જીવવા માટે ગુરુ કરવાની શી જરૂર ? – દિનેશ પાંચાલ

(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશભાઈ પાંચાલ (નવસારી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો ૯૪૨૮૧૬૦૫૦૮ પર સંપર્ક કરી શકો છો.)

એક મિત્ર તેમની વાતો દરમિયાન હંમેશા કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા !’ દોસ્તો, શું ખાવું ને શું ન ખાવું એ તત્વતઃ વ્યક્તિસ્વાતંત્ર્યનો મુદ્દો છે. આપ શ્રદ્ધાળુ હશો તો બેશક આપને ઝાટકો લાગશે પણ એક વાત પૂરી ગંભીરતાથી કહેવી છે. મનુષ્યજીવનમાં ગુરુ કરવાની જ કોઈ જરૂર હોતી નથી. જીવનો અભ્યાસક્રમ એટલો અઘરો નથી કે તે માટે તમારે ગુરુનું ગાઇડન્સ મેળવવું પડે ! તમારે ‘એ… બી… સી… ડી…’ શીખવા માટે શિક્ષકની જરૂર પડે… પણ ભણીગણીને એક જવાબદાર નાગરિક બની જાઓ પછી વાંચવા લખવા માટે તમને દર વખતે શિક્ષકની જરૂર પડતી નથી. ચાલતા આવડી જાય પછી ચાલણગાડીની જરૂર પડતી નથી. છતાં તમારે ગુરુ કરવા હોય તો ગુરુનું સરનામું નોંધી લો. ઈશ્વરે ખાવા, પીવા અને બોલવા માટે મોઢું આપ્યું છે. વિચારવા માટે મગજ આપ્યું છે. સમજવા માટે બુદ્ધિ આપી છે. તો વિચાર… બુદ્ધિ અને સમજ એ જ તમારા અસલી ગુરુ છે ! જેમકે મોઢું આપ્યું છે તો તે વડે અન્ન ખાવું અને પાણી પીવું પરંતુ ગુટકા ન ખાવા કે લઠ્ઠો ન પીવો, એ સામાન્ય બુદ્ધિની વાત છે. બોલવા માટે જીભ આપી છે અને વિચારવા માટે બુદ્ધિ આપી છે એથી મા સાથે કેમ બોલવું અને પત્ની સાથે કેમ બોલવું તે વિવેકબુદ્ધિથી માણસ નક્કી કરી શકે છે. એ માટે ગુરુ પર આધાર રાખવાની જરૂર હોતી નથી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે જાપાનમાં ક્યાં કોઈને ગુરુ હોય છે ? આપણે મોક્ષ માટે આકાશ તરફ નજર માંડીને ઊભા છીએ. વિદેશીઓએ એવા કાલ્પનિક સ્વર્ગના ચક્કરમાં પડવાને બદલે સખત પરિશ્રમ દ્વારા તેમના દેશમાં જ સાચુકલું સ્વર્ગ ઊભું કર્યું છે.

