ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી (પ્રથમ પુરસ્કાર વિજેતા વાર્તા)

(સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪ માં પ્રથમ ક્રમાંકે વિજેતા વાર્તા…)

તે એકદમ અડાબીડ જંગલમાં ઝડપભેર દોડી રહી હતી. તેની પાછળ દેડકા જેવું મોઢું ધરાવતો એક અજગર આવી રહ્યો હતો. તેનાથી બચવા એણે પગની ગતિ વધારી દીધી. અચાનક તેના દોડતા પગમાં કશુંક ભેરવાયું અને ઠેંસ વાગી.  એ સાથે જ તેનો દેહ હવામાં ફંગોળાયો  અને સામે કાદવથી લથબથ તળાવમાં ફેંકાયો. હજુ તો તે જાત સંભાળી ઊભી થાય તે પહેલાં દેડકા જેવું મોઢું ધરાવતા અજગરે તેને પગેથી પકડી લીધી અને ધીમે ધીમે તેના શરીરને વીંટળાવા લાગ્યો. વધતી જતી ભીંસથી બચવા તેણે તરફડીયા મારવા શરૂ કર્યા. છેવટે હતું એટલું જોર એકઠું કરી એણે ચીસ પાડી…‘અ..ક્ષ…ય….’

અક્ષય, તેનો પતિ તેની સામે ઊભો હતો પરંતુ આ વિશાળકાય અજગર પાસે એ તદ્દન લાચાર ! તેને લાગ્યું કે હવે અજગર તેના પેટ સુધી આવી પહોચ્યો છે. તેનું દેડકા જેવું મોં જોઈ ફરીથી તે ડરી ગઈ. તીવ્ર ઘૃણાથી કમકમા આવી ગયા. અચાનક એ અજગરના મોંમાંથી એક સાપોલિયું નીકળ્યું અને તેની નાભિમાં પ્રવેશી ગયું.  ‘ઓય મા..’

 ને એક જ ઝાટકે આંખ ખોલી તે પથારીમાંથી બેઠી થઇ ગઈ. ભયને કારણે તેની છાતી ધમણની માફક ચાલતી હતી. આખું શરીર પરસેવે રેબઝેબ. જીવ ઠેઠ ગળામાં આવીને ભરાયો. થોડી પળો પછી માંડ માંડ હાંફ શમી એટલે બાજુમાં રહેલા ફ્રિજનું બારણું ખોલી, તેમાંથી ઠંડા પાણીનો શીશો લઇ ઝડપથી ગટગટાવી ગઈ. બાકી બચેલું પાણી હથેળીમાં ભરી માથા પર રેડ્યું. મસ્તકમાં ઠંડક અનુભવાતા હવે થોડું સારું લાગ્યું. કેવું ડરામણું હતું એ સપનું..! નાઈટ લેમ્પના આછા અજવાળામાં તેણે બાજુમાં જોયું. અક્ષય ઘસઘસાટ ઊંઘતો હતો. તેના ચહેરા પર એક સ્મિત હતું. તેણે પોતાના પેટ પર હાથ ફેરવ્યો અને ફરીથી દેડકા જેવો એક ચહેરો યાદ આવી ગયો.

‘પણ એમાં આપણે શું કરી શકીએ..?’ પ્રશ્ન સાચો હતો. કોઈ પણ સ્ત્રી પૂછે તેવો.!

એ દિવસે સાંજે ફરવા જતી વેળા શહેરની બહાર મંદિર ઓટલે બેસી વિદ્યાએ આ પ્રશ્ન પૂછ્યો હતો અને તેના જવાબમાં અક્ષયે માંડીને વાત કરી હતી. વાત અક્ષયની ઓફિસના કોઈ રાવ સાહેબની હતી. એ તેના બોસ હતા. લગ્નના દસ વરસ થઈ ગયા હતા છતાં એમને એકેય સંતાન નહોતું. સાહેબની પત્ની સંતાન ઝૂરાપાને કારણે દિવસે દિવસે માનસિક સ્થિરતા ગુમાવતી જતી હતી.

‘વિદ્યા, એમને આપણી મદદની જરૂર છે.’

‘કઈ મદદ..? કેવી મદદ..?’

