સમર્થિણી : મોરપીંછ – સમીરા પત્રાવાલા

(સમીરાબેનનો patrawalasameera@gmail.com પર સંપર્ક કરી શકો છો.)

કાળુપુરનો એક લોઅર ક્લાસ એરિયા અને ધીમે ધીમે રાતના અંધારામાં ડૂબતી ગલીઓ. ક્યાંક હલકી ધીમી હેલોજન લાઇટ તેજ થતી જાય છે અને આસપાસનાં ઘરોમાં બત્તીઓ ઓલવાતી જાય છે. ક્યાંક મોડી રાતે ઘરે પાછી આવતી સાઇકલોની ઘંટડીઓ અને સ્કૂટરોના અવાજ ! અને આ બધા જ વચ્ચે ઘેરાતો સન્નાટો અને ચહેલપહેલથી બેખબર હલકી બત્તીના અજવાળે બેઠેલો યુવાન ! સુધીર બે પગને ટૂંટિયું વાળી હાથમાં ફોનને રમાડતો અવાક બેઠો છે. ગોરંભાયેલી આંખો જોતાં જ લાગે કે હમણાં વરસી પડશે, પણ એ પાછલાં 10 દિવસથી મનમાં હૈયાફાટ રુદન ધરી બેઠો છે.

હવે શા માટે જીવવું? કોના માટે જીવવું? જીવનનું માત્ર એક સુખ પણ જતું રહ્યું. કાયમ માટે ! એ છેલ્લા દસ દિવસથી આ જ હાલતમાં હતો. ન કંઈ બોલતો અને ન રડતો. થોડા ઘણાં પાડોશીઓ અને કહેવાના મિત્રો હતા એ બધા આજે આશ્વાસન આપી પોતાને ઠેકાણે થયા હતા. બસ હવે એ હતો, આ કાળમુખી રાત અને પછી ન ખૂટતી – કાળી રાત જેવી જિંદગી ! એના હાથ ફોન પર એ ટુ ઝેડ અને ઝેડ ટુ એ સુધી રમ્યા કરે છે. અચાનકથી એ નજર એક નંબર પર અટકી જાય છે. નામ હતું, ‘મોરપીંછ’ !

કંઈક યાદ આવતાં એ નંબર ડાયલ કરે છે. અડધી રાતે પણ આવી ઇમર્જન્સીથી ટેવાયેલી હોય એમ બે જ રિંગ જતાં એ ફોન ઊપડે છે. ‘હલ્લો, મોરપીંછ હેલ્પલાઇન !’

‘હ…હેલ્લો. મોરપીંછ ?’ સુધીરે અચકાતાં અચકાતાં શરૂઆત કરી.

‘જી સર ! બોલો, હું આપની શું મદદ કરી શકું ?’ કાનમાં સૂર રેલાતો હોય એવો આત્મવિશ્વાસથી રણકતો મીઠો અવાજ બોલ્યો.

‘મારે આત્મહત્યા કરવી છે.’ સુધીર બોલીને ચૂપ થઈ ગયો.

‘જી સર, મને આપની પૂરી વાત કહેશો, શા માટે આત્મહત્યા કરવી છે ?’ સામેના અવાજની લયબદ્ધતા હજુ એમની એમ જ હતી. જાણે આ વાત એને માટે કંઈ જ નવી ન હોય અને શા માટે હોય ? જીવનથી નિરાશ થયેલા અને આત્મહત્યા કરવા જતા લોકોને સાચું માર્ગદર્શન આપવા જ એ સંસ્થા બની હતી અને કંઈ કેટલાય વિદ્યાર્થીઓ, યુવાનો અને વૃદ્ધોને જીવતા શીખવનારી હતી.

સુધીર એ અવાજથી અજાણતાં જ ખેંચાતો હતો. સુધીરે વાત શરૂ કરી.

‘વાત તો બાળપણથી જ શરૂ થઈ છે. નાનો હતો ત્યારે 12 વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન થઈ ગયું. કાકાઓએ માથે હાથ મૂકવાને બદલે અમને કુટુંબથી જ બહાર ફેંકાવી દીધા. માથે છત નહોતી, ખાવા નહોતું. હું અને મારી મા જેમતેમ કરી ગુજરાન ચલાવતાં. માએ ગામની સરકારી નિશાળમાં ભણાવ્યો અને પોતે ગૃહઉદ્યોગ ચલાવીને અમારી જીવાદોરી સંભાળતી. જેમતેમ કરી બાર ધોરણ પાસ થયો. થોડું કમ્પ્યૂટર પણ શીખ્યો અને એના પર જ નોકરી પણ મળી. હવે દિવસો પહેલાં જેવા કપરા નહોતા.’ સુધીર અટક્યો.

