચર, કેટલાંક હથિયાર અને થોડી જમીન ગરીબો-અનાથોને દાનમાં દઈ દીધું. તેમણે એક દિવસમાં બે પ્રકારની વસ્તુઓનો સ્વાદ નહોતો કર્યો. પુત્રી ફાતીમાને મળવા મહંમદસાહેબ સફરમાંથી પાછા આવી તેના ઘરે ગયા ત્યારે ત્યાં જોયું કે પુત્રીના ઘરમાં બે ચીજો નવી હતી… એક દરવાજા ઉપર રેશમી કાપડનો પડદો અને પુત્રીના હાથમાં ચાંદીનાં કડાં. આ જોઈને મહંમદસાહેબ મસીદમાં પાછા આવ્યા અને રોવા લાગ્યા. પુત્ર હસનાને ફાતીમાએ પૂછવા મોકલ્યો કે નાના આટલા જલદી કેમ પાછા ગયા. તેના જવાબમાં પેગમ્બરસાહેબે કહ્યું, “મસીદમાં લોકો ભૂખ્યા બેઠા હોય અને મારી દીકરી ચાંદીનાં કડાં પહેરે અને રેશમ વાપરે એ જોઈ મને શરમ આવી.” હસમે જઈને માને કહેતાં ફાતીમાએ તરત જ કડાં ભાંગીને તે જ રેશમના કપડામાં બાંધીને પિતાને મોકલી દીધા. પેગમ્બરસાહેબ ખુશ થયા. તે વેચીને રોટી મગાવી ગરીબોને વહેંચી દીધી અને પછી ફાતીમા પાસે જઈ કહ્યું, “હવે તું ખરેખર મારી દીકરી છે.” આંખ માણસને બહારનું જોવા માટે મળી છે, પરંતુ જ્યારે એ ભીની થાય છે ત્યારે તે પોતાની ભીતર જોઈ શકે છે.

ઈશુ ખ્રિસ્તે કહ્યું છે કે ભગવાન તો સર્વનો દાતા છે. શું ખાશો અને શું પહેરશો એની ચિંતા ન કરો. અન્ન અને વસ્ત્ર કરતાં જીવન વધારે મહત્વનું છે. કાગડા નથી વાવતા કે લણતા. નથી કોઠાર બાંધતા કે નથી કોઠી રાખતા પણ ભગવાન તેમને ખવડાવે છે. ઈશ્વર સિવાય બીજી સંપત્તિ સંઘરી રાખે એ મહામૂર્ખ છે. સૂફી મતે આ વિશ્વની જે રચના અને વૈવિધ્ય છે તે ફક્ત ઈશ્વરની માલિકીનાં છે.

ગિરધારી રે સખી ગિરધારી
મારે નિર્ભય અખૂટે નાણું ગિરધારી
ખરચ્યું ના ખૂટે, એને ચોર ના લૂટે
દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ના છૂટે.

ઉદ્યોગ કરનારને લક્ષ્મી મળે છે. લક્ષ્મી હાથની આંગળીઓમાં વસે છે અને પૈસા ટંકશાળમાં !!!

આજે સમાજમાં પરિગ્રહને – સંગ્રહને કાયદાકીય માન્યતા પ્રાપ્ત છે પણ ચોરીને નહીં. એ એકાંગી નીતિ છે. આ નીતિશાસ્ત્ર બદલવું જોઈએ. લોભ અને સંગ્રહને કારણે સમાજમાં પ્રતિલોભ પેદા થાય છે તે ચોરરૂપે બહાર દેખાય છે/ ચોર પેદા ન થાય તેવું ઈચ્છતા હો તો સંગ્રહ પણ ન થવો જોઈએ. સંપત્તિનું સમવિભાજન થવું જોઈએ.

– સતીષ શામળદાન ચારણ