વલી-મામદ – હસુ યાજ્ઞિક

(‘નવચેતન’ સામયિકના મે, 2016ના અંકમાંથી સાભાર)

‘વાહ ! બહોત ખૂબ.’

હું ચમકી ગયો. આસપાસ જોયું તો કોઈ ન હતું. ઘડિયાળ તરફ નજર કરી તો રાતના ત્રણ થવાની તૈયારી હતી. આંગળીઓમાં દ્રુત લયની ગતિ અને ગરમી આવી ગઈ હતી. કોઈક બોલ્યું એવો મનને ભ્રમ થયો છે માનીને મન પાછું રાગ દરબારીના વાદનમાં ગૂંથાઈ ગયું. સ્વરની સાથે જ શબ્દો પણ મનમાં દ્રુતલયથી ઘૂંટાતા હતા.

ઔર નહીં કુછ કામ કે
મૈં ભરોસે અપને રામ કે…

ગત પૂરી થઈ કે ફરી સંભળાયું :
‘બહોત ખૂબ. બહોત ખૂબ !’

‘કોણ છે ?’ ભય અને આશ્ચર્યથી હું બોલી ઊઠ્યો.

‘મૈં હૂં સાબ !’

‘મૈં કોણ ?’

‘હું વલીમામદ.’

હું મૂંઝવણમાં પડ્યો. ઊતરતા શિયાળાની પાછલી રાતે છૂટાછવાયા બંગલાવાળી સોસાયટીના મારા મકાનના બંધ બારણા પાસે બેસી જનારો અને દાદ આપનારો વલીમામદ કોણ ?

મેં ઊભા થઈને વાયોલિન બાજુમાં મૂક્યું અને સ્વિચ ઑન કરી. બહારથી ફરી અવાજ સંભળાયો :
‘ખુદાહાફિઝ સાહેબ ! હવે સૂઈ જાવ. રાત પૂરી થવા આવશે. હું જાઉં છું.’

અને ડંગોરાનો અવાજ સંભળાયો. ભારે પગનો અવાજ થયો. થોડી વારે નાકેથી બૂમ સંભળાઈ… ‘વૂ…ઈ…’

મને રાહત થઈ. મધરાતનો એ મહેમાન ચોકીદાર છે. એ સમજાયું. ભય ચાલ્યો ગયો. આશ્ચર્ય રહી ગયું. બીજે દિવસે મેં ઘરમાં પૂછ્યું :
‘આ સોસાયટીમાં કોઈ ચોકીદાર છે ?’

‘છે ને વલીબાપા !’

‘વલીબાપા ?’

‘હા, સિત્તેર વર્ષનો બૂઢો અને ચોકીદાર છે.’

‘સિત્તેર વર્ષનો બૂઢો ચોકીદાર ?’

‘હા, પણ છે પાંચ હાથ પૂરો અને તંદુરસ્ત ! તાકાત નથી કોઈની કે આ સોસાયટીમાં ચોરી કરી શકે. આંખે ચશ્માં આવ્યાં છે. મોટા જાડા ગ્લાસનાં. થોડું ઓછું દેખાય છે. પણ હાથપગ સાબૂત છે.’

‘સોસાયટીએ એને ચોકીદાર તરીકે રાખ્યો છે ?’

‘ના. સોસાયટીએ તો કોઈને નથી રાખ્યો. સામેના બંગલાવાળા બહારગામ છે. છ માસ માટે મુંબઈ ગયા છે, એમણે રાખ્યો છે. આપણે સાવ છેવાડે છીએ એટલે આપણી પણ ચોકી કરે છે. હા, તમને રસ પડે એવી વાત છે. બાપા ટ્રાઈસોકોટો સરસ વગાડે છે.’

‘એના સંગીતપ્રેમનો તો કાલે અનુભવ થયો, રાતે.’ હું કહું છું. ‘મારે એમને જોવા પડશે.’

‘બાપાને બીજું કોઈ નથી. સામેના બંગલામાં આઉટહાઉસમાં રહે છે, આખો દિવસ ટ્રાઈસોકોટો વગાડે છે.’

‘સંતાન નથી ?’

‘છે પણ નથી જેવું. બે દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો અહીં ગામમાં છે, બીજો દીકરો દૂર છે. દીકરી પરણીને પંજાબમાં રહે છે.’

‘કોચમીન અલીડોસા જેવું.’

‘ધૂમકેતુની વાર્તાના પાત્ર જેવા જ છે. ધૂની ને હૃદયના સાચા.’

હું મળું છું ત્યારે એ વાત સાચી લાગે છે. હાથ ઊંચો અને મજબૂત કસાયેલી કાઠીનો આ માણસ એની યુવાનીમાં કેવો લાગતો હશે, એની કલ્પના કરતાં કોઈ કષ્ટ પડે તેમ ન હતું. એ કહે છે :
‘કાલ રાતનો દરબારી તો બઢિયા હતો સાહેબ !’

હું આશ્ચર્યથી પૂછું છું :
‘શાસ્ત્રીય સંગીત જાણો છો, દાદા ?’