‘હં, પછી શું થયું ?’ એ ધીરજથી સાંભળતી હતી. જાણે આખી રાત એની વાતો જ સાંભળ્યાં કરવાની હોય.
‘પછી મારો સુખદ કાળ શરૂ થયો. મારા ઘરને લાયક એક કન્યા જોઈને મારી માએ મારાં લગ્ન કરાવ્યાં. એના આવવાથી જીવન જાણે પૂરપાટ દોડતું ગયું. એના આવ્યા પછી મેં અહીં કાળુપુરમાં એક નાની ઓરડી પણ લીધી.’ સુધીરના અવાજમાં કંપન ભળ્યું.

‘એમ કરતાં કરતાં લગ્નને ચાર વર્ષ વીતી ગયાં. મા પોતરાની આશે જ ભગવાનને વહાલી થઈ ગઈ અને હું અનાથ થઈ ગયો.’ સુધીર ધીમો પડ્યો.

‘ઓહ ! આઈ એમ સોરી.’ તે બોલી ઊઠી.
‘પણ હું એકલો નહોતો. મારી પત્નીએ ખૂબ જ સારી રીતે મને સંભાળ્યો હતો. ખૂબ ચાહતાં અમે એકબીજાને ! જીવન સુંદર હતું ને પછીના વર્ષે એને સારા દિવસો રહ્યા, પણ કુદરતને એ પણ મંજૂર નહોતું. એને અધૂરા મહિને ડિલિવરી થઈ અને એણે પણ વિદાય લીધી. પુત્રી તો ફક્ત બે જ દિવસ જીવી.’ સુધીરને ડુમો ભરાઈ ગયો, પણ એ રડી ન શક્યો.

‘બસ, બધું ખતમ ! કુદરત મારાથી ખબર નહીં કયો બદલો લઈ રહી છે. હવે જિંદગી ખતમ કરવી છે. કોના માટે જીવું ? અને કઈ મકસદથી જીવું ? હું જ નહીં તો કંઈ તકલીફ જ નહીં, પણ મારી પત્નીએ એક વખત ક્યાંકથી આ નંબર આપ્યો હતો, કહ્યું હતું કે એની ગેરહાજરીમાં કંઈ નબળો વિચાર આવે તો હું ફોન કરીને આખી વાત કહું. એને જાણે ખબર હશે કે હું ક્યારેક આત્મહત્યા કરવા વિચારીશ.’

‘હં’ એ ઘડીભર ચૂપ રહી અને પછી બોલવા શરૂ કર્યું. ‘જુઓ મિસ્ટર. આપનું દુઃખ તો બહુ મોટું છે, પણ આત્મહત્યા તો એનો ઉપાય નથી જ. આવી ઘટનાઓના ભોગ બહુ લોકો બને છે, પણ જીવે છે અને સારું જીવે છે. શું આપને ઠીક લાગે તો આપનું નામ અને એડ્રેસ આપી શકો ?’

‘ના, મારે મરવું છે. શું કરશો જાણીને ?’ સુધીર એ અવાજથી ખેંચાતો હતો અને બીજી બાજુ હતાશા એને તાણતી હતી.

‘બસ એક દિવસ માગું છું. પ્લીઝ, ના ન પાડશો.’

થોડી ઘણી વાતો આમ જ ચાલી અને બીજા દિવસે વાત કરવાના વાયદે એણે રજા લીધી.

‘હું આપને કાલે પાછો ફોન કરીશ. મારું નામ રૂપાલી છે.’

‘શું કહ્યું ? રૂ…રૂપાલી !’

‘હા રૂપાલી.’

સુધીર ફરી બેચેન થઈ ગયો. રૂપાલી એની સ્વર્ગસ્થ પત્નીનું નામ હતું. ફોન મૂક્યા પછી સુધીર બંનેનાં નામ સરખાં હોવા પાછળનો ઉદ્દેશ શોધતાં શોધતાં જ સૂઈ ગયો.

બીજા દિવસે મોડે મોડે એક અજાણ્યા નંબરેથી આવેલા કોલે સુધીરને જગાડ્યો.

મનની આછી ઘેલછા વચ્ચે એણે કોલ ઉઠાવ્યો અને સામેથી એ રણકતો અવાજ સાંભળવા કાન આતુર હતા, ત્યાં જ એક આધેડ વયની સ્ત્રીનો અવાજ આવ્યો. ‘હેલ્લો મિ. સુધીર ! હું મોરપીંછ હેલ્પલાઇનથી બોલું છું.’

