વાસ્તવનું ભાન થયું ને તુષાર પરિપક્વ બન્યો – અવંતિકા ગુણવંત

(‘અખંડ આનંદ’ સામયિકના મે, 2016ના અંકમાંથી સાભાર)

રાતના બાર વાગ્યા, એક વાગ્યો, બે વાગ્યા પણ અતુલભાઈની આંખમાં ઊંઘ નથી. આજે નહિ, છેલ્લા ચારપાંચ મહિનાથી આ જ દશા છે. રાતે ઊંઘ નથી આવતી, અને આવે છે તોય ઝબકીને જાગી જાય છે, છાતીમાં ભીંસ જેવું લાગે ને બેઠા થઈ જાય. દીવાલને અઢેલીને બેઠા જ રહે ને સવાર પડી જાય.

બહાર અજવાળું ફેલાય પણ અતુલભાઈના હૃદયમનમાં તો નિરાશાનો અંધકાર હોય. એવી શી આપત્તિ આવી પડી છે કે એ નિરાશામાં ડૂબતા જ જાય છે ?

થોડાં વરસો પહેલાં એમની આ ટેનામેન્‍ટ સોસાયટી બંધાતી હતી ત્યારે એમણે પણ સાઠ વારનું ટેનામેન્‍ટ રાખી લીધું હતું. લોનની સગવડ હતી તેથી સામટા પૈસા આપવાની ચિંતા ન હતી. એમની દુકાન થોડી દૂર હતી પણ પોતાની પાસે સાઇકલ હતી એટલે જવા આવવાની તકલીફ ન હતી. ટેનામેન્‍ટમાં રહેવા આવ્યા પછી એ ખુશખુશાલ હતા, જાણે રાજ મળી ગયું.

પાડોશીઓ સારા સ્વભાવના, મળતાવડા હતા, તેથી ખૂબ હૂંફ રહેતી. દીકરો તુષાર સોસાયટીનાં બાળકો સાથે રમતાં, હળતાં મળતાં ક્યારે મોટો થઈ ગયો એની ખબરે ના પડી.

તુષાર બી.કૉમ. થયો, એમ.કૉમ. થયો, એ ભણતો હતો ત્યાં સુધી તો અતુલભાઈ અને વિશાખાબહેન ઉજ્જવળ ભવિષ્યનાં સ્વપ્નાં સેવતાં હતાં, પરંતુ તુષાર ભણી રહ્યો, કેટકેટલાં ઠેકાણે નોકરી માટે અરજી કરી, ઇન્ટરવ્યૂ આપ્યા પણ ક્યાંયથી નિમણૂંકનો પત્ર ના મળ્યો. હવે શું કરવું એ પ્રશ્ન છે.

એમને ઘર ચલાવવા તુષારની કમાણીની જરૂર નથી. પરંતુ તુષાર યુવાન છે, એ ભણી રહ્યો છે. સ્વતંત્ર જિંદગી આરંભ કરવાનો સમય પાકી ગયો છે, એણે હવે કમાવું જ જોઈએ. માબાપ માટે નહિ, એના પોતાના માટે કમાવાનું છે, એ કમાય તો જ એનો પ્રભાવ પડે.

આજ સુધી તો એ દરેક જરૂર માટે માબાપ સામે હાથ લંબાવતો હતો. અરે, હાથ લંબાવવાની ય જરૂર ક્યાં પડતી હતી ? અતુલભાઈ વગર માગે એને વસ્તુઓ લાવી આપતા હતા. દરેક વર્ષગાંઠે એને મોંઘી ચીજ અપાવતા. કોલેજમાં ગયો ને સ્કૂટર અપાવ્યું હતું. વિશાખાબહેને તો એનો રૂમ કેવો સજાવ્યો હતો અને કેમ ના સજાવે ? એ પોતે ય બેન્કમાં નોકરી કરતાં હતાં. દર મહિને સારી રકમ હાથમાં આવતી હતી. એ માનતા હતાં કે પાડોશીઓનાં સંતાન કરતાં પોતાના દીકરા પાસે બધી વસ્તુઓ ચડિયાતી હોવી જોઈએ. ઢગલો કપડાં, કેટલીય જાતનાં શૂઝ અને બેલ્ટ, અને કેટલીય બિનજરૂરી ચીજો જેનો ઉપયોગ જ થવાનો ના હોય પણ તુષાર માગે એટલે વિશાખાબહેન લઈ આપતાં હતાં.

