અમારો વનપ્રવેશ – આશા વીરેન્દ્ર

(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

જીવનનાં વનમાં પ્રવેશ કરતાંની સાથે તનની સમસ્યાઓ પરચો બતાવવા માંડી. ઘનઘોર વનમાં દાખલ થતાં જ ગીચ ઝાડી પાછળ છુપાયેલ વિકરાળ પશુઓ ત્રાડ પાડીને ડરાવવા માંડે તેમ એકાવન, બાવન કે બહુ બહુ તો ત્રેપનમાં પેઠાં કે ડરામણા રોગો- જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, આર્થરાઈટીસ ને આની સિવાયના નીતનવા રોગો જડબું ફાડીને ઊભા જ હોય. સિંહને દૂરથી જોઈને જ ટાંટિયા ધ્રૂજવા લાગે, ને જો નજીક આવ્યો તો તો આપણો કોળિયો થયો જ સમજો, એવું જ ડાયાબિટીસનું. ડોક્ટર બોર્ડર લાઈન પર હોવાનું એલાન કરે ત્યાં જ ગભરાટ છૂટે અને જો આ વનરાજ (રોગરાજ) એક એક ડગલું આગળ ભરતો સાવ સામે આવીને ઊભો રહે ત્યારે તો ભલભલા નરકેસરી કેસરીને બદલે ધોળા પૂણી જેવા થઈ જાય. માર્યા ઠાર ! હવે આ મૂઓ મરતાં સુધી પોતાની ચુંગાલમાંથી આપણને છોડશે નહીં અને સલાહકારોનોય રાફડો ફાટી નીકળશે. મિષ્ટાન છોડો, ભાત છોડો, બટેટા છોડો, રોટલી છોડો. એના કરતાં હે ભગવાન ! આ રોગમાંથી મને છોડાવ તો સારું ! પણ ભગવાનેય કેટલાનું સાંભળે, કેટલી દોડાદોડ કરે ને કેટલાંને બચાવવા જાય ? એટલે અંતે તો સિંહના મોંમાં માથું મૂક્યે જ છૂટકો.

અમે પતિ-પત્ની લગભગ હમઉમ્ર જ, એટલે જેમ લગ્નની વેદી પર એકસાથે પ્રવેશ કરેલો એમ વનપ્રવેશ પણ મેં બે ડગલાં આગળ રહીને અને એણે નીચી નજરે, કંઈક સંકોચાતાં, શરમાતાં જરાક પાછળ રહીને કર્યો. પણ એક વખત વનમાં એન્‍ટ્રી મારી પછી કોણ આગળ, કોણ પાછળ એવો કોઈ ક્રમ જળવાતો નથી. વળી મારા કરતાં શ્રીમતીજી મેદવૃદ્ધિની બાબતમાં વધુ સમૃદ્ધ, તેથી મને મારી પોતાની જાત કરતાં અર્ધાંગિનીની, એમના સ્વાસ્થ્યની ચિંતા વધુ રહે. વળી, હું તો કંઈ જ ખાતી નથી તોયે શરીર શી ખબર કેમ વધે છે એવી સર્વ (સ્થૂળજન) વ્યાપી ફરિયાદ કરવાની સાથોસાથ પત્ની મારી ગેરહાજરીમાં મિઠાઈ, સૂકોમેવો, ઠંડાપીણાં વગેરે ચીજોનો ઉદારતાપૂર્વક ઉપયોગ કરતાં હોય છે એ તો મને ખાલી ડબ્બા-બાટલી જોઈને ખ્યાલ આવી જ જાય. પરંતુ એમનાં લાભાર્થેય જો હું કંઈક ટકોર કરવા જાઉં (દોઢડહ્યો થવા જઉં) તો એમને એટલું માઠું લાગી જાય કે પછી મારી સામે અબોલાનું અમોઘ શસ્ત્ર ઉગામે અને હું રહ્યો નબળો યોદ્ધો, એટલે આ શસ્ત્રથી હમેશા જખ્મી થઈ જાઉં. વારંવાર ઘવાવું તો કોઈને પોસાય નહીં તેથી હું મારે માટે કોઈ ઢાલની તપાસમાં હતો અને એવી એક ઢાલ મળીય ખરી. મારો એક ડોક્ટરમિત્ર કે જેની પ્રેક્ટિસ ઓછી અને સલાહકાર તરીકે કામગીરી વધુ ચાલતી, તે આ કામ માટે મિત્રભાવે, વિનામૂલ્યે તૈયાર થઈ ગયો. આમેય હમણાં ઘણા દિવસથી ‘તંદુરસ્ત અને સ્વસ્થ જીવન’ પર એનું પ્રવચન સાંભળનાર સમજદાર શ્રોતા એને મળ્યો નહોતો એટલે એને જીભમાં ખુજલી આવતી હતી.