‘હા બોલો.’ સુધીરની ઊંઘ પૂરી ઊડી.

‘જી આપને અનુકૂળ હોય તો અમે આપને મળવા માગીએ છીએ. શું અમે આપના ઘરે આવી શકીયે?’

‘હા !’ એણે ઉતાવળે કહ્યું. ફોન મૂકતાં પુછાઈ જ ગયું, ‘કાલે તો કોઈ રૂપાલી મેડમ હતાં.’

‘હા, શું આપ રૂપાલી સાથે વાત કરવા માગો છો ? એને પણ આપને મળવું છે.’ ઔપચારિકતા પછી સુધીરે ફોન મૂક્યો. એનો આજનો દિવસ અલગ ઊગ્યો હતો.

સાંજે નિયત સમયે ડોરબેલ વાગે છે. કુતૂહલવશ સુધીર દરવાજો ખોલે છે. સામે એ જ આધેડવયની સ્ત્રી. ‘સુધીરજી ?’ ‘હા’ ‘અમે મોરપીંછથી આવ્યાં છીએ.’ ‘આવો’ સુધીરે ફિક્કો આવકાર આપ્યો. એની પાછળ સુધીરના કુતૂહલ વચ્ચે જાણે તડકામાં દુપટ્ટાથી મોં છુપાવતી હોય એમ એક યુવતી પણ ઘરમાં દાખલ થાય છે.

બેસતાં જ એ સ્ત્રી બોલી. ‘જી મારું નામ ડો. કામદાર છે અને આ છે રૂપાલી. જેની સાથે આપે વાત કરી હતી.’

રૂપાલી ચહેરા પરથી દુપટ્ટો હટાવતી હતી. સુધીર એનો ચહેરો જોતાં જ કાપો તો લોહી ન નીકળે એમ ડઘાઈ ગયો અને પળભરમાં જ મોં નીચું કરી એનાથી અભડાશ અનુભવવા લાગ્યો.

‘આઈ એમ સોરી મિસ રૂપાલી.’

‘નો મિ. સુધીર. સોરીની જરૂર નથી. બધાનું મને જોઈને આવું જ રિએક્શન હોય છે. તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ આમ જ કરું. એસિડના થોડા છાંટાઓથી સપાટ બનેલો ચહેરો જોવાની આદત કોઈને નથી હોતી.’

‘અને એટલે જ આવી છું તમારી પાસે. તમારી જેમ હું પણ જીવનથી દુ:ખી હતી. જીવનથી હારેલી.’ એના અવાજનો રણકાર અકબંધ હતો.

‘પણ આ બધું.’ સુધીર સ્વસ્થ થતો હતો.

‘આજથી છએક વર્ષ પહેલાં કોઈ કારણસર હું આ એસિડ એટેકનો ભોગ બની હતી. મોં, આંખ, નાક બધું જ એકાકાર થઈ ગયું. જીવતાં ચિતામાં બળવાનો સાક્ષાત્ અનુભવ ! અને દિવસ-રાતની પીડા ! જીવન હવે જીવવા જેવું નહોતું. તો પણ સાજા થતાં બે વર્ષ લાગ્યાં અને આજે આંખો અને નાક-કાન કામ કરતાં તો થયાં છે. મોં પણ ઈશ્વરે બચાવી લીધું, પણ જીવન! દયાપાત્ર હતું ! લોકો મને જોઈ સહાનુભૂતિ આપતા. પાછળ કંઈ કેટલી કહાનીઓ ! સ્વજનોને બોજરૂપ બનતી જતી હતી પણ કંઈ કહી ન શકતા.’

રૂપાલી થોડી વાર સુધીરને તાકતી ચૂપ રહી, સુધીર ચોરતી આંખે એને જોવા મથતો હતો.

‘પડોશીનાં બાળકો ન ઊંઘે તો મારી બીક બતાવતા. છોકરીઓ ગેરમાર્ગે જતી લાગે તો મારો એસિડ એટેક શાપરૂપે બતાવાતો અને આ બધા વચ્ચે વારંવાર છિન્નભિન્ન થતો રહેતો મારો આત્મા અને મકસદ વગરનું જીવન ! મારે પણ મોટા થઈ ડોક્ટર બનવું હતું. સપનાં પર પણ એસિડ પડી ગયું હતું હવે.’

