એક સમણાની વાત – મહેશ યાજ્ઞિક

(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘તમે પપ્પાને સમજાવો તો સારું, વીસ દિવસ માટે આવ્યાં છીએ એમાં તો એ અમદાવાદ જવાની વાત કરે છે. અત્યારે આણંદ જઈને મારાં મમ્મી-પપ્પા સાથે બે દિવસ રહે તો એમને પણ સારું લાગે. એમને લાગે કે વેવાઈ અમેરિકાથી આવ્યા તોયે અમારા માટે સમય કાઢ્યો…’

બેડરૂમમાં એરકન્‍ડિશન્‍ડ મશીનની આછી ઘરઘરાટી વચ્ચે દિવ્યા એના પતિ હિમાંશુને સમજાવી રહી હતી. વડોદરા અલકાપુરીમાં એમનો નાનકડો બેઠા ઘાટનો બંગલો હતો. હિમાંશુની નોકરી ન્યૂ જર્સી, અમેરિકામાં હતી. માતબર પગાર હતો પણ રજાની મુશ્કેલી હતી. દિવ્યાનું પિયર આણંદમાં હતું. એના એકના એક ભાઈનાં લગ્ન હતાં એ માટે દિવ્યા, હિમાંશુ અને રમણલાલ અમેરિકાથી અહીં આવ્યાં હતાં. કુલ વીસ દિવસ વડોદરામાં રોકાવાનું હતું. એમાંથી આઠ દિવસ તો આણંદ જવાનું ફરજિયાત હતું. એ પરિસ્થિતિમાં રમણલાલ અમદાવાદ જવાની હઠ કરતા હતા.

‘દિવ્યા, લિસન…’ એની બધી દલીલો સાંભળ્યા પછી હિમાંશુએ એને સમજાવી. ‘પપ્પાનો જન્મ અમદાવાદની રાજા મહેતાની પોળમાં થયેલો. એ પછી પૂરાં પચાસ વર્ષ સુધી એ પોળમાં રહ્યા છે. મામા-મામી શ્રીમંત હતાં અને એમને કોઈ સંતાન નહોતું એટલે એ લોકો મને વડોદરા લાવ્યાં પણ મમ્મી-પપ્પા તો રાજા મહેતાની પોળમાં જ રહેલાં. પપ્પા પચાસના થયા એ વખતે મમ્મીનું અવસાન થયું. એ પછી પણ પપ્પાની ઈચ્છા અમદાવાદ રહેવાની હતી. મહામુશ્કેલીએ એમને મનાવીને વડોદરા લાવેલો…’

હિમાંશુએ દિવ્યા સામે જોયું ‘જે માણસે આયુષ્યનાં પચાસ વર્ષ એક સ્થળે વિતાવ્યાં હોય ત્યાંનું એટેચમેંટ કઈ રીતે છૂટે ? પંદર વર્ષથી એ મારી સાથે છે. ત્રણ વર્ષ વડોદરા રહ્યા અને એ દરમિયાન અમદાવાદ ક્યારેય ગયા નથી એટલે એ જશે. પોળના જૂના મિત્રોને મળીને એક દિવસમાં પાછા આવી જશે… અન્‍ડરસ્ટેન્‍ડ ?’

હિમાંશુના અવાજમાં આદેશનો રણકાર હતો એ પારખીને દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું.

‘પોળના વાતાવરણનો તને પરિચય નથી. એક ઘરમાં અવસર હોય તો આખી પોળમાં ઉત્સવ લાગે અને કોઈક ઘરમાં આપત્તિ આવી હોય તો બધા ત્યાં અડધી રાતે પણ ઊભા રહી જાય. પોળ એટલે જાણે એક વિરાટ કુટુંબ… આ બધી એ વખતની વાત હતી. અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ હશે એ ઈશ્વર જાણે. પપ્પાને પોળમાં જે મિત્રો હતા એમાં દિનેશ દરજી તો પપ્પાથી દસેક વર્ષ નાનો હતો. અમેરિકાથી પપ્પાએ એને ત્રણ-ચાર પત્ર લખ્યા. એનો કોઈ જવાબ નથી એટલે પપ્પા આકુળવ્યાકુળ થઈ ગયા છે. એમની અમદાવાદ જવાની ઈચ્છામાં ખાસ તો એ દિનેશ દરજી કારણરૂપ છે. પપ્પાને એ મોટાભાઈ સમાન માનતો’તો. એકેએક વાતમાં પપ્પાની સલાહ લેવા આવે. એ માણસ સાથે પંદર વર્ષથી કોઈ સંપર્ક નથી એટલે પપ્પાની દશા સમજી શકું છું. વૃદ્ધ માણસના મનમાં કોઈ વાત ઘર કરી જાય પછી તે તંત ના મૂકે… સમજી ?’