અને પછી અક્ષયે એને બહુ શાંતિથી સમજાવવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો એને બહુ ન સમજાયું  પરંતુ અક્ષયની બહુ જ મહેનત પછી વિદ્યાને જ્યારે વાત સમજાઈ ત્યારે…

‘છી..છી..આવું તે કાંઈ હોતું હશે..? કોઇનું છોકરું કોઈના પેટમાં ઊછરે ખરું..!’ તેના જેવી એકદમ સરળ સ્ત્રી માટે આ બધું ગળે ઊતારવું બહુ મુશ્કેલ હતું. બહુ જ વિચિત્ર લાગતી હતી એને એ વાત.

‘એ બધું આપણે નથી વિચારવાનું. હવે વિજ્ઞાન ઘણું જ આગળ વધી ગયું છે વિદ્યા, આ બધું તો ડોક્ટરો કરશે. તારે તો ફક્ત હા જ કહેવાની છે.’

‘પણ આપણે આ બધું શા માટે કરવું જોઈએ..!’ વિદ્યાનો બીજો પ્રશ્ન.. અને તે પછી અક્ષયે જે કહ્યું તેના પરથી વિદ્યાને એટલો ખ્યાલ આવ્યો કે રાવ સાહેબને સંતાનની જેટલી જરૂર હતી તેટલી જ જરૂર અક્ષયને આ માટે વિદ્યા હા પડે તેની હતી. બીજો કોઈ ઉપાય જ ક્યાં હતો ! અક્ષય સાચો હતો.

 આમ કરવાથી અક્ષયને પ્રમોશન મળવાનું હતું અને સાથે સાથે રોકડા ત્રણ લાખ રૂપિયા, જે પરાગના હ્રદયના ઓપરેશન માટે વાપરવાના હતા. પરાગ…! તેનું અને અક્ષયનું એક માત્ર સંતાન..! જન્મથી જ એ હ્રદયમાં ખામી સાથે જનમ્યો હતો. પરાગના જન્મના પહેલાં એક વર્ષમાં જ ડોક્ટરે કહી દીધું હતું કે એ દસ વરસનો થાય તે પહેલાં ઓપરેશન કરાવી લેવાનું હતું. છ વરસ થઇ ગયા હતા પણ અક્ષયની ટૂંકી આવકમાં હજુ સુધી એ શક્ય નહોતું બન્યું.

 ‘જો વિદ્યા, આ કેવું છે કે આપણા પડોશી ક્યારેક બહાર જાય અને એમનો દૂધવાળો આવે ત્યારે તું એમના વતી તારી તપેલીમાં દૂધ લઇ લે અને જયારે તેઓ પાછા આવે ત્યારે એમને એમની તપેલીમાં દૂધ આપી દે છે ને..! બસ, આ એના જેવું છે.’ વિદ્યાના મનમાં ચાલતી અવઢવને કારણે એને ચૂપ થઇ ગયેલી જોઈ અક્ષયે આ ઘટનાની સરળતા સમજાવવા વ્યવહારુ દાખલો આપ્યો.

નહોતું, આ એના જેવું બિલકુલ નહોતું એ વિદ્યાને ખબર હતી છતાં પણ..

‘ભલે અક્ષય, તું કહે છે તો હું આ માટે તૈયાર છું.’ અક્ષય બહુ જ રાજી થઇ ગયો હતો એ વખતે. જો કે ઘડ તો નહોતી બેસતી વિદ્યાના મનમાં, પરંતુ એને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી કે હવે તેના પરાગનું ઓપરેશન ચોક્કસ થઇ જશે.’

ડૉ. મયંક માધવાણીના દવાખાને વિદ્યાએ પહેલી વાર રાવ દંપતીને જોયું. સ્ત્રી સુંદર હતી પરંતુ પુરુષ એકદમ કદરૂપો દેખાતો હતો. બેઠી દડી, જાડો અને કાળો દેહ, ખાસ કરીને તેનું દેડકાં જેવું મોઢું. વિદ્યાને અણગમો થઇ આવ્યો એ ચહેરો જોઈને. આ પુરુષનું બીજ પોતાના ગર્ભાશયમાં રોપવાનું હતું..! એટલું જ નહિ, નવ મહિના ઉછેરવાનું પણ હતું..! એ ચહેરા પ્રત્યે આટલો બધો તિરસ્કાર કેમ જાગતો હતો..! ચિત્ત વિચારે ચઢ્યું. ને એ સાથે તેના મનમાં બિલકુલ આવો જ એક બીજો ચહેરો ઝબકી ગયો.

