અલગ અલગ છતાં લગોલગ – મનહર વૈષ્ણવ

(‘અખંડ આનંદ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

રમણ અને રમાએ પ્રેમલગ્ન કર્યાં તેનાથી રમણનાં માતા-પિતા, જયાબહેન અને ભાનુભાઈ તથા નાની બહેન સોનલ પ્રથમ તબક્કે નારાજ થયાં અને અણગમો વ્યક્ત કર્યો. આમ તો બંને એક જ બ્રાહ્મણ જ્ઞાતિનાં હતાં. કૉલેજમાં અભ્યાસ પણ સાથે કરેલો. રમણે બૅન્કની નોકરી સ્વીકારેલ જ્યારે રમા એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ હતી. આમ પ્રથમ દ્રષ્ટિએ કોઈ અણગમાનું કારણ ન હતું. છતાં ઘરમાં વાતાવરણ થોડો સમય ભારેખમ રહેતું. પરંતુ રમણે, રમાને સમજાવ્યું કે આ તો પાણીનો પરપોટો છે સમયાંતરે ફૂટીને પાણીમાં જ ભળી જશે.

રમાએ પણ બધાંનાં મન ધીરે ધીરે જીતી લીધાં છતાં લગ્નને પાંચ વર્ષ થવા છતાં પણ ઘરમાં પારણું ન બંધાયું એટલે જયાબહેન વધારે ખિન્ન રહેતાં. આ અરસામાં સોનલનાં પણ લગ્ન થઈ ગયાં એટલે રમાએ પણ શિક્ષિકાની નોકરી છોડી સાસુ-સસરાને રમણની ગેરહાજરીમાં એકલવાયું ન લાગે તેમ ઓતપ્રોત થઈ ગઈ. સરળ રીતે ચાલતી આ જીવનનાવને થોડો પવનનો ઝોક ત્યારે લાગ્યો જ્યારે એક દિવસ રમાને તેના હાથની આંગળીઓમાં સહેજ ખરજ સાથે ટેરવા ઉપરની ચામડી ઊખડતી લાગી અને લાલાશ ઊભરી આવવા લાગી. શરૂમાં ઘરગથ્થુ ઈલાજ અને ઉપચાર કર્યો પરંતુ કોઈ ફેર ન પડતાં અને રોગ આગળ વધતો લાગ્યો એટલે ચામડીના નિષ્ણાતનો સંપર્ક કર્યો અને તેના નિદાનમાં આ કુષ્ટરોગનો પ્રાથમિક તબક્કો જણાયો.

ઘરમાં આ વાતની જાણ થતાં જયાબહેન અને ભાનુભાઈ ગભરાઈ ગયાં. પણ રમણે, રમા સહિત બા-બાપુજીને આશ્વાસન આપ્યું કે આ રોગનો ઇલાજ શક્ય છે, તથા તેનાં પ્રાથમિક લક્ષણોમાં ચેપી હોવાની પણ ગુંજાઈશ નથી. માત્ર થોડી કાળજી, થોડી પરેજી, મીઠાનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતા જાળવવામાં આવે તો રોગ મટી શકે છે. તેમ છતાં જયાબહેને સ્પષ્ટ એલાન કર્યું કે રમાએ હવેથી ગોળાપાણી અને રસોઈ બાબતે ક્યાંય હાથ ન લગાડવો. રમણને પણ સ્પર્શથી દૂર રહેવા જણાવી, શયનની વ્યવસથા અલગ કરવા આદેશ આપ્યો. રમા આનાથી ખૂબ દુઃખી થઈ પરંતુ પરિસ્થિતિથી લાચાર હતી. તેમ છતાં રમણ તરફથી પૂરેપૂરી સહાનુભૂતિ રહેતી. ઇલાજની પ્રક્રિયા સિવાય ક્યારેય રમાના આ કુષ્ટરોગ બાબતે ચર્ચા કરી વધુ દુઃખી ન કરતો. આ અરસામાં સોનલ તેની પ્રથમ સુવાવડ માટે પિયર આવવાની તૈયારીમાં હતી તેથી જયાબહેને બહુ જ સ્પષ્ટતા સાથે રમાને કડક શબ્દમાં કહ્યું, ‘જુઓ વહુ, અમે તો તમને આ રોગ સાથે સ્વીકારી લીધાં, પરંતુ સોનુથી વેંત છેટાં રહેજો, તેમાં તેની અને આવનાર બાળકની સલામતી રહે.’