દિવ્યાએ ફરી હકારમાં માથું હલાવ્યું અને બેડરૂમની લાઈટ બંધ કરી.

પાંસઠ વર્ષની ઉંમરે પણ રમણલાલનું એકવડિયું શરીર સ્ફૂર્તિથી છલકાતું હતું. ટીશર્ટ, પેન્‍ટ અને બૂટ પહેરીને તૈયાર થઈ ગયા પછી એમણે ગોગલ્સ પહેર્યા, ‘દિવ્યા…’ એમણે પુત્રવધૂને સૂચના આપી. ‘એક બેગમાં બદામના છ પેકેટ અને સેન્ટની છ બોટલ મૂકી દે એટલે હું ભાગું…’ એમના અવાજમાં ઉત્સાહ હતો. ‘કોઈના ઘેર આટલાં વર્ષો પછી જઈએ ત્યારે ખાલી હાથે ના જવાય…’

વડોદરાથી ઊપડતી લક્ઝરી બસમાં બારી પાસે જગ્યા મળી ગઈ. શહેરના ટ્રાફિકમાંથી નીકળીને બસ એક્સપ્રેસ હાઈવે પર આવી અને ગતિ પકડી. આજુબાજુનાં દ્રશ્યો સામે રમણલાલ તાકી રહ્યા. બસની ગતિની સાથોસાથ જૂની સ્મૃતિઓ આંખમાં તરવરતી હતી.

પોળમાં દિનેશ દરજીનું મકાન અને એમનું મકાન અડોઅડ હતું. એકબીજાનાં સુખ-દુ:ખમાં સહભાગી થવાની પરસ્પરની ભાવના પણ અડીખમ હતી.

‘મોટા ભઈ, એકના એક દીકરાને વડોદરા મોકલતાં જીવ કેમ ચાલ્યો તમારો ?’ દિનેશ દરજીએ પૂછ્યું હતું, ‘એને તમારી પાસે રાખીને ભણાવો.’

‘જો દિનેશ…’ રમણલાલે એને સમજાવ્યું, ‘એનાં મામા-મામી ખમતીધર છે પણ શેરમાટીની ખોટ છે. એટલે હિમાંશુને લઈ જાય છે. ભણાવશે-ગણાવશે. મારા કરતાં એની માની ઈચ્છા વધારે છે. પત્ની અને સાળાના આગ્રહ આગળ આપણે અક્કડ રહીએ તો ઘરમાં કંકાસ થાય. એના કરતાં એ લોકોની ઈચ્છાને માનવામાં મને કોઈ નુકસાન નથી. દીકરો છે એટલે ઘડપણમં અમનેય રાખશે. મારા સંસ્કાર ઉપર પૂરો ભરોસો છે મને… માનાનો ધંધો સંભાળશે. સારું ભણશે તો સારી નોકરી શોધી કાઢશે. મને જરાયે ચિંતા નથી…’

‘મને તો અત્યારથી ટેન્‍શન છે…’ દિનેશ દરજી સાવ ભોળિયો માણસ હતો. રમણલાલ પાસે એ મન મૂકીને બધી વાત કહેતો. ‘ટેભા મારી મારીને આખી જિંદગી મજૂરી કરી છે પણ આ બે હીરામાંથી એકેયને સંચા ઉપર નથી બેસાડવા.’ એના અવાજમાં ઉત્સાહની સાથે દ્રઢ નિશ્ચયનો રણકાર હતો. ‘મોટો મનન ભણવામાં હોશિયાર છે એટલે એને તો ડોક્ટર જ બનાવવો છે. નાનો કેતન પણ ચબરાક છે. નિશાળે જાય પછી ખબર પડે કે હીરો કેવું ભણે છે. બાકી મોટા મનનને તો ડોક્ટર જ બનાવવો છે…’