અતુલભાઈ કહેતા, આજ સુધી મેં કદી દુ:ખ-નિરાશા નથી અનુભવ્યાં. સાંકડી શેરીમાં અમારું નાનકડું મકાન પણ આખી ગલી અમારી, છોકરાઓની હતી. દિવસ આખો ગલીમાં ધમાચકડી કરીએ, ક્રિકેટ રમીએ, ચોરપોલીસ રમીએ, નાગોળયું રમીએ ને રાત્રે કોઈના ઓટલે અડ્ડો જમાવીએ, ઉખાણાં પૂછીએ ને જોડકણાં ગાઈએ ત્યારે મનના આનંદ માટે પૈસા ન હતા ખરચવા પડતા કે બાહ્ય સાધનોની જરૂર ન હતી પડતી. નિશાળે ચાલીને જતા, દૂર નિશાળ હતી, એકબીજાનો સંગાથ કરીએ, રસ્તામાં તોફાનમસ્તી કરતા જઈએ, લાંબો રસ્તો ક્યારે ખૂટી જાય ખબર ન હતી પડતી. ત્યારે મન કદી ઉદાસ ન હતું થયું. ભવિષ્યની કોઈ ચિંતા ન હતી. અમારી જાતને અમે બાદશાહ માનતા.

ક્યારેક રિઝલ્ટ સારું ના આવે ત્યારે બાપા વઢતા શું થશે તારું ? પણ ત્યારેય એમના મનમાં ઊંડી કોઈ ચિંતા ન હોય. બધું સારું થવાનું છે, ઈશ્વર કરે એ સારા માટે એવી શ્રદ્ધા એ પેઢીના દરેક માણસમાં છવાયેલી રહેતી.

ત્યારે મારા બાપાને એટલી આવક ન હતી. એ જમાનામાં પુરુષ જ કમાય, ઓછું કમાય તો ઓછાથી ઘર ચાલે, ત્યારે અમારા કે અમારા પાડોશીઓ કે સગાંવહાલાંનાં ઘરમાં આટલી ચીજવસ્તુઓ ન હતી. ફર્નિચર ન હતું. છતાં મનની શાંતિ હતી. વધારે મેળવવા આવાં હવાતિયાં ના મારતા, બધું ધીરે ધીરે થશે એવી અચળ શ્રદ્ધા ધરાવતા. અમે અમારી જાતને કદી ગરીબ ન હતાં માનતાં. હું ગેજ્યુએટ થયો, ને બાપાએ જ મને સ્ટેશનરીની દુકાન કરાવી આપી. દુકાન નાની હતી, પણ બા-બાપુજી બોલ્યાં હતાં, ‘આજે દુકાન નાની છે, કાલે મોટી થશે, ને નહિ થાય તોય શું, તું ભૂખે નહિ મરે.’ ત્યારે મબલખ સંપત્તિની કોઈને ખેવના જ ન હતી.

પણ અમારો પુરુષાર્થ ફળ્યો. મકાન લેવાઈ ગયું, વિશાખાની આવક હતી તેથી અમારો મોહ વધતો ગયો. સાદાઈમાં જીવનારાં સ્વાવલંબનમાં રાચનારાં અમને ભૌતિક સંપત્તિનો, આડંબરભરી જીવનશૈલીનાં અરમાન જાગ્યાં. અમને ખબર નથી પડતી અમે કેમ બદલાઈ ગયાં, કેવી રીતે બદલાઈ ગયાં.