સોનુ પિયર આવી. તેને રમાના આ રોગ વિશે કશી માહિતી ન હતી. આવતાં જ ભાભીને ભેટી પડીને બોલી, ‘ભાભી, જો જો મારું આવનારું બાળક નસીબદાર પુરવાર થશે અને તમારી ગોદ પણ આવનારા દિવસોમાં ભરાઈ જશે.’ ત્યાં જ જયાબહેન રોષભર્યાં આવ્યાં અને રમાને, સોનુથી દૂર કરી તાડૂક્યાં, ‘મેં કહ્યું હતું ને વહુ કે સોનુથી દૂર રહેજો તો પણ જાણે હેત ઊભરાઈ જતું હોય તેમ ભેટવા દોડ્યાં ?’

‘બા, આ તું શું કરી રહી છે ?’ સોનુએ આશ્ચર્યથી પૂછ્યું, ‘શા માટે ભાભી દૂર રહે; અરે હજુ તો એણે ભાણાને ગોદમાં લઈને રમાડવાનો છે, કેમ ભાભી ?’ હસીને સોનલે, રમાને કહ્યું.

‘સોનુ, તને ખબર નથી’ જયાબહેને સ્પષ્ટતા કરી, ‘તેની હાથની આંગળીઓ દૂરથી જો, તારી ભાભીને કુષ્ટરોગ લાગુ પડ્યો છે.’

‘શું ? આ સાચું છે, ભાભી ?’ સોનુએ આશ્ચર્યચકિત થઈને રમાને પૂછ્યું. રમા લાચારીથી નતમસ્તક નીચે જોઈ રહી.

રાત્રે રમણના આવ્યા બાદ આ બાબતે થોડી વિસ્તૃત ચર્ચા થઈ. રમણે પણ પ્રથમની જેમ જ સોનુને સમજાવી, ‘સોનુ, દરેક નાનામોટા રોગની જેમ જ આ પણ એક જાનતો રોગ છે. તેનો ઇલાજ ચાલે છે અને નિષ્ણાતના મત મુજબ કંટ્રોલમાં પણ રહી શકે છે.’

‘કંટ્રોલમાં જ ને ?’ જયાબહેન તાડૂક્યાં : ‘મટતો તો નથી જ ને ? અને કોને ખબર હજી શરીરમાં ક્યાં કયાં ફેલાય !’

ભાનુભાઈ પહેલી વાર ચર્ચામાં બોલ્યા, ‘શું તમેય સમજ્યા વિના વગર બોલ્યે જાઓ છો. જરા શાતા રાખો. ભગવાનમાં શ્રદ્ધા રાખો, સહુ સારાં વાનાં જશે.’

‘બોલ્યા, શ્રદ્ધા રાખો’ જયાબહેનનો રોષ શમ્યો ન હતો. ‘એમ જ હોત તો આવા કુષ્ટરોગીઓ માટે અલગ વ્યવ્સ્થા શહેરની ભાગોળે શા માટે સરકાર અને સેવાકીય સંસ્થાઓ રાખે છે ?’

રમણે કહ્યું, ‘મા, એ તો રોગ જરા દેખાવમાં અણગમતો (વિકૃત બોલતાં ખચકાઈને) લાગે અને બધાનો સામૂહિક ઇલાજ થાય એ માટે હોય છે.’ વિશેષ ફોડ પાડતાં કહ્યું, ‘શું ત્યાં સેવાભાવી લોકો, ડૉક્ટર, સેવિકાઓ બધાં નથી જતાં ? કોઈને કશુ થાય છે ?’

‘સો વાતની એક વાત’ જયાબહેને કડક આલોચના સાથે કહ્યું, ‘સોનુના સારા દિવસો હેમખેમ પૂરા થાય અને તેને સાસરે વળાવીએ ત્યાં સુધી વહુને પિયર મૂકી આવ, તેમાં જ ભલાઈ છે. આ વાત હજી આપણી વચ્ચે જ છે, પરંતુ ધીરેધીરે અડોશપડોશ, સગાસંબંધીઓમાં ફેલાશે તો બધાં આપણને મૂરખ સમજશે અને કહેશે કે રમાને કોઈ કુષ્ટરોગના સારવાર કેન્દ્રમાં ન મોકલી દેવાય ?’