દરજીકામ કરીને પેટિયું રળતા દિનેશ પાસે બચત કે મૂડી જેવું જે ગણો એમાં પોળનું નાનકડું મકાન, પોળના નાકે નાનકડી દુકાન અને સંચો. છોકરાના ભવિષ્યનું સ્વપ્ન જોતી વખતે એના હાથ સંચા ઉપર ઝડપથી ફરતા. બુશર્ટ અને પેન્‍ટ કરતાં ઝભ્ભામાં એની કારીગરી વખણાતી. શહેરમાં મોટું નામ ધરાવતા ટેલરો પણ ઝભ્ભાનું કામ દિનેશને આપી જતા.

‘મેં ભલે આખી જિંદગી ટેભા માર્યા પણ તેને ડોક્ટર બનાવીશ…’ દિનેશને એના મોટા દીકરા મનના અભ્યાસ માટે ખૂબ ગૌરવ હતું. બપોરે દુકાને ચા લઈને આવેલો મનન જો ભૂલેચૂકે સંચા ઉપર બેસીને નકામા કપડાં ઉપર સિલાઈકામ શરૂ કરી દે તો દિનેશ દુ:ખી દુ:ખી થઈ જતો. એનો હાથ પકડીને ઊભો કરી દેતો. ‘ભાઈ, તારે આ મશીનને નથી અડવાનું. તારે તો ડોક્ટર !…’ એ વખતે છઠ્ઠા ધોરણમાં ભણતો મનન એના બાપાના ચહેરા સામે તાકી રહેતો.

અચાનક જોરદાર બ્રેક લગાવીને લક્ઝરી બસ ઊભી રહી. આગળના વાહને બ્રેક મારેલી એટલે બસના ડ્રાઈવરે કુશળતાથી બ્રેક મારીને અકસ્માત નિવાર્યો. આ ખલેલને લીધે રમણલાલની સ્મરણયાત્રા બે-ત્રણ મિનિટ માટે અટકી. એ પછી બસે ગતિ પકડી એની સાથે એ ફરીથી ભૂતકાળમાં પહોંચી ગયા.

લગ્નની સિઝનમાં હદ વગરના ઉજાગરા કરીને દિનેશ કામ ખેંચતો ત્યારે રમણલાલ એને ટોકતા. ‘દિનેશ, થોડોક આરામ કર. આમ તૂટી મરીશ તો છોકરા રઝળી પડશે.’

‘તમને ખબર છે ?’ દિનેશ એમની સામે જોઈને પૂછતો. ‘બારમા ધોરણના ટ્યૂશન માટે સાહેબો કેટલા પૈસા પડાવે છે એ ખબર છે તમને ? આ બધા ઉજાગરા એના માટે કરું છું. આવતા વર્ષે જ ટ્યૂશન શરૂ થઈ જશે. એ વખતે પૈસા કયા ઝાડ પરથી આવવાના ? આ રીતે મહેનત ના કરું તો અમારા મનનભાઈ ડોક્ટર ના બની શકે, મોટાભાઈ !’

રમણલાલ દિનેશની આ વાત સાંભળી મનમાં દુ:ખી થઈ જતા. મનની ક્ષમતાનો એમને ખ્યાલ હતો. એ છોકરો મેડિકલમાં જાય એની શક્યતા સાવ ઝાંખી હતી પણ દિનેશની હોંશ તૂટી ના જાય એટલે એ મૌન રહેતા. ગણિત અને વિજ્ઞાન-બંને વિષયમાં મનનનો અભ્યાસ કાચો છે એ રમણલાલને ખબર હતી.

બારમા ધોરણનું પરિણામ આવ્યું એ દિવસે દિનેશનાં બારેય વહાણ ડૂબી ગયાં. આખી પોળનું વાતાવરણ ભારેખમ બની ગયું. માત્ર પંચાવન ટકા સાથે પાસ થયેલો મનન રડ્યા કરતો હતો. ઘરમાં કોઈ ગુજરી ગયું હોય અને બધા બેસણામાં આવે એ રીતે પોળના બધા રહીશો વારાફરતી દિનેશના ઘેર આવીને સાંત્વના આપતા હતા. દિનેશે ત્રણ દિવસ સુધી તો દુકાન પણ ના ખોલી.