ચારેબાજુ બંગલાઓ અને ફ્લેટો ઊભા થતા જોઈને અમને થતું કે અમારો વિસ્તાર વિકસે છે, અમારા મકાનની કિંમત વધે છે. રસ્તા પર મોટર જ મોટર જોઈને અમે ય મોટર ખરીદી. જે નજરે પડે એ ખરીદવાનું મન થઈ જાય ને, લોનની સગવડ મળે પછી ના ખરીદવાનું શું કારણ એમ વિચારીને મોટર ખરીદી. જીવન સમૃદ્ધ લાગતું હતું, ક્યાંય કોઈ ખોટ, ઊણપ વરતાતી ન હતી, અવારનવાર મિલકતની કિંમત ગણીને ફુલાતાં હતાં. ત્યાં સડસડાટ ચાલતી અમારી ગાડી અટકી ગઈ. તુષારની પ્રગતિ ખોટકાઈ ગઈ. એને મારે દુકાનમાં બેસવામાં રસ નથી. એને ક્યાંક નોકરી કરવી છે ને નોકરી મળતી નથી.

એ ભણવામાં ખાસ હોશિયાર ન હતો તેથી એને એન્‍જિનિયર કે ડૉક્ટર બનાવવાનાં સ્વપ્નાં અમે કદી જોયાં ન હતાં. અમને હતું કે કૉલેજની ડિગ્રી મેળવી લે પછી એ દુકાને બેસશે તેથી જ ‘તું ભણ, તું ભણ’ કહીને અમે કદી એની પર જબરદસ્તી કરી ન હતી.

પરંતુ આજે તુષાર પૂછે છે, ‘કેમ તમે મારા અભ્યાસમાં પૂરો રસ ના લીધો ? મારી કારકિર્દી વિકસે, હું પ્રગતિ સાધું, હું જિંદગીમાં કંઈક બનું એવી આકાંક્ષા જ ના સેવી ? કેમ તમે મારી પર પૂરતું ધ્યાન ના આપ્યું ? કેમ મને સામાન્ય બુદ્ધિનો માની લીધો ?’

‘બેટા, ધ્યાન આપવાનો સવાલ જ ન હતો. તને નિશાળે જવું ગમતું ન હતું, તને ભણવાનું મન જ ન હતું.’ વિશાખાબહેને કહ્યું.

‘ભણવાનું મન ન હતું થતું, તો કેમ થતું ન હતું એનો વિચાર કર્યો છે ? નિશાળે જવું કેમ નથી ગમતું એની ચિંતા કરી હતી ? મારા ભવિષ્ય માટે તમે કદી ગંભીરતાથી વિચાર્યું હતું ?’ તુષાર રડતાં રડતાં પૂછે છે.

મા-બાપ પાસે એનો કોઈ જવાબ નથી, એ પોતે જ જીવન વિશે ઊંડાણથી વિચારતાં ન હતાં તો દીકરાને શું કહે ?

તુષાર બોલે જતો હતો, ‘હું એકાગ્ર ચિત્તે ભણું એ માટે તમે શું કર્યું ? પપ્પાને તો દુકાને જવું પડે, પણ મમ્મીય મારે બેન્‍કમાં જવાનું છે કહીને સવારથી ઘરનાં કામની દોડાદોડી કરતી હોય ને સાંજે આવીને થાકી ગઈ, થાકી ગઈ-નું ગીત ગાતી હોય. મને કદી લેસન કરાવ્યું છે ?

હું રમું છું કે ભણું છું એ જોવનો તમારી પાસે સમય જ ક્યાં હતો ? હું તો બાજુવાળાં પદ્મામાસીના ઘેર મોટો થયો છું.

મારું રિઝલ્ટ સારું ના આવે ત્યારે અમે તને કેટકેટલી વસ્તુઓ લાવી આપીએ છીએ તોય તું પાછળ ને પાછળ જ રહે છે કહીને મને વઢી કાઢતી પણ સારો કંપાસ, વિવિધ જાતની પેન્‍સિલો – રબર કે કોતરણીવાળાં ટેબલ ખુરશી છોકરાને ભણાવી શકતાં નથી એવો ખ્યાલ તમને કેમ ના આવ્યો ? છોકરાને માબાપનાં હેત-પ્રેમની સાથે સાથે ઉષ્માભરી માવજત ને કાળજી જોઈએ. હું તો નાદાન હતો, મને અભ્યાસની અગત્ય ના સમજાય પણ તમને તો સમજાવી જોઈતી હતી ને !