તે દિવસે આખુ ઘર ઉદાસ રહ્યું. રાત્રે ભારે હૈયે બધાં સૂવા ગયાં ત્યારે રમાએ રમણને કહ્યું, ‘જુઓ, બાની વાત આમ કંઈ ખોટી નથી. આપણે જાણી છીએ કે આ રોગ કંઈ ચેપી નથી. નિષ્ણાતે પણ આ રોગનાં ચિહ્‍નો જોઈને ઘરગથ્થુ ઇલાજ, થોડી સ્વચ્છતા બાબતે કાળજી લેવા જણાવ્યું છે અને કહ્યું છે કે સમયાંતરે સુધારો થશે. પરંતુ દરેકની દ્રષ્ટિ અલગ હોય છે. હું થોડા સમય માટે પિયર જઈ આવીશ તો અહીંનું વાતાવરણ પણ થોડું હળવું થશે અને મારો ઇલાજ પણ પિયરમાં રહી કરી શકીશ.’

‘પણ રમા, આ બધા વચ્ચે મારે પણ નૈતિક જવાબદારી ખરી કે નહીં ? તું મારી ધર્મપત્ની છે, એમ અધવચ્ચે મારાથી કેમ તને છોડી દેવાય.’ લાગણીવશ થઈ રમણે કહ્યું.

‘અરે, આ શું બોલો છો ?’ રમાએ કહ્યું. ‘આપણે શા માટે જુદાં પડીએ છીએ ? આ તો કામચલાઉ વ્યવસ્થા છે. સોનુબહેન સાસરે જશે પછી તો હું પરત આવી જ જઈશને ?’

‘પણ…’ રમણ કંઈ બોલે તે પહેલાં રમાએ હાથ ઉંચાં કરી રમણના હોઠે અડાદતાં અટકી જઈ કહ્યું, ‘હવે પણ ને બણ છોડો. આ બહાને થોડાં અલગ રહીશું તો આપણો પ્રેમ વધુ ગાઢ બનશે.’

રમાને પિયર મૂકવા રમણ સાથે ગયો. રમણે ત્યાં સાસુ-સસરા, સાળા અને તેની પત્નીને રમા માટે ભલામણ કરતાં કહ્યું, ‘જુઓ, ઘણા સમયથી રમા પિયર આવી નથી તો થયું કે ભલે થોડો સમય આપની પાસે રહે. ભાઈ-ભાભી પણ છે એટલે આનંદથી સમય પસાર થઈ જશે અને નાના ભત્રીજાને રમાડવાનો લાભ પણ ફઈને મળશે.’ ત્યાર બાદ ધીરે રહીને રમાના પ્રાથમિક સ્ટેજના રોગ વિશે, તેના ઇલાજ વિશે વાત કરી અને દર મહિને પોતે એકાદ દિવસ આવી જશે તેમ કહી આશ્વાસન આપ્યું.

રમાની પરિસ્થિતિ સિક્કાની બંને બાજુ જેવી હતી. સિક્કો જેમ કાં તો બંને બાજુએથી સાચો હોય અથવા બંને બાજુથી ખોટો હોય, એક તરફ સાચો અને એક તરફ ખોટો એવો સિક્કો હોય જ નહીં. જે સ્થિતિ સાસરામાં હતી તે સ્થિતિ પિયરમાં પણ ધીરે ધીરે અનુભવવા લાગી. પિયરમાં મા-બાપને તો દીકરી માટે લાગણી હોય અને ગમે તે પરિસ્થિતિમાં ચલાવી લે પરંતુ ભાઈ ભાભીની આવી પરિસ્થિતિમાં લગભગ સાસરીનાં સાસુ-સસરા જેવી જ વર્તણૂક લાગી. રમાને સમજાઈ ગયું કે સ્વાવલંબી બનવા સિવાય પોતાની પાસે હવે કોઈ રસ્તો નથી. તેણે પ્રથમ એક કમ્પ્યૂટર ક્લાસમાં દાખલ થઈ, આધુનિક ઉપકરણની ટ્રેનિંગ લેવાની શરૂ કરી. સ્નાતક તો હતી જ, શિક્ષિકા તરીકેનો અનુભવ હતો. ધીરે ધીરે કમ્પ્યૂટરનો અભ્યાસ મન લગાવી શરૂ કર્યો. કમ્પ્યૂટર ક્લાસવાળાએ રમાને એક ખાસ સૂચના આપેલ કે તેણે મૅડીકેટેડ હાથમોજા પહેરીને જ ઇન્સ્ટ્રુમેન્ટને અડવું. ભારે હૈયે પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી રમાએ આ સૂચન સ્વીકાર્યું. આ સમય દરમ્યાન રમણ પણ શરૂઆતમાં મહિને એકાદ દિવસ આવી જતો પરંતુ કોર્ટ કેસની મુદતો પડતાં જેમ કેસની ગંભીરતા ઓછી થતી જાય તેમ ધીરે ધીરે તેનું આવવું પણ અનિયમિત થઈ ગયું. સોનુને દીકરો આવ્યો તે સમાચારે રમાને થોડી આનંદિત કરી. પરંતુ સાસરી તરફથી પરત બોલાવવાના કોઈ સમાચાર ન મળ્યા.