પોતાનો અમૂલ્ય એવો દોઢેક કલાકનો સમય આપી એણે મારી પત્નીનાં હૃદય અને મગજમાં સોંસરવું ઉતારી દીધું કે અનેક રોગોથી બચવું હોય અને શરીર પર જામેલાં ચરબીનાં થર ઉતારવા હોય તો ચાલવાની કસરત અવશ્ય કરવી જ જોઈએ. મિત્રના ગયા પછી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને એ વદ્‍યા, ‘એમની વાત સાવ સાચી છે. આપણે પરમ દિવસથી જ ચાલવાની શરૂઆત કરી દઈએ.’ મિત્રના વ્યાખ્યાનનો આટલો પ્રભાવ પડ્યો એથી તો હું રાજી થયો પણ ‘શુભસ્ય શીઘ્રમ્‍’ પ્રમાણે ચાલવાની શરૂઆત કાલ ને કાલ કરવી જોઈએ એને બદલે પરમ દિવસ કેમ એ સમજાયું નહીં. એમણે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું, ‘કેમ, કાલનો દિવસ તો તૈયારી માટે જોઈશે કે નહીં ?’

‘તૈયારી ? ચાલવા નીકળવું એમાં વળી તૈયારી શું ?’

‘તમને તો ભઈસા’બ, નાની નાની વાતેય સમજાવવી પડે. ભલેને હું ચાલવા ન જતી હોઉં પણ મને ખબર છે કે, મોર્નિંગ વોક લેવા નીકળનારી બેનો કેવા સરસ સરસ ડ્રેસ પહેરીને ચાલવા નીકળે છે ! કાલે આપણે પણ મોલમાં જઈને થોડા ડ્રેસની ખરીદી કરી આવીએ.’

જે પાણીએ મગ ચઢતા હોય એ પાણીએ ચઢાવવાની ગણતરી સાથે બીજે દિવસે હું સપત્ની ખરીદીએ નીકળ્યા. સપ્તાહના સાત ડ્રેસ, એની સાથે શોભે એવા ત્રણ જોડી શુઝ અને ત્રણ જોડી મોજાં – આ બધી ખરીદી પતાવી અમે ઘરે આવ્યાં ત્યારે શ્રીમતીજીનો હરખ માતો નહોતો. રાત્રે સૂતા પહેલાં ઊંડી મથામણને અંતે સોમવારે ક્યો ડ્રેસ પહેરવો, મંગળવારે ક્યો એમ બધું વ્યવસ્થિત નક્કી કર્યું. મારે માટે તો શું પહેરવું એ વિચારણાને અવકાશ જ નહોતો. કેમ કે મારે બદલે મારી અર્ધાંગિનીએ જ નક્કી કરી લીધું હતું કે,

‘તમારે પુરુષોને શું ? જે પહેરો એ બધું ચાલે. તમારી સામે તો કોઈ નજરેય ન કરે, તમારા તો બે હાફપેન્ટ પડ્યાં જ છે એ વારાફરતી પહેર્યા કરવાનાં. વળી કલર ઊડી ગયેલાં ટી-શર્ટ તો કેટલાં પડ્યાં છે ? હવે ચાલવાનું શરૂ કરીશું એટલે એ બધાં વપરાઈ જશે.’ મારે તો એમનાં દોરવ્યા દોરાવાનું હતું.

અમારાં પદયાત્રા અભિયાનનું પ્રથમ મંગલપ્રભાત ઊગ્યું. અતિ ઉત્સાહમાં સાડા પાંચ વાગ્યાનો એલાર્મ મૂકેલો તે સાડા પાંચ વાગ્યાથી નિંદર માણી રહેલી માનુનીને ઢંઢોળવાની શરૂઆત કરી.

‘ઊઠને, આજથી આપણે ચાલવા જવાનું છે ને ? તું જ કહેતી હતી ને કે, મને ઉઠાડજો !’

માંડ માંડ છ વાગે એણે ચુંચી આંખ કરીને ઘડિયાળ તરફ દૃષ્ટિપાત કરતા કહ્યું, ‘કેટલા, છ વાગ્યા છે ? બહાર અંધારું કેટલું છે ? આવામાં ક્યાંય પડ્યા-આખડ્યા તો ? થોડીવાર સૂઈ જાવ. જરા અજવાળું થાય પછી જઈએ.’

સાચું પૂછો તો મને પણ આળસ તો ખૂબ જ આવતી હતી. એટલે ભાવતું’તું ને વૈદે (પત્નીએ) કહ્યા જેવું થયું. પત્નીના આદેશનું પાલન કરવા ગુલાબી ઠંડીમાં ગોદડું ઓઢીને સ્વર્ગીય સુખ અનુભવતો સૂતો તે સીધા થયા સાડા સાત. આમ, પહેલે દિવસે તો સ્ફૂર્તિપૂર્વક ચાલવાના મારા અને નવાં વસ્ત્રો પરિધાન કરવાના શ્રીમતીજીના અરમાન અધૂરા જ રહ્યા. બહુ વહેલા ચાલવા ન નીકળવું હોય તો છ વાગ્યાનો જ એલાર્મ મૂકું એમ વિચારી, છ વાગ્યાનો એલાર્મ મૂક્યા પછી બીજી રાત્રીએ મેં શૈયાગમન કર્યું. દિવસ બીજો – સમય સવારના છ વાગ્યાનો.
દ્રશ્ય – શયનખંડનું. નેપથ્યમાં કૂકડે કૂક અવાજ.