મને યાદ છે તમે મને વઢતાં ત્યારે હું રડતો, મને વઢી લીધું એટલે તમે માનતાં કે – તમારું કામ પૂરું થઈ ગયું, હું શી રીતે સારી રીતે ભણું, મને શું તકલીફ છે એવું પાસે બેસાડીને કદી પૂછ્યું ? તમે મારા માટે કાંઈ કર્યું જ નથી. બીજાનાં માબાપ પોતાનાં સંતાનો માટે કેટલું કરે છે ?’

‘એવું કેમ બોલે છે બેટા, અમે મહેનત કરીને આ બધું વસાવ્યું છે એ તારા માટે જ છે ને ? તે માગ્યું એ બધું અમે તને આપ્યું છે. અને આ ઘર ? એની કિંમત માંડી છે તે ?’

‘નથી જોઈતું મારે તમારું આ ઘર. ઘર તો હું મારા માટે વસાવી લેત. તમારે મને કોઈ સારી લાઈન લેવડાવવી જોઈતી હતી. ટ્યૂશન રાખવાનો ખર્ચો કરવો જોઈતો હતો. તમે મારા ભણવા પાછળ ધ્યાન આપ્યું હોત, ખરચો કર્યો હોત તો મારે આમ રડવાનો દિવસ ના આવત. કાકી પોતે ભણેલાં નથી છતાં અવિનાશ પર એમણે ધ્યાન આપ્યું તો અવિનાશ ડૉક્ટર બની શક્યો.’

આજ સુધી વિશાખાબહેન પોતાને પોતાની જેઠાણી કરતાં ચડિયાતાં માનતાં હતાં પણ આજે થયું કે પોતે હારી ગયાં. એમને પોતાના દીકરા માટે પ્રેમ છે, અત્યંત પ્રેમ છે છતાંય મા તરીકે ગેરલાયક ઠર્યાં છે.

આજે થાય છે, આ ભૌતિક ચીજવસ્તુઓ એકઠી ના કરી હોત તો ચાલત. આ સંપત્તિની બહુ મોટી કિંમત ચૂકવી દીધી, મનની શાંતિ હણાઈ ગઈ. હવે તુષાર જ્યાં સુધી કામે લાગે નહિ ત્યાં સુધી સંતાપ. એમને કોઈ રસ્તો સૂઝતો નથી, છેલ્લાં થોડાં વરસોમાં બહુ બદલાઈ ગયું છે. વિશાખાબહેન હતાશામાં ઢસડાયે જાય છે, તુષાર ગૂમસૂમ બેસી રહે છે ત્યારે અતુલભાઈ કહે છે, ‘ધીરજ રાખો, કશુંક સારું થશે, ચોક્કસ સારું થશે, સારા વિચારો કરો.’

‘પપ્પા, ધીરજ રાખવાનો આ જમાનો નથી. આ તો દોડવાનો જમાનો છે, હરીફાઈ કરીને, ધક્કામુક્કી કરીને આગળ વધવાનો જમાનો છે. પૈસાનું મહત્વ છે, દોડી દોડી ને કમાઓ.’

‘બેટા, ધક્કામુક્કી કરવામાં પડી જઈએ તો લોકો આપણી પર પગ મૂકીને આગળ દોડી જશે. માટે શાંતિથી વિચાર, પ્લાનિંગ કર. વિશ્વાસ રાખ, કંઈક માર્ગ નીકળી આવશે, તું બેબાકળો ના બની જા. ઈશ્વરમાં વિશ્વાસ રાખ.’

‘પપ્પા, તમારી આ ફિલૉસૉફી જૂની થઈ ગઈ. આજે તો વિજ્ઞાનની બોલબાલા છે. તમારાં જૂનાં જીવનમૂલ્યો હવે ના ચાલે.’