જીવનમાં કેટલીક વસ્તુઓની નક્કર જરૂરિયાત હોય છે અને કેટલીક વસ્તુઓ સેકન્ડરી હોય છે. આપણો દેશ ધર્મપ્રધાન છે છતાં અહીં કોઈ પાસે ગીતા, બાઈબલ કે કુરાન ન હોય તો તેને મંદિર મસ્જિદમાં જતાં રોકવામાં આવતા નથી, પણ સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ ના હોય તો સ્કૂલમાં એડમિશન મળતું નથી. કારણ એટલું જ કે પોથીધર્મ કરતાં જીવનધર્મનું મહત્વ વિશેષ છે. ધર્મગ્રંથો એ પોથી ધર્મ છે અને સ્કૂલનું લિવીંગ સર્ટિફિકેટ એ નક્કર જીવનધર્મ ગણાય. આપણે ત્યાં કથાકારો, ગુરુઓ, બાબાઓ કે સ્વામીઓનાં રાફડા ફાટ્યા છે તેના મૂળમાં અંધશ્રદ્ધાળુ લોકો તો ખરા જ પણ દેશના તમામ ભગવાધારી ગુરુસંઘો પણ કારણભૂત છે. કરોડો અજ્ઞાની લોકોના સહકાર વિના ગુરુઓ આવડી મોટી વિરાસત ઊભી ન કરી શકે. ટીવી પર રજુ થયેલા સમાચાર મુજબ દુનિયાભરમાં આસારામબાપુના ૪૦૦ આશ્રમો ચાલે છે. દુનિયાના અબજો અંધશ્રદ્ધાળુ અનુયાયીઓની ગાંગડુગીરી વિના કોઈ બાપુ આટલો વિકાસ કરી શકે ખરો ? જીવી જવા માટે ઘરવખરીની જેમ ‘જીવનવખરી’ની પણ જરૂર પડે છે. જીવનવખરી એટલે જીવી જવા માટે અનિવાર્ય હોય તેવી ચીજવસ્તુઓ. (જેમકે ચૂલો અને ઝૂલો ઘરવખરી કહેવાય પણ અનાજ જીવનવખરી કહેવાય. હિંચકા વિના જીવી જવાય, પણ અનાજ વિના જીવન અટકી પડે) હવે મુદ્દાની વાત સાંભળો. આપણે ઘરમાં આખા વર્ષ માટે ઘઉં, જુવાર, ચોખા, તેલ વગેરે ભરીએ છીએ પણ પૂજાપાઠ માટે અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, દીવેટ, નારિયેળ, અગરબત્તી વગેરે ભરતાં નથી. કેમકે એ બધી વસ્તુઓનો સમાવેશ જીવનવખરીમાં થતો નથી. એ બધો ‘પૂજાપો’ ધર્મઘરવખરી ગણાય – જીવનવખરી નહીં. કાકા-મામા, ભાઈ-ભાંડુ કે ફોઈ-ફૂવા એ સૌ સ્વજનો ઉપયોગી સગા ગણાય. પણ મોરારિબાપુ, પ્રફુલ્લભાઈ શુક્લ કે રમેશભાઈ ઓઝા વિના આપણો સંસાર અટકી પડતો નથી. ભગવદ્‍ગીતાની બુક કરતાં બેંકની પાસબુક સાચી જીવનવખરી છે. મૂળ વાત એટલી જ કે માણસ માણસાઈથી જીવવાનું શીખી લે પછી તેણે કોઈ ધર્મ કે ગુરુ પાળવાની જરૂર પડતી નથી. ફિલ્મી ગીતકાર ગુલશન બાવરાએ મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’માં અભિનય કર્યો હતો અને ગીતો પણ લખ્યાં હતાં. તેમણે ક્યાંક લખ્યું છે : ‘ઇન્સાનિયત હી સબસે પહેલા ધર્મ હૈ ઇંસાન કા… ઉસકે બાદ હી પન્ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’ એક બીજા શાયર ‘મેહર’ લખનવીએ ફરિયાદ કરી છે : ‘અગર સુન ન શકો તુમ દુઃખીઓં કી આવાઝ… ઔર પોંછ ન પાઓ કિસી કે આંસુ… તો ક્યા ફાયદા તુમ કુરાન પઢો યા નમાઝ…!’

અસલી વાત એ છે કે ધર્મો ભલે જુદાં હોય પણ માણસો જુદાં હોતાં નથી. દરેક ઇન્સાનની માટી એક છે. દરેકની જરૂરિયાત એક છે. દરેકના આંસુ, આઘાતો અને આનંદ સરખાં છે. સૌ મનુષ્યો ધરતીરૂપી વિશાળ વટવૃક્ષના પાંદડા સમા છે. કોઈ હિંદુ દીકરો મરે કે મુસ્લિમ દીકરો… પણ એક માની આંખમાંથી વહી નીકળતા આંસુઓનું ગોત્ર જૂદું હોતું નથી. એ ગોત્રનું નામ છે ‘દર્દ’. કોઈ દીકરો બાર સાયન્સમાં બોર્ડમાં ફર્સ્ટ આવે ત્યારે આંખમાં આનંદના આંસુ આવે છે. બીજી તરફ એ દીકરો પહેલો પગાર લઈ ઘરે આવતો હોય અને માર્ગમાં અકસ્માતમાં માર્યો જાય ત્યારે પણ આંખમાં આંસુ આવે છે. બંને વખતે આંસુનું કારણ જૂદું હોય છે પણ બંધારણ એક હોય છે.

આપણે મૂળ મુદ્દો ગુરુની બિનઉપયોગીતાનો છે. તાત્પર્ય એટલું જ, માણસે સમાજમાં માનવતા કે સહૃદયતાપૂર્વક જીવવામાં ગુરુઓના ગાઇડન્સની શા માટે જરૂર પડવી જોઈએ ? કેટલીક માનવતા માણસમાં ઇનબિલ્ટ હોય છે. રોડ પર તમારી હાજરીમાં કોઈને અકસ્માત થાય ત્યારે તમારે શી ફરજ બજાવવાની છે તે જાણવા માટે તમે ધર્મગ્રંથોના પાના ઉથલાવતા નથી અથવા માર્ગદર્શન મેળવવા માટે ગુરુને ફોન કરીને પૂછતા નથી. તમારામાં સ્વયંસ્ફૂરિત માનવતા પ્રગટી ઊઠે છે અને તમે ઘવાયેલાને હૉસ્પિટલ પહોંચાડો છો. તેને તમે એ નથી પૂછતાં કે- તારી જાતિ કઈ છે અથવા તું ક્યો ધર્મ પાળે છે? પણ ન કરે નારાયણ અને તે મૃત્યુ પામ્યો ત્યારે ક્યાં તો તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અથવા તેને દફનાવવામાં આવે છે. માણસના જન્મવાનો એક જ માર્ગ છે પણ મર્યા પછી વિદાય લેવાના રસ્તા જુદાં જુદાં હોય છે. મરનારના ધર્મ યા કોમ પ્રમાણે એની અંતિમ વિધિ થાય છે. એક વાત ગાંઠે બાંધી રાખવા જેવી છે. માનવધર્મનો શ્રેષ્ઠ કર્મકાંડ માનવતા છે એટલું સમજાઈ ગયા પછી કોઈ સ્વામી બાબાઓ કે ગુરુઓના ચરણો પૂજવાની જરૂર રહેતી નથી.