‘બોર્ડની પરીક્ષામાં આવા લોચા થાય…’ રમણલાલે દિનેશના ખભે હાથ મૂકીને સમજાવ્યું. ‘વિદ્યાર્થી પૂરી મહેનત કરી હોય પણ તપાસનારા વેઠ વાળે એમાં કોઈનું જીવતર રોળાઈ જાય. હવે પૈસા ખર્ચીને પેપર ખોલાવવાનોય કોઈ અર્થ નથી. બોર્ડવાળા એમની ભૂલ હશે તોય કબૂલ નહીં કરે ને છાપેલું પોસ્ટકાર્ડ મોકલી આપશે. ખાતર ઉપર દીવેલ રેડવાનો અર્થ નથી…’

આ દિલાસો આપતી વખતે રમણલાલને ખબર હતી કે મનન માટે વધારાનો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. બાપ તરીકે મનના આઈ.ક્યુ. માટે દિનેશ ભલે ગમે તે માને, બાકી પોળના બધાને ખબર હતી કે કંઈક આવું જ પરિણામ આવવાનું છે.

‘રાત-દિવસ મહેનત કરી કરીને પૈસે પૈસો બચાવીને ટ્યૂશન રખાવ્યાં.’ દિનેશના અવાજમાં તૂટેલા સમણાંની પીડા હતી. ‘ચશ્માનાં નંબર વધી ગયા ને આખા ગામમાં ઢંઢેરો પીટતો રહ્યો કે મનન મેડિકલમાં જશે અને આ શું થઈ ગયું ? પંચાવન ટકા !’

ચારેક દિવસમાં સ્વસ્થ થયા પછી મનને દિનેશને કહ્યું, ‘બાપા, મને આપણા ધંધામાં જ રસ છે, કાલથી દુકાને બેસીશ.’

એ પછી દસેક દિવસમાં દિનેશે ધડાકો કર્યો. કોઈકે એને હોમિયોપેથીના ડોક્ટર બનાવવાની સલાહ આપી હતી એટલે મરણિયા બનેલા દિનેશે જ્યાં ત્યાંથી દેવું કરીને પૈસા ભેગા કર્યા અને મહારાષ્ટ્રમાં ધૂળિયાની હોમિયોપેથીની કોલેજમાં ડોનેશન તરીકે ખાસી રકમ જમા કરાવીને હસતા મોઢે પોળમાં આવ્યો. મનનને મેડિકલમાં એડમિશન મળી ગયું છે એ વધામણી એકેએક ઘેર આપી આવ્યો. અઠવાડિયા પછી બેગ-બિસ્તરા સાથે મનનને ધૂળિયાની કોલેજમાં મૂકી આવ્યો !

લક્ઝરી બસની ગતિ એકધારી હતી. આરામથી બારી પાસે બેઠેલા રમણલાલની આંખ સામે જાણે ગઈ કાલે જ આ બધું બન્યું હોય એમ દ્રશ્યો તરવરતાં હતાં.

એકાદ મહિના પછી હાથમાં અંતર્દેશી કાગળ લઈને દિનેશ રમણલાલના ઘેર આવ્યો. ‘આ કપાતર મને રોડ પર લાવી દેશે…’ દિનેશ રીતસર રડતો હતો. ‘ત્યાં કોલેજમાં ભાઈને બીજા છોકરાઓ હેરાન કરતા હતા એટલે ત્યાંથી ભાગીને એ એના મામાના ઘેર પહોંચી ગયો છે…’ પીડા અને ગુસ્સાના મિશ્રણથી દિનેશનો અવાજ ધ્રૂજતો હતો.

‘મારી બીકને લીધે અને શરમને લીધે અહીં આવતાં પગ ના ઊપડ્યો એટલે સીધો મોસાળ ભાગી ગયો. ઊછીના-પાછીના કરીને ડોનેશન ને ફી ભરી’તી એ બધુંય પાણીમાં… આજે એના મામાનો કાગળ આવ્યો ત્યારે એના પરાક્રમની ખબર પડી. હવે તમે જ કહો કે આ છોકરાનું કરવું શું ?’