‘જાણતો તો કંઈ નથી સાહેબ ! પણ ગુણીજનો સાથે મિજલસમાં બહુ બેઠો છું ને કેટલાક રાગ વગાડવાનું જાણું છું. એમાંય દરબારી તો મને ખૂબ છે. એ મિજલસનો રાગ જ નથી. જાતથી જાતને પૂછવાની એ વસ્તુ છે. એમાં બીજો હાજર જ ન જોઈએ. એટલે તો હું મારી વાહ દબાવીને બેસી રહ્યો હતો. પણ છેલ્લે ન રહેવાયું. બાર વાગ્યાનો બેઠો હતો તમારા ઓટલે.’

‘બાર વાગ્યાથી ?’

‘હા.’

‘તો શું ત્રણ કલાક મેં રાગ દરબારીનો રિયાઝ કર્યો ?’

‘ત્રણ કલાક શું વધારે છે સાહેબ ?’ એ બોલ્યો : ‘આ તો વાયોલિન છે. સિતાર હોય અને મંદ્રનો મિયાઉં.. મિયાઉં.. બોલતો તાર હોય તો મંદ્રની ચાલના આલાપમાં જ ત્રણ કલાક ક્યાં જાય એની ખબર પણ ન પડે.’

હું હસી પડ્યો. મને પહેલી જ વાર સમજાયું કે સિતારનો અનુમંદ્ર સપ્તકનો ખુલ્લો તાર છેડાય છે ત્યારે જે ધ્વનિ જન્મે છે તેમાંથી મિયાઉં… મિયાઉં… સંભળાય છે. મારા એવા પણ રસિક મિત્રો છે, જે વાયોલિનને સિતાર કહે છે. મને એમનું નિર્દોષ વલણ આનંદ આપે છે, પરંતુ વલીમામદની વાતથી મને ખૂબ આશ્ચર્ય થાય છે અને હું બોલી જાઉં છું.
‘સિતારની તમને સારી પરખ છે. ઉપમા સરસ આપી એને.’

‘હું સિતાર વગાડતો.’

‘તો પછી ટ્રાઈસોકોટો..’

‘સિતાર છોડી દીધી’

‘કેમ ?’

‘થપાટ પડી.’ વલીમામદે સહાસ્ય કહ્યું : ‘ઉપરવાળાની.’

હું આશ્ચર્યથી જોઈ રહ્યો.

વલીમામદની આંખોમાં કોઈ બીજી જ ચમક આવી ગઈ. એ કહે : ‘એ થપાટની મેં કોઈને ક્યારેય વાત નથી કરી સાહેબ ! તમે હિન્‍દુ લોકો બાધા લો છો, આડ લો છો, નીમ લો છો, એવું મેં કર્યું સિતારની બાધા લીધી બત્રીસ વર્ષ પહેલાં. માણસ બીડી, તમાકુ કે અફીણ છોડે અને એને નાડો તોટવા માંડે એવું મારે થયું છે. મારી નાડો તૂટે છે. મનમા મૂંઝારો થાય છે. આંગળીઓ સળવળે છે, અંદર અંદર તરફડું છું. બીડી તમાકુ છોડનારો તરફડીને બાધામાંથી છૂટવા વચલો રસ્તો કાઢીને છીંકણી સૂંઘે કે ચા છોડનારો કોફી પીવા માંડે. એમ હું ટ્રાઈસોકોટો વગાડું છું. સિતારની બાધા છે એટલે વ્યસન છોડનાર તો થોડા સમય પછી પેલી મૂળ વસ્તુના વિયોગને ભૂલી જાય છે, પણ હું આટલાં વર્ષેય ભૂલ્યો નથી સિતારને.’

‘આવી વિચિત્ર બાધા લેવાનું કંઈ કારણ બાપા ?’

‘કહ્યું ને, થપાટ ઉપરવાળાની’

‘પણ તમારે બાધા લેવી હતી તો બીજી લેવી હતી. સિતારની શા માટે ? બીડી, તમાકુ, ગાંજો, અફીણ, ચા વગેરે અનિષ્ટ ગણાય એવાં વ્યસન છે એને છોડવામાં લાભ છે, એટલે એની બાધા લેવાય. કંઈ સિતાર વગાડવાની બાધા લેવાય ?’

‘એણે પાપ કર્યું હોય તો ?’

‘કોણે સિતારે ?’

‘હા.’

‘સિતાર કંઈ પાપ કરે ?’

‘બૂરું તો કરે બીજાનું.’

‘એ કેવી રીતે ?’

વાલીમામદે નિ:શ્વાસ મૂક્યો. એની આંખમાં કરુણતા ડોકાઈ : ‘એણે ભોગ લીધો. સિતારે.’

‘કોનો ?’

‘મારી શેઠાણીનો.’

‘શું નામ ?’

‘એ નામ હું નહીં બોલું.’ અવાજ લાગણીભીનો હતો.

હું મૌન બની રહ્યો.