દોસ્તો, સમજો તો સીધી વાત છે. ઘરના દેવસ્થાનકમાં દીવો ન પ્રગટે તો ચાલે પણ ઘરમાં બલ્બ ન સળગે તો અંધારું થઈ જાય. મૂર્તિને નવૈદ્ય ન ચઢાવો તો ભગવાન ભૂખે મરી જવાના નથી પણ સમયસર વૈદ્ય ના મળે તો રોગમાં માણસ ઉકલી જાય. રોજ સવારે બે કલાક માળા કરો પછી આખો દિવસ ધંધામાં કાળાધોળા કરો તો રામ રાજી નહીં થાય. આમ છતાં ગેરસમજ ન થાય તે માટે એક સ્પષ્ટતા જરૂરી છે ઘણાં માને છે કે સુંદર જીવન કેમ જીવી જવું તે માટે ગાઇડન્સ જરૂરી છે. આ વાત સાચી નથી. કેટલીક સમજ કુદરતે માણસને આપીને જ મોકલ્યો છે. કોમનસેન્સ એ મનુષ્યજાતિનો કોમનધર્મ છે. માણસ તેની જાતી કરતાં તેના આચારવિચારો કે વર્તનથી વધુ પ્રસિદ્ધિ પામે છે. તમે જીવનભર રામની પૂજા કર્યે રાખો અને જીવનવ્યવહારમાં ફૂલ ટાઈમ રાવણ બનીને વર્તો તો એવી ભક્તિનો કોઈ ફાયદો નથી. આપણા કહેવાતા ધર્મપંડિતોએ લોકોને હંમેશા અવળે માર્ગે દોર્યા છે. ધર્મને તેમણે લોકો સમક્ષ કંઈક એવા ફોર્મમાં રજૂ કર્યો છે કે જેમાં કથાપારાયણમાં ભાગ લેવો… ફાળો ઉઘરાવી મંદિરોમાં હોમહવન કરવા… ગુરુઓની આરતી ઉતારી તેમને દેવની જેમ પૂજવા… ભગવા રંગની જર્સી પહેરી શિરડી કે અમરનાથના પગપાળા પ્રવાસે નીકળી પડવું… જાહેર માર્ગો પર આવેલા મંદિરો આગળ વાંસનાં બાંબુઓ વડે રસ્તો રોકી સત્યનારાયણની કથા કરાવવી… શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જાય એ રીતે ધાર્મિક રેલીઓ કાઢવી… આ તમામ બાબતો ધર્મને નામે થતો મિથ્યા કર્મકાંડ છે. દુઃખની વાત છે કે કહેવાતા સંતો એને ધર્મ માને છે. એકવાર માણસ જાત ભણીની જાત્રામાં જોતરાઈ જાય પછી તેણે કેસરી જર્સી પહેરીને નાસિક, ત્રંબક કે અમરનાથની જાત્રાએ જવાની જરૂર પડતી નથી. મન ચંગા તો કથરોટ મેં ગંગા !

અમારા બચુભાઈ ગુરુ વિશે કહે છે : ‘શિક્ષણ અને સુસંસ્કારથી મોટો કોઈ ગુરુ હોતો નથી. ઘરમાં બ્લેડ વસાવ્યા પછી આપણે દાઢી માટે વાળંદને ત્યાં જતાં નથી. પેટ ખોરાક પચાવી શકતું હોય તો આપણે પાચનવટી લેતાં નથી. દાંત મજબૂત હોય તો આપણે ચોકઠું પહેરતાં નથી. અર્થાત્‍ ધર્મ જે શીખવે છે તે બધી વાતો આપણે ગુરુની મદદ વિના પણ જાણી ચૂક્યા હોઈએ તો ગુરુની જરૂર રહેતી નથી. તમે રિલાયન્સના માલિક હો તો નોકરી માટે એમ્પ્લોયમેન્‍ટ એક્ષ્ચેંજની કતારમાં ઊભા રહેવાની જરૂર ખરી ?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “જીવવા માટે ગુરુ કરવાની શી જરૂર ? – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.