આ દરજી એના છોકરાને મારી-મચડીને ડોક્ટર બનાવવા માટે ખોટા ધમપછાડા કરે છે એ વાત સમજતા હોવા છતાં રમણલાલ સ્પષ્ટ રીતે દિનેશને કહી ન શક્યા. લાગણીઘેલા દિનેશને એના જ હથિયારથી સમજાવ્યો, ‘જો દીનુ, મનને ડહાપણનું કામ એ કર્યું કે એ સીધો મોસાળ પહોંચી ગયો. ત્યાં પરદેશમાં છોકરાઓ એને હેરાન કરતા હશે. એમના ત્રાસથી કંટાળીને રેલવેના પાટા નીચે સૂઈ ગયો હોત તો ? નદી કે તળાવમાં પડ્યો હોત તો ? ભગવાનનો આભાર માન કે એ હેમખેમ મામાને ત્યાં પહોંચી ગયો. હવે થોડા દિવસ ત્યાં રહેવા દે… બાળક છે, ભૂલ કરે…’

રમણલાલની વાત દિનેશના ગળે ઊતરી. પોસ્ટકાર્ડ લખીને મનનને ત્યાં રહેવાનું જણાવી દીધું અને એ પછી બધું ધ્યાન નાના પુત્ર કેતન ઉપર કેન્‍દ્રિત કર્યું. મનન ડોક્ટર ના બન્યો અને દેવામાં ઉતારી દીધો પણ કેતન તો ડોક્ટર જ બનશે એવું એ ઝનૂનપૂર્વક માનવા લાગ્યો હતો. કેતન ભણવામાં મનન કરતાં વધુ હોશિયાર હતો. મનન હવે મોસાળમાં જ રહેતો હતો. એ ત્યાં શું કરે છે એ જાણવાની પણ દિનેશને હવે પરવા નહોતી. એની આંખ સામે એક જ ધ્યેય હતું – ગમે તેમ કરીને કેતનને મેડિકલમાં એડમિશન અપાવવું… સિલાઈ મશીન ઉપર એના ઉજાગરા શરૂ થઈ ગયા હતા. રમણલાલને એની દયા આવતી. એમણે સમજાવવા પ્રયત્ન કર્યો પણ દિનેશની એક જ દલીલ હતી. ‘મારા છોકરાને સંચા ઉપર નહીં બેસાડું. હું તો બાર વર્ષનો હતો ત્યારથી સંચે બેઠો છું. આખી જિંદગી ટેભા ભર્યા છે, હવે એક જ ઈચ્છા છે કે છોકરાઓ સંચાને હાથ ના અડાડે !…’ દિનેશના સૂકલકડી ચહેરામાં ઊંડી ઊતરે ગયેલી આંખોમાં જે સમણું ઝગારા મારતું હતું એ રમણલાલની આંખ સામે અત્યારે પણ તરવરતું હતું.

બસ, કેતન બારમામાં આવે એ અગાઉ રમણલાલ વડોદરા ગયા અને ત્યાંથી અમેરિકા, એ પછી દિનેશ સાથે કોઈ સંપર્ક નહોતો રહ્યો.

આખી લક્ઝરી બસ ખાલી થઈ ગઈ એ પછી રમણલાલ નીચે ઊતર્યા. રિક્ષાવાળાને પોળનું નામ આપ્યું. આખા રસ્તે એમની નજર ચારે તરફ ફરતી રહી. આખું શહેર ખાસ્સું બદલાઈ ગયેલું લાગતું હતું. પોળના નાકે રિક્ષા ઊભી રહી. નીચે ઊતરીને એ આગળ વધ્યા. એમની આંખ આશ્ચર્યથી નવા બનેલા શોપિંગ સેન્‍ટર સામે તાકી રહી. એમનું, દિનેશનું, બાજુમાં રહેતાં કાશીબાનું અને દનજીભાઈનું એ ચારેય મકાન તૂટીને ત્યાં શોપિંગ સેન્‍ટર બની ગયું હતું ! બાકી બધાં મકાનો અકબંધ હતાં. છેલ્લા મકાનમાં ગોવિંદભાઈ ચોક્સીનું જે મકાન હતું એ ખુલ્લું હતું એટલે રમણલાલ ઝડપથી એ તરફ આગળ વધ્યા. પુરુષ વર્ગ તો ઘરમાં હતો નહીં. નવી પરણીને આવેલી બે વહુઓ ઘરમાં હતી. એ રમણલાલને ઓળખતી નહોતી. એણે ડાયરીમાંથી દિનેશનું નવું સરનામું કાગળની ચબરખીમાં લખી આપ્યું.