‘એક વખત અનાયાસે જ રિસામણે આવેલી દીકરીને લઈને પાડોશણ મારી ખબર પૂછવા આવી અને કંઈ ગણગણતી જતી હતી. એની વાતો સાંભળવા બારીએ ઊભી તો સાંભળ્યું કે જો આનું શું જીવન ? આના કરતાં તો તારું જીવન સારું છેને ? હવે ક્યારેય બળવા ન ઊભી થતી.’

‘હું વિચારતી રહી અને મનમાં ખૂણે છુપાયેલો વિશ્વાસ પાછો જાગ્યો. મારું ઉદાહરણ લઈ લોકો જીવન આસાન બનાવતા હતા. મારી કુરૂપતાનાં કૂંડાળાં કોઈના જીવનમાં રંગોનું મોરપીંછ બનતાં હતાં. ડો. કામદાર જે મનોચિકિત્સક છે, એમને મળી આ સંસ્થા ઊભી કરી. મારા જીવનમાં પણ ફિક્કા પડેલા ડોક્ટર બનવાનાં સપનાંને રંગો ભરી આ મોરપીંછ બનાવ્યું. ત્યારથી મોરપીંછે કેટલાય નવા રાહ ખોલ્યા છે અને એમાં કેટલાય લોકો જોડાયા છે.’

‘તમારામાં જીવતા રહેવા બાકી રહેલી એક નાનકડી એવી લગન મને કાલે જ દેખાઈ. અમે પીડિતને ઉપદેશ નથી આપી શકતા બસ નવી રાહ દેખાડીયે છીએ.’

‘તમે એકલા નથી મિ. સુધીર, અમે પણ તમારી સાથે છીએ. તમને મકસદ દેવા આવી છું. આ મોરપીંછ દેવા આવી છું. શું તમે અમારી સાથે જોડાશો ?!’

સુધીર આ વખતે કોઈ પણ જાતની અભડાશ વગર એ સમથળ ચહેરાવાળી સમર્થિણીને જોતો હતો અને મોરપીંછ હાથમાં પકડતાં ક્યાંય સુધી આટલા દિવસોનું મનમાં ધરબાયેલું રુદન સંભળાતું રહ્યું અને ઓરડીમાંથી મોરપીંછના રંગો ઊડતા રહ્યા.

– સમીરા પત્રાવાલા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઑનેસ્ટી ઍન્ડ ઇન્ટિગ્રિટી : રાજમાર્ગ – નિલેશ મહેતા
એક સમણાની વાત – મહેશ યાજ્ઞિક Next »   

11 પ્રતિભાવો : સમર્થિણી : મોરપીંછ – સમીરા પત્રાવાલા

 1. Vishnu bhaliya says:

  ખુબ સરસ વાર્તા…..વિષયવસ્તુ ખુબ નવીન લાગ્યું…..

 2. sandip says:

  “Life is beautiful”

  Good story

  Thanks…

 3. vijay c poriya says:

  ખુબ સરસ વાતૉ છે………………………………….હદય ને સ્પશૅી જાય છે. ઘણા બધા ના જીવન મા અાવી ઘટના બનતી હોય છે.
  આ વાતાૅ એક આત્મબળ પુરુ પાડે છે.

 4. જિવનમા દુખોના ડુન્ગરથિ દબાયેલા,નિસહાય અને હતાશાના ભોગ બનેલાઓને પ્રેરક બને તેવિ ખુબજ સુન્દર વાર્તા !! બિજી સુન્દર વાર્તાઓનિ અપેક્ષા સાથે લેખકને હાર્દિક અભિનન્દન !!!!

 5. Gita kansara says:

  Very interesting story. Thanks samiraben.

 6. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સમીરાબેન,
  સુંદર અને સચોટ વાર્તા આપી. આભાર.
  સાચે જ, સમર્થિણીની જેમ બીજા માટે જીવવાનું જ નહીં બલ્કે બીજાઓને પણ જીવતાં શીખવાડવાનું કામ કરવું — એ જ તો જીવન છે ને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 7. Vijay Nimavat says:

  Superb !!!

  Akalpniy !!!

 8. MaltiCDoshi says:

  V nice story heartaches

 9. Sameera says:

  . Atla Saras pratibhavo mate Aap Sahu no haradaypurvak Aadhar .

 10. Ankit says:

  Amazing one !! Really liked it Sameera. 🙂

 11. Chintan says:

  અદ્દભુત વિચાર. કશુંક નવું વાંચવા મળ્યું. આભાર.

  -ચિંતન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.