વલીમામદે નિ:શ્વાસ મૂકીને કહ્યું : ‘એ દેવી હતી. મારી મા હતી. બહેન હતી. એ શું હતી મારા માટે એ હું કોઈને કેમ કરીને સમજાવું સાહેબ !’

‘તમારી શેઠાણી ?’

‘હા.’

‘એનો ભોગ લેવાયો છે ?’

‘હા.’

‘સિતારના કારણે ?’

‘હા.’

‘સિતારના કારણે ભોગ લેવાય. એ જ મને તો સમજાતું નથી.’

‘મને સાહેબ, આટલાં વર્ષેય હજી નથી સમજાતું. માણસ સિતારને પ્રેમ કરે એમાં શું ખોટું છે ? પણ મારો શેઠ ન સમજ્યો. કાયર ઢેફા જેવું એનું હૈયું અને કાદવ ભરેલું એનું મન. એમાં શંકા ઊગી. ને નીચતા ફૂટી. મને શું ખબર સાહેબ કે…’

‘શેઠે કંઈ કર્યું ?’

‘હા.’

‘શું કર્યું ?’

‘મને ત્યારે નહોતી ખબર. હું જ દોડ્યો હતો ડૉક્ટરસાહેબને બોલાવવા. ડૉક્ટરસાહેબ આવ્યા. બહેનને તપાસ્યાં. શેઠ સાથે ઘુસપુસ કરી અને કહ્યું કે બહેનનું હાર્ટ બંધ પડી ગયું છે. હું એમના પગ પકડીને રડ્યો. શેઠે અને ડોક્ટરે મને બાવડેથી પકડીને આઘો કર્યો. બીજો નોકર મને મારી ઓરડીમાં લઈ ગયો. મને સાનભાન ન હતું. માણસો આવ્યા. બહેનની નનામી નીકળી. હું પાછળ દોડ્યો મારી માને કોઈ ઝૂંટવી જતું હતું. મને નમાયો બનાવી કોઈ ચાલ્યું જતું હતું. પણ માણસો મને ઊંચકીને આઉટહાઉસમાં લાવ્યા.

‘હું પાછળ જવાની રઢ કરતો રોતો હતો. શેઠે મને થપાટ મારી.’

‘થપાટ ?’

‘હા, મોઢું ઊતરી જાય, જડબું ખસી જાય એવી; પણ તોય મને કંઈ ન થયું. ગુસ્સો ન ચડ્યો. નહીં તો ત્યારની મારી થપાટે શેઠનું… પણ હું ત્યારે કંઈ જાણતો ન હતો. બીજે દિવસે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. મેં બીજી નોકરી શોધી લીધી. મારી ખોલીમાં હું સિતાર લઈને ઘેરી ઘેરી મીંડમાં મારી માના મોતનું માતમ કરતો હતો કે જૂની નોકરીનો મારો સાથીદાર આવ્યો અને સિતારને ગાળ દેતો બોલ્યો, ‘આને રાં… ને હવે તો છોડ વલી ! એણે તો આપણી શેઠાણીનો ભોગ લીધો. હજી તારી આંખ નથી ખૂલી ?’ મેઁ કહ્યું, ‘આને તું ગાળ દે છે ? શેઠાણીનું તો હાર્ટ બેસી ગયું.’ એ બોલ્યો, ‘એમને તો કોઈ રોગ નહોતો વળી, શેઠે જ તો એમનું કાટલું કાઢી નાંખ્યું હતું. શેઠાણી રોજ બપોરે તારી ઓરડીમાં આવી સિતાર સાંભળતાં હતાં અને કલાકો સુધી બેસી રહેતાં એથી શેઠના મનમાં શંકા જન્મી. એમની વચ્ચે રાતે ઝઘડો થયેલો. કામવાળી કહેતી હતી કે શેઠાણી બોલેલાં –
‘હા, હા, હું એને પ્રેમ કરું છું !’

ને રાતમાં જ શેઠે શેઠાણીનું કાટલું કાઢી નાખ્યું. આ બધું કોના પાપે વલી ? સિતારે જ તો આ દશા કરી ને !’

‘હું ભાન ભૂલી ગયો. મારા માથામાં સણકો થાય એવી જાણે મને થપાટ પડી બીજી. ઉપરવાળાની. મારા મનમાં થયું : આ પાપ જ આનું, સિતારનું ! મેં એને છોડી… પણ, એના વગર તો મારું જીવન જ જાણે અધૂરું થઈ ગયું. અહીં આ હૈયામાં ઘણું દળાય છે, થાય છે, હું સિતાર માટે તડપું છું પણ મારી બાધા…’ વલી બોલતો અટકી ગયો.

ઘરમાં કોઈએ રેડિયો ઓન કર્યો. પંડિત રવિશંકરની સિતાર સંભળાતાં વલીમામદ મૌન બની ગયો.

સંપર્ક :
1, પદ્માવતી બંગલોઝ, ભાવિન સ્કૂલ સામે, થલતેજ, અમદાવાદ-380 059

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “વલી-મામદ – હસુ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.