‘સેટેલાઈટ રોડ… વૈભવ બંગ્લોઝ…’ એમણે રિક્ષાવાળાને કહ્યું, દિનેશનું નસીબ હવે ફળ્યું લાગે છે… એ વિચારતા હતા. પોળનું મકાન છોડીને પોશ વિસ્તારમાં બંગલો એટલે નાનો કેતન ડોક્ટર બની ગયો હશે. અંતે, બિચારા દિનેશનું સ્વપ્ન ફળ્યું અને નાના છોકરાએ ડોક્ટર બનીને બંગલો બનાવ્યો… રમણલાલની વિચારધારા રિક્ષામાં પણ ચાલતી હતી.

બંગલો ખરેખર ભવ્ય હતો. પાર્કિંગમાં ઊભેલી ચમકતી કાર જોઈને રમણલાલને આનંદ થયો. બિચારા દિનેશને છેલ્લે છેલ્લે આ સાહ્યબી મળી ખરી. ડોરબેલનો અવાજ સાંભળીને દિનેશ બહાર આવ્યો. રમણલાલ એની સામે જોઈ રહ્યા. શરીર ખાસ્સું સ્થૂળ બની ગયું હતું એ છતાં એ સ્ફૂર્તિથી રમણલાલને ભેટી પડ્યો.

સોફા ઉપર બેઠેલા રમણલાલની નજર આખા ઓરડામાં છલકાતી સમૃદ્ધિ તરફ ફરતી હતી. ઘરમાં એક ડોક્ટર હોય એટલે ટંકશાળ પડે એવું એ વખતે દિનેશ કહેતો હતો એ એમને યાદ આવી ગયું.

‘શું કરે છે ડોક્ટર કેતન દરજી ?’ એમણે હસીને દિનેશ સામે જોઈને પૂછ્યું.

‘કેતન અને ડોક્ટર ?…’ દિનેશે આશ્ચર્યથી પૂછ્યું. ‘તમને કોણે કીધું ? એ તો બી.એસ.સી. થયો. પછી માંડ માંડ બી.એડ્‍. કરીને ત્રણ લાખ ડોનેશન આપીને બાવળાની સ્કૂલમાં માસ્તર બની ગયો છે.’

‘તો પછી આ બંગલો ? ગાડી ?’

‘એ બધી તો મારા મનની મહેનત છે…’ દિનેશના અવાજમાં ગૌરવ ઉમેરાયું. ‘કેતનને માસ્તર બનાવવા ડોનેશન પણ એણે આપ્યું…’ દિનેશે રમણલાલ સામે જોયું. ‘આશ્રમરોડ ઉપર અને સી.જી. રોડ ઉપર બે જબરદસ્ત દુકાન ચાલે છે. મામાને ત્યાં સિલાકામમાં માસ્ટરી મેળવીને અહીં આવ્યો. મારાથી જુદી દુકાન કરી. એ જામી ગઈ એટલે એ કાઢીને આશ્રમ રોડ ઉપર ડી. સન ટેલર્સ નામની મોટી દુકાન કરી. એમાંય જોરદાર ધંધો ચાલ્યો એટલે ત્રણ વર્ષ પહેલાં સી.જી. રોડ પર લાફેમ ફેશન ડિઝાઈનર્સ નામે નવી દુકાન કરી… પણ મૂળ કામ ટેભા મારવાનું ને આજે શહેરમાં એના નામના ડંકા વાગે છે..’

રમણલાલ એના અવાજમાં છલકાતા આનંદને માણતા રહ્યા અને દિનેશ બોલતો રહ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “એક સમણાની વાત – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.