માંડ પંદરેક વર્ષની હશે એ તે વખતે. પપ્પાના આકસ્મિક મૃત્યુ પછી એમની જગ્યાએ મમ્મીને સરકારી શાળામાં નોકરી મળી હતી. તેની પડોશમાં એક આવો જ ચહેરો રહેતો હતો. પપ્પાના ગયા પછી પુરુષ વગરના થઇ ગયેલા ઘરમાં એ મમ્મીને મદદ કરવા અવારનવાર ઘરે આવતો. લાઈટબીલ ભરવું, નળ ખરાબ થયે પ્લમ્બર બોલાવવો, કોઈ વજનદાર વસ્તુ એક જગ્યાએથી બીજે ફેરવવી, મમ્મી ધીમે ધીમે લગભગ આવા બધા જ કામો માટે તેના પર આધાર રાખતી થઇ ગઈ હતી. કોણ જાણે કેમ પણ નાનકડી વિદ્યાને એ ચહેરો દ્દીઠો ગમતો નહોતો. એક દિવસ તે સ્કૂલેથી થોડી વહેલી ઘરે આવી ગઈ. ઘરના અટકાવેલા દરવાજાને ધક્કો માર્યો અને..તેણે જોયું તો એ દેડકા જેવો ચહેરો મમ્મી પર ઝૂકી અને મમ્મીના ગાલ પર…! એને ડર લાગ્યો કે એ મમ્મીને ક્યાંક ખાઈ જશે…! ડરના માર્યા તેના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ.

પછી તો મમ્મીની ટ્રાન્સફર થઇ ગઈ બહુ દૂરના શહેરમાં. વિદ્યાને બહુ મોડે મોડે સમજાયું કે એ દિવસે ખરેખર શું થઇ રહ્યું હતું..!

‘તો વિદ્યાબહેન તમે તૈયાર છો ને..?’ કોઈ ઊંડા બોગદામાંથી આવતો હોય તેવો ડોક્ટરનો અવાજ સાંભળી તે વર્તમાનમાં પછી ફરી. થયું કે ઘસીને ના જ પાડી દઉ પણ પછી પરાગ યાદ આવી ગયો. પરાગ કશુંક કહી રહ્યો હતો. ને સાવ અવશપણે તેણે હા પાડી દીધી

થોડા વખતના ડોક્ટરના પ્રયત્નોથી રાવ સાહેબનું બીજ તેના ગર્ભાશયમાં ગોઠવાઈ ગયું. સમયાંતરે ડોક્ટર તેના સ્વસ્થ હોવાના સમાચાર આપતા રહ્યા.

આજે પરાગ સ્કૂલના પ્રવાસમાં ગયો હતો.

‘અક્ષય,..’ કહેતાં વિદ્યાએ અક્ષયની છાતી પર માથું ઢાળી દીધું.

‘હં..’

‘હમણાં હમણાં તું કેમ મારાથી દૂર દૂર રહ્યા કરે છે ?’

 ‘દૂર ક્યાં રહું છું..! આ તો આ દિવસોમાં તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ ને, એટલે..! પરાગ વખતે પણ ડોક્ટરે આપણને સાવચેતી રાખવાનું નહોતું કહ્યું ?’

‘એક વાત કહું અક્ષય..?’

‘બોલને..’

‘જ્યારથી આ મારા પેટમાં આવ્યું છે ત્યારથી મને એક વિચિત્ર લાગણી થયા કરે છે..’

‘કેવી લાગણી ?’

‘મને એવું લાગે છે કે જાણે આપણા બે વચ્ચે કોઈ ત્રીજું આવી ગયું છે, જે તને મારાથી દૂર હડસેલી રહ્યું છે.’ કહેતાં વિદ્યાની આંખો ભીની થઇ ગઈ. તેના અવાજમાં ખરેડી બાઝી.

જવાબમાં અક્ષયે તેના કપાળ પર ચુંબન કર્યુ. ધીમેથી તેનો ચહેરો પોતાની બે હથેળી વચ્ચે ભરી બોલ્યો, ‘તું આખો દિવસ બાળકના જ વિચાર કર્યા કરે છે એટલે એવું લાગે છે. બાકી..’