પિયરમાં પણ લગભગ એકાકીપણું લાગવા લાગ્યું. કમ્પ્યૂટર આવડી જતાં નેટ ઉપર રમાએ કુષ્ટરોગ વિશે, તેના ઇલાજો વિશે, તેની સમયમર્યાદા વિશે, ચેપીપણાનો અને આ બધા માટે સેવાકીય મદદ કરનારી સંસ્થાઓની માહિતી મેળવી. દાખલા, દલીલ અને ઉદાહરણો સાથે કુષ્ટરોગ ચેપી નથી, ઇલાજ શક્ય છે, કુષ્ટરોગીને સમાજે અછૂત ન ગણવાની થોકબંધ માહિતી છતાં સામાજિક દ્રષ્ટિકોણમાં કોઈ ફેરફાર નથી થતો તેની રમાના માનસે નોંધ લીધી અને તેણે આવી સંસ્થાઓ દ્વારા સમાજમાં દ્રષ્ટિકોણ બદલાવવા માટે સેવાકીય સંસ્થામાં જોડાવાનો નિર્ણય લીધો.

માણસ જ્યારે પોતાની નિર્ણયશક્તિને મજબૂત કરે છે ત્યારે કુદરત પણ તેને બળ આપે છે અને અનાયાસે તકો ઊભી કરે છે. સંસ્થાઓની મુલાકાત, નિષ્ણાતો સાથેના વાર્તાલાપ દ્વારા રમાએ પોતાનું આગવું સ્થાન સ્થાપિત કર્યું. પોતાના રોગ વિશે પણ સતત જાગૃતિ કેળવી, આગળ વધતો અટકાવ્યો, પરંતુ ઘા જેમ નિશાન છોડી જાય છે તેમ રમાની આંગળીઓ જે થોડી કુંઠિત થઈ ગઈ હતી તેમાં સુધારો શક્ય ન હતો. છતાં તે શારીરિક ખોડ ગણી રમાએ તેની પ્રવૃત્તિ ચાલુ રાખી. હવે તે પિયરમાંથી પણ લાગણીસભર સંમતિ લઈ સ્વાવલંબી બનવાના પંથે પડી.

આ બાજુ રમણે પણ હવે વૃદ્ધ માતા-પિતાની અવગણના ન કરી પરંતુ છૂટાછેડા લઈ પુનઃલગ્નની બાબતે અનુમતિ ન આપી. બૅન્કની નોકરી સાથે તેણે રમાની તથા તેના જેવા અન્ય રોગીઓની સ્થિતિનો વિચાર કરી, કુષ્ટરોગની સંસ્થાઓનો સંપર્ક કરી સેવાકીય સંગઠનનું આયોજન કર્યું.

શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી પરંતુ ધીરે ધીરે દરેક સભ્યને આ મહત્વના સેવાકાર્યનો અહેસાસ થયો અને રમણની આ પ્રવૃત્તિ પોતાના શહેર સહિત અન્ય આજુબાજુનાં શેહેરોની આવી કુષ્ટરોગનિવારણની સંસ્થામાં આવકાર મેળવવા લાગી.