નાયિકા વીખરાયેલા વાળ સાથે અનિચ્છાપૂર્વક પથારીનો ત્યાગ કરે છે.

નાયિકા – સાંભળો છો ? કાલે રાત્રે તમે સૂઈ ગયા પછી મને યાદ આવ્યું કે, તમારા મિત્રએ ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, કુદરતી હાજત પત્યા પછી જ ચાલવા નીકળવું. વળી અડધે રસ્તે તકલીફ થાય તો ક્યાં જવું ? એટલે મારે તો થોડી વાર કોલ આવે એની રાહ જોવી પડશે. તમારે નીકળવું હોય તો નીકળો, હું રસ્તામાં તમને ભેગી થઈ જઈશ.

નાયકે તો આજે દ્રઢ સંકલ્પ કર્યો હોવાથી એ (હું) તખ્તા પરથી વિદાય લે છે. (દ્રશ્ય સમાપ્ત)

ત્રીસ-પાંત્રીસ મિનિટ ખુલ્લી હવામાં ચાલીને હું પાછો ફર્યો ત્યારે ‘એ’ નવાં કપડાં ધારણ કરીને અરીસામાં પોતાની જાતને નીરખી રહી હતી. મને જોતાં જ એ ભડકી ઊઠી. ‘આટલાં જલ્દી તમે પાછા આવી ગયા ? પંદર-વીસ મિનિટ તૈયાર થવામાં મેં કરેલી મહેનત નકામી ગઈ ને ? હવે એકલા ચાલવા જવાનો મને ‘મૂડ’ નથી.’

શ્રીમતીજીની વોક લેવાની મહેચ્છામાં રોજેરોજ આવતાં વિઘ્નોનું વર્ણન કરવાને બદલે ફક્ત મુદ્દાઓ જ કહું તો-

મંગળવારે માથું દુઃખતું હતું.
બુધવારે બદહજમી થઈ હતી.
ગુરુવારે ગુમડું પાક્યું હતું.
શુક્રવારે શર્મિલાના લગ્નમાં જવાનું હતું.
શનિવારે શરદી થઈ હતી.
રવિવારે રાતભર ઊંઘ નહોતી આવી.
સોમવારે સમયસર ઉઠાયું નહીં.

આમ, ઉપર જણાવેલ કારણોસર સાત વારના સાત ડ્રેસ વપરાયા વિના પડી રહ્યા. એની સાથે ખરીદેલા વ્હાઈટ, બ્લેક અને બ્લ્યુ શૂઝ પણ એને ધારણ કરનાર નાજુક પાનીઓની રાહ જોતા નિસાસા નાખતા રહ્યા. સાત દિવસ પછી એ કૃતસંકલ્પાએ જાહેરાત કરી,

‘મેં હેલ્થ મેગેઝિનમાં વાંચ્યું હતું કે, ચાલવા કરતાંય યોગાસનો શરીર અને મનને વધુ ફાયદો કરે છે. માટે હવે હું તો ‘યોગા’ ક્લાસમાં જવાની છું. મહિનાની હજાર રૂપિયા ફી છે પણ ભલેને હોય ! આપણાં શરીર કરતાં પૈસા કંઈ વધારે છે ? હું તો યોગા જ શીખીશ. હવે ચાલવા-બાલવાનું કેન્સલ.’

એમની આ નવી જાહેરાત મારા નાજુક હૈયાને આંચકો આપનારી ત્રણ રીતે બની રહી.

નં 1 ચાલવાની ઈચ્છાનું થયેલું બાળમરણ મારા દિલમાં ઊંડે સુધી આઘાત આપી ગયું.
નં 2 હવે એમના શરીરે દિવસે ન વધે એટલી રાત્રે વધી રહેલી ચરબીનું શું થશે એની ચિંતા મારા મનમાં ઘૂસી ગઈ.
નં 3 ખાસ ચાલવા માટે ખરીદેલા એમના ડ્રેસીસનું શું થશે એ પ્રશ્ન મને પજવવા લાગ્યો. કેમ કે, એક-બે મહિના પછી તો આ બધા ડ્રેસ એમનાં અંગે ચઢી શકે એવી એમની (ડ્રેસની) લાયકાત જ નહીં હોય. હૃદયના ઊંડાણ સુધી પહોંચેલા આ ધ્રાસ્કાને પરિણામે અત્યારે તો હું હોસ્પિટલના બિછાને પડ્યો પડ્યો હૃદયરોગની સારવાર લઈ રહ્યો છું અને મનમાં ને મનમાં ગણગણી રહ્યો છું, ‘ન જાણ્યું જાનકીનાથે, ‘સવારે’ શું થવાનું છે ?’

– આશા વીરેન્દ્ર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “અમારો વનપ્રવેશ – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.