‘વિચાર તો આવે જ ને..! કેમ ન આવે..? તું સ્ત્રી નથી એટલે તને મારી વાત નહિ સમજાય. પેટમાં બાળક હોવું તે કાંઈ બરણીમાં અથાણા હોવા જેવી વાત નથી. પ્રત્યેક ક્ષણે તેની હાજરી અનુભવાતી હોય છે., તું મારી વાતને સમજવા પ્રયત્ન કર અક્ષય. જ્યારથી હું પ્રેગ્નન્ટ થઇ છું ત્યારથી મને એવું લાગે છે કે હું ફક્ત તારાથી જ નહિ પરંતુ મારી જાતથી પણ નોખી થઇ ગઈ છું. હું જયારે પણ અરીસામાં મને જોઉં છું ત્યારે મને મારી જાત પ્રત્યે નફરત થાય છે. પેટમાં પત્થર ઊંચક્યો તેવો બોજ લાગે છે. એ ભલે મારી અંદર છે પણ મારી સાથે એકરસ નથી. તેના મારાથી અલગ હોવાનો મને સ્પષ્ટ અહેસાસ થાય છે. મને….મને સતત એવું ફિલ થાય છે કે..’

‘કેવું ફિલ થાય છે..?

થોડી પળોના મૌન પછી વિદ્યા બોલી, ‘જાણે હું કોઈનો એંઠવાડ મારા પેટમાં ભરીને ચાલુ છું. એક પારકા પુરુષનું બીજ મારામાં ઊછરી રહ્યું છે તે બાબત જ મને એટલી ઘૃણાસ્પદ લાગે છે કે..મને..મને ક્યારેક એવો વિચાર આવી જાય છે કે હું આનાથી છૂટકારો મેળવી લઉં.’

અત્યાર સુધી વિદ્યાની મન:સ્થિતિથી થોડો અજાણ અક્ષય આ વાત સાંભળી ચમક્યો !

‘નહિ વિદ્યા, ભૂલથી પણ એવું ન વિચારીશ. જો એવું થશે તો અત્યાર સુધીની આપણી બધી જ મહેનત બેકાર જશે. અને પરાગ પણ..! ફક્ત નવ જ મહિનાની વાત છે. એમાંય ત્રણ મહિના તો થવા આવ્યા, હવે તો ..’

વિદ્યા ચૂપ થઇ ગઈ. તેને લાગ્યું કે કદાચ તેની વાત અક્ષય સમજી નહોતો શકતો. વાત શરૂ કરી ત્યારે તેને એમ હતું કે અક્ષય કહેશે કે, ‘જો તને એવું જ લાગતું હોય તો પછી….’

 ફરીથી એને પરાગ યાદ આવ્યો. બે વિરોધી લાગણીની ખેંચતાણ વચ્ચે તેને લાગ્યું કે કોઈએ તેના હાથપગ બાંધી અતલ ઊંડાણવાળા અંધારીયા કુવામાં ફેંકી દીધી છે. તે ડૂબતી જઈ રહી છે. એકધારી અને સતત…! કુવાના પાણીમાં અસંખ્ય દેડકાંઓ તરી રહ્યા છે. કેટલા બધા દેડકાં…! ડ્રાઉં..ડ્રાઉં..નો અવાજ તેના મસ્તક પર હથોડાની જેમ ઝીંકાતો ગયો. એ સાથે તેણે જોરથી પોતાના બન્ને કાન પર હથેળી ભીંસી દીધી.

ડૉ. મયંકે સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર જોયું અને પહેલી વખત એમના કપાળ પર ચિંતાના સળ ઊગ્યા. એમને લાગ્યું કે વિદ્યાના ગર્ભમાં ક્યાંક કશુંક બરાબર નહોતું. સ્ક્રીનને લાર્જ કરી અંદરના બાળકના દેહને ધ્યાન આપી જોયો.

‘ઓહ માય ગોડ, નો..ઇટ શુડ નોટ બી !’ બોલી એમણે શહેરના અન્ય ગાયનેકોલોજિસ્ટને ફોન લગાડ્યો. થોડીવાર દાક્તરી પરિભાષામાં વાત થતી રહી. છેવટે ફોન કાપી એમણે અક્ષયને કહ્યું. ‘એક મોટી મુશ્કેલી ઊભી થઇ છે. વિદ્યાબેનના પેટમાં રહેલું બાળક વિકલાંગ બની રહ્યું છે. તેના બન્ને પગનો વિકાસ અટકી રહ્યો છે.’