રમા પણ હવે સંપૂર્ણ સ્વાવલંબી થઈ પોતાના પિયરના શહેરની જ કુષ્ટરોગનિવારણ સંસ્થાની કૃતિશીલ સભ્ય બની, સંચાલિકા બની ગઈ. રમાની રોગીઓ તરફની કાળજી, દ્રષ્ટિકોણ, કાર્યપદ્ધતિ તથા પોતાનું ઉદાહરણ આપી, રોગીઓનાં જીવનમાં હકારાત્મક વલણ જાગ્રત કરવામાં કંઈક અંશે સફળ થતી લાગી. સરકારે પણ આની નોંધ લઈ સંસ્થાને આર્થિક ટેકો પણ આપ્યો. વર્તમાનપત્રોથી લઈ લાઈવ મીડિયાએ પણ આને બિરદાવી અને એક દિવસ ટી.વી. ઉપર રમાનો જીવંત ઇન્ટરવ્યૂ આવ્યો. આ ઇન્ટરવ્યૂ રમણે જોતાં જ અત્યાર સુધી પોતાના અંતઃકરણના એક ખૂણામાં સાચવી રાખેલી યાદ ઊભરીને બહાર આવી. સાસરી અને પિયરથી માનસિક રીતે હતપ્રભ થયેલ એક મહિલા સ્વયં રોગનો સામનો કરી આ કક્ષાએ પહોંચે અને તે દ્વારા પોતાની લગભગ ત્યક્તા કહી શકાય તેવી પત્ની આ વિકાસ કરે તે માટે થોડો ગર્વ થયો અને મનોમન રમાને વંદી રહ્યો.

આ સંસ્થાની મુલાકાત લેવાનો રમણે નિર્ણય કર્યો. તેણે સંસ્થાને પોતાના કુષ્ટરોગ માટેના સંગઠનનો ઉલ્લેખ કરી, એક ‘અદના સેવક’ તરીકે સહી કરી, પત્ર લખી મુલાકાત માટે અનુમતિ માગી. રમાએ આ પત્ર વાંચી સંગઠનના આયોજકને સંસ્થાની મુલાકાત લેવા નિમંત્રિત કર્યા. રમણને આ પત્ર નિમંત્રણ નહીં પરંતુ વર્ષો બાદ મળેલા પ્રેમપત્ર જેવો લાગ્યો. પ્રથમ શિરવંદના કરી પત્રને હોઠે લગાવ્યો. નિર્ધારિત દિવસે સંગઠનના એક કાર્યકરને લઈને ટૅક્સી કરી સંસ્થાની મુલાકાતે ગયો. સંસ્થાના ગેઈટ પાસે ટૅક્સી રોકી ગેટકિપરને અંદર જાણ કરવા જણાવ્યું. સફેદ ધોતિયું, સફેદ કફની, વાળમાં આછી સફેદી સાથે રમણ ટૅક્સીમાંથી ઊતર્યો તે સાથે સ્વાગત કરવા આવેલ રમાની નજર પડી. વિસ્ફારિત થઈ ગઈ. સ્થળકાળને થોડી વાર માટે ભૂલીને ‘ર..મ..ણ’નો આછેરો ઉદ્‍ગાર નીકળી ગયો. રમણની નજર પણ રમા ઉપર સ્થિર થઈ ગઈ. મૌનનો પડઘો બંને તરફથી પડ્યો.

આવકારની વિધિ પૂર્ણ થયા બાદ રમણે સંચાલિકાની રૂબરૂ મુલાકાત માગી. રમા પોતાની ચૅમ્બરમાં જઈ, રમણને એકલા અંદર આવવા અનુમતિ આપી. નતમસ્તકે પ્રવેશ કરી, રમણે નમસ્કાર કર્યા.

‘ર….મા’ માત્ર બે જ શબ્દોએ જાણે લાગણીના છલકાતા ડેમના બધા દરવાજા ખોલી નાખ્યા.

‘રમણ’ રમાએ પણ સામો પ્રતિભાવ આપ્યો અને બેસવા કહ્યું. ક્ષણના મૌન બાદ રમાએ જ કહ્યું, ‘જીવનનું ચક્ર કેવી ગતિએ ફરે છે. સમય સમયનું કામ કરે છે અને મળ્યાં તો પણ કેવી જગ્યાએ અને કેવા સંજોગોમાં.’

‘હા… રમા… આપણે તો કુદરતની ઘડિયાળના બે કાંટા જેવાં જ રહ્યાં. જે કુષ્ટરોગે તને મારાથી દૂર કરી આ કક્ષાએ પહોંચાડી. એ જ કુષ્ટરોગે મને એની જ સેવા કરવાના સંગઠનનો સ્થાપક બનાવ્યો. છતાં એક બાબતની આજ સંતોષપૂર્વક નોંધ લઉં છું કે આપણે અલગ અલગ છતાં લગોલગ રહ્યાં.’

સંપર્ક :
‘મનન’, ઇન્કમટૅક્સ સોસાયટી, ઍરોડ્રામ પાસે, રાજકોટ- ૩૬૦ ૦૦૭
મો. ૯૮૨૫૨ ૮૦૧૪૭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “અલગ અલગ છતાં લગોલગ – મનહર વૈષ્ણવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.