‘વિજ્ઞાનનો જમાનો છે એનો અર્થ એવો નહિ કે માણસે જાતમાંથી ભરોસો ગુમાવી દેવાનો, પોતાની પાસે કશું નથી, પોતે કંઈ નથી એમ વિચારીને બહાવરા બની જવાનું. બેટા, સંજોગો ગમે તેવા કપરા લાગે, ચારેબાજુ કઠિનાઈ લાગે તોય મનની સ્વસ્થતા ના ગુમાવાય. તું નિરાશા છોડી દે, બહાર નીકળ, કોઈક રસ્તો તો જડી આવશે.’ ને ખરેખર રસ્તો જડી આવ્યો. થોડા દિવસ પસાર થયા ને તુષાર ખબર લાવ્યો, ‘પપ્પા, એક જાહેરખબરની કંપનીમાં મને જોબ મળી છે, એમાં ઘણી તકો છે ને સાથે સાથે બારમા ધોરણના ત્રણ છોકરાઓનું ગ્રૂપ ટ્યૂશન પણ મળી ગયું છે.’ દીકરાના મોં પર આનંદ ઉત્સાહ જોઈને માબાપના હૈયે કરાર વળ્યો.

પહેલા મહિને હાથમાં જે પૈસા આવ્યા એ વિશાખાબહેનના હાથમાં મૂકતાં તુષાર બોલ્યો, ‘મમ્મી, હું તારી માફી માગું છું. નિરાશાથી, ગભરાટથી હું પાગલ બની ગયો હતો. ગમે તેમ બોલીને મેં તને દૂભવી છે. પણ આજે મને થાય છે, ભણવાની મારી ફરજ હરી, મોંઘવારીને પહોંચી વળવા, મને સારું જીવન આપવા તું નોકરી કરતી હતી. તું જાણી જોઈને મારા તરફ કદી બેદરકાર નથી બની, તારા હૈયે તો મારું કલ્યાણ જ વસ્યું હતું. હું મોટી ડિગ્રી ના લઈ શક્યો એના માટે તમે એકલાં જ જવાબદાર નથી.’

તુષારે જીવનનો સંઘર્ષ શરૂ કર્યો, ને વાસ્તવનું એને ભાન થવા માંડ્યું હતું, જીવનની સમજ ખીલવા માંડી હતી. હવે એના મનમાં માબાપ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન હતી, કોઈ આક્રોશ ન હતો. જીવતરને ટૂંકુ બનાવવાની જ એને અભિલાષા હતી. ઘરમાં હવે શાંતિ રહે છે. આક્ષેપો ને પ્રતિઆક્ષેપો નથી થતા.

બીજા મહિને તુષારે કહ્યું, ‘હું માસ કૉમ્યુનિકેશનનો કૉર્સ જોઈન કરવાનો છું. સાંજનો સમય છે.’

‘બેટા, તું પહોંચી વળીશ ? સાંજે તો તું ટ્યૂશન કરે છે, ટ્યૂશન હવે છોડી દેજે. ભણવામાં ધ્યાન આપજે.’

‘ના, કશું છોડવાનું નહિ, ભણાવતાં ભણાવતાં જ હું ભણીશ. પરદેશમાં છોકરાઓ એમની જાતકમાઈ પર જ ભણે છે, હું તમારી પર આધાર નહિ રાખું. મમ્મી, પપ્પા, તમે મારી બહુ ચિંતા કરી, હવે ચિંતા ના કરો. જીવનમાં મારો માર્ગ મને જ બનાવવા દો. ભલે હું પડું-આખડું પણ હું ઊભો થઈશ ને આગળ વધીશ.’

માબાપ દીકરાની મક્કમ વાણી સાંભળી રહ્યાં. કાલ સુધી રડતો દીકરો, અમને કસુરવાર ઠરાવતો દીકરો કેટલો પરિપક્વ થઈ ગયો ! મનની દ્રઢતાથી એના ચેહરા પર એનાં વાણીવર્તનમાં ઓજસ આવ્યું છે. બસ, હવે તુષારની કોઈ ચિંતા નથી. એનો માર્ગ એ જાતે બનાવી લેશે.

સંપર્ક :
‘શાશ્વત’ બંગલો, ઑપેરા સોસાયટી પાસે, જૈન ઉપાશ્રય સામે, પાલડી, અમદાવાદ-7.
ટે.નં. : 26612505

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “વાસ્તવનું ભાન થયું ને તુષાર પરિપક્વ બન્યો – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.