વિદ્યા ધ્રુજી ગઈ. અક્ષયે પૂછ્યું, ‘આનો કોઈ ઉપાય ખરો કે પછી..?’

‘બે જ બાબત શક્ય છે. એક તો આપણે દવાથી બાળકના પગનો ગ્રોથ નોર્મલ થાય તે માટે પ્રયત્ન કરી શકીએ. બીજો વિકલ્પ એ છે કે અત્યારે જ  ગર્ભનો નિકાલ કરી નાંખવો. અસલી મુદો આ નથી. વાત એમ છે કે ધારો કે આપણે દવા વડે પ્રયત્ન કરીએ અને એમાં મોડું થઇ જાય તો પછી ગર્ભપાત પણ શક્ય ન રહે, છેવટે બચ્ચાને જન્મ આપવો જ પડે.’

અક્ષય માટે બન્ને વિકલ્પો એકસરખા ચિંતાજનક હતા.

‘મને લાગે છે કે આપણે એક વખત રાવ સાહેબ સાથે વાત કરી લેવી જોઈએ. એમને વિશ્વાસમાં લીધા સિવાય આપણે કોઈ નિર્ણય ન લઇ શકીએ.’ હોસ્પિટલેથી ઘરે આવતી વખતે વિચારમાં ગરકાવ અક્ષય સાથે વાતનો સેતુ સાધતા વિદ્યા બોલી.

 ‘જો વિદ્યા, મને ખાતરી છે કે રાવ સાહેબ કોઈ પણ સંજોગોમાં વિકલાંગ બાળકને અપનાવશે નહિ. એમને તો તંદુરસ્ત સંતાન જ જોઈએ ને ? એમને માટે તો આ એક સોદો છે વિદ્યા. તે આપણને રૂપિયા આપે અને તેના બદલામાં આપણે એને સાજું સારું બાળક આપવાનું હોય. કોઈ પણ વેપારી માલની ડિલિવરી લેતી વેળા જાણી જોઈને ડિફેકટીવ પીસ થોડો લે ? એ તો કહેશે જ કે આ બાળકનો ગર્ભપાત કરાવી લો. આપણે નવેસરથી પ્રયત્ન કરીએ.’

વિદ્યાના માથામાં તીવ્ર સણકો આવ્યો. માલ.. ડિલિવરી.. ડિફેકટીવ પીસ..પોતે મહામુશ્કેલીથી જે બાળકને પોતાના ગર્ભમાં પોષી રહી હતી તેને માટે અક્ષય કેવા શબ્દો વાપરી રહ્યો હતો..! આ પુરુષનું જગત હતું જ્યાં સ્ત્રીના ગર્ભમાં ઊછરી રહેલું સંતાન ફક્ત ‘માલ’ હતું.! પૈસા મળવાના હતા. માલ આપી દેવાનો હતો. જે સ્ત્રીના પેટમાં સંતાન હતું તે સ્ત્રીની લાગણી..તેની સંવેદના.. તેની પીડા..તેની તકલીફ.. આ બધી બાબતોને એમાં કોઈ જ સ્થાન નહોતું. જેણે હજુ પૃથ્વી જોઈ જ નહોતી એ જીવને પેટમાં જ મારી નાખી, ફરીથી નવો ‘માલ’ બનાવવા માટે પોતાની કૂખ તૈયાર કરવાની હતી. વિદ્યાને સહેજ ચક્કર આવતા હોય તેમ લાગ્યું.

તે આખી રાત વિદ્યા ઊંઘી ન શકી. સહેજ ઝોંકા જેવું આવતું અને ફરીથી ઝબકીને જાગી જતી. મનની અંદર ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. ‘મા, મારે જીવવું છે. મને મારી ન નાખતી પ્લીઝ. જો મારા પપ્પા મને રાખવા તૈયાર ન થાય તો પણ તું મને જન્મ આપજે. હું તારી સાથે રહીશ. તને કોઈ જ તકલીફ નહિ આપું મા. તું જો જે, હું એકદમ ડાહ્યો થઇને તારી સાથે રહીશ.’ એક નાનકડો બાળસ્વર તેના આંતરજગતને સવાર સુધી વલોવતો રહ્યો. પીડતો રહ્યો.

રાવ દંપતીની વિકલાંગ બાળકને સ્વીકારવાની સ્પષ્ટ ના અને અક્ષયની પણ નામરજી છતાં પણ વિદ્યાના આગ્રહથી દવા દ્વ્રારા એક પ્રયત્ન કરવાનો વિકલ્પ પસંદ કરાયો. દિવસે દિવસે વિદ્યા તેના પેટમાં ઊછરી રહેલા શિશુ સાથે સમસ્વરતા અનુભવવા લાગી. તે હવે તેની સાથે મનોમન સંવાદ કરતી. તેને પ્રેમ કરતી. તેના મનસમાં દેડકાં જેવા ચહેરાની જગ્યાએ હવે ખીલખીલાટ હસતો એક સુંદર ચહેરો આવીને ગોઠવાઈ ગયો.

ડોક્ટરની સારવારે અસર બતાવવાનું શરુ કર્યું. ગર્ભસ્થ શિશુના શરીરનો વિકાસ નોર્મલ થવા લાગ્યો અને..શરદપૂનમની સાંજે વિદ્યાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. વિદ્યાએ તેનો ચહેરો જોયો અને તેની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. ગોપાલ..વિદ્યાએ મનમાં એનું નામ નક્કી કરી અસંખ્ય વખત ઉચ્ચારી પણ લીધું.

‘વિદ્યા, આવતીકાલે દિવાળી છે. રાવ સાહેબની ઈચ્છા છે કે આ શુભ દિવસે આપણે એમની અમાનત સોપી દઈએ.’

‘ ના, હવે તો નહિ જ…બિલકુલ નહિ, હું મારા ગોપાલને મારાથી અળગો નહિ થવા દઉં. ગોપાલ મારું સંતાન છે અને તે મારી સાથે જ રહેશે.’ વિદ્યાના અવાજમાં દ્રઢતા જોઈ અક્ષય સ્તબ્ધ થઇ ગયો !

‘વિદ્યા, તારું દિમાગ ઠેકાણે તો છે ને..?’

‘હા, હવે ઠેકાણે આવી ગયું છે. રાવ સાહેબને કહી દેજો કે અમે તમારો ઓર્ડર કેન્સલ કરીએ છીએ. અમારે ‘માલ’ વેંચવો નથી.’

 ‘વિદ્યા, તું ભૂલે છે કે એ સંતાન રાવ સાહેબનું છે અને તેના બદલામાં આપણને જે રકમ મળવાની છે તેમાંથી પરાગનું ઓપરેશન..’

‘પરાગને બચાવવા ગોપાલ સાથે હું અન્યાય ન કરી શકું. હું બન્નેની મા છું અક્ષય, પરાગ માટે આપણે જાત વેંચીને પણ રકમ એકઠી કરી લઈશું પરંતુ એ માટે હું ગોપાલને જતો નહિ કરી શકું. રહી વાત રાવ સાહેબના સંતાનની, તો એ તો એમણે એ દિવસે જ ખોઈ નાખ્યું હતું, જે દિવસે ગોપાલના વિકલાંગ હોવાની ખબર પડતાં જ એમણે તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. રાવ સાહેબને કહી દેજે કે એમનું સંતાન તો ક્યારનુંયે મરી ગયું છે. આ જીવે છે તે મારો ગોપાલ છે. ફક્ત મારો..’ કહેતાં કહેતાં વિદ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ભીની આંખે અક્ષયે હકારમાં ડોકું હલાવ્યું અને પછી હળવેથી ગોપાલને તેડયો અને વિદ્યા સામે જોઈ બોલ્યો, ‘તારો નહિ, આપણો કહે..આપણા બંનેનો ગોપાલ..’

બરાબર એ જ વખતે ગોપાલને જોવા અક્ષયના ઘરે ઠેઠ દરવાજા સુધી આવેલા રાવ સાહેબ પતિ પત્ની વચ્ચે થયેલો આ સંવાદ સાંભળી સજળ આંખે ત્યાંથી જ પાછા ફરી ગયા.

– હરીશ થાનકી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી (પ્રથમ પુરસ્કાર વિજેતા વાર્તા)”

Copy Protected by Chetan's WP-Copyprotect.